તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇસ્લામિક ત્રાસવાદનો ઉકેલ કંસનો વધ, અર્જુનને ઉપદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાંતિ શક્તિમાંથી આવે છે, નબળા રહેવાથી કે પીછેહઠ કરવાથી શાંતિ આવતી નથી{બેન્જામિન નેતાન્યાહુ
બહુ વાતો થઈ ગઈ, બહુ ચર્ચાઓ થઈ ગઈ. ઓ.કે. કબૂલ છે કે દરેક મુસ્લિમ ટેરેરિસ્ટ નથી, દરેક કાશ્મીરી આતંકવાદી નથી અને દરેક મૌલાના ઝકીર નાઇક નથી. ઓ.કે. કબૂલ છે કે ઇસ્લામ ત્રાસવાદ શીખવતો નથી. ઓ.કે. કબૂલ છે કે ત્રાસવાદનો કોઈ ધર્મ હોતો નથી (પણ દરેક ત્રાસવાદીનો એક ધર્મ જરૂર હોય છે) જે માણસ હાથમાં બંદૂક લઈને નિર્દોષોની હત્યા કરવા ઊભો છે એને માટે આટલી ચર્ચા શેના માટે? એના માટે બંદૂકની એક ગોળી કાફી નથી?
બુરહાન વાની જેવા જો બુલેટની જ ભાષા સમજતા હોય તો એમને બુલેટની ભાષામાં જ જવાબ આપવો પડે. પેલો માઇક બહાદુર કન્હૈયો જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ‘આઝાદી’ ‘આઝાદી’ની બૂમો પાડતો હતો એ હવે ત્રાસવાદથી આઝાદીના નારા કેમ લગાવતો નથી? ધર્મયુદ્ધ તો મહાભારતમાં પણ હતું, કૃષ્ણનો ઉપદેશ સ્પષ્ટ છે-અર્જુનને ઉપદેશ, કંસનો વધ અને શિખંડી? યુદ્ધના અઢારમા દિવસે અશ્વત્થામા શિખંડીને હણી નાખે છે. શિખંડીઓ દુર્યોધન જેટલું પણ લાંબું ન જીવવા જોઈએ.
ધર્મ વ્યક્તિગત બાબત છે. ટોળું જ્યારે ધર્મની દુહાઈ આપીને રસ્તા પર ઊતરી આવે ત્યારે ધર્મ સૌથી પહેલો ભાગી જાય છે. જેના હાથમાં હથિયાર છે એને સમજાવવાનું કામ સંતોનું છે. મૌલાનાઓનું છે. રાજ્ય એને સમજાવી ન શકે. રાજ્યનું કામ એને કાબૂમાં કરવાનું છે. સ્યુસાઇડ બોમ્બરને શાંતિની વાતો કરીને અટકાવી ન શકાય. એને એલિમિનેટ કરવો પડે. એક હજાર બુરહાન વાનીઓ પેદા થાય, પણ કાશ્મીર સમસ્યાનો ઉકેલ ન લાવી શકે. કાશ્મીર રાજકીય સમસ્યા છે, ધાર્મિક સમસ્યા નથી અને રાજકીય સમસ્યા સ્યુસાઇડ બોમ્બિંગ કે બુરહાન જેવાઓથી ઉકેલાતી નથી.

ત્રાસવાદ સાથે ઇસ્લામને કંઈ લાગતુંવળગતું નથી એમ ઇસ્લામિક સ્કોલર્સ સતત કહ્યા કરે છે, પણ એમનો અવાજ બંદૂકના દરેક ધડાકા નીચે, બોમ્બના પ્રત્યેક વિસ્ફોટ નીચે દબાઈ જાય છે. ત્રાસવાદનું દરેક કૃત્ય બિનમુસ્લિમોના દિમાગમાં વિષનું એક ટીપું નાખે છે. રજબઅલી લાખાણી તમારો હીરો નથી અને જો બુરહાન વાની છે તો આ દેશમાં શાંતિની વાતોને ભૂલી જવી પડશે. અમરનાથ યાત્રીઓને જે રીતે કાશ્મીરમાં બાનમાં લેવાયા તે અકલ્પનીય હતું. અમરનાથ યાત્રીઓને બુરહાન સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો. જો તોફાનીઓએ યાત્રીઓની એકાદ બસને આગ ચાંપી હોત તો ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોનું પુનરાવર્તન જ થયું હોત. દિનપ્રતિદિન ઇસ્લામ વિરુદ્ધ મજબૂત બની રહેલો અન્ડર કરંટ સમગ્ર ભારતની શાંતિ માટે ચિંતાજનક બાબત છે.

કાશ્મીરની સમસ્યાનો એકમાત્ર ઉકેલ આર્ટિકલ 370ની નાબૂદી છે. કાશ્મીર જ નહીં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતનો જ ભાગ છે. ભાજપ સત્તા પર આવ્યું એ પહેલાં આર્ટિકલ 370 દૂર કરવા જોરશોરથી હોબાળો મચાવતું હતું, હવે એ કેસરિયા બ્રિગેડ આર્ટિકલ 370 સગવડપૂર્વક ભૂલી ગયું છે. વૈશ્વિક નેતા બનવાના આવા ધખારા જવાહરલાલ નેહરુને ઉપડ્યા હતા અને તેનાં ફળો આપણે હજુ ભોગવીએ છીએ. હવે મોદી પણ નેહરુના ચાળે ચડ્યા હોય એમ લાગે છે. મેડિસિન સ્ક્વેર ગાર્ડનમાં તમારા ભાષણથી અમે ખુશ થયા. અમેરિકાના કોંગ્રેસમેનોને તમે મંત્રમુગ્ધ કર્યા એ પણ અમે માની લીધું. હવે શ્રીનગરના લાલચોકમાં એક જોરદાર, ‘56’ ઇંચની છાતીવાળું ભાષણ આપો એની અમે રાહ જોઈએ છીએ.

આર્ટિકલ 370 હટાવવાથી રક્ત રેડાશે? તો એમાં શું હરકત છે? કોઈ નવજાતનો પ્રસવ થાય ત્યારે પણ રક્ત રેડાતું હોય છે. આ તો આખા એક પ્રદેશના નવા જન્મની વાત છે. આર્ટિકલ 370 એ કાશ્મીરને ત્રાસવાદ સાથે જોડી રાખતી નાળ છે. આ નાળ કાપ્યા વિના કાશ્મીરી ત્રાસવાદનો ઉકેલ નહીં આવે. ચોક્કસપણે કાશ્મીરીઓના માનવ અધિકારની ચિંતા કરવી જોઈએ અને દરેક કાશ્મીરી પંડિતોના મૂળભૂત અધિકારોની ચિંતા પણ એટલી જ તીવ્રતાથી કરવી જોઈએ. કાશ્મીર માટે શહીદ થનારા જવાનો પણ કાશ્મીરમાં જમીનનો ટુકડો ન ખરીદી શકે એ ક્યાંનો ન્યાય છે?
આર્ટિકલ 370ની નાબૂદી એ કોઈ રાજકીય કે ધાર્મિક મુદ્દો નથી એ ભારતના સાર્વભૌમત્વનો પ્રશ્ન છે. રાજનીતિમાં અહિંસા અસાધ્ય રોગ છે. કેટલાક જડસુ અહિંસાવાદીઓ કાશ્મીર સમસ્યાનો એકમાત્ર ઉકેલ એ કાશ્મીરના ભારત સાથેના જોડાણનો અંત જુએ છે. અહિંસાનો અંતિમવાદ ભારે ખતરનાક છે. ગાંધીજીએ આવેશમાં એક વાર ઝીણાને અખંડ ભારતના પ્રધાનમંત્રી બનવાની ઓફર આપી દીધી હતી. ઝીણાએ આ ઓફર સ્વીકારી હોત તો શું થાત એની કલ્પના કરતાં પણ ધ્રુજારી છૂટી જાય છે.

હવેનો સમય એક્શનનો સમય છે. સૂકા ભેગું લીલું બળશે એવી ચિંતા કરવામાં ને કરવામાં ‘સૂકા’એ લગાડેલી આગ રોજેરોજ આગળ વધી રહી છે. આ આગની ઝપટમાંથી બચવું હોય તો લીલું સૂકા કરતાં દૂર ખસી જાય એ જ હિતાવહ છે. દીવાલો પરનું લખાણ સ્પષ્ટ છે, પ્રજામાં વહેતો અંડર કરંટ સ્પષ્ટ છે, કૌરવોના આત્યંતિક ‘ત્રાસવાદ’થી ત્રસ્ત થઈને કુંતીએ કહ્યું હતું, ‘પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ!’ મહાભારતમાં યુદ્ધ એ જ રાજધર્મ હતો.
રાજધર્મ યાદ કરાવતાં મોદીને વાજપેયીએ 2002માં કહ્યું હતું, ‘જ્ઞાતિ, જાતિ કે સંપ્રદાયની સામે જોયા વિના રાજધર્મનું પાલન કરવું જોઈએ. ફરી એક વખત એવો સમય છે કે જ્ઞાતિ, જાતિ કે સંપ્રદાય જોયા વિના રાજધર્મનું પાલન કરવું જ પડે. લોકશાહીમાં પ્રજા એ જ કૃષ્ણ છે. પ્રજાએ અર્જુનને રથ પર બેસાડ્યા છે, પણ અર્જુન હવે રાજધર્મનું પાલન નહીં કરે તો એ જ પ્રજા કાંઠલો પકડીને અર્જુનને રથ પરથી ઉતારી મૂકશે.

જનોઈવઢ : લોકોને તેમની લાયકાત પ્રમાણેના નેતાઓ મળી જ રહેતા હોય છે.
pranav.golwelkar@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો