તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વજન મુજબ ટિકિટભાડું, ડાયટિંગ પ્રમાણે સોનું!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાસ્ટ ફૂડ કલ્ચર અને લાઇફમાં આવેલી કમ્ફર્ટની બેવડી ઇફેક્ટે જગત આખાને ‘જાડિયાપણાં’ની સમસ્યા માટે ચિંતાતુર બનાવી દીધું છે
ગૂગલ નહીં, પણ ગિનીસ રેકોર્ડને સર્ચ કરો તો જોન બ્રોઅર નામના એક અમેરિકન વિષે વાંચવા મળશે. 1941માં જન્મેલા આ જોનભાઈની ઓબેસિટી વિશ્વખ્યાત બની ગઈ છે. બાવીસ વર્ષે તેનું વજન એકસો અઠ્ઠોતેર કિલો હતું. તે પછીનાં તેર વર્ષ દરમિયાન મોંઘવારીની જેમ વધીને ચારસો બેતા‌ળીસ કિલો થઈ ગયું હતું. તેને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો અને પ્રતિ દિવસ માત્ર બારસો કેલરીના ડાયટ પર રાખીને (લગભગ અડધું વજન ઉતરાવીને) બસ્સો સોળ કિલોના ધબકતાં આ ‘પોટલા’ને રજા આપવામાં આવી. જોકે, બે વર્ષ પછી, 1981માં તેને ફરી હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. ક્યૂં કી ફરી તેનું વજન નેવ્યાશી કિલો વધી ગયું હતું. જોન બ્રોઅરનું 1983માં માત્ર બેતા‌ળીસ વર્ષે અવસાન થયું ત્યારે તેનું વજન ત્રણસો બાંસઠ કિલો હતું!

પૂરી સિમ્પથી સાથે કહી શકાય કે ઉંમર અને ઊંચાઈ (છ ફૂટ, એક ઇંચ)ના પ્રમાણમાં જોન બ્રોઅરનું વજન માત્ર ત્રણસો કિલો વધુ હતું! ફર્ગેટ ઇટ. ગૂગલ-ગિનીસ પર પણ પૂળો મૂકીએ તો પણ એ સચ્ચાઈથી આપણે ચહેરો છુપાવી શકીએ તેમ નથી કે પૃથ્વી પર વસતાં નર-નારીઓ વ્યક્તિગત કોઈ મોટી અાફતનો સામનો કરી રહ્યાં હોય તો એ ઓબેસિટી. જાડિયાપણું આખા જગતને મહદંશે પજવી રહ્યું છે. ‘બધાઈ હો બધાઈ’ ફિલ્મમાં આ જાડિયાપણાના મુદ્દે અનિલ કપૂરે આપણને હસાવેલા તો ‘દમ લગા કે હઇશા’ મારફત આપણે જોયું કે ફેટીઝમ સામાજિક સ્તરે પણ કેટલું નડતર કે અડચણરૂપ છે. સોશિયોલોજીના અભ્યાસુ તો એક દશકા પહેલાંથી કહેતા રહ્યા છે કે, (આતંકવાદ અને પર્યાવરણના પલટાની જેમ) ઓબેસિટી બાબતે પણ સજાગ થઈ જવાનું રેડ સિગ્નલ ક્યારનું તગતગી રહ્યું છે, કારણ આ નાચીઝ લેખક કરતાં તમે વધારે સારી રીતે જાણો છો છતાં કહીએ તો.
ફાસ્ટ ફૂડ કલ્ચર અને લાઇફમાં આવેલી કમ્ફર્ટની બેવડી ઇફેક્ટે જગત આખાને ‘જાડિયાપણાં’ની સમસ્યા માટે ચિંતાતુર બનાવી દીધું છે. ભવિષ્યને જોઈ શકતાં અભ્યાસુ લોકોને એ ફિકર કોરી ખાઈ રહી છે કે મારી-તમારી વાત તો સમજ્યા, પણ ઓબેસિટીનો ભોગ સૌથી વધારે બચ્ચાંઓ બની રહ્યાં છે. મિસિસ મિશેલ બરાક ઓબામાએ તો આ કઠણાઈને રાષ્ટ્રીય સુરક્ષાનો ગંભીર મુદ્દો ગણાવ્યો છે, તો ‘જાડિયાપણાં’થી પરેશાન બીજા દેશોએ કાયદા-કાનૂન બનાવી દીધા છે કે લાભ ઓફર કર્યા છે. સુમો પહેલવાન માટે જાણીતા જાપાને ‘માટાબો’ નામનો કાયદો બનાવીને ચાલીસથી પંચોતેર વર્ષના તમામ લોકોના વજનને મોનિટર કરવાનો અમલ શરૂ કરી દીધો છે. કમરનો ઘેરાવો 35.5 ઇંચ (પુરુષ માટે) અને 33.5 ઇંચ (સ્ત્રી માટે) વધે તો તેને ‘ખતરે કી ઘંટી’ માને છે જાપાન.

સાઇબીરિયા જેવા ઠંડા પ્રદેશના ગર્વનરે એવી સ્કીમ લોન્ચ કરી છે કે જે વ્યક્તિ જેટલા કિલો વજન ઉતારશે તેને એટલા જ વજનનાં લાકડાં (તાપણાં માટે) ફ્રી આપવામાં આવશે. મોટાપાની સમસ્યાનો સામનો કરતાં ટોપ ટેન દેશોમાં અમેરિકા પણ છે. તેના મિસિસિપી રાજ્યના સત્તાધીશોનો વિચાર એવો છે કે જાડિયા લોકોને રેસ્ટોરાંમાં પ્રવેશ જ ન આપવો જોઈએ. અલબત્ત, મિસિસિપીમાં એ નિયમ બનાવી દેવાયો છે કે સ્કૂલમાં દાખલ થતાં દરેક બચ્ચાંએ અઠવાડિયામાં કમ સે કમ અઢી કલાકનો વ્યાયામ કરવો જ પડશે. આપણે ત્યાં તો જાડિયા લોકો માટે જ વસ્ત્રો બનાવતી કંપનીઓ છે, પણ વસ્ત્રો બનાવતી એક અમેરિકન કંપનીએ તો એક્સએલ કે ડબલ એક્સએલ સાઇઝનાં કપડાં જ નહીં બનાવવાનું જાહેર કરી ચૂકી છે. પોપસિંગર માઇલી સાયરસે આ કંપનીનો વિરોધ કરીને પોતાના વોર્ડરોબમાં રહેલાં આ કંપનીનાં વસ્ત્રો સળગાવી દેવાનું કહી ચૂકી છે! જોકે, કંપની પોતાની વાત પર અડીખમ છે કે એ નોર્મલ લોકોનાં જ કપડાં બનાવશે.

એ જ રીતે મોટાપાનો ઇનડાયરેક્ટ વિરોધ કરવા માટે અમેરિકાની સામોઆ એરલાઇન્સે મુસાફરોના વજન પ્રમાણે ટિકિટનો ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે, તો ન્યૂઝીલેન્ડે તો એક ચોક્કસ સાઇઝ પછીના જાડિયાઓને પ્રવેશ આપવાનું જ બંધ કરી દીધું છે એવું પોકેટ બુક્સના નંબર વન રાઇટર સુરેન્દ્ર મોહન પાઠક લખી ચૂક્યા છે. પોતાની રસપ્રદ પ્રસ્તાવના માટે જાણીતા સુરેન્દ્ર મોહન પાઠકે એ માહિતી પણ આપી છે કે દુબઈમાં જાડા લોકો પોતાનું શરીર ઉતારે એ મુજબ તેને સોનાના સિક્કાથી સન્માનવામાં આવે છે. (મોટાપા પીડિતોમાં યુનાઇટેડ આરબ અમીરાત નંબર વન સ્થાન પર છે!) આ રીતે રમજાન દરમિયાન વજન ઉતારનારા ત્રણ લોકોને સાડા પાંચ હજાર ડોલરની કિંમતના સોનાના સિક્કા પણ આપવામાં આવ્યા હતા!

બેશક, આ કે આવા નિયમો કે ઓફરો જાડિયાપણાંની ઠેકડી ઉડાડવા નહીં, પણ લોકોને ઓબેસિટી પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યા છે. એ આવશ્યક પણ છે. મોટા પ્રમાણમાં સાઇકલ વાપરતા વિયેટનામમાં મોટાપાની સમસ્યા જરાય નથી, પણ મોટાભાગની દુનિયામાં જંક ફૂડની તગડી કેલરી અને (વાહન, એસી સાથેની પરસેવા-મહેનત વગરની) કમ્ફર્ટ લાઇફે આમ જુઓ તો આપણા બધાની વાટ લગાડી દીધી છે!
nareshshah01@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો