તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહિલ શરીફની નિવૃત્તિ શરીફની સત્તા હવે પછીના લશ્કરી વડાના હાથમાં રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુશર્રફની દગાખોરી નવાઝ ભૂલ્યા નહિ હોય. મુશર્રફે રાહિલ શરીફને એક્સટેન્શન આપવા કહ્યું એટલે પાકિસ્તાનમાં લશ્કરી અને રાજકીય માહોલ બદલાઇ ગયો
પાકિસ્તાની સેનાના વડા રાહિલ શરીફ 29મી નવેમ્બરે રિટાયર થાય છે. પાકિસ્તાનમાં લશ્કરી વડા બનવું અને સાંગોપાંગ નિવૃત્ત થવું એ એક અચિવમેન્ટ છે. પાકિસ્તાની લશ્કર દુનિયા આખીમાં કુખ્યાત છે તેના શાસકોને સત્તા પરથી ફેંકી દેવામાં. લશ્કરી વડાઓ સત્તાપલટો કરતા આવ્યા છે અને તેમણે અનેક વખત પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું છે. નવાઝ શરીફના કમનસીબે 1999માં એ વખતના લશ્કરી વડા જનરલ પરવેઝ મુશર્રફે તેમને દગો દીધો હતો.
કારગિલમાં ભારત સામે મુશર્રફે ઊંબાડિયું કર્યા પછી શરીફે તેમને હટાવ્યા તો ખરા પણ મુશર્રફ વધારે શાણા નીકળ્યા. તેમણે શરીફને જ ગાદી પરથી ઉતારી દીધા અને કબજો મેળવી લીધો. લશ્કરી શાસનના પાકિસ્તાનના કલંકિત ઇતિહાસનું પુનરાવર્તન થયું અને શરીફ જેલભેગા થયા. દસ વર્ષ સુધી સાઉદી અરેબિયામાં શરણ લીધા પછી નવાઝ શરીફ ફરી સત્તામાં આવ્યા. હવે મુશર્રફ દેશવટો ભોગવી રહ્યા છે. વડાપ્રધાન અને લશ્કરી વડા વચ્ચે આ ઉંદર-બિલાડીની રમત પાકિસ્તાનની રચના વખતથી ચાલ્યા જ કરે છે. બેમાંથી જે મટકું મારે તેનો શિકાર થઇ જાય.

શરીફ તેમના અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન પાંચમી વખત સેનાના વડાની નિમણૂક કરશે. રાહિલના ઉત્તરાધિકારી પસંદ કરવા એ નવાઝ માટે સૌથી કપરું કામ હશે. પાકિસ્તાનમાં એવી ચર્ચા છે કે સિનિયોરિટીને કોરાણે મૂકીને શરીફ સિનિયોરિટીમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા નદીમ અને ચોથા નંબરના સિનિયર લશ્કરી અધિકારી બાજવા એ બેમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળશે. એમ સમજો કે શરીફને આ લોકોની પસંદગીમાં તેમની ગાદી સલામત દેખાય છે. શરીફે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે પાકિસ્તાની પ્રજા હંમેશાં એવા લશ્કરી વડાને પસંદ કરે છે જે પરંપરાગત રીતે ભારતવિરોધી છાપ ધરાવતો હોય. પાકિસ્તાનનું અસ્તિત્વ લશ્કરી વડા અને ભારતવિરોધી સ્ટેન્ડ પર જ ટકી રહ્યું છે.

એટલે જ સામાન્ય સંજોગોમાં પણ ભારતની અને દુનિયાની નજર પાકિસ્તાનના લશ્કરી વડા અને તેની જાસૂસી સંસ્થા આઇએસઆઇના વડા પર હોય છે. કારણ કે પાકિસ્તાનમાં વડાપ્રધાન કરતાં વધુ પાવરફુલ છે આ લોકો. સવાલ એ છે કે રાહિલ શરીફ ડાહ્યાડમરા થઇને નિવૃત્ત થઇ રહ્યા છે? તેમણે નવાઝ શરીફ સાથે કોઇ ડીલ કર્યું છે કે પછી શરીફની નિવૃત્તિના દેખાવ પાછળ પાકિસ્તાનની કોઇ ડિઝાઇન છે? તેમની આ ડિઝાઇન ભારત અથવા તો નવાઝ વિરોધી હોઇ શકે. આ શંકા થોડી પ્રબળ એટલા માટે બની છે કારણ કે રાહિલ શરીફે નિવૃત્તિની ઘોષણા કરી અને આર્મીની જુદી જુદી પોસ્ટ પર જવાનોને મળવાનું શરૂ કર્યું ત્યારે સામાન્ય લોકોમાંથી રાહિલ તરફી દેખાવો થયા અને તેમને વધુ ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવું જોઇએ એવો સૂર ઊભો થયો કે કરવામાં આવ્યો.
એક શંકા ખુદ પરવેઝ મુશર્રફે ઊભી કરી. તેમણે થોડા સમય પહેલાં જ એવું નિવેદન આપ્યું હતું કે રાહિલ શરીફને એક્સટેન્શન મળવું જોઇએ. અગાઉ લશ્કરી વડા તરીકે મુશર્રફ અને જનરલ કિયાનીને એક્સટેન્શન મળી ચૂક્યું છે. પરવેઝ મુશર્રફના નિવેદનથી નવાઝ શરીફ વધુ ગભરાયા હશે કારણ કે ફરી એકવાર સત્તાપલટો કરીને પાકિસ્તાનની ગાદી પર ચડી બેસવાની મુશર્રફની લાલસા અતૃપ્ત છે. આમાં આ નવો ટ્રાયેન્ગલ ઊભો થાય તો નવાઝના દેશવટાના યોગ ફરી મજબૂત થાય.

થોડા મહિના પહેલાં વિરોધ પક્ષોએ કરેલા દેશવ્યાપી દેખાવોમાં પાકિસ્તાનમાં નવાઝ શરીફની વિરુદ્ધમાં બળવા જેવી સ્થિતિ ઊભી થઇ હતી. આવા સંજોગોમાં રાહિલ શરીફે સંયમ રાખ્યો હતો અને આર્મી વડાની પરંપરાગત પાકિસ્તાની એષણાને બાજુએ મૂકીને કહ્યું હતું કે આ રાજકીય પ્રશ્ન છે અને તેનો ઉકેલ રાજકીય રીતે આવે તે જ યોગ્ય છે. લશ્કરને તેમાં કોઇ રસ નથી. શરીફે આર્મીને એક પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપ્યો છે અને લશ્કરનું કામ રાજકીય દખલગીરીનું નથી એવું સાબિત કરવાની કોશિશ કરી છે. પાકિસ્તાનમાં આવું વિચારવું એ પણ અપવાદ છે.

જોકે તેનાથી નવાઝની રાજકીય મુશ્કેલી ઓછી થઇ નથી અને થવાની પણ નથી. રાહિલ શરીફ 29મી નવેમ્બરે નિવૃત્ત થાય છે. યોગાનુયોગ એવો છે કે વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પનામા પેપર્સમાં લીક થવાને કારણે ત્યાં તેમની સામે ઇમરાન ખાન સહિતના વિરોધપક્ષોએ મોરચો માંડ્યો છે. અદાલતમાં નવાઝ સામે કેસ દાખલ થયો છે અને તે કેસની સુનાવણી 30મીએ છે. માની લો કે અદાલત નવાઝ સામેના આ કેસમાં ગંભીર વલણ લે અને તપાસસમિતિ રચે તો નવાઝ રાજકીય રીતે પણ નબળા પડી શકે એમ છે.
જો અદાલત આ ગુનામાં નવાઝની સંડોવણીનો સ્વીકાર કરે તો નવાઝે તરત રાજીનામું આપવું પડે. મોદી પહેલાં નવાઝ શરીફે પાકિસ્તાની જનતા સામે જવાનું છે. મોદીની ભાઇબંધીથી નવાઝને કોઇ ફાયદો થાય એવું શક્ય નથી. ભારતમાં ઉરી એટેક અને એ પછીની સર્જિકલ સ્ટ્રાઇક્સ પછી મામલો જુદો છે.

પાકિસ્તાનમાં રાજકારણ અને લશ્કરને 36નો આંકડો છે. રાહિલનો એક મતબલ થાય છે છોડી દેવું અથવા રજા લેવી (ટુ ડિપાર્ટ). નવાઝ શબ્દનો અર્થ થાય છે પ્રિન્સ અથવા તો ઉદાર. આ બંનેમાં શરીફ કોમન છે. શરીફનો અર્થ થાય છે ભલો માણસ. નવાઝ કે રાહિલ એ બેમાંથી કોણ ભલું છે એ તો સમય જ કહેશે પણ ભારત માટે એમાંનું કોઇ સારું વિચારતું હશે એવું માનવું ભૂલ ભરેલું છે. ભારત-અફઘાનિસ્તાનની સરહદ પરના મોરચે અને દેશની અંદર સેનાના વડાની પસંદગી નવાઝ શરીફ માટે મુશ્કેલ કામ છે. નવાઝની ખરી કટોકટી હવે શરૂ થશે.
અન્ય સમાચારો પણ છે...