તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ પ્રેમીયુગલનો અંત પણ એવો જ થયો!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.આર. ચોપરા કોઈપણ હાલમાં ફિલ્મના શૂટિંગ માટે ભોપાલ જવા માગતા હતા. આખરે તેમણે મધુબાલાને પડતી મૂકીને વૈજયંતીમાલાને સાઈન કરી
મધુબાલાના પિતા અતાઉલ્લા ખાનની દખલગીરીથી કંટાળેલા દિલીપકુમારે આખરે જે નિર્ણય લીધો એ મધુબાલાને મંજૂર નહોતો. દિલીપકુમાર ગુસ્સે થઈને ત્યાંથી જતા રહ્યા. એ પછી 1956માં નિર્માતા-નિર્દેશક બી.આર. ચોપરાએ ફિલ્મ ‘નયા દોર’ની યોજના બનાવી. આ ફિલ્મ માટે દિલીપકુમાર સાથે મધુબાલાને હિરોઈન તરીકે લીધી. શરૂઆત સારી થઈ. ત્યારબાદ વાત આવી આઉટડોર શૂટિંગની. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ભોપાલ પાસેના બુધની કસબામાં લગભગ બે મહિના ચાલવાનું હતું.

અતાઉલ્લા ખાન કોઈપણ ભોગે મધુબાલાને આઉટડોર પર જવા દેવા માટે તૈયાર નહોતા. બી.આર. ચોપરા કોઈપણ હાલમાં ફિલ્મના શૂટિંગ માટે ભોપાલ જવા માગતા હતા. આખરે તેમણે મધુબાલાને પડતી મૂકીને વૈજયંતીમાલાને આ ફિલ્મ માટે સાઈન કરી લીધી. દિલીપકુમાર આ સમગ્ર મામલે ચોપરા સાહેબ સાથે હતા. હકીકતમાં મધુબાલાના પરિવારનું એવું કહેવું છે કે મધુબાલાના હૃદયમાં છિદ્ર હોવાથી તે બીમાર રહેતી હતી અને આ બીમારીને કારણે આખરે તેનું મોત થયું, પણ આ વાત તેમના પરિવારે દુનિયા સામે જાહેર નહોતી કરી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આ રહસ્ય જ રહ્યું હતું. આઉટડોરમાં મોકલવાને કારણે તબિયત બગડી શકે એમ હતી અને એ રહસ્ય ખૂલી જાય એમ હતું.

બી.આર. ચોપરાએ વૈજયંતીમાલાને લેવાની ઘોષણા એક છાપાની જાહેરખબર દ્વારા કરી. એ જાહેરખબરમાં મધુબાલા પર કેન્સલનું નિશાન લગાડીને એના બદલે વૈજયંતીમાલાનો ફોટો છપાવડાવ્યો. આ જોઈને પઠાણ અતાઉલ્લા ખાનનું લોહી ઊકળી ઊઠ્યું. તેમણે જવાબમાં એક જાહેરખબર આપી અને એમાં મધુબાલાની તમામ ફિલ્મોનાં નામ આપીને અંતમાં ‘નયા દોર’ના નામ પર એવું જ કેન્સલનું નિશાન લગાડ્યું. આના કરતાંય એક ડગલું આગળ વધીને તેમણે અદાલતમાં ફિલ્મનું શૂટિંગ અટકાવવા માટેનો કેસ કરી દીધો.
આ કેસના જવાબમાં બી.આર. ચોપરાએ પણ મધુબાલાને ફિલ્મની સાઈનિંગ એમાઉન્ટના આપેલા 30 હજાર રૂપિયા પાછા લેવા માટેનો કેસ કર્યો. કોર્ટના ઝઘડાની સુનાવણી વખતે દિલીપકુમારને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા. બાકી તમામ સવાલો ઉપરાંત એક સવાલ તેમને એવો પૂછવામાં આવ્યો કે શું તેઓ મધુબાલાને પ્રેમ કરે છે? દિલીપકુમારે અદાલતમાં બધાની સામે કહ્યું, ‘હા, હું મધુને પ્રેમ કરું છું અને હંમેશાં કરતો રહીશ.’

અને છેવટે આ પ્રેમકહાનીનો અંત પણ લૈલા-મજનૂ, હીર-રાંઝા, શીરીન-ફરહાદની પ્રેમકહાની જેવો જ આવ્યો. તનથી નહીં પણ મનથી તેઓ હંમેશાં માટે એક રહ્યાં.
અન્ય સમાચારો પણ છે...