તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજમાં ગરીબ-અમીરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજથી પચીસ-પચાસ વર્ષ પહેલાં દરેક નાના ગામમાં એકાદ માણસ રહેતો જે લખપતિ કહેવાતો. ગામ થોડું મોટું હોય તો બે-ચાર લખપતિ હોય એનાથીય મોટું હોય તો વીસ-પચ્ચીસ લખપતિ હોય અને બે-ચાર કરોડપતિ. આઝાદી પછીનાં ભારતનાં ગામડાં અને ટાઉનનું આર્થિક બંધારણ લગભગ આવું રહેતું. ગામમાં બાકીના બધા લગભગ સરખા અને દસેક ટકા સાવ ગરીબ હોય. આ લખપતિ ગામનો શેઠ કે શાહુકાર કહેવાતો. કહો કે અમીર-ગરીબ વચ્ચેનો આ રેશિયો રહેતો. ગામના ગરીબ વર્ગનું શોષણ પણ એ કરતો તો વાર-તહેવારે થોડાં દાન-ધર્મ કરીને ગામના ગરીબોને મદદ પણ કરતો.
અમીર-ગરીબ વચ્ચેની અસમાનતાના ક્રમમાં ભારત 12મા સ્થાને છે. અસમાનતાની આ ખાઇમાંથી જ ગુનાખોરી જન્મ લે છે અને છેવટે ક્રાંતિ કે બળવાનું સ્વરૂપ લે છે

આપણે આજે રાજકારણથી સાવ જુદા વિષય પર વાત કરવી છે. જેનું મૂળ અંતે તો રાજકારણ સુધી પહોંચે છે. અમેરિકાને આપણે મૂડીવાદી દેશ કહીને તેને તુચ્છકારીએ છીએ. એ તો સાવ મૂડીવાદી છે ત્યાં માણસની કોઇ કિંમત નથી. કોઇને કોઇના માટે લાગણી નથી. બધા પોતપોતાનામાં જીવે છે, કમાય છે, પોતાનાજોગું કહેવાતું સુખ અને વૈભવ ભોગવે છે અને પછી અઢળક સંપત્તિ છોડીને મરે છે, તેના પછીની પેઢી એ પૈસા ઉડાડી મૂકે છે. અમેરિકન સમાજનું ચક્ર કંઇક આ રીતે ચાલે છે. છેલ્લાં કેટલાંક વર્ષોનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કે આમાંનું મોટાભાગનું આપણે ત્યાં પણ ચાલે છે. એક ગુજરાતી તરીકે આપણને સૌને અમેરિકાનું વળગણ છે. (તેમાં કંઇ ખોટું નથી) આપણે ધનના સંગ્રહના સંદર્ભમાં વાત કરવી છે.

હવે મૂળ વાત. હમણાં ન્યૂ વર્લ્ડ વેલ્થ નામની એક સંસ્થાનો એક રિસર્ચ રિપોર્ટ આવ્યો છે કે ભારતમાં રહેતા કરોડપતિઓ પાસે દેશની 45 ટકા સંપત્તિ પર કબજો છે. ગરીબ-અમીર વચ્ચેની સંપત્તિની અસમાનતાની બાબતમાં ભારત 12મા સ્થાને છે. આ યાદીમાં રશિયા ટોપ પર છે. રશિયામાં પુતિન પાસે અધધ સંપત્તિ છે પણ ગણ્યાંગાંઠ્યા રશિયનો દેશની મોટાભાગની સંપત્તિ પર આધિપત્ય જમાવીને બેઠા છે.

વિશ્વભરના દેશોની સરેરાશની વાત કરીએ તો એ 35 ટકા સંપત્તિ છે. ભારતમાં એ આંકડો 45 ટકા છે એટલે કે સરેરાશથી વધુ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમના પર વિપક્ષ એક આક્ષેપ લગાવી રહ્યો છે કે તે માત્ર ધનપતિની સરકાર ચલાવે છે. દિલ્હી પહોંચ્યા પછી પણ મોદી પર આ આળ ચાલુ રહ્યું છે. હકીકત એ છે કે ભારતમાં આવો સિનારિયો મોદીના આવ્યા પહેલાંથી જ એટલે કે લગભગ એકાદ દાયકાથી છે. વિદેશમાં રહેતા કરોડપતિ ભારતીયોની સંખ્યા અંદાજે 85 હજાર લોકોની છે. જો એ લોકોની સંપત્તિ ઉમેરીએ તો આ આંકડો 54 ટકા પર પહોંચે છે. એટલે સાદા શબ્દોમાં ભારતની અડધા કરતાં વધુ સંપત્તિ થોડાક લોકોના હાથમાં છે. આપણે અમેરિકાને મૂડીવાદી કહીએ છીએ પણ અમેરિકામાં આ આંકડો 32 ટકા અને બ્રિટનમાં 35 ટકા સંપત્તિનો છે. જાપાનમાં અમીર-ગરીબ વચ્ચેની ખાઇ ઓછી છે.

રૂપિયો ફરતો સારો એવું આપણે ત્યાં કહેવાય છે. પણ આ રૂપિયો ધનપતિઓના બેન્ક એકાઉન્ટ અને તેમની સ્થાવર-જંગમ મિલકતમાં જમા થઇ રહ્યો છે. આ રૂપિયો ગામડાંના કોઇ ગરીબના ઝૂંપડામાં કે શહેરની કોઇ ઝૂંપડપટ્ટી સુધી પહોંચતો નથી. એટલે કે ગરીબ વધુ ગરીબ બનતો જાય છે અને અમીર વધુ અમીર બનતો જાય છે.

આદર્શ રીતે તો દરેકને અમીર જ થવું હોય છે અને સમાજમાં દરેક અમીર થઇ જાય એ તો સૌથી શ્રેષ્ઠ સ્થિતિ કહેવાય. વાસ્તવિક રીતે જોવા જઇએ તો દેશની કુલ 30 ટકા કરતાં વધુ સંપત્તિ પર અમીરોનો કબજો ન હોવો જોઇએ. વર્લ્ડ લેવલે એવું માનવામાં આવે છે કે દરેક દેશમાં મજબૂત મધ્યમ વર્ગ હોવો જરૂરી છે. રિપોર્ટ મુજબ જોવા જઇએ તો ભારતમાં 45 ટકા સંપત્તિ ચુનંદા અમીરો પાસે છે. આ આંકડાને જરા જુદી રીતે સમજીએ તો વધુ ચોંકવનારા લાગશે. જેમ કે છેવાડાના એટલે કે તળિયાના 30 ટકા લોકો પાસે માત્ર દોઢ ટકો સંપત્તિ છે અને એનાથી ઉપરના 30 ટકા એટલે કે મધ્યમ વર્ગ પાસે 5.7 ટકા સંપત્તિ છે. મતલબ કે આ 60 ટકા વસતિ પાસે માત્ર 7.5 ટકા સંપત્તિ છે. સુપર રિચ કેટેગરીના ટોચના એક ટકા લોકો જ દેશની 49 ટકા સંપત્તિ પર કબજો જમાવીને બેઠા છે. દેશના ટોચના 10 ટકા અમીરોની વાત કરીએ તો આ લોકો દેશની પોણા ભાગની (74 ટકા) સંપત્તિ ધરાવે છે.

સજ્જનો, આ આંકડા આપણને એ સમજાવે છે કે જે લોકો પોતાની જાતને મધ્યમ વર્ગ સમજી રહ્યા છે તેમણે સજાગ રહેવાનું છે. કારણ કે જો ઉપરની અમીરની કેટેગરીમાં જો તેઓ પહોંચી નહિ શકે તો તેમની પાસે નીચે ધકેલાઇ જવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. મધ્યમ વર્ગે અમીર બનવાની તો છોડો, મધ્યમ વર્ગમાં ટકી રહેવા માટે ખૂબ મહેનત કરવી પડે એવી સ્થિતિ છે. વધતી મોંઘવારીએ મધ્યમ વર્ગની હાલત વધારે કફોડી કરી નાખી છે.

પૈસાદાર અને ગરીબ વચ્ચેની આ અસમાનતા ઘણી સમસ્યા ઊભી કરશે. તેની શરૂઆત થઇ ચૂકી છે. ગુનાખોરીનું પ્રમાણ વધવું એ તેનું જ એક ઇન્ડિકેટર છે. અસંતુષ્ટ અને આક્રમક લોકોની સંખ્યા વધે અને ઓર્ગેનાઇઝ થાય એટલે નાના બળવાનું સ્વરૂપ લઇ લે છે. સબકા સાથ સબકા વિકાસ સૂત્ર હવે ધનપતિઓએ અપનાવી લેવાની જરૂર છે નહિતર લોકો તેમને સૌથી પહેલાં લૂંટશે જેમની પાસે તેઓ રોજ વૈભવનો દેખાડો જુએ છે. ભૂતાન તેમના દેશમાં હેપીનેસ ઇન્ડેક્સમાં માને છે. સુખ અને વૈભવ એ દરેક ગરીબનું સપનું હોય છે. આ અસમાનતા જ્યારે રોજ અને દરેક તબક્કે અનુભવાય ત્યારે એ ગરીબ કરોડપતિઓના સુખને જોઇને ક્યારેક એ તેમની હેપીનેસ બગાડી નાખે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો