મેરે અપને, મેરે હોને કી નિશાની માંગે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એ આજે સ્કૂલની દોડ સ્પર્ધામાં ઊતર્યો છે, પગમાં પોલિયો અને કાખઘોડીનો સહારો હોવા છતાં. બધાં જાણે છે તેમ એ બીજાં નોર્મલ બાળકોની જેમ દોડ સ્પર્ધામાં વિજેતા થાય તેવી કોઈ શક્યતા નથી, પણ અગત્યનું તેનું વિજેતા થવું નથી. મહત્ત્વનું તે રેસમાં ઊતર્યો તે છે અને તેનો હાથ રિક્ષા ચલાવતો પિતા તો માત્ર એટલું જ ઇચ્છે છે કે, બસ દીકરો દોડ પૂરી કરી લે. ભલે, છેલ્લો આવે. શારીરિક અપંગતાથી પુત્ર છેલ્લો ભલે રહે, પણ હારે નહીં. તૂટે નહીં એવું ઇચ્છતો પિતા ખોડંગાતી ચાલે રેસમાં ઊતરેલા પુત્રને બેકઅપ કરે છે, પણ લબડતા પગ અને કાખઘોડીનું બેલેન્સ ગુમાવી પુત્ર પડી જાય છે. ચોતરફ સન્નાટો. પિતા ચિંતિત અને પુત્ર લાચાર. પરવશ આંખે તે પિતા તરફ નજર માંડે છે અને પુત્રને ચિલ્લાઈને પોરસ ચડાવતા મહેમૂદને માથું ખનકે છે. ના, મારો પુત્ર હારશે નહીં.

એ ગ્રાઉન્ડમાં કૂદી પડે છે અને ધૂળમાં પડેલા પુત્રને તેડીને રેસમાં સામેલ થઈ જાય છે અને... ‘કુંવારા બાપ’ ફિલ્મના આ દૃશ્ય પછી કયો સીન આવે છે એ ક્યારેય જોઈ શકાયો નથી, કારણ કે તમારી આંખે કાયમ આ દૃશ્ય જોઈને ઝળઝળિયાં બાઝી ગયાં છે. આ દૃશ્યમાં કશુંય અસહજ નથી લાગતું, કારણ કે પુત્ર માટે જગતમાં પિતાથી મોટું પીઠબળ બીજું એકેય નથી હોતું. એક પિતા જ હોય છે કે જે સંતાનો તરફ આવતી સમસ્યાઓ માટે માઉન્ટેનની માફક ઊભો રહેતો હોય છે અને અંદરખાનેથી એ બાળકો માટે મોરપીંછ જેવો મુલાયમ પણ હોય છે. જગતમાં જાતિગત રીતે સૌથી વધારે અન્યાય સ્ત્રીઓ સાથે થયો છે, પણ અંગત રીતે દૃઢપણે માનવું છે કે કુદરતી રીતે ગોઠવાતા સંબંધોમાં સૌથી વધુ અન્યાય કોઈને થતો રહ્યો છે, તે સંબોધન એક જ છે: પપ્પા, પિતા, ડેડી, ફાધર.

હા, નેક્સ્ટ સન્ડેએ ફાધર્સ ડે છે. પપ્પાનો દિવસ.
આપણે એક એક્સ્ટ્રીમિસ્ટ છીએ. આપણે શ્રીમંતોને હંમેશાં લાલચુ કે સ્વાર્થી જ કહ્યા. સ્ત્રીને માસૂમ તેમજ અબળા જ ગણી અને પુરુષોને અધિકારવાદી, અભિમાની, જુલ્મી કે આપખુદ જ માન્યા. એ જ રીતે માતા એટલે પ્રેમનો દરિયો અને પિતા એટલે કડપનો ઉકળતો ચરુ. પુરુષને જડ કે જંગલી ગણ્યો એટલે પિતાને પણ પ્રેમ કે લાગણીહીન માની લેવામાં આવ્યો, પરંતુ ખરેખર એવું હતું નહીં અને છે પણ નહીં.

એક આદર્શ પિતા કોઈ રીતે ઉત્તમ માતાથી ઊતરતો હોતો નથી. એ પણ સેન્ટી હોય છે. એ પણ કાળજી લેનારો હોય છે અને પિતાને પણ સંતાનો માટે માતા જેટલી જ ચિંતા હોય છે, પણ માતા-પિતાના જીવનની પ્લેટ જુદા જુદા બેલેન્સ પોઇન્ટ પર ફરતી હોય છે, એટલે સરખામણી શક્ય નથી. માતા માટે ઘર પ્લેટફોર્મ છે અને એટલે સંતાનોને (અને આખી દુનિયાને) માતા સાથેનું બોન્ડિંગ વધુ મહેસૂસ થાય છે જ્યારે પિતા માટે? પિતાએ ઘરની બહાર રહેવું ફરજિયાત છે, કારણ કે ઘર ચલાવવાનું છે અને સંતાનોનો ઉછેર થાય એ વાસ્તે પૈસા કમાવવાના છે.

ઘર અને બહારની દુનિયાની આ મૂળભૂત વ્યવસ્થાએ માતા અને પિતાના પ્રેમ, લાગણી, કાળજી, હૂંફ, ચિંતા અને જવાબદારી વચ્ચે ટાઇટેનિક અને સ્પીડબોટ જેટલું અંતર હોવાનો ભ્રમ ઊભો કરી નાખ્યો. વાસ્તવમાં એવું હોતું નથી. માતા બાળકને નવ માસ પેટમાં પોષે છે તો પિતા દસમા મહિનાથી સંતાન પગભર થઈ ન જાય ત્યાં સુધી તેને પોષે છે. તેના માટે પૈસા કમાવા નીકળી પડે છે. ટાર્ગેટ પૂરા ન થતાં હોય તો ચાપલૂસી કરે છે. બોસનું ઇનસલ્ટ સહન કરે છે. ન ગમતી નોકરી કર્યે રાખે છે અને ધિક્કાર છૂટતો હોય તેની સાથે પણ કામ કરી લે છે. જિંદગી જીવવા કે કરિયર બનાવવા માટે પિતા (સંતાનના જન્મ પછી) આંધળૂકિયા કરતો નથી. મમ્મી રોજ રસોઈથી કંટાળે તો રવિવારે રેસ્ટોરાં છે અને ઘરકામ કરવા માટે ‘આયા’ છે. સરેરાશ પપ્પાઓ પાસે પૈસા કમાવવા માટે બીજો કોઈ ‘માણસ’ નથી હોતો. એ તેણે જ કમાવા પડે છે.

અને સાહેબ, બે નગ્ન સત્ય તો તમે જાણો જ છો. એક, પૈસા કમાવા એ દુનિયાની સૌથી અઘરી કળા છે અને બે, ઘરના ઊંબરા બહાર નઠારું જ વધારે હોય છે અને એ નઠારાપણા સાથે રોજ ધિંગાણે ચડતો હોય છે એક પિતા, ફાધર, ડેડી, પપ્પા.
છેલ્લે, એક અનુભવ

એક દિવસે પુત્ર પ્રથમ વખત પપ્પા માટે શર્ટ લાવેલો. શર્ટ સરસ હતું. પહેર્યું અને અચાનક પ્રાઇસ ટેગ પર નજર ગઈ : 999 રૂપિયા. આટલું મોંઘું શર્ટ? પિતાથી થોડો ગુસ્સો થઈ ગયો. તેનું કહેવું હતું કે દીકરા, મોંઘા કે બ્રાન્ડેડ શર્ટ તારે પહેરવાં જોઈએ. મારે (પિતાએ) નહીં.

આ પિતાનો પ્રેમ હોય છે. એ બિચારાને પ્રોપર્લી બયાન કરતા આવડતું નથી. એ પુત્રને ટપારે છે કારણ કે તે પુત્રને પોતાનાથી ચડિયાતો બનાવવા માગે છે. એ સંતાનને વિજેતાના સ્વાંગમાં જોવા માગે છે અને અંદરખાનેથી સંતાન સામે હારી જવા આતુર હોય છે, કારણ કે પિતાની આંખ હંમેશાં ગાતી હોય છે : મેરે બાદ ભી ઇસ દુનિયા મેં, જિંદા મેરા નામ રહેગા, જો ભી તુજકો દેખેગા, તુજે મેરે લાલ કહેગા!
nareshshah01@gmail.com
અન્ય સમાચારો પણ છે...