બોલો, દેખા હૈ કભી તુમને મુઝે, ઉડતે હુએ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલો, દેખા હૈ કભી તુમને મુઝે, ઉડતે હુએ!
પહેલાં જીતેન્દ્ર, પછી વિનોદ મહેરા, ત્યારબાદ કિરણકુમાર અને પછી એબોવ ઓલ અમિતાભ બચ્ચન સાથેના સંબંધોમાં પણ છવાયેલી રેખામાં પણ મા પુષ્પાવલ્લી જેવી તડપ ધધકતી હતી. કોઈની પત્ની બનીને તેની અટક સાથે જીવવાની આગ. આખરે એ પણ ઠરી. મુકદ્દર કા સિકંદર પછી અમિતાભ બચ્ચન સાથેનો રિશ્તો બહુ પાછળ છૂટી ગયો હતો. રેખા હવે અંગત મિત્રોમાં ‘ઠરીઠામ’ થઈ જવાની વાતો (તેની ફિલ્મ કરિયર પણ ઢલાન પર આવી ગઈ હતી) કરતી હતી. દિલ્હીથી આવી જ એક અંગત મિત્ર જાણીતી ફેશન ડિઝાઇનર બીના રામાણીનો રેખા પર એક દિવસ ફોન આવ્યો.
 
તે એક ફેન સાથે રેખાની વાત કરાવવા માગતી હતી. રેખાએ વાત કરવાની બદલે એ ફેનનો નંબર લીધો. તેનું નામ મુકેશ અગ્રવાલ. દિલ્હીનો નવો-નવા ધનાઢ્ય થયેલો બિઝનેસમેન. ગ્લેમર વર્લ્ડનો શોખીન. દિપ્તિ નવલને તેણે બહેન બનાવેલી. ફુરસદે રેખાએ મુકેશ અગ્રવાલને ફોન કર્યો અને... મુકેશ અગ્રવાલ રેખા પર ઓ‌વારી ગયો. એકાદ-બે મુલાકાત પછી બંને લગ્ન કરવા તૈયાર થઈ ગયાં. મિલેનિયમ સ્ટાર સાથે નામ જોડાયેલું હોય એવી હિરોઇન વાયદો તોડી નાખે તો?

મુકેશ અગ્રવાલને આવો ભય લાગ્યો હશે એટલે પ્રપોઝલ પછી જેવી રેખાએ પોઝિટિવ સાઇન આપી કે તેણે તત્કાળ મેરેજ કરી લેવાની વાત કરી. આમ પણ હેડલાઇનમાં રહેવાની લાલચ દરેક સેલિબ્રિટીને હોય છે અને આવા સરપ્રાઇઝ મેરેજના ન્યૂઝ કેવો ભૂકંપ સર્જે? કોમન મિત્ર સાથે રેખા અને મુકેશ અગ્રવાલ મંદિર શોધવા નીકળી પડ્યાં. એક મંદિર મળ્યું, પણ તેમાં પૂજારી નહોતો. જુહૂના ઇસ્કોન મંદિરમાં ભીડ બહુ હતી. ઇસ્કોન નજીકનું મુક્તેશ્વર દેવાલય મંદિર ઠીક લાગ્યું,

પણ રાતના દસ વાગી ગયા હોવાથી મંદિર બંધ હતું. સદ્્ભાગ્યે મંદિરની બાજુના જ ઓરડામાં પૂજારી રહેતા હતા. તેને જગાડીને લગ્ન માટે તૈયાર કરાયો. તેણે મંદિરનો નિયમ તોડીને લગ્ન કરાવી આપ્યાં અને ભાનુરેખાને નવું નામ મળી ગયું: રેખા અગ્રવાલ. એ ચોથી માર્ચ, 1990ની  રાત હતી. અભિનેત્રી રેખાની ઇમેજ આમ પણ બોલ્ડ અને બિન્ધાસ્ત તેમજ લૂઝ કેરેક્ટરની લોકમાનસમાં પહેલેથી જ હતી. છાને ખૂણે સેક્રેટરી અને સખી ફરઝાના સાથેના તેના સંબંધો પણ કાયમ પ્રશ્નાર્થ જગાવતા રહ્યા હતા,

તે મુકેશ અગ્રવાલની આત્મહત્યા પછી બધું બળવત્તર બનવાના હતા. રેખા પર તાજેતરમાં જ ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’ પુસ્તક લખનારા યાસિર ઉસ્માન આ ઘટનાના વેરવિખેર તાણાવાણા ગૂંથીને આપણને એક રફ ચિત્ર દોરી આપે છે. એ મુજબ, 36 વર્ષની રેખાને પરણેલો મુકેશ અગ્રવાલ પહેલેથી જ ડિપ્રેશનનો શિકાર હતો અને આનંદ બજાજ નામની લેડી ડૉક્ટર પાસે સારવાર ચાલતી હતી. લાંબી પડપૂછ વગર ઉતાવળે કરેલાં લગ્નમાં આવી વાતો ખૂલી નહોતી, પણ રેખાને હનીમૂન દરમિયાન ખબર પડી કે મુકેશ નિયમિત ડિપ્રેશન માટેની દવા લે છે. રેખાએ તેના પર લક્ષ ન આપ્યું. એ મુંબઈ-દિલ્હીની લાઇફ જીવવા લાગી. વીક એન્ડ પર એ દિલ્હી મુકેશ પાસે જ હતી.

જોકે, બે-ચાર મહિનામાં જ રેખાને સમજાઈ ગયું કે મુકેશને માત્ર તેની ગ્લેમરસ ઇમેજમાં જ રસ હતો. રેખા સમજી ગઈ અને તેણે દિલ્હી જવાનું બંધ કરી દીધું. મુકેશ કે તેની ભાભીના ફોન રિસીવ કરવાનું તેણે છોડી દીધું. એક વખત મુકેશ તેની ભાભી સાથે મુંબઈ આવીને રેખાના ઘેર પહોંચી ગયો, પણ રેખાની બદલે સામનો સેક્રેટરી ફરઝાનાનો થયો. રેખાએ અલગ થઈ જવાનું મન બનાવી લીધું હતું. તેને લગતા કાગળ પણ તેના વકીલે મોકલી આપ્યા હતા. હવે કોર્ટનો મામલો હતો એટલે રેખા પોતાના એક શો માટે ન્યૂયોર્ક ગઈ હતી. બસ, ત્યારે જ...

મુકેશ અગ્રવાલે 2 ઓક્ટોબર, 1990ના દિવસે દિલ્હીના ફાર્મહાઉસમાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી. લોકોનો આક્રોશ એવો હતો કે ભારત આવ્યા પછી રેખા પોતાના સાસરે પતિનો ખરખરો કરવા પણ ન ગઈ. એ જ અરસામાં રિલીઝ થયેલી ‘શેષનાગ’ ફિલ્મ ધોવાઈ ગઈ. મુકેશ અગ્રવાલને ભાઈ માનતી દિપ્તિ નવલે તંત્રી નિશિ પ્રેમને કહેલું, ‘મેં ફોન પર મુકેશને ફરઝાનના પાસે રડતાં-કરગરતાં જોયો. એ વિનવણી કરતો પ્લીઝ, મારી તેની (રેખા) સાથે વાત કરાવી દો. હું એમ નથી કહેતી કે ભૂલો માત્ર રેખાની જ હશે,  પરંતુ રેખાએ તેના પ્રત્યે થોડા સંવેદનશીલ થવાની જરૂર હતી!’

પણ રેખાના જીવનમાં કદાચ કોઈ પરમેનન્ટ પુરુષ ડેસ્ટિનીએ લખીને મૂક્યો જ નહોતો. જ્યારે જરૂર હતી ત્યારે પિતા જેમિની ગણેશન પણ તેની પાસે નહોતા તો જ્યારે ઝંખના હતી એ પુરુષો પૈકીનું પણ કોઈ તેની સાથે કાયમ રહ્યું નહીં. રહી ગઈ તો માત્ર રેખા, એકલી. હા, ફરઝાના તેની સાથે લાઇફ ટાઇમ રહેશે એવું લાગે છે, કારણ કે હવે કામ નથી, છતાં સેક્રેટરી તરીકે રેખાએ હજુ તેને પોતાની સાથે જ રાખી છે! {
 
અન્ય સમાચારો પણ છે...