ઇન્ડિયન? અમિતાભ બચ્ચન?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
* આપણી વાત
* વર્ષા પાઠક

ઈજિપ્ત સાથે આપણા પોલિટિકલ અને બિઝનેસ રિલેશન્સ કેવા છે, એ વિષે મને ઝાઝું જ્ઞાન નથી, પણ ભૂલે ચૂકેય કોઈ મને પૂછી લે કે એ આફ્રિકન દેશ સાથે સંબંધ વધુ સારા કરવા માટે શું કરવું જોઈએ તો હું બેધડક જવાબ આપી દઉં કે, અમિતાભ બચ્ચન ને ત્યાં વરસમાં એકાદ-બે વાર મોકલવાથી કામ થઇ જાય એવી પૂરેપૂરી સંભાવના છે. સ્વિટ્ઝરર્લેન્ડ માં સ્વર્ગીય યશ ચોપરા ના નામની એક સ્ટ્રીટ હોવાનું સાંભળ્યું છે. એમણે પોતાની ઘણી ફિલ્મોનાં શૂટિંગ ત્યાં કરીને, લાખો ભારતીયોને ત્યાં જવાની પ્રેરણા આપી, એની કદરરૂપે સ્વિસ સરકારે એક આખો રસ્તો એમના નામે કરી આપ્યો, એ સમજી શકાય.
બીજી તરફ અમિતાભે ઈજિપ્શિયન ઈકોનોમી સુધારવામાં કેટલો ફાળો આપ્યો, એ હું નથી જાણતી,અને ત્યાંના કોઈ સ્થળ પર હજી સુધી અમિતાભ હરિવંશરાય બચ્ચનના નામનું પાટિયું નથી મુકાયું, પણ ગલીએ ગલીએ એ માણસનું નામ જાણીતું છે, ખાસ કરીને બજારોમાં. અને બચ્ચનસાહેબ ત્યાં જઈને ‘યે દોસતી હમ નહીં તોડેંગે’ જેવું કંઈ ગાઈ નાખે તો એમના ઈજિપ્શિયન ફેન્સ, કદાચ એકાદ પિરામિડ પણ એમના નામે કરી નાખે. અને જય, આઈ મીન ઇન્ડિયા સાથે મરતાં સુધી દોસ્તી નહીં તોડવાનું વચન પણ આપી દે.
અને આ ફેન્સ એટલે, ઈજિપ્તમાં વસતા મૂળ ભારતીયો નહીં, પણ હિન્દી ભાષાનો એકાદ શબ્દ પણ સરખો નહીં સમજતા ઈજિપ્શિયન આરબો.
હમણાં હું ઈજિપ્તમાં અગિયાર દિવસ ફરી આવી, એ દરમ્યાન ઓછામાં ઓછા પચ્ચીસવાર અમિતાભ બચ્ચનનું નામ મારા કાને અથડાયું. હોટેલ રૂમમાં લગેજ મૂકવા આવેલો છોકરો, નાઇલ રિવર ક્રુઝમાં વેજ ફૂડ બનાવી રહેલો શેફ, ટુર ગાઈડ, ટેક્સી ડ્રાઈવર, રણમાં ઊંટ ચલાવનારો, દુકાનમાંથી પોતાનો માલ વેચવા સાદ પડી રહેલો વેપારી... કૈરો, આસવાન, લક્ઝર... જાતજાતનાં સ્થળે આવા ભાતભાતના લોકોને મોઢેથી મેં અમિતાભ બચ્ચનનું નામ સાંભળ્યું.
મળતાંની સાથે પહેલો સવાલ થાય, ‘ઇન્ડિયન?’ અને હા પાડીએ એટલે જાણે આપણું નામ બોલતા હોય એમ કહે, ‘અમિતાભ બચ્ચન..!’ હજારો વર્ષ જૂનાં, અદ્્ભુત મંદિરો ધરાવતાં લક્ઝરનું મોડર્ન રૂપ જોવા માટે હું ઘોડાગાડીમાં બેસીને ફરવા નીકળી તો અડધે રસ્તે તાનમાં આવી ગયેલા મારા લોકલ ગાઈડે ગાવાનું શરૂ કર્યું અને મેં જે સાંભળ્યું તે કઈ આવું હતું, ‘એખ્દોસે કેરટે પાર...’ મને લાગ્યું કે હશે કોઈ અરેબિક સોંગ, પણ એણે તો ભારે હરખાઈને મારી સામે જોતાં કહ્યું, ‘ઈન્ડી સોંગ.’ મેં માથું ખંજવાળ્યું, આવું ઇન્દી, હિન્દી ગીત મેં તો પહેલીવાર સાંભળેલું. થોડીવાર પછી જોકે બત્તી થઇ કે ‘એક દુસરે સે કરતે હૈં પ્યાર હમ...’ મારો હોંશીલો ગાઈડ ‘હમ’ ફિલ્મનું ગીત ગઈ રહ્યો હતો, રાધર ગીતનું મર્ડર કરી રહ્યો હતો! હું પણ કઈ કમ નહોતી. મેં એની સાથે મોટે સાદે ગાવાનું શરૂ કર્યું, એનાથીયે વધુ બેસુરા સાદે. સ્થાનિકોને જોણું થયું, પણ અમને મજા આવી.
હિન્દીનો કક્કો નહિ જાણતા ઈજિપ્તવાસીઓમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા જોઇને હું ખરેખર આભી થઇ ગઈ. આ હતો રિયલ સ્ટારપાવર, જેને દેશ,ભાષા, ધર્મ કોઈ સીમાડા નહોતા નડતા.
ત્યાંની ટીવી ચેનલો પર અરેબિક સબ ટાઈટલ્સ સાથેની હિન્દી ફિલ્મો રસપૂર્વક જોવાય છે અને એમાં આમિર, સલમાન, રિતિક, શાહરુખ આ બધાની ફિલ્મો હોય છે, પણ ધેર ઈઝ સમથિંગ અબાઉટ અમિતાભ બચ્ચન, કે ત્યાંના યુવાનો અને બાળકોને પણ સહુથી વધુ યાદ તો એ સેવન્ટી પ્લસ એક્ટર રહે છે. જોકે બીજા બધા ત્યાં સાવ અજાણ્યા નથી. આસવાનમાં મને મિથુન ચક્રવર્તીનો પ્રેમી મળ્યો, તો લક્ઝરમાં મને હોટ એર બલૂન રાઈડ માટે લઇ જતા, એક ટુર ઓપરેટરે એના ફોન પર સાચવી રાખેલો જેકી શ્રોફ સાથેનો ફોટો બતાવ્યો, અને ચાર વાર કહ્યું,
‘વેરી ગુડ મેન.’
હવે જોવાનું એ કે, આ લોકોમાંથી કોઈએ આપણી કોઈ એક્ટ્રેસનું નામ ન લીધું. એમને પૂછ્યું પણ કોઈને યાદ નહોતું. કરીના, ઐશ્વર્યા ને પ્રિયંકાનો અહમ્ ઘવાય એવી વાત થઇ ને? હા, કૈરોના મારા ગાઈડ યાસીરે એટલું કહ્યું કે આરબ દેશોમાં, સહુથી મોટી અને પોપ્યુલર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઈજિપ્તની છે અને ત્યાંના પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સ ઇન્ડિયન ફિલ્મોને જોઈજોઈને હવે એમની ફિલ્મોમાં પણ વધુ ને વધુ ગીત સંગીત ઉમેરતા થઈ ગયા છે. ભવિષ્યમાં આપણી આઇટેમ ગર્લ્સ ને ઈજિપ્ત ફિલ્મોમાં ઠુમકા લગાવવાનું આમંત્રણ મળે એવી ઊજળી શક્યતા છે.
એક જમાનામાં ખુદને વેરી એજ્યુકેટેડ, કલ્ચર્ડ, ઇન્ટેલેક્ચુઅલ ગણાવતાં ઘણાં ભારતીય બંધુ-ભગિનીઓ એવું કહેતાં કે, અમે હિંદી ફિલ્મો નથી જોતાં. એમાં શું જોવા જેવું હોય વગેરે. હવે આ વાયડી પ્રજાની સંખ્યા ઘટી છે. જોકે સાવ નાબુદ નથી થઇ. ખુદને બુદ્ધિવંત ગણાવતા આ લોકોને ખરેખર ભાન નહિ હોય કે હિન્દી ફિલ્મોની પહોંચ અને અસર કેવી છે? સામાન્ય પ્રજાની વાત કરીએ બહારના લોકો આપણા વડાપ્રધાન કરતાં આપણા ફિલ્મસ્ટારને વધુ ઓળખે છે. એશિયન અને આફ્રિકન દેશોમાં આ વધુ જોવા મળ્યું. કારણ ગમે તે હોય.
અને માણસને માત્ર રોટી, કપડાં ને મકાનની જ જરૂર નથી હોતી. રોજબરોજની તકલીફોની વચ્ચે ઘડીક રાહત, થોડીક મોજ પણ એને જોઈતી હોય છે. ઈજિપ્ત અત્યંત સુંદર દેશ છે. ઐતિહાસિક સ્મારકોની સંખ્યા જુઓ તો એ બાબતે, દુનિયાનો સહુથી શ્રીમંત દેશ કહેવાય, પણ રાજકીય અસ્થિરતાને પરિણામે, એ છેલ્લા થોડા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. એવા સમયે, આપણા અમિતાભ કે મિથુન ત્યાંના થોડા લોકોને થોડું પણ મનોરંજન આપે તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો ગૌરવ લેવા જેવું જ કહેવાય ને?
કોઈને સિલી લાગે એવો વિચાર મને આવે છે કે, મંત્રીઓ અને બાબુઓને બદલે તો નહિ પણ એમની સાથે વારતહેવારે આપણા ફિલ્મ કલાકારોને પણ ઓફિશિઅલ વિદેશી યાત્રા પર મોકલીએ તો ત્યાના લોકો વધુ રાજી ન થાય?{
viji59@msn