મહિલાઓ માટે આશા અને પ્રેરણાનું કિરણ માલવિકા ઐયર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેકના જીવનમાં પડકારો આવતા હોય છે, પરંતુ તે વ્યક્તિ પર નિર્ભર છે કે તે પોતાના જીવનને કઈ દિશા તરફ લઈ જાય છે. આવું જ એક વ્યક્તિત્વ મહિલાઓ માટે મિસાલ બની ગયું છે. જેનું નામ છે માલવિકા ઐયર. જેણે 13 વર્ષ પહેલાં બોમ્બ બ્લાસ્ટમાં પોતાના હાથ ગુમાવી દીધા અને આજે તે મોટિવેશનલ સ્પીકર છે. થોડા દિવસ પહેલાં મહિલા દિને માલવિકાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘નારીશક્તિ’ અેવોર્ડ મળ્યો છે.


માલવિકા ઐયરનો જન્મ તમિલનાડુમાં થયો. તેના પિતા વી.કૃષ્ણન વોટર વર્કર્સ ડિપાર્ટમેન્ટમાં એન્જિયનિર છે અને માતા હેમા કૃષ્ણન ગૃહિણી છે. માલવિકા પરિવાર સાથે રાજસ્થાનના બિકાનેરમાં રહેતી હતી. 26 મે, 2002ના રોજ એના જીવનમાં દુર્ઘટના ઘટી. એ કહે છે, ‘તે દિવસે મહેમાન આવ્યા હતા. મારી બહેન તેમના માટે ચા બનાવતી હતી. મારા જીન્સનું ખિસ્સું ફાટી ગયું હતું.

 

મેં વિચાર્યું કે ફેવિકોલથી ચોંટાડી દઉં. હું ગેરેજમાં કંઈ ભારે વસ્તુ શોધવા ગઈ. જેથી જીન્સ ચોંટાડ્યા બાદ ઉપર વજન મૂકી શકું. મારા ઘરની નજીક જ દારૂગોળાનો ડેપો હતો. ત્યાં થોડા સમય પહેલાં આગ લાગવાથી આસપાસ ઘણા વિસ્ફોટક પદાર્થો હતા. ભારે વસ્તુની શોધમાં હું ગ્રેનેડ બોમ્બ ઉઠાવી લાવી. તેને મૂકું તે પહેલાં તો મારા હાથમાં રહેલો બોમ્બ ફૂટ્યો.

 

મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને આંખો ખૂલી ત્યારે હું હોસ્પિટલમાં હતી.’ આ દુર્ઘટનામાં માલવિકાએ તેના હાથના કાંડા ગુમાવી દીધા હતા તેમજ તેના પગ પર ગંભીર ઈજાઓ થવાથી તે વાંકા થઈ ગયા હતા. 18 મહિના હોસ્પિટલમાં રહી કાંખઘોડીના સહારે તે ચાલતી થઈ. એસએસસીમાં તેણે રાઇટરની મદદથી પરીક્ષા આપી અને બોર્ડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો. તેની આ ઉપલબ્ધિથી રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે માલવિકાને રાષ્ટ્રપતિ ભવન આવવાનું નિમંત્રણ આપી તેનું સન્માન કર્યું હતું.

 

ત્યારબાદ અેણે દિલ્હીની સ્ટીફન કોલેજમાંથી સોશિયલ સર્વિસીસમાં એમ.એ. કર્યું અને 2012માં મદ્રાસની કોલેજમાંથી પીએચડી કર્યું. સમય જતાં માલવિકા મોટિવેશનલ સ્પીકર બની. તેણે અત્યાર સુધી ન્યૂયોર્ક, નોર્વે, ઇન્ડોનેશિયા અને કોરિયા સહિત ઘણી જગ્યાએ મોટિવેશનલ લેક્ચર આપ્યાં છે. માલવિકા આર્ટિફિશિયલ હાથથી દરેક કામ જાતે કરે છે. તે સામાજિક કાર્યો પણ કરે છે. માલવિકા કહે છે, ‘દુર્ઘટના બાદ મેં અનુભવ્યું કે મોટાભાગના વિકલાંગોને લોકોના તિરસ્કારનો સામનો કરવો પડે છે, પરંતુ નવું જીવન આપીને ભગવાને સપનાં પૂરાં કરવાની ભેટ આપી છે, તો તેનો સદુપયોગ કરવો જોઈએ.'