દર વખતે બાપનું નામ શું કામ વચ્ચે લાવો છો?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વખતે બાપનું નામ શું કામ વચ્ચે લાવો છો?
થોડા સમય પહેલાં એક મરાઠી ફિલ્મ આવેલી, જેમાં એક પાત્રએ થોડી તીખી ભાષામાં પોતાના લોકોની ટીખળ, ખરેખર તો ટીકા કરતાં જે કહેલું, એ શબ્દશઃ યાદ નથી, પણ આવું કંઈક હતું- મરાઠીઓ એક દુકાન કરે, એના પાટિયા પર પાછા બહુ ગર્વભેર લખે કે, અમારી બીજી કોઈ શાખા નથી. અરે ભાઈ! બીજી શાખા નથી તો કરો, બીજી ત્રીજી ચોથી શાખાઓ ખોલો. હેતુ અહીં બીજી કોમને ઉતારી પાડવાનો કે ઝઘડવાનો નહીં, પણ મરાઠીઓના સ્વાભિમાનને જગાડવાનો હતો. બોલનાર એની કોમને કહેવા માગતો હતો કે જાગો અને તમારી સંકુચિત દુનિયામાંથી બહાર નીકળો.

વેપાર કરતા હો તો વધારો. આમ તો ‘અમારી બીજી કોઈ શાખા નથી’ એવું માત્ર મરાઠીભાષીઓ નથી લખતા. ગુજરાતી સહિત ઘણી કોમના વેપારીઓ એમની દુકાનના પાટિયાથી માંડીને એમને ત્યાંથી અપાતી થેલીઓ પર, જાહેરખબરોમાં લખે છે કે, અમારી બીજી કોઈ શાખા નથી. અહીં જોકે લોકોને નકલખોરોથી સાવધાન કરવાનો ઇરાદો હશે, પરંતુ વિચાર તો આવે જ કે બીજાઓને નકલ કરવાની ઇચ્છા થાય એટલી સફળતાભેર દુકાન ચાલતી હોય તો વેપારીને પોતાને જ પોતાની બીજી દુકાન કરવાની મહત્ત્વાકાંક્ષા નહીં રહેતી હોય? અફકોર્સ, એમાંથી ઘણા લોકો કરે છે. કોઈને સફળતા તો કોઈને નિષ્ફળતા પણ મળે છે,

પરંતુ નિષ્ફળ જનારને પણ દાદ તો આપવી પડે કે એણે આટલી હિંમત તો કરી. બહુ સારા પગારની અને સલામત ગણાય એવી નોકરી છોડીને બિઝનેસ શરૂ કરનાર પણ જ્યારે મોંભેર પછડાય ત્યારે ઘણી વાર એની મજાક ઉડાવાય છે. મશ્કરી કરનારા કદાચ પોતાની સંકુચિત માનસિકતાના શિકાર હોય છે. પોતે હિંમત નથી કરી શકતા એટલે જે કરે, એની નિષ્ફળતા જોઈને રાજી થાય છે. ઘણી વાર હિંમતના અભાવ કે અસલામતીની લાગણીને સમજદારી અને સંતોષમાં ખપાવી દેવાય છે.

પિતાએ એના સમયમાં મોટું જોખમ લઈને દુકાન શરૂ કરી હોય, એમાં ખાસ સુધારો વધારો કર્યા વિના ચલાવ્યા કરનાર દીકરો પરંપરાને જાળવી રાખવાનો દાવો કરે, ત્યારે એમાં ગૌરવ લેવા જેવું શું હોય, એ જ સમજાતું નથી. આવા લોકો વાતેવાતે પિતાનું નામ લીધા કરે છે, કારણ કે એમની પાસે પોતીકી, સ્વતંત્ર ગણી શકાય એવી કોઈ ખાસ સિદ્ધિ નથી હોતી. હા, બાપની માલમિલકત આળસ ઐયાશીમાં ફૂંકી મારનારા દીકરાઓની સરખામણીએ આવા ‘સમજદાર’ દીકરાઓ કહી શકે કે, ‘અમે પિતાજીનો વારસો સાચવી રાખ્યો.’ પણ હવે તમે કહો કે, કોઈએ કમાયેલી ચીજને માત્ર સાચવી રાખવામાં શું અભિમાન લેવા જેવું હોય?

આવા લોકો વારસદાર કહેવાય કે માત્ર કૅરટેકર?’ ક્યારેક વળી વારસદારો ઝાઝું ઉકાળી ન શકે, ત્યારે અત્યંત પ્રતિભાશાળી પિતાને સીધો કે આડકતરો દોષ દેવાય છે. કહેવાય છે કે, બહુ મોટા ઘટાદાર વૃક્ષની છાયામાં ઊગેલાં ઝાડપાન વધુ વિકસી ન શકે અને ફરીફરીને આ બાબતમાં ગાંધીજીનું ઉદાહરણ અપાય છે, પણ તમે જ કહો કે, ગાંધીજીએ એમના કોઈ સંતાનને કામ કરતા રોકેલા? અને ધારો કે રોક્યા હોય તો પણ એમના આદેશનો અનાદર કરીને પોતાના જોરે સફળ થતા પેલાઓને નહોતું આવડતું? ગાંધીજીએ પોતાના નામે સંતાનોને અણછાજતા ફાયદા ન મળે એનું બરાબર ધ્યાન રાખેલું એ સાચું,

પણ એમાં એમણે શું ખોટું કરેલું? બીજી તરફ એ હકીકત છે કે, માત્ર ‘ગાંધી’ નામ સાંભળીને એમના પુત્રો માટે ઘણા દરવાજા આપોઆપ ખૂલી જતા હતા. હરિલાલની અનેક ભૂલો, કરતૂતો લોકોએ માફ કરી દીધેલાં, કારણ કે એ મોહનદાસ કરમચંદ ગાંધીનો દીકરો હતો. છેવટે એ દરિદ્ર દશામાં એકલવાયા મૃત્યુને શરણ થયો, એમાં ગાંધીજીનો શું વાંક? ગાંધીજીની જેમ જ નહેરુની પણ અસાધારણ પ્રતિભા, પ્રતિષ્ઠા હતી, પરંતુ એમની દીકરીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી કે નહીં? નેહરુ નામથી કદાચ શરૂઆતમાં ઇન્દિરા માટે માર્ગ ખૂલ્યો હશે, પણ પછી એમાં વિઘ્નો નાખનારાની સંખ્યા ઓછી નહોતી. એ સ્ત્રીને ગૂંગી ગુડિયા કહેનારાના મોઢા છેવટે એણે પોતાના જોરે બંધ કરી દીધા.

ઇન્દિરા ગાંધી નામનો છોડ પણ જવાહરલાલ નેહરુ જેવા વિશાળ વટવૃક્ષની છાયામાં ઊગ્યો હતો, પણ એનો વિકાસ રૂંધાયો નહોતો, રાધર એણે રૂંધાવા નહોતો દીધો. ધીરુભાઈ અંબાણીના ગયા પછી એમના બે દીકરા ઝઘડ્યા, જુદા થયા પણ એમણે પિતાએ ઊભા કરેલા સામ્રાજ્યને પોતપોતાની રીતે વધુ વિસ્તાર્યું, કારણ કે એમનામાં પોતાનામાં અક્કલ અને આવડત હતી, જોખમ લેવાની હિંમત અને મહેનત કરવાની દાનત હતી.

‘અમારી બીજી કોઈ શાખા નથી’ એવું કહેવાને બદલે એમણે તો દુનિયાભરમાં પોતાની શાખાઓ ખોલવાનો ઉદ્યમ આરંભી દીધો. બીજા કેટલા ઉદ્યોગપતિઓ કે બીજા ક્ષેત્રમાં સફળ થયેલી હસ્તીઓનાં સંતાનો આવો દાવો કરી શકે? પાવરફુલ પિતા અને અટકનો વારસો તો એમને પણ મળ્યો છે, પરંતુ માત્ર વંશ આગળ વધારવા સિવાય એમણે બીજી કઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી બતાવી? હા, વારતહેવારે પ્રતાપી પૂર્વજનું નામ લઈને એ લોકોને યાદ કરાવવા મથે છે કે, અમે કેટલા મોટા મહાન બાપનાં સંતાન છીએ.

ખરેખર, બાપનું નામ બહુ કામ લાગે છે. તક મળે તો એના નામે ચરી ખાવાનું અને તક લેતા ન આવડે તો વડલાની નીચે ઊગેલા ઘાસની સાથે પોતાની તુલના કરીને રડવાનું.
અન્ય સમાચારો પણ છે...