તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરમાં બેઠાં બેઠાં ટ્વિટર પર તલવારો તાણો છો?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાન સાથે લડાઈ કરવાની વાતો કરનારા જાણે છે કે, યુદ્ધમાં આખરે કોઈ જીતતું નથી? યુદ્ધનાં આડકતરાં પરિણામ વિજેતા દેશના નાગરિકે ભોગવવાં પડે છે
ઉત્તર કાશ્મીરમાં ઉરી પર થયેલા આતંકવાદી હુમલા પછી આખા દેશમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા આતંકવાદીઓ ગમે ત્યારે ચોરીછૂપીથી આવીને આપણા પર હુમલા કરી જાય, આપણા જવાનોને મારી જાય? હજી જાન્યુઆરી મહિનામાં પઠાણકોટ એરબેઝ પર ત્રાસવાદીઓએ કરેલાં કારનામાં ભુલાયાં નથી. એમાં આપણા સાત જવાન અને એક નાગરિકનો ભોગ લેવાયો હતો અને એટલામાં ઉરીમાં આવું થયું.

અવળચંડા પાડોશીઓને પાપે આમ તો વરસભેર સરહદ પર અને કાશ્મીરમાં ભારતીય સૈનિકો મરતા રહે છે. ક્યારેક વળી ખરાબ હવામાન, જીવલેણ હિમપ્રપાત આપણા જવાનોનો જીવ લઈ લે છે. જેને આપણે દુશ્મન કહીએ છીએ, એ સામે પક્ષે પણ આટલી જ ખુવારી થતી હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ કમનસીબે આ ઘટનાઓ એટલી રૂટિન બની ગઈ છે કે એકાદ બે જવાન મરે, ત્યાં સુધી એ પ્રકારની ટ્રેજેડી સામાન્ય લોકોને ખાસ અડતી પણ નથી, પરંતુ ઉરીની ઘટનામાં એકસાથે સત્તર જવાનો માર્યા ગયા અને આખો દેશ ગુસ્સે થઈ ગયો.
જેને મળો એ કહે છે કે, પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. ‘કેવી રીતે?’ તો કહેશે, એની સાથે યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ. એમના પર બૉમ્બવર્ષા કરવી જોઈએ. આપણા સત્તરની સામે એમના સત્તરસો મરશે ત્યારે જ સાલાઓની સાન ઠેકાણે આવશે વગેરે વગેરે. ભૂલેચૂકેય કોઈ કહે કે, મંત્રણાથી કે શાંતિભેર આ વર્ષોથી સળગતી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ, તો એનું આવી બને. આવું તો કાયરો જ કહે. મંત્રણાનો સમય વીતી ગયો. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતેની ગર્જનાઓ થાય.

આપણી ધરતી પર નાપાક ઇરાદા સાથે વિદેશીઓ ત્રાટકે, આપણા દેશબાંધવોનું લોહી રેડાય, ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે અને આવવો પણ જોઈએ, પરંતુ ગુસ્સો ઠાલવી લીધા પછી વિચાર આવે કે, ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ની બૂમો પાડતાં લોકોને ખરેખર યુદ્ધની ભયાનકતાનો ખ્યાલ હશે? ઘેરબેઠાં પાકિસ્તાન અને પાકિસ્તાનીઓને મારવાની વાતો કરવી સહેલી છે. ફેસબુક, ટ્વિટર જેવાં હથિયાર હાથમાં આવ્યાં પછી તો ફોન, કમ્પ્યૂટર ધરાવતી દરેક વ્યક્તિ બહાદુર સૈનિક બની ગઈ છે.
વૉટ્સએપ ગ્રૂપ્સ પર હોકારાપડકારા થાય છે કે લડાઈ થવી જોઈએ, પણ આ લોકોને ભાન હશે કે યુદ્ધની કિંમત કેટલી આકરી હોય છે? એક બહુ જાણીતું વાક્ય છે (કોણે પહેલી વાર કહ્યું એ વિષે મતમતાંતર છે) કે યુદ્ધ એટલે બુઢ્ઢાઓ વાતો કરે અને યુવાનો મરી જાય. ક્યારેક બુઢ્ઢાઓની જગ્યાએ રાજકારણીઓ પણ કહેવાય છે અને હવે એમાં સોશિયલ મીડિયા પર તલવારો વીંઝતા નવરાઓ પણ આવી જાય, જેમણે યુદ્ધ માત્ર ફિલ્મોમાં જોયાં છે. એનીવે, બોલનારા ભલે ગમે તે હોય, પણ મરનારા યુવાનો હોય છે, એ વાત નક્કી.
ઉરીમાં ખપી ગયા, એમાંથી કેટલાની ઉંમર ત્રીસથી વધુ હતી? અને ખરેખર યુદ્ધ થાય તો હજી કેટલા વધુ યુવાનો મરી જાય? કેટલી યુવતીઓ વિધવા થાય? કેટલાં માસૂમો સમજણા થતાં પહેલાં પિતાને ગુમાવી બેસે? મા-બાપ માટે તો સરહદે દીકરો મરે, એની સાથે યુદ્ધનો અંત આવી જતો હોય છે, બહુ ભયાનક અંત. અફકોર્સ દરેક શહીદની પત્ની એના વીર પતિએ આપેલા બલિદાન માટે ગૌરવ લે છે. માતાઓ કહે છે કે, બીજો દીકરો પણ દેશ માટે આપવા તૈયાર છે, પણ પછી જીવનભર એ કેવા દુઃખ સાથે જીવે છે? વીરતા માટે મળતા મેડલ અને પ્રિયજનનો જીવ, આ બેમાંથી એકની પસંદગી કરવાની આવે તો તમે કઈ તરફ ઢળો?

સામાન્ય નાગરિકો તો 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ‘જરા યાદ કરો કુરબાની’ ગાઈને સાંભળીને પછી રજાની મજા માણવા નીકળી જાય છે. આપણામાંથી અડધોઅડધ લોકો તો ઘરઆંગણે થતા ધ્વજવંદનમાં હાજરી સુધ્ધાં નથી આપતા, પણ વાતે વાતે પાકિસ્તાન સાથે લડાઈ કરવાની, આપણા જવાનોને મોતના ખપ્પરમાં હોમી દેવાની વાતો જોરશોરથી કરે છે. મારા એક મિત્ર કર્નલ પ્રકાશ હવે તો આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમણે કહેલી એક વાત હંમેશાં યાદ રહેશે કે, ‘લોકો દેશપ્રેમની ભાવના સાથે સેનામાં જોડાય છે, સમય આવ્યે પોતાના પ્રાણ આપી દેવા પણ તૈયાર રહે છે, પરંતુ કોઈ જવાનને મરવું કે મારવું નથી ગમતું.
દુશ્મન માટે ભલે ગમે તેટલી નફરત હોય, પણ લડાઈના મેદાનમાં તો એમના જવાનો પણ, એમના દેશ માટે લડતા હોય છે.’ વાત વિચારવા જેવી છે. આતંકવાદીઓ ઝઘડાની શરૂઆત કરે છે, પણ પછી યુદ્ધમાં આવા સૈનિકો મરે છે, જેમને માત્ર પોતાના દેશ માટે મરવા-મારવાનો આદેશ અપાયો હોય છે.’

અને યુદ્ધનાં આડકતરાં પરિણામ તો વિજેતા દેશના પણ દરેક નાગરિકે ભોગવવાં પડે છે. દરેક લડાઈ પછી મોંઘવારી વધે છે, સરકારને નવા કરવેરા ઝીંકવાની તક મળે છે. 1971માં પાકિસ્તાન સાથે લડીને આપણે એમનો એક આખોયે પ્રદેશ અને નાક વાઢી લીધાં. બાંગ્લાદેશનું નિર્માણ કરવાનો યશ ઇન્દિરા ગાંધીને મળ્યો, એમના વિરોધીઓએ પણ ઇન્દિરાજીને દુર્ગા કહીને વધાવ્યાં, પણ પછી આપણે કેટલાં વરસ સુધી બસ ટિકિટ પર સરચાર્જ અને બીજા વધારાના કર ચૂકવવા પડેલા, એ યાદ છે? સંરક્ષણ માટે બજેટ વધારવાની વાત થાય એમાં શિક્ષણ અને જનકલ્યાણ માટેનું કેટલુંયે ફંડ ધોવાઈ જાય છે.
સૈનિકોને યોગ્ય સામગ્રીઓ પૂરી પાડવાને નામે બદમાશો સરકારી તિજોરી પર રીતસર લૂંટ ચલાવે છે. યુદ્ધ એમને જરૂર ફળે છે. આ વાત એ લોકોને ખાસ યાદ કરાવવાની જે કહે છે કે, બાંગ્લાદેશ છૂટું પાડ્યું, એવી રીતે બલૂચિસ્તાનને પણ સ્વતંત્ર કરીને પાકિસ્તાનને ફટકો મારવો જોઈએ. ભાઈઓ, બલૂચીઓને રાજી કરવા, પાકિસ્તાન સરકારને લજવવા જતાં ફટકા આપણને પડશે. અને પોતાને સવાયા ઇન્ડિયન ગણાવતાં એનઆરઆઈઓએ તો પીએમ મોદી અને ભારતને આ મુદ્દે શિખામણો આપવાનું સદંતર બંધ કરવું જોઈએ. લડાઈ થાય તો એમણે કશું ગુમાવવાનું નથી. ઊલટું યુએસ, ફ્રાન્સ કે જર્મની જેવા દેશમાં વસતા લોકોએ તો ખુશ થવાનું કે એમને ત્યાં અર્થતંત્ર સુધરશે, કારણ કે ભારત પાકિસ્તાન લડે તો શસ્ત્રો, એરક્રાફ્ટ્સ અને બીજી યુદ્ધસામગ્રીઓ ત્યાંથી જ ખરીદાશે.

ઉપર જેટલું કહ્યું, એમાં કોઈને કદાચ કાયરતાની ગંધ આવશે. કોઈને કદાચ સવાલ થશે કે, આપણે બસ ચૂપચાપ સહ્યા કરવાનું, પાકિસ્તાનને કોઈ પાઠ ભણાવવાનો જ નહીં? પણ અહીં મારો નમ્ર અભિપ્રાય એટલો જ છે કે, જેમને માથે આપણાં રક્ષણ અને સન્માન જાળવવાની જવાબદારી છે, એ લોકો એમની રીતે દુશ્મનને ભીડાવવાના રસ્તા વિચારતા જ હશે. જવાબદાર, સમજદાર લોકો માટે યુદ્ધ હંમેશા અંતિમ હથિયાર હોય છે. બાકી, ભારતીય સેના ધારે તો આખા પાકિસ્તાનને અઠવાડિયામાં રેગિસ્તાન કરી નાખે, પણ એ દરમ્યાન અને એ પછી આપણે શું કિંમત ચૂકવવી પડે, એ દરેક સૈનિક જાણે છે અને તેમ છતાં, આપણામાં લડાઈ માટે થનગનતા હોય એમણે જઈને પોતાને કે પોતાનાં સંતાનોને લશ્કરમાં ભરતી કરી દેવાં અને પછી કહેવું કે, ચાલો લડવા.
અન્ય સમાચારો પણ છે...