અનિલ બિશ્વાસ યાદ છે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક સંગીતકાર તરીકે અનિલ બિશ્વાસ શુદ્ધતાવાદી હતા
 
વરસાદની મોસમમાં વિખ્યાત સંગીતકાર અનિલ બિશ્વાસનાં ગીતોની છત્રી ઓઢીને બેસી ગયો છું. જે દિવસોમાં ફિલ્મ સંગીત હજી ચાલતા નહોતું શીખ્યું એ દિવસોમાં અનિલદાએ ફિલ્મ સંગીતની આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું. આજના ઘોંઘાટભર્યા સંગીતના યુગમાં કોઈ સવારે તલત મહેમુદે ગયેલું આ ગીત કાને ચડી જાય છે : ‘યે દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો’ આ ગીતની તર્જ વારંવાર ગણગણવાનું  મન થાય છે. એ દિવસોમાં તલત મહેમૂદના કંઠના સહુ દીવાના હતા. રેડિયો સિલોન પરથી આ ગીત વાગતું ત્યારે સહુના ચરણ થંભી જતા હતા. શબ્દો પણ કેટલા સિમ્પલ હતા. અનિલદાની બીજી એક તર્જ તલતના અવાજમાં તમે સાંભળી હશે ‘સીને મેં સુલગતે હૈ અરમા, આંખોં મેં ઉદાસી છાઈ હૈ’ આ ગીત સાંભળતાં વેદનાની એક કસક અનુભવાય છે. એક મીઠું દર્દ સુગરીના માળા જેવા હૃદયમાં ચૂપચાપ બેસી જાય છે. તર્જ એટલી જીવંત લાગતી હતી કે જાણે એકદંડિયા મહેલમાં બેસીને કોઈ ઉદાસીનો શણગાર સજી રહ્યું છે.

મહેદી હસન અને જગજિતસિંહ જેવા ગઝલ ગાયકોએ એમની કરિયરની શરૂઆત ‘સિને મેં સુલગતે હૈ અરમા’ અને ‘યે દિલ મુઝે ઐસી જગહ લે ચલ’ જેવી ગઝલો ગાઈને કરી હતી. આજની ગઝલગાયકીના પાયામાં અનિલદાની તર્જ અને તલત મહેમૂદનો કંઠ પડેલો છે. અનિલદાએ 1943માં ‘કિસ્મત’ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. કવિ પ્રદીપજીના શબ્દોને અનિલદાએ એવી સહજ રીતે બાંધ્યા કે આખું હિન્દુસ્તાન ઝૂમી ઊઠ્યું. એ ગીતથી કદાચ પહેલીવાર ફિલ્મ સંગીત બંધનમાંથી મુક્ત થઈને ખુલ્લા આકાશમાં આવ્યું.

‘કિસ્મત’ ફિલ્મમાં અમીરબાઈ કર્ણાટકીએ ગાયેલી આ લોરીએ ધૂમ મચાવી દીધી. ‘ધીરે ધીરે આ રે, બાદલ ધીરે ધીરે આ, મેરા બુલબુલ સો રહા હૈ, શોરગુલ ના મચા’ એ પછી અનિલદાનું બીજું એક ગીત આઝાદીની લડતનું શૌર્યગીત બની ગયું : ‘દૂર હટો અય દુનિયાવાલોં હિન્દુસ્તાન હમારા હૈ’ આ ગીતે તો આઝાદીનો ઇતિહાસ રચી દીધો. એ પછી અનિલદાએ ‘પહેલી નજર’ ફિલ્મમાં મુકેશને પહેલી વાર ચાન્સ આપ્યો. મુકેશનું આ ગીત તમને યાદ હશે : ‘દિલ જલતા હૈ તો જલને દો’ મુકેશનો અવાજ સાયગલથી ખૂબ પ્રભાવિત હતો, પણ અનિલદાએ મુકેશને સાયગલની ઘરેડમાંથી મુક્ત કર્યો.

એક સંગીતકાર તરીકે અનિલ બિશ્વાસ શુદ્ધતાવાદી હતા. એમને ક્યારેય સમાધાનો કર્યાં નહોતાં. રોટી કમાવા માટે અનિલદાએ મૂલ્યોનો ત્યાગ ક્યારેય નહોતો કર્યો. તેઓ માનતા કે સંગીત એ સાધના છે. આજની તારીખે ફિલ્મના પ્રોડ્યુસરો એક ગીતને પોપ્યુલર કરવા માટે લાખો રૂપિયાની જાહેરખબરો કરે છે, પણ ગીત ફ્લોપ થઈ જાય છે.
 
અનિલ બિશ્વાસનું સર્જન વગર જાહેરખબરે છેલ્લાં પચાસ વર્ષથી તરોતાજા રહ્યું છે. જે લોકો સતત જાહેરખબરો અને સમારંભોથી પોતાની જાતને લાઇમલાઇટમાં રાખવાનાં તરફડિયાં મારે છે એ બધા સતત ઇનસિક્યોરિટીથી પીડાતા હોય છે. એમને પોતાના સર્જન ઉપર શ્રદ્ધા નથી. આવા ટૂંકા પનાના સર્જકો માટે આવું કરવું અનિવાર્ય છે. પબ્લિક નજરમાં સતત રહેવા માટે તમાશો ઊભો કરવો જ પડે છે. અનિલ બિશ્વાસ પબ્લિસિટીથી દૂર રહેતા. અનિલ બિશ્વાસનું ભાવવિશ્વ મીના કપૂર પાસે ગવડાવેલા આ ગીતમાં આબેહૂબ પ્રગટ થાય છે. ‘કુછ ઔર જમાના કહતા હૈ, કુછ ઔર હૈ જિદ્દ મેરે દિલ કી’ આ ગીત મોતીલાલે બનાવેલી ફિલ્મ ‘છોટી છોટી બાતે’ ફિલ્મનું છે.
 
joshi.r.anil@gmail.com
અન્ય સમાચારો પણ છે...