હવે સાહિત્યની શોકસભા પણ ભરી નાખો!!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે સાહિત્યની શોકસભા પણ ભરી નાખો!!

 આંખના ખૂણે હજીય ભેજ છે,
આ ગઝલ લખવાનું કારણ એ જ છે
                                          } ચિનુ મોદી
ચિનુ મોદીના મોતનો મલાજો જે રીતે ન જળવાયો એ જોતાં લાગે છે કે સાહિત્યકારો અને રાજકારણીઓના ઝભ્ભા ખાદીના એક જ તાકામાંથી બને છે. એ જ અહંકારના તાણાવાણા છે અને એ જ દંભની ચમક છે. ફરક માત્ર એટલો જ છે કે બગભગતોનો રંગ ધોળો છે અને કાચિંડાઓ રંગ બદલતા રહે છે. 19મી માર્ચે ચિનુ મોદીનું અવસાન થયું અને જે દિવસે સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી વચ્ચેના ઝઘડાને કારણે ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલી તેમની શોકસભા રદ કરવી પડી એ દિવસે ‘ઇર્શાદ’નું પણ મોત થઈ ગયું.

આમ તો વિદ્યાપીઠે ચિનુ મોદીની શોકસભા ભરી, પણ વિધાપીઠના સત્તાધીશોને લાગ્યું કે સાહિત્યની તમામ સંસ્થાઓને સાથે રાખીને ચિનુ મોદીની એક શોકસભા ભરવી જોઈએ. વિદ્યાપીઠનો વિચાર હતો કે જે માણસે આખી જિંદગી સાહિત્ય માટે ઘસી નાખી એ માણસ માટે સાહિત્યની તમામ સંસ્થાઓએ ભેગા થવું જોઈએ, પણ સાહિત્ય પરિષદે અકાદમી સાથે હોય તો શોકસભામાં ન જોડાય એવું કહી દેતા વિવાદ શરૂ થયો અને એ શોકસભા રદ કરવી પડી. હવે સ્થિતિ એવી થઈ છે કે દરેક સંસ્થાઓ પોતાની આગવી શોકસભા ભરી રહી છે.

સાહિત્ય પરિષદ અને અકાદમીને એક કરવાના પ્રયાસો કરનાર ચિનુ મોદી મૃત્યુ પછી પણ બેઉને એક શોકસભા માટે પણ ભેગા ન કરી શક્યા. આ ચિનુ મોદીની નિષ્ફળતા નથી-સાહિત્યની નિષ્ફળતા છે.  
અત્યારે સર્જાયેલા વિવાદ પરથી એવું લાગે છે કે સાહિત્યની આ વાડાબંધી ચીનની દીવાલ કરતાં પણ વધારે મજબૂત બની ગઈ છે અને ભવિષ્યમાં પણ સારા-નરસા પ્રસંગોએ આવી જ રીતે તલવારો તાણીને બંને સંસ્થાઓ ઊભી થઈ જશે.  

આ બે સંસ્થાઓ વચ્ચેનો ગજગ્રહ તો સરકારને કારણે હતો, સાહિત્યકારને અડફેટે લેવાની શી જરૂર હતી તે સમજાતું નથી. કારણો, ખુલાસાઓ, તર્કો અને દલીલો તો ઘણી થશે, પણ કદાચ સાથે આવવાનો દેખાવ થાય પણ ખરો, પણ આ જંગે ચડેલા સાહિત્યકારોમાં વિવેક આવશે કે નહીં તે તો ખુદ દેવી સરસ્વતી પણ કહી શકે કે કેમ એ સવાલ છે.  જથ્થાબંધમાં શોકસભાઓ કરવાનું પરિષદનું વલણ પણ સમજની બહાર છે. શોકસભાઓ તો કાંઈ તમારા તીનપાટિયા એવોર્ડ છે કે જેને માટે સાહિત્યકારોએ મર્યા પછી પણ ટટળવું પડે?

ચિનુમોદી પરિષદના હતા કે અકાદમીના હતા એનો ફેંસલો કરવા માટે તમે ભલે અંદરોઅંદર વર્ષો સુધી લડ્યા કરો, પણ એમના મોતની વાત આવે ત્યારે એ પહેલાં સાહિત્યના હતા એ તો યાદ રાખો. જેમના ઇનટોલરન્સના કારણે આ શોકસભા  રદ કરવી પડી એમના નામે બોલતા તમામ એવોર્ડ ખૂંચવી લેવા જોઈએ.  એવું નથી કે સાહિત્યકારો વચ્ચે કોઈ મુદ્દા પર મતભેદ આજકાલનો છે. સાહિત્ય પરિષદના મુદ્દે કનૈયાલાલ મુનશી પણ ગાંધીજીને મોઢામોઢ સંભળાવી આવેલા.

જિંદગીભર ઝઘડતા રહેતા સાહિત્યકારો આપણે જોયા જ છે, પણ વરિષ્ઠ સાહિત્યકારનાં મૃત્યુ પર પણ જુદા ચોકા કરતી જમાતને પ્રથમ વાર જોઈ રહ્યા છીએ.  પરિષદ તરફીઓ ચિનુ મોદીની શોકસભામાં પણ ‘અલોકતાંત્રિક’ અકાદમી સાથે નહીં બેસવાના વલણના સમર્થનમાં છે અને અકાદમી તરફીઓ બધાને આવકારવામાં એમને વાંધો નથીનું વલણ લઈને બેઠા  છે. અકાદમીના ‘અલોકતાંત્રિક’ હોવાનો મુદ્દો તો
ચાલતો જ રહેશે, પણ  ‘અમાનવીય’ જણાતા  વલણનું શું?

લાગે છે કે, સાહિત્યકારોમાં પણ ‘હજૂરિયા’, ‘ખજૂરિયા’, અને ‘મજૂરિયા’ પ્રકાર શરૂ થઈ ગયો છે. ‘મજૂરિયા’ પ્રકારના સાહિત્યકારો ફેન્સ સીટર છે. આ લોકો હજુ કોના ફેન થવું એ નક્કી કરી શકતા નથી! સાહિત્યના મદોન્મત્ત મઠાધીશો જે રીતે બાખડી રહ્યા છે તે જોઈને સાહિત્યના મેદાનમાં ઊગી રહેલી કૂંપળો  ભયભીત છે.  પરિષદવાળા અને અકાદમીવાળા પોતપોતાની જગ્યાએ સાચા હશે, આમ પણ સાહિત્યની ઉઠાંતરીઓ અને સાહિત્યકારોના મતમતાંતરોના ઝઘડાઓથી સુજ્ઞ લોકોએ દૂર રહેવું જ બહેતર છે. સવાલ એટલો જ છે કે આવો જક્કી વર્ણભેદ શોકસભા પ્રસંગે તો અળગો મૂકી શકાયને?

ચાલો, એક શોકસભા ભરીએ. સૌજન્ય, ગરીમા અને માનવતાની. ચિનુ મોદીના જ શબ્દોમાં કહીએ તો,  એમની આંખો ભીંજાઈ’તી ખરી, આંસુઓ કોરાં નીકળશે શું ખબર?

જનોઈવઢ : કહે છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે એક વરિષ્ઠ સાહિત્યકારે એમને સાહિત્ય પરિષદમાં ‘આવવા’ માટે આમંત્રણ આપેલું. મોદીએ જવાબ આપેલો, ‘હું તો લિમિટેડ પોલિટિક્સ’નો
માણસ છું.
 
અન્ય સમાચારો પણ છે...