તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ઉર્મિલાઓએ સુખી થવાનું નક્કી કર્યું હશેને...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પત્નીએ પતિને ભારત જવાની ના ન પાડી, પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે એ પોતે આટલાં વર્ષોમાં બનાવેલું ઘર છોડીને નહીં આવે
કંઈ જાણ્યા સમજ્યા વિના બીજા લોકોની દયા ખાતા લોકોનો આ દુનિયામાં તોટો નથી. દાખલા તરીકે, વૃદ્ધ મા-બાપ એકલાં રહેતાં હોય તો એવું કહેવાય, ‘અરેરે, બિચારાંને ઘરડે ઘડપણ છોકરાં રાખતાં નથી’. એ લોકો પોતાની મરજીથી એકલાં, સ્વતંત્ર રહે છે અને બહુ સુખી છે, એ કેમ અમુક જણાને ગળે નહીં ઊતરતું હોય? દયા ખાવાની આપણી ટેવ જીવતા જાગતા માણસો જ નહીં, કથા પુરાણોમાં આવતાં પાત્રો સુધી પહોંચે છે. હમણાં એક બહેન મળ્યાં. રામાયણમાં આવતાં ઉર્મિલાના પાત્ર વિશે એ કોઈ લેખ વાંચીને આવેલાં. એના આધારે એમણે શરૂ કર્યું, ‘રામાયણમાં પતિ રામ સાથે વનવાસ ગયેલી સીતા વિશે તો આપણે ઘણું સાંભળ્યું છે, પણ લક્ષ્મણની પત્ની ઉર્મિલાનું શું? ખરો વનવાસ તો એને મળ્યો જેણે બિચારીએ છતે પતિએ, રાજમહેલમાં એકલાં રહેવું પડ્યું વગેરે વગેરે.’
ઉર્મિલા વિશે આ પ્રકારની સહાનુભૂતિ મેં આ પહેલાં પણ સાંભળી છે, વાંચી છે. વર્ષો સુધી મને પણ ખરેખર એ ‘ઉપેક્ષિતા’ની દયા ઉપજતી હતી, પણ છેલ્લા થોડા સમયથી બીજો એક વિચાર આવવા લાગ્યો છે- એવુંયે બન્યું હોયને કે ઉર્મિલાને પોતાને જ રાજમહેલ છોડીને જંગલમાં જવામાં રસ નહોતો.

રામ લક્ષ્મણે અયોધ્યા છોડીને જંગલમાં જવાની તૈયારી કરી, ત્યારે સ્વાભાવિક રીતે જ બેઉની પત્નીએ સાથે જવાની ઇચ્છા પ્રગટ કરી હશે, પણ પછી ઉર્મિલાએ શું કામ જીદ છોડી દીધી, એ ઠંડા દિમાગે વિચારી જુઓ. પતિવ્રતા નારીએ પતિનો આદેશ માથે ચઢાવ્યો, એવું માનવાની જરૂર નથી. એમ તો રામ પણ પહેલાં પોતાની સાથે સીતાને લઈ જવા તૈયાર નહોતા અને ત્યારે સીતાએ એમને જે આકરાં વેણ સંભળાવ્યાં, રામના પુરુષાતન પર ઘા માર્યા, એનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં છે. ટૂંકમાં, સીતા જીદ કરીને પતિ સાથે ગઈ. ઉર્મિલા પણ આવું કરી શકી હોત, પણ એણે ન કર્યું. એણે રાજકુમાર સાથે લગ્ન કર્યાં હતાં.
હવે અચાનક એ રાજકુમારમાં પ્રચંડ ભાતૃભાવ ઊભરાઈ આવે અને મહેલ છોડીને એ ભાઈની પાછળ જંગલમાં જવાની વાત કરે તો ઉર્મિલાએ શું કામ એની પાછળ ઢસડાવું જોઈએ? કહેવાનો મતલબ એ નહીં કે ઉર્મિલાને લક્ષ્મણ માટે પ્રેમ નહીં હોય કે, પતિના જવાથી એ દુઃખી નહીં થઈ હોય, પરંતુ પોતાની પત્નીને છોડીને જે માણસ મોટા ભાઈની સાથે ચાલવા માંડે, આદર્શ ભાઈ તરીકે પોતાની ઓળખ સાબિત કરવા મથે, એના માટે પત્નીને પ્રેમની સાથે સાથે થોડો અભાવ અને ગુસ્સો પણ ન ઊપજે? અફકોર્સ, એ રડી તો હશે, દિવસો સુધી દુઃખી પણ થઈ હશે, પરંતુ આખરે તો અયોધ્યાના મહેલમાં રોકાઈ જવાની ચોઇસ એની પોતાની હશે, આવું માની શકાય?

આવું જ થયું હશે એવો દાવો હું નથી કરતી. એ જ પ્રમાણે ઉર્મિલા ભયાનક દુઃખી જ થઈ હશે, એવી ધારણા બાંધી લેવાનો અધિકાર પણ કોઈને હોઈ શકે? ટાગોર, મૈથિલીશરણ ગુપ્ત જેવા મહાન સાહિત્યકારોએ ઉર્મિલાની વેદના વિશે જે લખ્યું છે, એ સાહિત્યિક માસ્ટર પીસીસ છે, પરંતુ મારા જેવી સામાન્ય વ્યક્તિને કોઈ વાર આવો ઊંધો વિચાર આવે તો કોને કહેવું?

વર્તમાન યુગમાં પણ આવી ઉર્મિલાઓ મળે છે. ફરક એટલો કે એ પોતાની ચોઇસ વિશે સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે. થોડા સમય પહેલાં હું રાજસ્થાન ગયેલી ત્યારે એક ભાઈ મળેલા. મૂળ અજમેરના પણ છેલ્લાં લગભગ ત્રીસ વર્ષથી એ યુએસમાં સ્થાયી થયા છે. પત્ની અને બે દીકરાના પરિવાર સાથે ત્યાં સુખી હતા. પાંસઠ વર્ષની વયે એમને ભારત આવીને વૃદ્ધ માતા-પિતા સાથે રહેવાની, એમના છેલ્લા દિવસોમાં સેવા કરવાની ઇચ્છા જાગી ગઈ. પત્નીએ એમને ભારત જવાની ના ન પાડી, પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે એ પોતે આટલાં વર્ષોમાં બનાવેલું ઘર અને પરિવાર છોડીને નહીં આવે. એને મોટી ઉંમરે ત્યાં પોતાના ઘરમાં, પોતાનાં પુત્રો, પૌત્રો સાથે રહેવું છે.
સાસુ-સસરા અમેરિકા આવીને રહે તો ત્યાં એમની કાળજી લેવાની તૈયારી હતી, પણ સામે પક્ષે પેલા લોકો અજમેર છોડવા તૈયાર નહોતા. માતા-પિતા સાથે પેલા ભાઈ હવે અજમેરમાં છે. પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી છે, એટલે વર્ષે બે-ત્રણ વાર પતિ-પત્ની ભારત અને અમેરિકા વચ્ચે આંટાફેરા કરી લે છે. આવા કિસ્સા બીજે પણ બનતા હોવાનું સાંભળ્યું છે. ત્યાં મૂળ વાત એ છે કે, સ્ત્રી પોતાનું ઘર અને એથીયે મોટી વાત કહો તો પોતાની સ્વતંત્રતા છોડવા તૈયાર નથી હોતી અને એમાં ખોટું પણ શું છે? પતિ ગમે ત્યારે ખુદને ગમતા નિર્ણય લે તો જરૂરી નથી કે પત્નીએ એમાં સહભાગી થવું જ જોઈએ અને એ પણ પોતાના સુખના ભોગે.
આનો અર્થ એવો પણ થાય કે, પતિ આ ફરજ ચૂકે તો પત્નીને એની રીતે જીવવાનો, સુખ શોધવાનો અધિકાર છે. આવા એક યુગલને હું ઓળખું છું, જ્યાં પિસ્તાળીસથીયે ઓછી વય ધરાવતા પતિએ એકાએક જાહેર કર્યું કે એણે બ્રહ્મચર્ય પાળવાનું, સાદું સાત્ત્વિક જીવન જીવવાનું નક્કી કર્યું છે. આ મહાન વ્રત લેતા પહેલાં એણે પત્નીની ઇચ્છા જાણવાની, સમજવાની તસદી નહોતી લીધી. કદાચ એમણે ધાર્યું હશે કે, સહધર્મચારિણી એમની સાથે આવા ધર્મના ગણાતા માર્ગ પર નીકળી પડશે, પરંતુ માંડ ચાલીસની થયેલી સુંદર અને ઉત્સાહી પત્નીને હજી સાંસારિક સુખો પ્રત્યે વૈરાગ્ય નહોતો આવ્યો. થોડો સમય એણે મન મારવાની કોશિશ કરી, પણ પછી ભાગી પડી. એક દિવસ બીજા પુરુષ સાથે ભાગી ગઈ. લોકો એ સ્ત્રીને બદચલન ગણાવીને ફાવે તેવાં વિધાનો કરે છે. કહે છે કે આવા સાધુ જેવા પુરુષને છોડીને એણે પાપ કર્યું, પણ તમે કહો, આમાં વાંક કોનો? પતિને સાધુજીવનનો શોખ જાગ્યો હોય, તો પત્નીએ પણ પોતાના બધા શોખ મારી નાખીને સાધ્વી થઈ જવું?

અને છેલ્લે વાહવાહ કોની થાય છે? મોટા ભાઈની સાથે રહેવા ખાતર ભૌતિક સુખો ત્યાગીને જંગલમાં જતા રહેનારા, ભાભીને પાછી લાવવા માટે તાકાતવર અસુર સેના સામે લડનારા અને છેવટે ભાઈના કહેવાથી સાવ નજીવી વાતે પ્રાણ ત્યાગી દેનારા લક્ષ્મણની આપણે વાહવાહ કરીએ છીએ, પણ પતિ તરીકે એને દસમાંથી ઝીરો મળે કે નહીં? એવી જ રીતે જતી ઉંમરે પત્ની સાથે રહેવાને બદલે હજારો માઇલ દૂર વસેલાં મા-બાપની સેવા કરવા જતો રહે, એ કદાચ આદર્શ પુત્રનું બિરુદ પામે, પણ આદર્શ પતિ કહેવાય? આવા એક પુરુષની પત્ની કહે છે, ‘સારું, મને નિરાંત થઈ. હું હવે મારા ઘરમાં મારી રીતે જીવું છું.’ એણે જીવનભર જે પતિનું ધ્યાન રાખ્યું, એ હવે બીજાનું (ભલે મા-બાપનું) ધ્યાન રાખવા માટે દૂર જતો રહે, એનાથી એને થોડો સમય જે લાગણી થઈ હશે, એનું પ્રદર્શન કરવાને બદલે એણે હવે નવા શોખ, નવું મિત્રવર્તુળ શોધી લીધાં છે. બોલો, એણે કંઈ ખોટું કર્યું?
તમે જ કહો, આવા લક્ષ્મણ જેવા પતિઓ માટે એમની ઉર્મિલાઓ શું કામ દુઃખી થાય?
viji@msn.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો