તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામાયણ ફેસબુકને કારણે થયું હોત તો?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લક્ષ્મણને ગુસ્સો ચડ્યો. તેમણે શૂર્પણખાને અનફ્રેન્ડ નહીં, બ્લોક કરી દીધી. એટલે શૂર્પણખાને એવું અપમાન લાગ્યું, જાણે લક્ષ્મણે તેનાં નાક-કાન કાપી નાખ્યાં હોય
ફેસબુકને કારણે ઘણી રામાયણ થાય જ છે, પણ આ વાત જરા જુદી છે : રામાયણના યુગમાં ફેસબુક હોત અને રામાયણના આખા ઘટનાક્રમમાં ફેસબુક કેન્દ્રસ્થાને હોત તો, કેવી હોત રામાયણની કથા? થોડો કલ્પનાવિહાર.

અયોધ્યા નગરીમાં રાજા દશરથનું રાજ હતું. તેમનું ફેસબુક અેકાઉન્ટ એક ને રાણીઓ ત્રણ હતી. તેમાંથી એક રાણી કૈકેયીનું ફેસબુક અેકાઉન્ટ તેમની દાસી નામે મંથરા ચલાવતી હતી. કૈકેયીનાં મનાતાં અને રાજા દશરથને ટેગ કરેલાં તોફાની સ્ટેટસ મોટે ભાગે મંથરા જ મૂકતી. ક્યારેક કૈકેયીને પૂછીને અને ક્યારેક કૈકેયીને ઉશ્કેરીને. કૌશલ્યા અને સુમિત્રા નામે બીજી બે રાણીઓ ફેસબુક પર ખાસ સક્રિય ન હતી. એ મોટે ભાગે ધાર્મિક સ્ટેટસ મૂકતી અથવા પોતાનાં સંતાનોના ફોટા અપલોડ કરીને, એ કેટલાં મહાન છે એની દુનિયાને જાણ કરીને, દુનિયા પણ એટલા જ રસથી નોંધ લઈ રહી છે, એમ વિચારીને રાજી થતી હતી. બન્ને ભોળી હતી બિચારી.

એક વાર ઋષિ વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા. તેમણે રાજાને ફરિયાદ કરી કે, ‘મારું અને મારા આશ્રમમાં ભણતાં બાળકોનાં ફેસબુક અેકાઉન્ટ વારેઘડીએ અસુરો હેક કરી જાય છે અથવા તેમાં ભળતીસળતી લિન્કો આવી જાય, એવું તિકડમ કરે છે. અમે તો સ્ટેટસ અપેડટ કરીએ કે રાક્ષસો સામે લડીએ? યુટ્યૂબ પરની અમારી શૈક્ષણિક વીડિયોની ચેનલને બદલે રાક્ષસોએ પોર્નોગ્રાફી મૂકી દીધી છે. અમે આ અસુરોથી ત્રસ્ત છીએ, રાજન.’

વિશ્વામિત્રે દશરથ પાસેથી તેમના પુત્રોની માગણી કરી. દશરથે કહ્યું કે આ તો હજુ બાળકો છે. મને બહુ વહાલાં છે એ તો ખરું, પણ હજુ એમનાં પોતાનાં ફેસબુક અેકાઉન્ટ નથી, પરંતુ વિશ્વામિત્રના આગ્રહ સામે તેમને નમતું જોખવું પડ્યું. તેમણે રામ-લક્ષ્મણને હેકિંગના હુમલા ખાળવા માટે મોકલી આપ્યા. વીડિયોગેમ રમવાની ઉંમરે છોકરાઓને એથિકલ હેકિંગ જેવાં અઘરાં કામ માટે મોકલવાનું રાજા દશરથને ગમ્યું તો નહીં, પણ છોકરાઓએ તેમને આશ્વાસન આપ્યું. રાજા દશરથને ખરી ચિંતા છોકરાઓની નિષ્ફળતાની નહીં, સફળતાની ચિંતા હતી. તેમને હતું કે છોકરાઓ નાની ઉંમરે આ બધું કરતાં થઈ જશે, તો પછી હાથમાં નહીં રહે.

છોકરાઓએ આશ્રમે પહોંચીને ઝડપથી પોતાનું કામ શરૂ કરી દીધું. એન્ટિવાઇરસ સોફ્ટવેરનાં અવનવાં અસ્ત્રો વડે તેમણે અસુરોને પરાજિત કરવા માંડ્યા. કેટલાક અસુરોને બ્લોક કરી દીધા અને કેટલાયનાં તો અકાઉન્ટ પણ રદ કરાવ્યાં. એમાંય ખર અને દૂષણ નામના બે અસુરોનાં અેકાઉન્ટ હેક કરીને ત્યાં વિશ્વામિત્રના આશ્રમની વેબસાઇટની સામગ્રી મુકાતાં હાહાકાર મચી ગયો.

આ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કરીને રામ-લક્ષ્મણ પાછા ફર્યા, પણ તેમનો સંઘર્ષ પૂરો થયો ન હતો. કૈકેયી પાસે રાજા દશરથના નાજુક સમયની કેટલીક ફાઇલો હતી. એ તેમણે મંથરા સાથે પણ શેર કરી હતી. તેના જોરે બન્ને જણ રાજાનું બ્લેકમેલિંગ કરતા અને પોતાની ઇચ્છા પ્રમાણેનાં સ્ટેટસ રાજાના ઓફિશિયલ ફેસબુક અેકાઉન્ટ પર મુકાવતાં. એક વાર તેમણે હદ કરી. રાજાએ રામને પોતાનું રાજપાટ સોંપવાની વાત કરી, ત્યારે કૈકેયીએ તેમની પર દબાણ કર્યું. એટલે રાજા દશરથે ન છૂટકે સ્ટેટસ મૂકવું પડ્યું, ‘રામને બાર વરસનો વનવાસ. ભરતને રાજપાટ.’
કૈકેયીએ એટલી દયા રાખી કે આ સ્ટેટસની પાછળ રડતા ચહેરાનું એક પ્રતીક રાજાને મૂકવા દીધું. રામને પોતાના ભવિષ્ય વિશેના આ ચુકાદાની જાણ ફેસબુક સ્ટેટસ વાંચીને જ થઈ, પણ તે મર્યાદા પુરુષોત્તમ હતા. તેમણે પિતાની આજ્ઞા શિરોધાર્ય ગણીને વનવાસ સ્વીકાર્યો. તેમનાં પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણે પણ પિતાના ફેસબુક સ્ટેટસ નીચે કમેન્ટમાં લખી દીધું, ‘શ્રી રામની સાથે અમે પણ વનવાસમાં જઈશું.’ કૈકેયીની ઇચ્છા એ બન્ને કમેન્ટને લાઇક કરવાની હતી, પણ મંથરાએ તેમને રોક્યાં.

રામ-સીતા-લક્ષ્મણે જંગલનિવાસ શરૂ કર્યો. એ વખતે નેટવર્ક અત્યારના જેવું નહીં, એટલે જંગલમાં પણ સારું પકડાતું હતું. એટલે ત્રણે જણ ઇન્ટરનેટથી વંચિત ન હતા. તેમના કનેક્ટેડ હોવાનો લાભ લઈને રાક્ષસ યુવતી શૂર્પણખાએ લક્ષ્મણનો સંપર્ક સાધ્યો. શૂર્પણખાએ ફેસબુકની સ્ટાઇલ પ્રમાણે, કોઈ અભિનેત્રીની આકર્ષક તસવીર પોતાના પ્રોફાઇલ પિક્ચર તરીકે મૂકી હતી. તેણે છાપાંની ગુલાબી કોલમોમાં લખાતી ભાષાને ટક્કર મારે એવા શબ્દોમાં લક્ષ્મણને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી.
સીધાસાદા લક્ષ્મણ શરૂઆતમાં વિનય વિવેકને કારણે શૂર્પણખાને ટાળી ન શક્યા. તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને તેની સાથે વાતચીત શરૂ કરી, પરંતુ આધુનિક અવતારોની જેમ એ વખતની શૂર્પણખાનો ઇરાદો પણ લક્ષ્મણને ફસાવવાનો હતો. સ્માર્ટ લક્ષ્મણને ખબર પડી ગઈ કે આ પ્રોફાઇલ પિક્ચર અને તેમાં લખેલી ઓળખાણમાં અને આ વાતચીતમાં કંઈક લોચો છે. આટલા ઓછા પરિચયે કોઈ સ્ત્રી અચાનક આવી વાત ન કરે અને જો એ કરે તો એ આપણી મૈત્રીને લાયક ન ગણાય, એટલી લક્ષ્મણને ખબર પડતી હતી.

ચેતેલા લક્ષ્મણે શૂર્પણખાને ચેતવણી આપી. એટલે શૂર્પણખાએ તેનું અસલી રૂપ દેખાડ્યું અને કહ્યું કે, ‘આપણી આટલી વાતચીતમાં મસાલો નાખીને, બઢાવી ચઢાવીને હું તમને બદનામ કરી દઈશ. મારો ફોટો જોઈને મારી વાતને ટેકો આપનારાનો ફેસબુક પર તોટો નથી.’ લક્ષ્મણને ગુસ્સો ચડ્યો. તેમણે શૂર્પણખાને અનફ્રેન્ડ નહીં, બ્લોક કરી દીધી. એટલે શૂર્પણખાને એવું અપમાન લાગ્યું, જાણે લક્ષ્મણે તેનાં નાક-કાન કાપી નાખ્યાં હોય.

અપમાનબોધથી છલકાતી, ધૂંધવાતી શૂર્પણખાએ તેના ભાઈ, લંકાપતિ રાવણને ફરિયાદ કરી. રાવણનાં દસ-દસ ફેસબુક અેકાઉન્ટ હતાં. એટલે તે દશાનન કહેવાતો હતો. તેણે બળને બદલે કળથી કામ લેવા માટે પોતાના મામા મારીચની મદદ લીધી. મારીચ મલ્ટિલેવલ માર્કેટિંગનું કામ કરતા હતા અને સાઇડમાં અનેક પ્રકારની સ્કીમો ચલાવતા હતા. તેમની એક સ્કીમ એવી હતી કે અમારું પેજ લાઇક કરો અને સોનું મેળવો.

એક વાર રામ અને સીતા સાથે સર્ફિંગ કરવા બેઠાં હતાં, ત્યારે જ તેમના પેજ પર મારીચની જાહેરખબર દેખાઈ. એ રાવણની જ કમાલ હતી. જાહેરખબર જોઈને સીતા લલચાયાં. તેમણે સોના માટે જીદ કરી. રામે બહુ કહ્યું કે આવી બધી જાહેરાતોમાં ન પડાય, પણ સીતા ન માન્યાં. ન છૂટકે રામે મારીચનું પેજ લાઇક કર્યું. એ સાથે જ સીતાનું ફેસબુક અેકાઉન્ટ હેક થઈ ગયું. રામે બહુ પ્રયાસ કર્યા, પણ રાવણનું હેકિંગ તોડવું અઘરું હતું. અત્યારની જેમ એ વખતે પણ ફેસબુક પર વાનરસેનાઓ રહેતી.
રામે તેમની મદદ લીધી. તેમાંથી એક, હનુમાનની મદદથી રામે રાવણની સિસ્ટમનો અને તેના સર્વરોનો પત્તો મેળવ્યો. પહેલાં તો તેમણે રાવણનાં દસેય અેકાઉન્ટ પર હુમલો કર્યો, પણ તે એક અેકાઉન્ટ ઉડાડે, તો એની જગ્યાએ બીજું ખૂલી જતું હતું. છેવટે તેમણે સિસ્ટમના અમૃતકુંભ જેવા સર્વરને નિશાન બનાવ્યા. એ સાથે જ રાવણનાં દસેદસ અેકાઉન્ટ બંધ થઈ ગયાં, લંકાનું નેટવર્ક નષ્ટ થયું અને સીતાનું ફેસબુક અેકાઉન્ટ પહેલાંની જેમ ચાલુ થઈ ગયું.

અયોધ્યા પાછા ફર્યા પછી કોઈએ સીતાની ટીકા કરી કે, ‘ગમે તેમ તો પણ અેકાઉન્ટ એક વાર હેક થયેલું તો ખરું ને. તેમાં જૂનાં કૂકી ન હોય એની શી ખાતરી?’ રામે સીતાને કહ્યું કે તમે એક વાર તમારી સિસ્ટમમાં અયોધ્યાનું એન્ટિવાઇરસ સોફ્ટવેર રન કરવા દો. સીતાજીને લાગ્યું કે આ તેમના પોતાના એન્ટિવાઇરસનું અપમાન છે અને આવી અગ્નિપરીક્ષા આપવા કરતાં ધરતીમાં સમાઈ જવું સારું. પછી શું થયું તે સૌ જાણે છે. uakothari@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો