તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુવાદમાં સુંદર વફાદારી જોઈએ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદેશી સાહિત્યનો માતૃભાષામાં અનુવાદ કરીએ છીએ ત્યારે બહુ ચોકસાઈ રાખવી પડે છે. અનુવાદ વિશે કહેવાય છે કે અનુવાદ એ સ્ત્રી જેવો હોય છે, વફાદાર હોઈ શકે અથવા સુંદર હોઈ શકે. પારકા પુસ્તકમાં જે અપરિચિત છે એને આપણા પરિચિત શબ્દોમાં એટલા કૌશલ્યપૂર્વક પ્રયોજવું જોઈએ કે શરૂઆતમાં લાગતી અપરિચિત સંકલ્પના જ આપણને પોતાના ઘર જેટલી જ પરિચિત લાગે. આધુનિક કવિતાના પ્રણેતા એઝરા પાઉન્ડ કહે છે કે, ‘મૂળ કલાકૃતિ જેવું જ પરિણામ ભાષાંતર કરેલી કલાકૃતિએ સાધવું જોઈએ.’

ભાષાંતરના ત્રણ પ્રકાર છે. એક શબ્દસઃ ભાષાંતર, બીજું આશયનિષ્ઠ ભાષાંતર અને ત્રીજું અનુકૃતિરૂપ ભાષાંતર, પરંતુ વિજ્ઞાનના પુસ્તકનું ભાષાંતર શબ્દસઃ થવું જોઈએ. વિજ્ઞાનમાં સાહિત્યવેડા ચાલે નહીં અથવા ઘરની ધોરાજી ચાલે નહીં. Atom શબ્દ માટે ‘અણુ’ શબ્દ જ વપરાય. વિજ્ઞાનના ભાષાંતરમાં ‘પરિભાષા’ મહત્ત્વની બની રહે છે. વિજ્ઞાનમાં ‘શબ્દલાલિત્ય અને ભાવસૌંદર્ય’ ગૌણ બની જાય છે. આથી ઊલટું સાહિત્યમાં ભાષાંતરમાં શબ્દનો અર્થ સંદર્ભ મુજબ બદલાતો રહે છે,

કારણ કે સાહિત્યની કૃતિમાં અનુવાદકને ભરપૂર સવલતો અને સ્વાતંત્ર્ય મળતું હોય છે. આપણે ત્યાં જે નાટકો ભજવાય છે એનો અનુવાદ શબ્દસઃ થતો નથી. રૂપાંતરો થાય છે. શેક્સપિયરના ‘હેમલેટ’ નાટકમાં ‘Words Words Words’નું ભાષાંતર કેવું વિકટ લાગે છે. આપણી ભાષામાં ‘સતી’ શબ્દ એવો છે કે એને માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ મળતો જ નથી. ‘Boll dance’ શબ્દ માટે કયો ગુજરાતી શબ્દ તમે વાપરશો? બીજું, ગ્રામીણ લોકબોલીના તળપદા શબ્દોનું ભાષાંતર કરવું ખૂબ મુશ્કેલ છે. ત્રીજું, વિનોદી અને હાસ્ય તેમજ કટાક્ષ જેવી કૃતિઓનું ભાષાંતર કરવું ધારીએ છીએ એટલું સહેલું હોતું નથી. સંસ્કૃત કવિઓ ક્યારેક ક્યારેક ચમકદાર વિનોદ કરતા હતા. એમના શબ્દોના શ્લેષ સમજવા જેવાહોય છે.

એક સંસ્કૃત કવિએ લખ્યું કે, ‘सा कन्या विधवा जाता, गृहे रोदिति तत पति।’ અર્થાત્ કન્યા વિધવા થઈ પછી એનો પતિ ઘેર રડ્યા કરે છે. બહુ વિચિત્ર લાગે કે કન્યા વિધવા થાય પછી એનો પતિ ક્યાંથી હોય? અર્થ એવો છે ‘विगत धव यस्या सा’ એટલે કે જેનો પતિ મરી ગયો છે તે વિધવા. હવે વિધવા શબ્દનો બીજો અર્થ એવો છે કે विशेषेण धवा यस्य सा એટલે કે જેનો પતિ બહાર છે તે વિધવા. હવે શરૂઆતમાં સંસ્કૃત કવિએ જે લખ્યું છે એનો અર્થ એવો થાય છે કે, ‘જેના અનેક પતિ બહાર છે તે વિધવા અર્થાત્ જેના અનેક પતિ બહાર છે તે કન્યાનો સાચો પતિ ઘેર બેસીને રડે છે. અહીં સંસ્કૃત કવિએ શ્લેષ કરીને રમૂજ ઉપજાવી છે. હાસ્ય અને વ્યંગમાં પી જી વુડહાઉસનો અનુવાદ કરવો ખૂબ કઠિન છે અથવા થયો પણ નથી. ભાષાંતર કરવું એ કળા છે.

ગુજરાતી ભાષામાં ઝવેરચંદ મેઘાણીએ ‘સમબડીઝ ડાર્લિંગ’ અંગેજી કવિતાનો એટલો સુંદર અનુવાદ કર્યો કે એ અંગ્રેજી કવિતા આપણી પોતાની જ લાગે ‘રક્ત ટપકતી સો સો સમરાંગણથી આવે’ મેઘાણીનો આ અનુવાદ લોકહૃદય સુધી પહોંચી ગયો છે. મેઘાણીએ રવીન્દ્રનાથની બીજી કવિતાનો ‘ઝાકળ બિંદુ’ નામે અનુવાદ કર્યો છે તે પણ પોતીકો લાગે છે. ‘મન મોર બની થનગાટ કરે’ એ પણ અનુવાદમાં મેઘાણીની સર્જકતા દેખાય છે. બીજા મને મકરંદ દવે યાદ આવે છે. મકરંદે કેથેરીન રેઇન નામે અંગ્રેજી કવયિત્રીની એક કવિતાનો અનુવાદ ભારે પ્રતિભાથી કર્યો છે,

‘મારા પ્રીતમના ઓરડા અભરે ભર્યા’ મકરંદનો આ અનુવાદ વાંચતાં તમને કંઈ પરાયું ના લાગે. કવિતાના અનુવાદ માટે મેઘાણી અને મકરંદ બેમિસાલ છે. નગીનદાસ પારેખને ભૂલવા જેવા નથી. પારેખ સાહેબે રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાગનાં કાવ્યોના ગુજરાતીમાં સુંદર અનુવાદો કર્યાં છે, પણ એ અનુવાદો ગદ્યરૂપે કર્યા છે. એમાં રિધમ અને સંગીત નથી છતાં કૃતિનિષ્ઠ છે. ‘સમબડીઝ ડાર્લિંગ’નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદ્દભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શક્યા છે અને એનું એકમાત્ર ઉદાહરણ તે કોઈનો લાડકવાયો રૂપાંતર છે. એ કાવ્યની થોડીક કાવ્યપંક્તિઓ માણીએ.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને,
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકના વહાલા જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો,
અણપૂછ્યો અણપ્રીછેલો કોઈનો અજાણ લાડીલો.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો