તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયલલિતા-શશિકલા : રહસ્યમય રિશ્તેદારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયલલિતા-શશિકલા : રહસ્યમય રિશ્તેદારી
વર્ષ 2016માં જ અવસાન પામેલાં જયલલિતા જે રીતે એમ.જી. રામચંદ્રનના પક્ષ અને પદને ‘કિડનેપ’ કરી ગયાં હતાં, એ જ મનસૂબો તેમનાં સખી શશિકલાનો હતો, પણ એન ટાંકણે સુપ્રીમ કોર્ટે સજાની સુનાવણી કરી દેતાં શશિકલા સળિયા પાછળ ધકેલાઈ ગયાં છે. દક્ષિણ ભારતની ફિલ્મો અને તમિલનાડુના રાજકારણથી વાકેફ હશે એ લોકો જાણે છે કે આ આખો પ્રદેશ વ્યક્તિપૂજાની માનસિકતાવાળો છે. ડીએમકે પક્ષના સર્વેસર્વા કરુણાનિધિ હતા તો એમ.જી. રામચંદ્રન તેમાં ખાસ ચેલા જેવા.

ગુરુથી છુટ્ટા પડીને એમજીઆરે (રામચંદ્રન) 1972માં અન્ના ડીએમકે પક્ષ બનાવ્યો ત્યારે પહેલાં જયલલિતા તેમના ‘ખાસ’ બનીને અલગ થઈ ગયાં હતાં. મુખ્યમંત્રી બન્યાં પછી પક્ષ માટે ‘સ્ટારપાવર’ હોવો જોઈએ એ ગણતરીથી એમજીઆરે જયલલિતાને ફરી પક્ષમાં લીધાં. થોડાં જ સમયમાં જયલલિતા બીજી પાયદાનનાં નેતા બની ગયાં એટલે અન્ય નેતા તેમજ એમજીઆરનાં પત્નીને ખટકવા માંડ્યાં. પક્ષમાં ‘સુપરસ્ટાર’ બની ગયેલાં જયલલિતા પણ ક્યારેક એમજીઆરની સૂચનાનું પાલન ટાળવા માંડ્યા હતાં એટલે તેમને કોર્નર કરવાના પ્લાન થવા માંડ્યા. એ જ અરસામાં (1984) એમજીઆરને પેરાલિસિસની સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવ્યા.

જયલલિતાના બંગલાની નજીક જ શશિકલા અને તેમના પતિ નટરાજનનું વીડિયો પાર્લર હતું. જયલલિતા એમને ત્યાંથી વીડિયો કેસેટ મંગાવતી. એ પરિચય પછી જયલલિતાના જાહેર કાર્યક્રમોનું વીડિયો શૂટિંગનું કામ શશિકલાને મળવા લાગ્યું. લકવો થયા પછી, દોઢ મહિને એમજીઆર ભારત આવ્યા ત્યારે જયલલિતા સાથે એવી રમત કરવામાં આવી હતી કે તેઓ એરફોર્સના રનવે પર એમજીઆરનું વિમાન આવવાની રાહ જોતાં રહ્યાં.

પોતાના તમામ સ્વજનોથી અલગ થઈ ગયેલા જયલલિતાને નજરઅંદાઝ કરવાના દિવસોમાં શશિકલાનો સહારો જ હતો. 24 ડિસેમ્બર, 1987ના દિવસે એમજીઆર શ્રીજીચરણ પામ્યા અને તેમના અગ્નિ સંસ્કારમાં જયલલિતાને હાજર રહેવા ન દેવાયા, એ પહેલાં શશિકલા જયલલિતાની હાઉસકિપર અને કેરટેકર બની ગઈ હતી. 1991માં જયલલિતા તમિલનાડુની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં ત્યાં સુધીમાં તો શશિકલા પતિ સમેત મુખ્યમંત્રી આવાસમાં રહેવા લાગ્યાં હતાં.

એ પછી તો જયલલિતાની આસપાસના તમામ લોકો બદલાઈ ગયા. હવે જે લોકો હતા, તે શશિકલા અને નટરાજનની પસંદગીના લોકો હતા. જયલલિતાએ તેના પ્રથમ મુખ્યમંત્રી કાળમાં જ ચુન ચુન કે વેર લીધા. લાગતા વળગતાઓને મન ફાવે તેમ વર્તવા દીધા. શશિકલા અને તેનો પરિવાર મન્નારગુડીનો હોવાથી તેમના માટે ‘મન્નારગુડીના માફિયા’ શબ્દ પ્રચલિત થઈ ગયો હતો. જોકે, એ પછી જયલલિતાએ શશિકલાના પતિ નટરાજનને ઘરમાંથી કાઢી મૂક્યો અને શશિકલાનો કાયમ બચાવ (નિર્ણયો હું જ લઉં છું. એ ઘર જ સંભાળે છે મારું) જ કર્યો. એક જ શહેરમાં રહેતા પતિ સાથે શશિકલા સંપર્ક નહીં કરતી હોય, એવું જયલલિતા માનતાં.

તેમણે શશિકલાના ભત્રીજા સુધાકરણને દત્તક લીધો. આ નિર્ણયે હલચલ મચાવી દીધી, કારણ કે જયલલિતા શ્રીરંગમ બ્રાહ્મણ હતી. સુધાકરણ થેવર સમુદાયનું સંતાન હતો. (ખરેખર તો એ જયલલિતાનું વોટ બેન્ક લોજિક હતું. ચૂંટણીમાં હાર્યા પછી સુધાકરણને કોરાણે મૂકી દીધો હતો!) સુધાકરણને પુત્ર તરીકે દત્તક લીધા બાદ જયલલિતાએ સુપરસ્ટાર શિવાજી ગણેશનની પૌત્રી સત્યાલક્ષી સાથે લગ્ન એનાઉન્સ કર્યાં. લગ્નમાં બે લાખ લોકો સામેલ થયા હતા અને સો કરોડ રૂપિયા ખર્ચવામાં આ‌વ્યા હોવાની ચર્ચા હતી. જયલલિતા અને શશિકલાનાં સોનાનાં આભૂષણોથી લથબથ ફોટા પણ વાઇરલ થયા હતા.

એ પછી ચૂંટણીમાં જયલલિતા હારી અને જીતેલા કરુણાનિધિએ પ્રથમ શશિકલાને જેલમાં નાખી. એ વખતે જયલલિતાએ જાહેર કરી દીધું કે, મારે તેની સાથે કોઈ સંબંધ (1996) નથી.  16 મે, 2016ના રોજ જયલલિતા મતદાન કરવા ગયાં ત્યારે શશિકલા સાથે હતાં. 19મીએ આવેલાં પરિણામોએ જયલલિતાને ચોથી વખત તમિલનાડુનાં મુખ્યમંત્રી બનાવ્યાં. 5 ડિસેમ્બરે (2016) જયલલિતા દેવલોક પામ્યાં ત્યારે પણ તેમના ઓરડામાં શશિકલા તો હતાં જ. કોઈને જયલલિતાનું શશિકલા સાથેનું વળગણ સમજાયું નથી. સીમી ગરેવાલે તો જયલલિતાને પૂછી પણ લીધું હતું કે, તમે અને શશિકલા સમલિંગી (લેસ્બિયન) છો? હું આવી વાતો પર ધ્યાન આપતી નથી, એવા જવાબ આપનારી જયલલિતા હવે નથી. શશિકલા જેલમાં છે. કોઈને ખબર નથી કે ભવિષ્યમાં શશિકલા અને તમિલનાડુનું શું થશે?
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો