ઐશ્વર્યા રાય અને કાન પારંપારિકથી મોડર્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐશ્વર્યા રાય આ વખતે કાન ફેસ્ટિવલમાં મત્સ્યકન્યાની ફીલ આપે તેવો ગોલ્ડન ડ્રેસ પહેરીને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલી અને ફિલ્મોમાં ભલે છવાય કે ના છવાય, પણ અહીં રેડ કાર્પેટ પર ચાલીને તે ફરી એકવાર વિશ્વભરના મીડિયામાં જરૂર છવાઈ ગઈ. તમને યાદ કરાવી દઈએ કે ૨૦૦૨માં કાનમાં ઐશ્વર્યા પ્રથમવાર ગઈ ત્યારે ગોલ્ડ કલરની પારંપારિક ભારતીય સાડી અને સાથે ખૂબ જ હેવી ગોલ્ડ જ્વેલરી પહેરીને ગઈ હતી, જેના લીધે એ ભારતને રિપ્રેઝન્ટ કરતી હોય તેવું લાગતું હતું, જ્યારે છેલ્લા થોડા વર્ષોથી તેના ડ્રેસ હોલિવૂડ હિ‌રોઈન પ્રકારના ગાઉન હોય છે.
કહેવાનો આશય એ કે ઐશ્વર્યામાં આટલો ફેરફાર થયો આટલા વર્ષોમાં દેશની મટી વિદેશી લાગવા માંડી આવું થાય તેનું પણ કારણ છે ત્યાં તમે રેડ કાર્પેટ પર શું પહેરીને ચાલો છો તેના પરથી તમારી ડ્રેસિંગ સેન્સ જજ થાય છે અને વિશ્વભરના મીડિયામાં તે વખણાય કે વખોડાય પણ ખરી પહેલાં વર્ષે તો ઐશ્વર્યાને વાંધો ના આવ્યો પણ પછીના બે વર્ષ સતત તેના ડ્રેસની ખૂબ જ ટીકા થઈ, પણ પછી તેને આવડી ગયું. આમ પણ ફ્રાન્સના આ ભારે દબદબાવાળા ફેસ્ટિવલમાં ટીકા થાય (ડ્રેસિંગ સેન્સની એક્ટિંગની નહીં હો.) એ તો ના પોસાય ને? કારણ કે દુનિયાભરમાં ઓસ્કર પછીનો આ સૌથી પ્રતિષ્ઠિ‌ત (અને ગ્લેમરસ પણ) ફિલ્મ ફેસ્ટિવલ છે. એટલે જ ઓસ્કર બાદ જો કોઈ ફિલ્મ ફેસ્ટિવલને વિશ્વભરના મીડિયામાં કવરેજ મળતું હોય તો તે કાન ફેસ્ટિવલને મળે છે.
૧૯૪૬માં આ ફેસ્ટિવલ યોજાવાનું શરૂ થયા બાદ ૧૯પ૨થી નિયમિતપણે દર વર્ષે યોજાય છે અને તે પણ મોટાભાગે મે મહિ‌નામાં જ. આ વર્ષે આ ફેસ્ટિવલ ૨પમી મે સુધી ચાલવાનો છે. અહીં આપણે આ ફેસ્ટિવલનો ઈતિહાસ નથી ઉખેળવો, પણ છેલ્લા દાયકામાં ભારતીય કલાકારોને પણ કાનનું આમંત્રણ મળતા તેઓ જવા લાગ્યા, જેના લીધે આપણે ત્યાં પણ એ જાણીતો થઈ ગયો. બાકી એ વાત જુદી છે કે ત્યાંના કોમ્પિટિશન સેક્શનમાં આપણી ફિલ્મોનું કંઈ જ ઉપજતું નથી. ઐશ્વર્યા રાય બોલિવૂડની એકમાત્ર એવી હસ્તી છે જે છેલ્લા બાર વર્ષથી કાનમાં અચૂક હાજરી આપે છે.
૨૦૦૩માં તો તેને આ વિશ્વપ્રતિષ્ઠિ‌ત ફેસ્ટિવલના જ્યુરી મેમ્બર બનવાનું સદ્ભાગ્ય પણ સાંપડયું હતું. આમ કાન ફેસ્ટિવલમાં ઐશ્વર્યા ભારતનો પ્રતિનિધિત્વરૂપ ચહેરો છે. એવું નથી કે ઐશ્વર્યા સિવાય બીજા કોઈને ત્યાં રેડ કાર્પેટ પર ચાલવાનો મોકો નથી મળ્યો, પણ ઐશ્વર્યા જેવો દબદબો કોઈ ઊભો કરી શકયું નથી તે હકીકત છે. આમ તો ઐશ્વર્યા સિવાય નંદિતા દાસ, સોનમ કપૂર, વિદ્યા બાલન અને મલ્લિકા શેરાવત પણ કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલી ચૂકી છે અને વિવાદો પણ સર્જી ચૂકી છે. જેમ કે મલ્લિકાએ એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતને દંભી લોકોનો દેશ ગણાવ્યો હતો.
જેના લીધે તેણે પ્રિયંકા ચોપરા સહિ‌ત બોલિવૂડના ગુસ્સાનો ભોગ બનવું પડયું હતું. એમ તો સૈફ અલી ખાને પણ એકવાર ઐશ્વર્યાને તેના સુંદર ચહેરાને લીધે કાનમાં આમંત્રણ મળે છે એ મતલબનું સ્ટેટમેન્ટ આપીને એવું કહેવા ટ્રાય કરેલો કે તેની સુંદરતાને લીધે ત્યાં આમંત્રણ મળે છે ટેલેન્ટને લીધે નહીં. જોકે પાછળથી તેણે ઐશ્વર્યા ઈન્ટરનેશનલ આઈકોન છે અને કોઈ તેને રિપ્લેસ ના કરી શકે તેવું કહી ડેમેજ કન્ટ્રોલ કરેલો. તો સોનમે ૨૦૦૯માં એવું કહી હોબાળો કરેલો કે તે એક બ્રાન્ડ માટે રેડ કાર્પેટ પર ચાલવાની છે, જે તેણે તાજેતરમાં જ સાઈન કરી છે. હવે ઓલરેડી એ બ્રાન્ડ માટે ઐશ્વર્યા જ ચાલવાની હતી અને ફાઈનલી એશ જ ચાલી. એવું ન માની લેવું કે આ બોલિવૂડમાંથી જે લોકોને કાનમાં આમંત્રણ મળે છે તે લોકો બીજા કરતાં સુપિરિયર છે કે તેમની એક્ટિંગ ટેલેન્ટને લીધે મળે છે.
હા, ઐશ્વર્યા, નંદિતા દાસ કે વિદ્યા બાલનને જ્યુરી તરીકે આમંત્રણ મળેલું તે જરૂર ગર્વ લેવા જેવી વાત છે. બાકી તો ત્યાં બોલિવૂડના કોઈ નિર્માતા પોતાની ફિલ્મનો પ્રીમિયર ત્યાં કમર્શિ‌યલ સેક્શનમાં ગોઠવીને જઈ જ શકે છે અને પોતાની ટીમને પણ સાથે લઈ જઈ શકે કે પછી આગળ જણાવ્યું તેમ કોઈ ઈન્ટરનેશનલ પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર હોવ તો ત્યાં એ પ્રોડક્ટનું પ્રમોશન કરવા પણ તમને એ પ્રોડક્ટ બનાવતી કંપની તરફથી આમંત્રણ મળી શકે છે. ખેર, હાલ તો બોલિવૂડ બ્યુટીઓને કાનમાં આમંત્રણ મળે છે ને આપણે હરખાઈએ છીએ તેવી જ રીતે આશા રાખીએ કે ભવિષ્યમાં આપણી ફિલ્મો પણ ત્યાં પોંખાય અને આપણે આનંદીએ.'

ઐશ્વર્યા રાય બોલિવૂડની એકમાત્ર એવી હસ્તી છે જે છેલ્લા બાર વર્ષથી કાનમાં અચૂક હાજરી આપે છે. કાન ફેસ્ટિવલમાં તે ભારતનો પ્રતિનિધિત્વરૂપ ચહેરો છે.

શૈલેન્દ્ર વાઘેલા
shailv37@gmail.com