તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર્લ્સ ડિકન્સની સર્જકતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે વહેલી સવારે વિન્ડસરમાં ‘ટીમ હોર્ટન’ના કોફીશોપમાં બેઠો હતો ત્યારે મને રોચેસ્ટર (કેન્ટ)નું ડિકન્સ કાફે યાદ આવી ગયું. મારા ફેવરિટ સર્જક ચાર્લ્સ ડિકન્સની યુવાવસ્થાના દિવસો યાદ આવી ગયા. ચાર્લ્સ ડિકન્સની સર્જકતાથી કયો ભાવક અજાણ્યો હશે? જિંદગીના ઉતાર-ચડાવ અને ચરિત્રના વૈવિધ્યમાં ડિકન્સને કોઈ ના પહોંચે. યથાર્થવાદી કથાલેખનનાં મૂળિયાં તમને ડિકન્સની નવલકથાઓમાં દેખાય. ડિકન્સ જ્યારે કિશોરવયના હતા એ વખતે એક છોકરીને દિલ દઈ બેઠા હતા.
એ છોકરી તરફ ચાર્લ્સનો પ્રેમ સતત વહેતો હતો, પણ એક દિવસ એ છોકરી નવવધૂનો ડ્રેસ પહેરીને ચાર્લ્સથી દૂર ચાલી ગઈ. ચાર્લ્સ ઉદાસ રહેવા લાગ્યો. એક દિવસ ચાર્લ્સનો પરમમિત્ર હેનરી ચાર્લ્સ પાસે આવ્યો અને કહ્યું, ‘અરે દોસ્ત! આજે તો તું મારી સાથે ચાલ, તને મારી વાગ્દત્તા દેખાડી દઉં. મેં એવી છોકરી પસંદ કરી છે કે એને જોઈને તું પાગલ થઈ જવાનો.’ હેનરીની એ છોકરી સાથે સગાઈ થઈ હતી એટલે એના હૃદયમાં સમુદ્ર ઉછળતો હતો. પણ ચાર્લ્સ કહે, ‘ના યાર, આજે નહીં આવું મારે થોડુંક કામ છે.’

આ સાંભળીને હેનરીએ ચાર્લ્સનું બાવડું પકડીને કહ્યું, ‘તારું ના ના નહીં ચાલે, હું તને બરાબર ઓળખું છું. પાર્ટીઓ અને નાચગાનથી તું બહુ ગભરાય છે, પણ આજે તો તારે મારી ભાવિ દુલ્હનને જોવા આવવું જ પડશે, સમજ્યો? મારી વાગ્દત્તાને બે બહેનો પણ છે અને એક બહેન તો ગાવા-વગાડવામાં બહુ હોશિયાર છે.’ હૅનરીના આ આગ્રહ પછી ચાર્લ્સનું મન પલળી ગયું. ચાર્લ્સ નવોનક્કોર સૂટ પહેરીને તૈયાર થઈ ગયા. ખમીસના કોલર એકદમ ટાઇટ રાખ્યા. માથામાં હળવી સુગંધવાળું તેલ નાખ્યું અને ચાર્લ્સ હેનરી સાથે છેલબટાઉ સ્ટાઇલમાં સગાઈ પ્રસંગે ઊપડી ગયા.

હૅનરીના સાસરિયામાં મિસ્ટર બેદનેલનું આલિશાન ઘર હતું. એ જોઈને ચાર્લ્સ આભા બની ગયા. હેનરી સાથે ચાર્લ્સ ધીમા પગલે ઘરમાં પ્રવેશ્યા. દરવાને લળીલળીને સલામ કરી. એ હવેલીના મોટા રૂમમાં મીણબત્તીઓ બળતી હતી. એક ખૂણામાં મેરિયાનું હાર્પ પડ્યું હતું. બીજી બાજુ માર્ગારેટની ક્લેરિયોનેટ અને વચલી બહેન એમિલીની વાયોલિન પડી હતી. ચાર્લ્સ ડિકન્સ આ બધાં વાજિંત્રો જોઈને ગભરાઈ ગયા. એમને થયું કે સંગીતની બાબતમાં હું સાવ ઢગલાનો ઢ છું. વાતાવરણમાં શુભ પ્રસંગની પ્રસન્નતા હતી. એવામાં ચાર્લ્સ ડિકન્સની નજર મેરિયા પર પડી. મેરિયાનો ગૌર વર્ણ અને વસંતઋતુ જેવો ચહેરો જોઈને ચાર્લ્સને જંગલી સફરજન યાદ આવી ગયાં. મેરિયાને જોતાં જ ચાર્લ્સને ધાન્યથી ભરેલાં ખેતરો યાદ આવ્યાં. મેરિયા સાથેની આ મુલાકાતને ચાર્લ્સ ડિકન્સે એની વિશ્વવિખ્યાત નવલકથા ‘ડેવિડ કોપરફિલ્ડ’માં આ રીતે વર્ણવી છે -

‘મને બિલકુલ યાદ નથી કે એ વખતે ત્યાં કોણ કોણ હાજર હતું. મને ફક્ત ડોરા જ યાદ છે. મને એ પણ ખબર નહોતી કે રાતે ડિનરમાં કોણ કોણ આવ્યું હતું. મને ચારેબાજુ ડોરા જ દેખાતી હતી. ડિનર વખતે મેં હાથમાં પ્લેટ લીધી હતી, પણ ભોજનને હાથ નહોતો લગાડ્યો. હું ફક્ત ડોરાને જ જોતો રહ્યો હતો. એના સૌંદર્યનું આંખોથી પાન કરી રહ્યો હતો. એનો અવાજ કેટલો બધો મધુર હતો! એ હસતી ત્યારે આખું વાતાવરણ ખુશનુમા બની જતું હતું. સાચ્ચે જ આ ક્ષણે હું એક મીઠી અને નશીલી ખુમારીમાં ખોવાઈ ગયો હતો. હું કંઈ ખાતો નહોતો.
પાર્ટીમાં ખાવાનું જ ભૂલી ગયો હતો. મેં અરીસામાં મારો ચહેરો જોયો તો મને લાગ્યું કે હું એક કમજોર અને બેવકૂફ જેવો લાગુ છું.’ ચાર્લ્સના દિમાગમાં હજી ચાલી ગયેલી પ્રિયતમાની છબી અકબંધ હતી. હવે હેનરીની સગાઈમાં ચાર્લ્સ મેરિયાને મળે છે. એની મુલાકાત જુઓ. મેરિયા ચાર્લ્સની સામે પ્રેમથી જુએ છે પછી ધીમેકથી કહે છે, ‘તને હું પહેલાં તો મળી નથી. મારા મનમાં એક ગર્વ હતો કે હૅનરીના બધા જ ફ્રેન્ડ્સને હું ઓળખું છું.’ આ સાંભળીને ચાર્લ્સ પણ કોમળતાથી કહે છે, ‘હા, મેં પણ તમને ક્યારેય જોયાં નથી.’ થોડી વાર શાંતિ પથરાઈ ગઈ. એ પછી મેરિયા ધીમેકથી બોલી, ‘કાશ, તમે મને પહેલાં મળ્યા હોત તો કેટલું સારું હતું! તમે મને મારા પોતાના લાગો છો. આજકાલ તમે શું કરો છો?’ ચાર્લ્સ ડિકન્સે બહુ જ સોફ્ટલી જવાબ આપ્યો, ‘હું લખું છું.’
joshi.r.anil@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો