ત્રણેય ખાન સાથે કામ કરી ચૂકેલી અનુષ્કા શર્મા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરાટ કોહલી સાથેની રિલેશનશિપના કારણે અનુષ્કા શર્મા ભલે ચર્ચામાં રહેતી હોય, પણ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં તેને એક દાયકો થવા આવશે. એટલે કે અહીં તે પોતાનું એક ચોક્કસ સ્થાન જમાવી ચૂકી છે. ભલે તેણે એક્ટ્રેસ તરીકે એવી કોઈ મોટી ધાડ નથી મારી, પણ 100, 200 અને 300 કરોડની ક્લબની ફિલ્મો તેના ખાતામાં ચોક્કસ છે. મતલબ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળતમ હિરોઈનોમાં તે જરૂર સ્થાન મેળવી ચૂકી છે. માત્ર એટલું જ નહીં, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખાન ત્રિપુટી એટલે કે શાહરુખ ખાન-સલમાન ખાન અને આમિર ખાન એમ ત્રણેય ખાન સાથે તે કામ કરી ચૂકી છે અને ત્રણેય સાથે તેણે સુપરહિટ ફિલ્મો આપી છે. તેમાં પણ શાહરુખ સાથે તો તેની આ ત્રીજી ફિલ્મ છે.
શાહરુખ-સલમાન અને આમિર ખાનનો દબદબો ઈન્ડસ્ટ્રીમાં એવો છે કે કોઈપણ હિરોઈનને જો તેમની સાથે કામ કરવા મળે તો પોતાનું સૌભાગ્ય સમજે છે. બોલિવૂડમાં એવી પણ કેટલીક સફળ હિરોઈનો છે, જેમની કરિયર આ ત્રણેય ખાન સાથે ફિલ્મ કર્યા વગર જ પૂરી થઈ ગઈ હોય, જેમ કે વિદ્યા બાલન. (છેલ્લા કેટલાય સમયથી વિદ્યા બાલનની ફિલ્મો બોક્સઓફિસ પર કંઈ ઉકાળી શકતી નથી તે જોતાં તેની કરિયર લગભગ પૂરી જ થઈ ગઈ કહેવાય.) વળી, દીપિકા પાદુકોણ જેવી હિરોઈન પણ છે જે સફળતાની ટોચ પર બિરાજતી હોવા છતાં તેને હજુ સલમાન કે આમિર સાથે ફિલ્મ કરવા નથી મળી. 
બોલિવૂડમાં કરિના કપૂર જેવી ભાગ્યે જ કોઈ હિરોઈન હશે, જેને ત્રણેય ખાન સાથે કામ કરવા મળ્યું હોય, આ યાદીમાં અનુષ્કા શર્માનું નામ પણ છે. એ પણ કહેવું જ પડે કે અનુષ્કાએ જ્યારે-જ્યારે ખાન સાથે કામ કર્યું છે ત્યારે ત્યારે તેને ફળ્યું છે. તેની ખાન ત્રિપુટી સાથેની ફિલ્મ સફળ રહી છે. શાહરુખ ખાન સાથે તો 2008માં તેણે ‘રબ ને બના દી જોડી’ દ્વારા કરિયરની શરૂઆત જ કરી હતી, જેના દિગ્દર્શક આદિત્ય ચોપરા હતા. શાહરુખ સાથે બીજી ફિલ્મ કરી ‘જબ તક હૈ જાન’, જેના દિગ્દર્શક યશ ચોપરા હતા. આ રીતે યશ ચોપરા અને આદિત્ય ચોપરા એમ બંને બાપ-દીકરાના દિગ્દર્શનમાં કામ કરવાનો લહાવો પણ તેને પ્રાપ્ત થયો છે. આ બંને ફિલ્મો સફળ તો હતી જ, પણ શાહરુખ સાથેની તેની ત્રીજી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ના રિવ્યુ સારા નથી આવ્યા, છતાં બોક્સઓફિસ પર પહેલા 4 દિવસમાં 50 કરોડથી વધારે વકરો તો કરી જ ચૂકી છે. જ્યારે આમિર ખાન સાથેની ‘પીકે’ અને સલમાન ખાન સાથેની ‘સુલતાન’ તો 300 કરોડની ક્લબમાં સામેલ છે. આ ક્લબમાં પણ કરીના સિવાય તેની કોઈ સ્પર્ધક નથી.
સામાન્ય રીતે ખાન ત્રિપુટી સાથેની ફિલ્મ હોય તો કોઈપણ હિરોઈન તેમાં પોતાનો રોલ કેવો છે તે જોયા વગર જ સાઈન કરી લેતી હોય છે. આ બાબતમાં પણ અનુષ્કા નસીબદાર છે કે તેને ત્રણેય ખાન સાથે ફિલ્મમાં પેરલલ રોલ મળ્યો છે. બાકી તમે જ જુઓ કે આમિર ખાન ‘3 ઈડિયટ્સ’માં કરીનાનો કે ‘ધૂમ-3’માં કેટરિનાનો રોલ કેવો અને કેટલો હતો. તેની સામે તમે ‘પીકે’માં અનુષ્કાનો રોલ જુઓ. બિલકુલ તેવી જ રીતે ‘સુલતાન’માં પણ તે માત્ર સલમાનની પ્રેમિકા એટલે કે શોભાનો ગાંઠિયો બનીને નથી રહી ગઈ. તે પોતે પણ તેમાં મહિલા કુસ્તીબાજના રોલમાં છે. શાહરુખ સાથેની પહેલી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’માં પણ તે પહેલેથી લઈને છેલ્લા દૃશ્ય સુધી શાહરુખ સાથે જોવા મળે છે. હા, ‘જબ તક હૈ જાન’માં યશ ચોપરા સાથે કામ કરવા મળતું હોવાને લીધે તેણે સેકન્ડ લીડ રોલ સ્વીકાર્યો હતો, બાકી ‘જબ હેરી મેટ સેજલ’માં જેમ નામમાં બરાબર સ્થાન મળ્યું છે તેવી જ રીતે ફિલ્મમાં પણ શાહરુખ સમાન જ રોલ મળ્યો છે. છતાં એક વાત કહેવી પડે કે રોલ ભલે તેને બરાબરીના મળ્યા હોય, પણ હજુ સુધી તેને કોઈ ફિલ્મ એવી નથી મળી, જેમાં તે પોતાની અમીટ છાપ છોડી જઈ શકે.
આશા રાખીએ કે વિરાટ કોહલી સાથે લગ્ન કરી લેતાં પહેલાં પોતાના આ સ્ટાર સ્ટેટસનો ઉપયોગ કરીને એવા રોલ મેળવે જેમાં તેની અભિનય પ્રતિભાને પૂરતો ન્યાય મળી રહે. અસ્તુ. 
shailv37@gmail.com
 
અન્ય સમાચારો પણ છે...