તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલો જોઉં, દુનિયામાં કેટલા પ્રકારના લોકો હોય છે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આખી દુનિયામાં બે પ્રકારના જ લોકો છે : શોષક અથવા શોષિત. એક નાનકડો વર્ગ છે જે કોઈનું શોષણ કરતો નથી અને પોતાનું શોષણ પણ થવા દેતો નથી, પરંતુ એવા લોકો અપવાદરૂપ હોય છે
દુનિયામાં કેટલા પ્રકારના લોકો છે? એવા સવાલના જુદા જુદા જવાબો મળી શકે. કોઈના મતે દુનિયામાં ડઝનબંધ પ્રકારના લોકો હોઈ શકે તો કોઈ એવું કહી શકે કે માનવજગતમાં સેંકડો પ્રકારના લોકો છે. કોઈ ધર્મની રીતે લોકોના પ્રકાર પાડી શકે, કોઈ કર્મની રીતે મનુષ્યોના પ્રકાર ગણાવી શકે, તો કોઈ વળી ત્રીજી, ચોથી કે પાંચમી રીતે માનવીઓના પ્રકાર પાડે. જોકે, અહીં જુદી જ વાત કરવી છે. અમારા મતે આખી દુનિયામાં બે પ્રકારના જ લોકો છે : શોષક અથવા શોષિત. એક નાનકડો વર્ગ છે જે કોઈનું શોષણ કરતો નથી અને પોતાનું શોષણ પણ થવા દેતો નથી, પરંતુ એવા લોકો અપવાદરૂપ હોય છે. બાકી મોટા ભાગના લોકો ક્યા તો કોઈનું શોષણ કરે છે અથવા તો તેમનું કોઈ શોષણ કરે છે.

દરેક જગ્યાએ સ્થૂળ કે સૂક્ષ્મરૂપે કોઈ કોઈનું શોષણ કરતું હોય છે અને કોઈના દ્વારા શોષિત થતું હોય છે. સરકાર કે પોલીસ પબ્લિક પર સિતમ કરીને તેનું શોષણ કરે એ દેખીતી રીતે જોઈ શકાય છે. કોઈ શક્તિશાળી દેશ નબળા દેશ પર આક્રમણ કરીને કત્લેઆમ મચાવી દે કે કાર્પેટ બોમ્બિંગ દ્વારા હજારો કે લાખો નિર્દોષ લોકોને કમોતે મારી નાખે એ દેખીતું શોષણ છે. પતિ પત્નીને ફટકારે કે દહેજ માટે તેના પર જુલમ ગુજારે એ દેખીતું શોષણ છે, પણ સાસરે ગયેલી દીકરી પર પતિ કે સાસુ-સસરા ત્રાસ ગુજારતાં હોય, દીકરીની જિંદગી દોજખ સમી બની ગઈ હોય એ વખતે પણ મૂંગાં મરી રહેતાં મા-બાપ શોષક છે. સાસરે સ્થિતિ અસહ્ય બની જાય અને દીકરી પિયરના આશરે જાય ત્યારે સમાજની દુહાઈ આપીને તેને જીવતી સળગવા માટે પાછી મોકલનારાં મા-બાપ કે ભાઈ-ભાભી જુલમી સાસરિયાં જેટલાં જ શોષક ગણાય.

પોલીસ કર્મચારીઓને પબ્લિકના રક્ષણ માટે પબ્લિકના પૈસે નોકરી અપાતી હોય છે, પણ કોઈ ગુંડાના ત્રાસથી થાકીને સામાન્ય નાગરિક પોલીસની મદદ માગવા પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે પોલીસ અધિકારી પેલા ગુંડા સાથે હસીહસીને લળીલળીને, તાળીઓ આપતાં આપતાં ગપાટા મારતો હોય ત્યારે શોષણનો ભોગ બનેલા સામાન્ય નાગરિક માટે પડ્યા પર પાટું જેવો ઘાટ થાય છે, પણ એ જ પોલીસ અધિકારીનું તેનો ઉપરી અધિકારી શોષણ કરતો હોય એવું બની શકે અને એ ઉપરી અધિકારીનું વળી તેનો ઉપરી અધિકારી શોષણ કરતો હોઈ શકે.
એટલે એક જગ્યાએ શોષકની ભૂમિકામાં હોય એવી વ્યક્તિ બીજી જગ્યાએ શોષિતની ભૂમિકામાં હોઈ શકે. કોઈ વિધાનસભ્ય, સંસદસભ્ય, પ્રધાન કે મુખ્ય પ્રધાન, નબળો ધણી બૈરી પર શૂરો હોય એ રીતે, પબ્લિકનું શોષણ કરતો હોઈ શકે, પણ એ જ પ્રધાન કે મુખ્ય પ્રધાન તેના પક્ષના પ્રમુખ સામે એકાંતમાં (અને ક્યારેક તો પબ્લિકની વચ્ચે પણ) હાથ જોડીને યાચકની જેમ ઊભો રહે ત્યારે શોષિત હોવાનો અહેસાસ તેને મનમાં સતાવતો હશે.
અજમલ કસાબ, મકબૂલ બટ, યાકુબ મેમણ કે અફઝલ ગુરુ જેવા આતંકવાદીઓ કે આતંકવાદીઓના પિઠ્ઠુઓને સુપ્રીમ કોર્ટ ફાંસીની સજા ફટકારે ત્યારે હો ગોકીરો મચાવી દેનારા બૌદ્ધિક બદમાશો પબ્લિકના એક વર્ગનું માનસિક સ્તરે શોષણ કરે છે. તો સામે તમામ મુસ્લિમોને શંકાની નજરે જોવા માટે પબ્લિકને ઉશ્કેરનારા ખેપાની કટ્ટરવાદીઓ પણ પબ્લિકના એક વર્ગનું માનસિક સ્તરે શોષણ કરે છે. આવા માનસિક શોષણ માટે મીડિયાનો ઉપયોગ થાય છે અને હવે સોશિયલ મીડિયા પણ આવા માનસિક શોષણ માટે એક મોટું માધ્યમ બની ગયું છે.

સોશિયલ મીડિયા પર ચડાઉ ધનેડાંની જેમ કોઈને ગાળો આપતા કે કોઈની ગાળો ખાતા લોકો પણ આ બેમાંથી એક જ વર્ગમાં આવે છે. સોશિયલ મીડિયા પર કોઈને ગાળો આપનારા લોકો દેખીતી રીતે શોષક કહેવાય, પણ મોટે ભાગે તેઓ પણ શોષિત જ હોય છે. ચોક્કસ પ્રકારની વિચારધારા દ્વારા સામાન્ય લોકોને એ વિચારધારાથી જુદી રીતે વિચારનારાઓને ગાળો આપવા કે તેમની ટીકા કરવા ઉશ્કેરનારાઓ એવા, ચડાઉ ધનેડાં સમા, સોશિયલ મીડિયા યૂઝર્સનું વૈચારિક રીતે શોષણ કરતા હોય છે.
મોટા ભાગના હોશીભિખારી સોશિયલ મીડિયા યૂઝર્સ કોઈ મુદ્દે ચોક્કસ વિચારધારાની તરફેણમાં કે વિરુદ્ધમાં ઊંધું ઘાલીને મચી પડ્યા હોય છે ત્યારે તેમને ખબર નથી હોતી કે તેઓ કોઈના હાથા બની રહ્યા છે. અહીં સામાન્ય લોકો એટલે કારકુન કે અેકાઉન્ટન્ટ કે ચપરાશી યા રિક્ષા ડ્રાઇવર ન ગણવા. આવી રીતે કોઈ મુદ્દે એક પક્ષ તરફથી સોશિયલ મીડિયામાં ઠેકી પડનારાઓમાં પત્રકારો પણ હોઈ શકે, કવિઓ કે લેખકો પણ હોઈ શકે કે પછી ડોક્ટર્સ કે એન્જિનિયર્સ પણ હોઈ શકે.

આથી વિપરીત રીતે સોશિયલ મીડિયામાં ગાળો ખાનારાઓને શોષિત ગણવાની ભૂલ ન કરવી જોઈએ. શક્ય છે કે તેઓ શોષક હોઈ શકે. તેમણે કોઈ ચોક્કસ વિચારધારાનું પૂંછડું ઝાલીને કોઈ ઊંબાડિયું કર્યું હોય એની પ્રતિક્રિયા રૂપે તેમના પર ગાળોનો વરસાદ વરસ્યો હોઈ શકે. સેક્યુલર્સ અને ભાજપભક્તો અવારનવાર સોશિયલ મીડિયા પર સામસામે આવી જાય છે. ભાજપભક્તો એવું માનતા હોય છે કે સેક્યુલર્સ આ સૃષ્ટિ પરની સર્વથા દુષ્ટ જાતિ છે અને સામે સેક્યુલર્સ ભાજપભક્તોને શેતાનમંડળીમાં ખપાવતા હોય છે. મોદી સરકાર કે ભાજપની કોઈ પણ રાજ્ય સરકાર કોઈ પણ પગલું લે (કે ફોર ધેટ મેટર ન લે!) એ સેક્યુલર્સની નજરમાં ખરાબ જ હોય છે.
કોઈ પણ મુદ્દે ભાજપ સરકારને ગાળો દેવા માટે તેઓ ટાંપીને બેઠા હોય છે. એ જ રીતે સેક્યુલર્સ કોઈ પણ મુદ્દો ઉછાળે એ સાથે તેમને ઉતારી પાડવા માટે ભાજપભક્તો સાબદા થઈ જાય છે. સરકાર પણ ક્યારેક સારું કામ કરી શકે એમ માનવા સેક્યુલર્સ તૈયાર હોતા નથી અને સેક્યુલર્સ ક્યારેક સાચા હોય એવું ભાજપભક્તો કલ્પી પણ શકતા નથી. સેક્યુલર્સ અને ભાજપભક્તો વચ્ચે જામી પડી હોય ત્યારે કોઈ માઈનો લાલ તટસ્થ રહીને કશી ટિપ્પણી કરે તો તેણે બન્ને બાજુથી ગાળો ખાવાનો વારો આવી શકે છે. એટલે એવી સ્થિતિમાં તટસ્થ રહેનારો પણ શોષિતની ભૂમિકામાં આવી જાય છે. આમ, સેક્યુલર વિચારસરણીમાં માનતા લોકોનું કેટલાક સૂડો સેક્યુલર ગઠિયાઓ શોષણ કરતા હોય છે.
કોઈ રાજકીય પક્ષની વિચારસરણીમાં માનતા લોકોનું એ રાજકીય પક્ષના નેતાઓ માનસિક રીતે શોષણ કરતા હોય છે અને આખી વાતને ઓબ્જેક્ટિવલી મૂલવવાની કોશિશ કરનારાઓને સેક્યુલર્સ અને રાજકીય પક્ષના સમર્થકો એમ બન્ને તરફથી ગાળો પડતી હોય છે. મોટા ભાગની સરકારો પ્રજાનું સીધી કે આડકતરી રીતે શોષણ કરતી હોય છે. સરકાર દ્વારા પ્રજાના શોષણ સામે વિપક્ષી નેતાઓ બાંયો ચડાવીને શોષિતોના મસીહાના રૂપમાં મેદાને પડતા હોય છે, પણ એ જ વિપક્ષી નેતાઓ સરકાર રચે ત્યારે શોષકની ભૂમિકામાં આવી જતા હોય છે અને તેઓ વિપક્ષમાં હોય ત્યારે પણ કોઈ મુદ્દે પબ્લિકને પાટે ચડાવીને સરકાર સામે ઉશ્કેરીને પબ્લિકનું શોષણ કરતા હોય છે. દંભી સેક્યુલરિઝમ કે દંભી દેશભક્તિને નામે પબ્લિકના બે ભાગ કરવા મથનારાઓ પણ માનસિક સ્તરે પબ્લિકનું શોષણ જ કરે છે.

ફરી દેખીતી રીતે શોષણની વાત કરીએ તો બેન્ક અધિકારીઓ દ્વારા ગ્રાહકોનું, સરકારી અધિકારીઓ દ્વારા સામાન્ય નાગરિકોનું, રાજકારણીઓ દ્વારા મતદારોનું, પતિ દ્વારા પત્નીનું કે પત્ની દ્વારા પતિનું શોષણ કરતા હોઈ શકે, પણ એમનુંય કોઈ બીજા સ્તરે શોષણ થતું હોય એવું બની શકે. જેમ કે પત્ની પર ત્રાસ ગુજારનારો પતિ તેના બોસથી પીડિત હોઈ શકે. પ્રેસના પાવરના જોરે કોઈને દબડાવનારા પત્રકારનું તેના તંત્રી કે અખબારના માલિક દ્વારા શોષણ થતું હોઈ શકે.
ગુંડાઓને કે આતંકવાદીઓને અસલી કે નકલી એન્કાઉન્ટરમાં ઢાળી દેનારા પોલીસ અધિકારીનું તેના બોસ દ્વારા કે કોઈ રાજકારણી દ્વારા શોષણ થતું હોય એવું બની શકે. સેંકડો માણસોને ઠંડે કલેજે મારી નાખનારા આતંકવાદીઓને તેમના આકાઓ પોતાના ઇરાદાઓ કે ફાયદા માટે હાથા બનાવતા હોય છે. એટલે ધર્મને કાજે પણ હકીકતમાં અધર્મનું કામ કરીને પોતાની જાત ફૂંકી મારનારાઓ કે ફાંસીએ ચડીને કમોતે મરનારા બેવકૂફ આતંકવાદીઓ દેખીતી રીતે શોષકની ભૂમિકામાં હોય છે, પણ કોઈ દ્વારા તેમનું શોષણ થયું હોય છે. વાત બહુ લાંબી છે, પણ ટૂંક સાર એટલો જ છે કે કોઈ ને કોઈ સ્તરે માણસ ક્યા તો શોષક હોય છે અથવા શોષિત હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો