ગર્વ સે કહો હમ બેવકૂફ હૈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગર્વ સે કહો હમ બેવકૂફ હૈ
અજાણતાં કોઈ વાર બેવકૂફ બની જવાય એ જુદી વાત છે, પણ હવે તો મેં પોતે જ નક્કી કરી લીધું છે મારે હવે જાણી જોઈને જ બેવકૂફ બનવું છે. બેવકૂફ બનવાની મોટી મજા છે. બેવકૂફ બનવામાં કેવળ આનંદ આનંદ જ છે. આ ઇલેક્શનમાં તમારી પાસે માત્ર બે જ માર્ગ છે. કાં તો ગુસ્સો કરીને ખુરશી તોડી નાખો કા તો બેવકૂફ બની જાઓ. બેવકૂફ બનવું એ હરિનો મારગ છે. શૂરાનો મારગ છે. અહીં કાયરોનું કામ નથી. શુદ્ધ બેવકૂફ બની જવું એ દૈવી વરદાન છે, પણ હું હજી અશુદ્ધ બેવકૂફ છું. હું શુદ્ધ બેવકૂફીનું રો મટીરિયલ છું. કેવો જમાનો આવ્યો છે કે કોઈની કિંમત સ્થિર નથી રહેતી.

લોકશાહી દિવસે દિવસે મજબૂત થતી જાય છે, પણ સાંસદોની કિંમતમાં શેરબજારની જેમ ચડ-ઊતર કેમ થયા કરે છે એની મને ખબર નથી. થોડાં વર્ષ પહેલાં લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટરજીએ બધા સંસદસભ્યોને બોલાવીને કહ્યું હતું તમારી કિંમત માત્ર એક રૂપિયો છે, પણ મને સોમનાથ દાદાની વાત સમજાઈ નહીં. બહુ નજીકના ભૂતકાળમાં સાંસદનો ભાવ એક ખોખું હતો. સાંસદોના પણ કાળાબજાર થાય છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં આર્મી કેમ્પ પાસે આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આપણો દેશ ઘણી બધી પરીક્ષાઓમાં નાપાસ થયો છે.

આ ચૂટણીમાં અનેક ગુંડાઓ અને અપરાધીઓને લોકસભાની ટિકિટો આપવામાં આવી છે. આતંકવાદીઓ અને અપરાધી ઉમેદવારો જોડિયા ભાઈ નથી? આપણા નેતાઓ બયાનબાજીમાં નંબર વન છે. હુસૈન ઉપર બયાન આપશે, નરેન્દ્ર મોદી ઉપર બયાન આપશે. રાહુલ ગાંધીને ચોપડાવશે સોનિયા ગાંધી કે માયાવતી વિશે બયાન આપશે, પણ નાનાં બાળકોની તસ્કરી કરતાં કોઈ નેતા પકડાશે તો ચૂપ રહેશે. ખોટું બોલતાં પકડાઈ જશે તો ચૂપ રહેશે. ચૂપ રહેવું એ પણ એક બયાન છે. મારી ચુપકીદી એક અશુદ્ધ બેવકૂફની ચુપકીદી છે.

મને કવિ હરીન્દ્ર દવે યાદ આવી ગયા. હરીન્દ્રની એક કવિતા છે. શબ્દોની સંગત છોડી દઉં મારા સાધુ, મને આપો એક અનહદનો સૂર. ‘હરીન્દ્ર’ ચૂપ રહેતા હતા. વચ્ચે એવી વાતો ચાલી હતી કે ‘ભારતને મંદિરો કરતાં ટોઇલેટની વધુ જરૂર છે.’ બહુ સિમ્પલ વાત છે, પણ એક સર્વે મુજબ આપણા સર્વપક્ષીય નેતાઓ કબજિયાતના દર્દીઓ છે. તેઓ સંગ્રહખોરીમાં માને છે. ખાધેલું સાચવી રાખવું, જૂનું તે સોનું એટલે ટોઇલેટનો મહિમા સમજતા જ નથી.

ગુજરાત કોંગ્રેસ અંદરોઅંદર હુતુતુતુતુ રમ્યા કરે છે એટલે તો ઘણા કોંગ્રેસીઓએ છૂટાછેડા (ડિવોર્સ) લઈ લીધા. હવે એક મજાનો કિસ્સો સાંભળો. એક પત્નીએ એના પતિ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. કોર્ટમાં ડિવોર્સનો કેસ દાખલ થઈ ગયો. કોર્ટની કાર્યવાહીમાં જજે પત્નીને પૂછ્યું, ‘તારો હસબંડ તો રાષ્ટ્રીય કબ્બડી (હુતુતુતુ) ચેમ્પિયન છે. આવા હુતુતુતુ ચેમ્પિયન પતિથી શા માટે તને ડિવોર્સ જોઈએ છે? કોર્ટમાં પત્નીએ જવાબ આપ્યો, ‘જજસાહેબ, મારો પતિ હુતુતુતુ - ચેમ્પિયન છે, એ કારણથી જ મારે ડિવોર્સ જોઈએ છે. એ મને રોજ માત્ર અડીને જ ચાલ્યો જાય છે. નેતાઓ ચૂંટણી વખતે અમારી સાથે હુતુતુ રમવા આવી જાય છે.

ઉનાળાના વેકેશનનો મોટો પ્રોબ્લેમ એ છે કે ટિકિટ મળતી નથી. મારે દિલ્હી જવું છે, પણ રાજધાની એક્સપ્રેસમાં મારું નામ હજીયે વેઇટિંગ લિસ્ટમાં છે. એક મિત્રે મને સલાહ આપી કે તમે કોઈ સંસદસભ્યનો લેટર લઈ આવો તો તમને વી આઈ પી ક્વોટામાંથી ટિકિટ મળી જાય. હું મારતાં સ્કૂટરે અમારા સ્થાનિક સાંસદના ઘેર પહોંચ્યો, પણ સાંસદના બંગલે તો વાતાવરણ બેસણા જેવું હતું. અનેક લોકો જાણે ખરખરે આવતા હોય એમ આવતા જતા હતા. દરવાજા પાસે સાંસદનાં સંતાનો સફેદ કુર્તા-પાયજામા પહેરીને બે હાથ જોડી સહુને વિદાય આપતા હતા. એવું લાગે કે જાણે કોઈ મોટા વડીલની પ્રાર્થનાસભા ચાલી રહી છે. મેં ડરતાં ડરતાં એ સંસદસભ્યના સેક્રેટરીને પૂછ્યું, ‘માજરા ક્યા હૈ? સાહેબની તબિયત તો ઠીક છેને?’

સાંસદનો સેક્રેટરી જાણે કે શોકગીત ગાતો હોય એવા અવાજે મને કહે છે કે ‘સાહેબને ટિકિટ નથી મળી.’ આ સાંભળીને મારા પગ ધ્રૂજવા લાગ્યા અને ગાંધીજી અંતિમ વેળાએ જે શબ્દો બોલ્યા હતા તે જ શબ્દો હું મનોમન બોલ્યો, ‘હે રામ! હવે મારી ટિકિટનું શું થશે?’ આ સંસદસભ્યો પોતે જ ખુદાબક્ષ મુસાફરો છે. આપણી હાલત તો એવી છે કે ખુદ પૈસા ખર્ચીને ટિકિટ લેવી હોય તો એની ભલામણ ચિઠ્ઠી લેવા માટે ‘ખુદાબક્ષ મુસાફર’ પાસે જવું પડે.

મારા એક કહેવાતા હિતેચ્છુએ મને એવી સલાહ આપી કે તમારે જો દિલ્હીની ટિકિટ જોઈતી હોય તો કાળાબજારિયા પાસે પહોંચી જાવ. લે કર્ય વાત. ટિકિટનાયે કાળાબજાર? મારી સમસ્યા એ છે હું કાળાબજારની ટિકિટ લઈને દિલ્હી જાઉં તો ‘કાલા ધન વાપસ લાઓ’ની કાળી બિલાડી મને આડી નહીં ઊતરે? બિલાડી આડી ઊતરે એ અપશુકન કહેવાય છે. મારે ટિકિટ નથી જોઈતી ભાઈસા’બ. મને બેવકૂફ રહેવા દો.
 
અન્ય સમાચારો પણ છે...