તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસ્તી વધારવાથી કોનો ઉદ્ધાર થઈ જવાનો?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુનિયામાં પારસીઓની સંખ્યા ઘટતી જાય છે, એની ચિંતા પારસીઓને કેટલી છે, એ ખબર નથી, પણ બિનપારસીઓમાં એની ચર્ચા, રાધર ચોવટ વારંવાર થતી રહે છે. અમારી એક પારસી મિત્ર એનાં મા-બાપનું એકમાત્ર સંતાન છે. મુંબઈની પારસી કૉલોનીમાં રહેતી હતી. એણે હિન્દુ છોકરા સાથે પરણવાની ‘ધૃષ્ટતા’ કરી. વર્ષો પહેલાં ગરીબ પારસીઓને સહાય કરવાના હેતુથી શ્રીમંત પારસીઓએ ત્રણ-ચાર જગ્યાએ આવા રહેણાક સંકુલ બનાવેલા. એમાં રહેનારને માલિકીહક નહીં, પણ ભાડૂત તરીકે રહેવાનો અધિકાર મળે એવો નિયમ છે, પરંતુ વર્ષોથી, પેઢીઓથી રહેતા પરિવારો લગભગ માલિક થઈ જાય. એમને ત્યાંથી કોઈ કાઢી ન શકે.

માતા-પિતાનાં ગુજરી ગયા બાદ દીકરો સોસાયટીમાં અરજી કરીને ભાડાચિઠ્ઠીમાં પોતાનું નામ લખાવી શકે. છોકરો બિનપારસીને પરણ્યો હોય તોયે વાંધો નહીં. એની પત્ની ભલે આજીવન આઉટસાઇડર ગણાય, પણ એમનાં સંતાનોને નવજોત(યજ્ઞોપવિત જેવી વિધિ) કરીને સત્તાવાર પારસી બનાવી શકાય, પરંતુ પ્રોબ્લેમ ત્યારે થાય જ્યારે મા-બાપને દીકરો નહીં દીકરી હોય અને એ બિનપારસીને પરણે. પછી તો પતી ગયું. એ છોકરી પારસી કૉલોનીમાં પોતાનાં મા-બાપના ઘર પરનો અધિકાર ગુમાવી બેસે. અરે! પરંપરાગત પારસીઓ જ્યાં અંતિમવિધિ કરવાની ઇચ્છા રાખે છે, એ ડુંગરવાડીમાં પણ આવી સ્ત્રીઓના મૃતદેહને જગ્યા આપવી કે નહીં, એના વિશે પારસીઓમાં હજી તીવ્ર મતભેદ છે.

અમારી આ મિત્રએ પણ એકમાત્ર સંતાન હોવા છતાં હિન્દુ સાથે પરણીને માતા-પિતાના ઘર પરનો હક ગુમાવી દીધો. એને પરવા નથી. એ કહે છે કે, ‘મારે મન હું હજી પારસી છું. મને મારા ભગવાન સાથે કોઈ ઝઘડો નથી. હું તો રોજ સવારે ઊઠીને નાનપણથી જે પ્રાર્થના કરતી હતી, એ જ કરું છું. ઘણી વાર અગિયારીમાં પણ જાઉં છું, ત્યાં મને નાનપણથી જોનારા પૂજારીએ કોઈ વાર વાંધો નથી લીધો. હા, હું મારી દીકરીને સાથે નથી લઈ જતી, કારણ કે હું નથી ઇચ્છતી કે કોઈ એનું અપમાન કરી નાખે. હું બિનપારસીને પરણી એટલે કદાચ ડુંગરવાડીમાં મારા અંતિમસંસ્કાર નહીં થઈ શકે, એવો વિચાર કોઈ વાર અપસેટ કરી જતો,

પણ હવે નથી આવતો. જીવતેજીવત હું મારા હસબન્ડ અને ફેમિલી સાથે સુખી છું.’ પારસીઓની ઘટતી જતી સંખ્યા અંગે નીલુફર પારસીઓને જ દોષી ઠેરવતાં કહે છે કે, બીજા ધર્મના લોકોને ઇચ્છા હોય તો પણ પારસી બનવાની છૂટ આપવાનું બાજુએ રહ્યું, અમે તો મારા જેવી પારસી સ્ત્રીઓને પણ બહાર મૂકી દઈએ છીએ કે અમારા છોકરાને પારસી નથી ગણતા. ‘પ્યૉર બ્લડલાઇન’ના આગ્રહને બિનવાજબી ઠરાવતી નીલુફર કહે છે કે, સદીઓ પહેલાં પર્શિયાના મુસ્લિમ શાસકના ત્રાસમાંથી છુટકારો મેળવવા પારસીઓ ત્યાંથી ભાગીને ભારતના સંજાણ બંદરે આવેલા, પણ એ વહાણમાં એક સ્ટડી મુજબ માત્ર પુરુષો હતા.

એ પછી કોને પરણ્યા હશે? આ પ્રશ્ન પોતાને ધાર્મિક ગણાવતી, અડધી દુનિયા ફરી ચૂકેલી, પ્રોફેશનલી ખાસ્સી સક્સેસફુલ, ઍજ્યુકેટેડ પારસી સ્ત્રીએ પૂછ્યો છે. એનો જવાબ કોઈ ઇતિહાસવિદ આપી શકે.(કોલમ લખનારને ગાળો આપવી નહીં) એનીવે, પારસીઓની સંખ્યા તો ખરેખર ઘટી રહી છે, પણ હવે એક પ્રશ્ન એ છે કે, અચાનક બીજી અનેક કોમોને પોતાની વસ્તી ઘટી રહી હોવાનો ડર ક્યાંથી, શું કામ પેદા થયો છે? ભારતમાં અમુક હિન્દુઓ કહે છે કે મુસ્લિમ વસ્તી વધી રહી છે, આને પરિણામે સમય જતાં હિન્દુઓ નામશેષ થઈ જશે. આ માન્યતા કેટલી બિનપાયાદાર છે એના વિશે દિવ્ય ભાસ્કરના વિદ્વાન કટારલેખક નગીનદાસ સંઘવી સહિત અનેક અભ્યાસુઓએ આંકડા આપીને લખ્યું છે,

ફરી ફરીને કહ્યું છે, પણ તકલીફ એ છે કે, પોતાને ધર્મના રક્ષક, રાધર ઠેકેદાર ગણાવતા લોકો કંઈ પણ કહે, એની અસર આપણી સામાન્ય ધર્મભીરુ જનતા પર જલદી થઈ જાય છે. હમણાં એક બહુ આદરણીય ગણાતા જૈન ગુરુએ કહ્યું કે પારસીઓ જેવી જ દશા જૈનોની થઈ રહી છે. જૈન કોમ અને ધર્મનું નિકંદન નીકળી ન જાય એટલા માટે જૈનોએ કુટુંબનિયોજનની વાત છોડીને વધુ ને વધુ બાળકો પેદા કરવાં જોઈએ. બોલો, આપણે શું કહેવું?

વસ્તી વધારવાની વાત આવે એટલે સહુથી પહેલો અને મોટો બોજ સ્ત્રી પર આવતો હોવાનું આપણે સહુએ જોયું છે. સંતતિ નિયમનનાં સાધનો આવ્યાં ત્યારથી સ્ત્રીઓને મોટી રાહત મળી છે, પણ હવે એ જ રાહત પાછી ઝૂંટવી લઈને એને છોકરાં પેદા કરવાનું મશીન બનાવી દેવાની? વળી, એક તરફ આપણે જ કહીએ છીએ કે, કૂતરાં બિલાડાં ભલે ઢગલાબંધ સંતતિ જણે, પણ સિંહબાળ એકે હજાર હોય છે, જે સહુ પર ભારી પડે.

એકસો કૌરવની સામે પાંડવો માત્ર પાંચ હતા. સંખ્યામાં સાવ ઓછા યહૂદીઓ દુનિયાભરમાં દાદાગીરી કરે છે. લાખો ભારતીયો પર થોડાક અંગ્રેજો રાજ કરી ગયા. અરે! બીજી કોમની તુલનાએ જૈનો ઓછા હોય તોયે ભારતના અર્થતંત્ર પર એમના જેટલો પ્રભાવ બીજા કેટલાનો છે? તો એવી પ્રતિભાશાળી પ્રજાને ક્વોલિટી છોડીને ક્વોન્ટિટીને મહત્ત્વ આપવાની સલાહ આપવી, એમાં કયું શાણપણ છે? જેમણે પોતે સંસારની મોહમાયા છોડીને સંન્યાસ લીધો છે, એ મહાત્માઓ કાતિલ મોંઘવારીના સમયમાં કોઈ સંસારીને વધુ બાળકો પેદા કરવાની શિખામણ આપે એ વિચિત્ર નથી લાગતું? કે પછી એમને પોતાના શિષ્યો ઘટી જવાની ફિકર થાય છે? અને છેવટે તો બાળકો ગમે તેટલાં હોય, પણ દેશ, દુનિયા કે સમાજ પર પ્રભાવ પાડવાનું કામ તો એમાંથી એકલદોકલ જણ જ કરતું હોય છે, એ તો આપણે જોયું જ છે.{
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો