હજીયે કોઈ છોકરાનાં મા-બાપ આ સવાલ પૂછે છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજીયે કોઈ છોકરાનાં મા-બાપ આ સવાલ પૂછે છે?
એક જમાનામાં સંતાનોનાં લગ્નની વાત ચાલતી હોય ત્યારે છોકરાવાળા તરફથી એક પ્રશ્ન પૂછવાનું સામાન્ય હતું- છોકરીને જમવાનું બનાવતાં આવડે છે? છોકરીના વડીલો, ખાસ કરીને માતાને આ વાતની ખાસ ચિંતા રહેતી. છોકરીને જોવા માટે લોકો ઘેર આવે અને એમને ચા-નાસ્તો પીરસાય ત્યારે ‘આ બધું બેબીએ જાતે બનાવ્યું છે’ એવું સીધી કે આડકતરી રીતે કહીને કન્યાની પાકકલાના પુરાવા આપી દેવાતા. છોકરી માત્ર ભણેલી નથી, કામેકાજે પણ એટલી જ હોશિયાર છે, એવું કહેવાય ત્યારે એનો મૂળ અર્થ એ નીકળતો કે એને સારી રસોઈ બનાવતા પણ આવડે છે.

એનાથીયે પહેલાંના દિવસોમાં તો ‘વધુ ભણીને શું કરવું છે, આખરે તો સાસરે જઈને રોટલા જ ટીપવાના છેને’ આ પ્રકારનાં વાક્યો ઉચ્ચારવામાં પણ કોઈને સંકોચ નહોતો થતો. એક એવો કિસ્સો પણ સાંભળેલો જેમાં નાની ઉંમરે લગ્ન કરીને આવેલી પુત્રવધૂને સરખું રાંધતાં નહોતું આવડતું તો કોપે ભરાયેલાં સાસુએ એને પિયર મોકલી દેતાં આદેશ આપેલો કે, ‘મા પાસેથી શીખીને પાછી આવજે’. જોકે, એ દિવસોમાં મિડલ ક્લાસમાં મોટાભાગની મમ્મીઓ દીકરીને પરણાવતાં પહેલા રાંધણકલાનું ટ્યુશન આપી દેતી અને નાની ઉંમરની પુત્રવધૂને સાસુ શીખવાડી દેતી. મારાં દાદીમા વૅલ ઍજ્યુકેટેડ હતાં, સ્કૂલમાં પ્રિન્સિપલ હતાં, પણ કાચી ઉંમરની અને થોડી તોફાની એમની પુત્રવધૂ, એટલે કે મારી મમ્મીની કચાશને પારખી ગયેલાં.

મમ્મી એની ઉંમરનાં દિયર, નણંદો સાથે મસ્તી તોફાન કરવામાં વ્યસ્ત હોય ત્યારે દાદીમા વહેલાં ઊઠીને બધા માટે રસોઈ બનાવીને નોકરી પર જાય અને થાક્યાંપાક્યાં પાછાં આવીને ફરીથી રસોડું સાંભળી લે. જોકે, આ જ દાદીમાનાં મોઢેથી સાંભળેલું કે, ‘જમવાનું સારું ન બન્યું હોય તો તારા દાદા થાળીનો છુટ્ટો ઘા પણ કરી દેતા.’ અર્થાત્ બહાર કામની જગ્યાએ ભલે લોકો એના એજ્યુકેશન, બુદ્ધિમતાને સલામ કરતા, પણ ઘરમાં એમને રસોઈ અને રસોડાની ચિંતા રહેતી. એ વાત અલગ છે કે, આ ચિંતાનો વારસો પુત્રીઓ કે પુત્રવધૂને નહીં આપવા જેટલી મક્કમતા એ સ્ત્રીએ જાળવી રાખેલી.

આજે હવે થાળીનો છુટ્ટો ઘા કરનારા પુરુષો હોય તો પણ મેં તો એમના વિશે સાંભળ્યું નથી અને દીકરા માટે યોગ્ય પાત્ર શોધવા નીકળેલાં મા-બાપો ‘છોકરીને રસોઈ આવડે છે?’ એવું પૂછતાં નથી. એમાંયે જ્યારે પોતાના ઘરમાં દીકરી હોય ત્યારે મમ્મી-પપ્પાઓ આપોઆપ ઉદાર થઈ જતાં શીખી લે છે. આવા બે કિસ્સા હજી હમણાં જ જોયા. પહેલા કિસ્સામાં ભણેલીગણેલી, સારી નોકરી કરતી ગૃહિણીએ વર્ષો સુધી ખાવાપીવાની બાબતમાં બહુ ડિમાન્ડિંગ પતિ અને દીકરાનાં નખરાં સહન કરી લીધાં અને હજીયે કરે છે, પણ દીકરીને સાફ કહી રાખ્યું છે કે, માત્ર ભણવામાં ધ્યાન આપ.

પોતાના દીકરા માટે કન્યા શોધતી વખતે પણ એણે આ જ અટિટ્યૂડ રાખેલો કે, મારી દીકરીને ચા પણ માંડ બનાવતા આવડે છે, ત્યાં વહુ પાસે કઈ રીતે વધુ અપેક્ષા રાખી શકું? લગ્ન પહેલાં જ એણે પતિ-પુત્રને ચેતવણી આપી દીધેલી કે, મારી સાથે કરી એવી કચકચ ઘરની નવી સભ્ય સાથે નથી કરવાની. એના હાથની રસોઈ ન ભાવે તો બહાર જમી લેવાનું. બીજા કિસ્સામાં ઘેર આવેલા લોકો સામે યજમાન ગૃહિણીએ સ્પષ્ટતા કરી કે મારી દીકરી કૂકિંગમાં એક્સપર્ટ કહેવાય એવી નથી, તો છોકરાના પિતા હસવા લાગ્યા. એમણે કહ્યું કે, અમારી પોતાની દીકરી કૉલેજમાં ભણે છે એટલે એની ઉંમરની, એની જનરેશનની છોકરીઓ કેવી હોય એ અમે જાણીએ છીએ. ઘરકામ કરવા માટે તો માણસો મળી રહે છે.

હજી એક ત્રીજા કિસ્સામાં સસરાજીને પહેલેથી રસોઈ બનાવવાનો શોખ છે. નોકરી કરતી પત્નીને એમણે ક્યારેય આ બાબતમાં કટકટ નહોતી કરી, એટલે થોડા સમય પહેલાં આવેલી પુત્રવધૂને તો કંઈ કહેવાનો સવાલ જ નહોતો. આવનારી ખુશ છે, પણ એની પોતાની મમ્મીને હવે નવી ચિંતા પેઠી છે. એ કહે છે કે, ‘મારી નાની દીકરીને કોઈ વાર ટોકવી પડે છે કે, તને પણ દીદી જેવાં સાસુ-સસરા મળી જશે એવું માનવાની જરૂર નથી.’ જોકે, આ બહેને ખાસ ચિંતા કરવાની જરૂર નથી. ખરેખર આવાં સાસુ-સસરાની સંખ્યા વધી રહી છે.

આટલું વાંચીને કોઈ કદાચ પૂછે કે, આ બધું કહેવા પાછળ શું હેતુ છે, તો જવાબ છે- કોઈ હેતુ નથી. આ તો બસ, જે જોયું, જોઈને ખુશી થઈ એ તમારી સાથે શૅર કરી. કહેવાનો અર્થ એવો બિલકુલ નથી કે, કોઈએ ઘરમાં રસોઈ બનાવવી જ ન જોઈએ. બસ એટલું કહેવું છે કે, કૂકિંગ કોઈ બોજ નહીં પણ મરજી અને શોખનો વિષય હોવો જોઈએ, એ વાત સાથે વધુ ને વધુ લોકો સહમત થઈ રહ્યા છે. દીકરા-દીકરી, પુત્ર-પુત્રવધૂ વચ્ચે ભેદભાવ ઘટી રહ્યો છે, એની આ પણ એક નિશાની કહેવાયને?

અને હા, તમે એ વાતની નોંધ લીધી કે છોકરાઓમાં હવે કૂકિંગનો શોખ વધી રહ્યો છે? યુ ટ્યૂબ પર જોઈજોઈને નવીનવી વાનગીઓ બનાવતા અનેક યુવાનો જ નહીં, એમના પિતાઓને પણ હું જોઉં છું. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે, પુરુષોને હવે રસોડામાં જતા શરમ નથી આવતી. પત્નીની મિત્ર આવે ત્યારે એના માટે ચા-નાસ્તો બનાવનાર પુરુષો હવે અજાયબી કે અપવાદ નથી રહ્યા. આવું કરનાર પુરુષ વીતેલા જમાનામાં બાયલો કે જોરુ કા ગુલામ ગણાઈ જાત, હવે નહીં. આ જોઈને પણ ખુશી થાય કે નહીં?
 
અન્ય સમાચારો પણ છે...