તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડી ફોર ડ્રગ્સ, ડી ફોર ડેથ!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડી ફોર ડ્રગ્સ, ડી ફોર ડેથ!
ડ્ર ગ્સના સેવનથી કાનૂનની ઝપટમાં આવવાનો ખતરો હોય છે, જિંદગી બરબાદ થવાનું જોખમ હોય છે અને કમોતે મરવાની પણ શક્યતા હોય છે છતાં દુનિયાભરમાં નશાના શોખીનો દ્વારા જાતજાતના ડ્રગ્સનું સેવન થતું રહે છે. આવા ઘણા ડ્રગ્સનું સેવન આપણા દેશનાં ઘણાં શહેરોમાં પણ થાય છે. આવા કેટલાક ડ્રગ્સનું સેવન કઈ રીતે થાય છે, એનું સેવન કરનારાઓને શું અનુભૂતિ થાય છે અને એના સેવનથી શરીરને શું નુકસાન થાય છે એ વિશે અહીં વાત કરવી છે.

-એસિડ કે મોર્નિંગ ગ્લોરી
આ ડ્રગનું ખરું નામ ડિલિસર્જિક એસિડ ડાઇથીલેમાઇડ છે, પણ નશાખોરો અેને એસિડ અથવા ટી, ટેબ, ટ્રિપ કે મોર્નિંગ ગ્લોરી તરીકે પણ ઓળખે છે.
સેવન કઈ રીતે થાય છે?
ઇન્જેક્શન દ્વારા અથવા તો ડ્રિંકમાં ભેળવીને.

સેવન કરનારને શું અનુભૂતિ થાય છે?
આ ડ્રગનું સેવન કરનારી વ્યક્તિ ઝડપથી આભાસી દુનિયામાં પહોંચી જાય છે. સેવન કરનારાને લાગે છે કે, તે જાણે હવામાં તરી રહ્યો છે. અદૃશ્ય ડરથી પીડાતી વ્યક્તિઓનો ડર (આ ડ્રગની અસર હોય ત્યાં સુધી) દૂર થઈ જાય છે. અા ડ્રગની અસર બેથી દસ કલાક રહે છે. નવો નિશાળિયો હોય તેને વધુ સમય સુધી અને રીઢો નશાખોર હોય તેને ઓછો સમય અસર રહે છે.
શરીરને શું નુકસાન પહોંચાડે છે?

આ ડ્રગની અસર ચોક્કસપણે કહી શકાય નહીં, પણ દિવાળીમાં હવાઈ ફટાકડા ક્યાંય પણ જઈને ફૂટે એ રીતે આ ડ્રગ શરીરને જુદા જુદા પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે. જુદી જુદી વ્યક્તિના શરીરને ડ્રગની જુદા જુદા પ્રકારની તકલીફ થઈ શકે છે. આ ડ્રગનું સેવન કરનાર સ્કીઝોફ્રેનિયાનો ભોગ બની જાય અથવા તો હતાશામાં સરી પડે. લાંબા સમયગાળા સુધી સેવન કરનારા માણસના મગજને ઊંડું નુકસાન પહોંચાડી શકે અને ક્યારેક આ ડ્રગથી મોત પણ નીપજી શકે. આ ડ્રગનું સેવન કરનારી વ્યક્તિ લાંબા ગાળે અમુક ભયથી પીડાવા માંડે કે સતત ભ્રમણાની દુનિયામાં જીવવા માંડે એવું પણ બની શકે. આ ડ્રગ દૃશ્યશક્તિ અને શ્રવણશક્તિને પણ નુકસાન પહોંચાડી શકે.

-જીબીએચ કે ગામા
જીબીએચ કે ગામા તરીકે ઓળખાતા ગ્રીવિયસ બોડિલી હાર્મ ડ્રગનો ઉપયોગ તબીબો દ્વારા (એનેસ્થેસિયા માટે) એનેસ્થેટિક ડ્રગ તરીકે શરૂ થયો હતો.
કઈ રીતે સેવન થાય છે?

પ્રવાહી સ્વરૂપે મળે છે અને ગોળી તરીકે ઇન્જેક્શન દ્વારા કે ડ્રિંક સાથે પણ લેવાય છે.
સેવન કરનારાને શું અનુભૂતિ થાય છે?
શરીરને અને મનને શાંતિનો અનુભવ કરાવે છે. આ ડ્રગ શરીરની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અમુક કલાક માટે કંટ્રોલ મેળવી લે છે. મુંબઈ અને દિલ્હીની હાઈ સોસાયટીના ડ્રગ એડિક્ટ્સ આ ડ્રગને ‘ડાઉનર’ તરીકે ઓળખે છે. એક્સટેસી કે ક્રિસ્ટલ કે કોકેઇન જેવા ‘અપર’ ડ્રગ પછી આ ડાઉનરનું સેવન કરીને ડ્રગ એડિક્ટ્સ શાંતિનો અહેસાસ માણે છે.

શરીરને શું નુકસાન પહોંચાડે છે?
આ ડ્રગનો ઉપયોગ એનેસ્થેસિયા માટે થતો હતો, પણ આ ડ્રગની આડઅસરથી માણસ કમોતે પણ મરી શકે એવાં તારણો પછી વિશ્વના મોટાભાગના દેશોમાં આ ડ્રગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ડ્રગ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને ક્યારેક આ અસરની માત્રા વધે તો માણસને ચિર નિદ્રામાં પણ પોઢાડી શકે છે!

-એક્સટેસી
આ ડ્રગનું ખરું નામ મેથાયલિનડિઓક્સ-મેથેર્મ્ફેટેમાઇન છે એટલે ટૂંકમાં એ એમડીએમએ તરીકે પણ ઓળખાય છે. નશાખોરો તેને એક્સ, નાઇન, એક્સ્ટેસી, ઈ, આદમ કે ક્લાઉડ તરીકે પણ ઓળખે છે. વાસ્તવમાં આ ડ્રગનું ઉત્પાદન હતાશાથી પીડાતા માણસો માટે ઓગણીસમી સદીમાં શરૂ થયું હતું અને તેનો ઉપયોગ ડાયટ સપ્લિમેન્ટ તરીકે પણ થતો હતો.
સેવન કઈ રીતે થાય છે?

નાનકડી ગોળીઓ તરીકે મળે છે એ ગળીને એનું સેવન થાય છે અને પાઉડર ફોર્મમાં પણ મળે છે. એટલે ઘણા ડ્રિંકમાં પાઉડર ભેળવીને પણ એનો નશો માણે છે.
સેવન કરનારાને શું અનુુભૂતિ થાય છે?

પહેલાં થોડી નર્વસનેસ લાગે છે અને ચકડોળમાં ઉપરથી નીચે આવતી વખતે પેટમાં ફાળે પડે એ પ્રકારની લાગણી થાય છે. જોકે, પછી દિલ-દિમાગ પર અવર્ણનીય આનંદની અનુભૂતિ સવાર થઈ જાય છે. એક્સટેસીની અસર સેવન કર્યા પછી ત્રીસથી પિસ્તાળીસ મિનિટ બાદ થતી હોય છે અને બેથી છ કલાક સુધી તેની અસર રહે છે.
એક્સટેસી ‘લવ ડ્રગ’ તરીકે પણ ઓળખાય છે કે મુંબઈ-દિલ્હીની હાઈ સોસાયટીના ઘણા યુવક-યુવતીઓ વધુ સેક્સ્યુઅલ આનંદ મેળવવા માટે તેનું સેવન કરે છે. એક્સટેસીને કારણે સેક્સ લાઇફ વધુ સારી બનાવી શકાય છે એવી માન્યતાથી પ્રેરાઈને એક્સટેસીનું સેવન કરનારાં યુવક-યુવતીઓ પણ ઘણાં છે.

ઘણા ‘ડેટ રેપ’ કેસમાં એક્સટેસી ડ્રગનો ઉપયોગ થાય છે. પોતાની જાતને બહુ સ્માર્ટ ગણતી ટીનેજર છોકરીઓ કે કોલેજિયન યુવતીઓ પોતાના બોયફ્રેન્ડ સાથે ‘ડેટ’ પર જાય ત્યારે ખેપાની બોયફ્રેન્ડ તેના પીણામાં એક્સટેસી ભેળવીને પછી તેના પર રેપ કરે એવા કિસ્સાઓ મુંબઈ-દિલ્હી જેવા મહાનગરોમાં બન્યા છે. અમેરિકા જેવા દેશોમાં પણ આવા કિસ્સાઓ બને છે. આ કારણથી એને
‘રેપ ડ્રગ’ પણ કહી શકાય!

શરીરને શું નુકસાન પહોંચાડે છે?
એક્સટેસી ડ્રગ માનવ શરીરના મોટા ભાગના હિસ્સાઓ પર નકારાત્મક અસર કરે છે. સતત ઉપયોગ કરનારી વ્યક્તિઓના દિમાગને (જો દિમાગ જેવો કોઈ પદાર્થ સેવન કરનારા બેવકૂફ છોકરાઓ કે અડિયલ છોકરીઓના શરીરમાં હોય તો!) નુકસાન થવાની શક્યતા રહે છે. એ ઉપરાંત ડિહાઇડ્રેશનની શક્યતા પણ રહે છે.

-ક્રિસ્ટલ અથવા આઇસ
આ ડ્રગનું ખરું નામ મેથેમ્ફેર્ટેમાઇન છે, પણ નશાખોરો એને ક્રિસ્ટલ અથવા ચોક, ગ્લાસ કે આઇસ તરીકે ઓળખે છે. અત્યારે આ ડ્રગ મુમ્બૈયા અને દિલ્હીની હાઈ સોસાયટીના નબીરાઓ સુધી પહોંચી ગયું છે, પણ તેના આ પ્રકારના ઉપયોગની શરૂઆત અમેરિકન ટ્રક ડ્રાઇવરોથી થઈ હતી. સતત લાંબા સમય સુધી જાગીને ટ્રક ચલાવતા રહેવા માટે અમેરિકન ટ્રક ડ્રાઇવરોએ આ કેફી દ્રવ્યનો ઉપયોગ શરૂ કર્યો હતો. જોકે, એંસી અને નેવુના દાયકામાં અમેરિકાની ક્લબોમાં આ ડ્રગ પોપ્યુલર બન્યું હતું.

સેવન કઈ રીતે થાય છે?
ઇન્જેક્શન દ્વારા અથવા પાઉડર ફોર્મમાં નાક વડે સૂંધીને અને પાઇપ વાટે (સિગારેટની જેમ).
સેવન કરનારને શું અનુભૂતિ થાય છે?
આ ડ્રગનું સેવન કરનારી વ્યક્તિ વધુ પડતી એક્ટિવ બની જતી જોવા મળે છે. તેને એવું લાગવા લાગે છે

જાણે કે તેના શરીરમાંથી ઊર્જાનો ધોધ વહી રહ્યો છે. આ ડ્રગની અસર જુદી જુદી વ્યક્તિ પર અલગ અલગ થતી હોય છે. ઘણી વ્યક્તિઓ આ ડ્રગના સેવન પછી આત્મવિશ્વાસસભર અને એલર્ટ બની જાય છે. હાઈ સોસાયટીના નબીરાઓ
આ ડ્રગનું સેવન કર્યા પછી કલાકો સુધી નાચતા રહે છે. આ ડ્રગનું  સેવન કરનારા જુવાનિયાઓ બહુ ઝડપથી વિચારોને બાજુએ મૂકીને નાચવા માડે છે. આ ડ્રગ સેક્સ્યુઅલ એનર્જી
પણ વધારી દે છે એટલે મુમ્બૈયા હાઈ સોસાયટીના  ખેપાની જુવાનિયાઓની કે દિલ્હીની પાર્ટીઓમાં તેનો બેફામ  ઉપયોગ થાય છે. આ ડ્રગની અસર 6થી 16 કલાક સુધી રહે છે.

શરીરને શું નુકસાન પહોંચાડે છે?
આ ડ્રગથી મૂડ અને અનુભૂતિ બદલાઈ શકે. સેવન કરનારી વ્યક્તિને ક્યારેક ઊબકાની તો વળી ક્યારેક ઝણઝણાટીની અનુભૂતિ થાય છે. ઘણી વ્યક્તિઓ ધ્રાસ્કો કે ફાળ પડવાની લાગણી પણ અનુભવે છે. ઘણા જુવાનિયાઓ આ ડ્રગનું સેવન કર્યા પછી ઇમોશનલ અસ્થિરતા અને માનસિક તકલીફ અનુભવતા હોય છે. આ ડ્રગનું સેવન કરનારાઓ તેમને ત્યાં સંતાન જન્મે એના માટે પણ જોખમ ઊભું કરે છે. તેમનાં સંતાનોને જન્મથી જ ખોડ હોય એવું બની શકે અથવા તો તેમનાં સંતાનો ભવિષ્યમાં ડ્રગ એડિક્ટ (કેફી દ્રવ્યોના વ્યસની) બની જાય એવી પણ શક્યતા રહે છે, પરંતુ
આવી ‘ફાલતુ’ વાતો વિચારવા માટે ડ્રગ એડિક્ટ્સ નમૂનાઓ પાસે સમય જ ક્યાં હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો