દુનિયા નવી નજરે જોવી છે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે રોજ સવારે પૂરી લગનથી અખબારનો ખૂણેખૂણો વાંચતા હશો કે રોજ ન્યૂઝ ચેનલ્સ, સાઇટ્સ બરાબર ફોલો કરતા હશો, પણ એ કહો કે તમે ક્યારેય અખબારમાં મોટી હેડલાઇન તરીકે કે ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે આ સમાચાર વાંચ્યા-જાણ્યા છે. આપણી દુનિયામાં 1990માં કારમી ગરીબી નીચે જીવતા લોકોની સંખ્યા 2 અબજ જેટલી હતી, તે 2015 સુધીમાં ઘટીને 0.7 અબજ થઈ છે?


વાત બહુ મોટી છે, પણ 25 વર્ષના આ ગાળામાં આપણે કોઈ દિવસ ક્યાંય એવા સમાચાર જોયા-સાંભળ્યા કે વાંચ્યા નહીં હોય કે ‘દુનિયામાં અત્યંત ગરીબ લોકોની સંખ્યા ગઈ કાલ કરતાં આજે 1,37,000 જેટલી ઘટી ગઈ છે!’ મજાની વાત એ છે આ સમાચાર રોજેરોજ છપાયા હોત,્ તો પણ સાચા હોત! 


એ જ રીતે વિશ્વમાં બાળમૃત્યુનો દર 1960માં 18.2 ટકા હતો તે 2015માં ઘટીને 4.3 થઈ ગયો છે!
આપણી દુનિયા સતત બદલાય છે અને આ આજકાલની વાત નથી. દુનિયા તો વર્ષોથી બદલાતી આવી છે, ફક્ત જો આ બદલાવ ધીમો હોય, તો પરિવર્તન ગમે તેટલું મોટું હોય તોય આપણા ધ્યાનમાં આવતું નથી.


આ બધા વિચારો સાથે, ‘અવર વર્લ્ડ ઇન ડેટા’ એટલે કે ‘ડેટાની રીતે આપણી દુનિયા’ એવો એક પ્રોજેક્ટ શરૂ થયો. આ પ્રોજેક્ટ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શરૂ થયો. આ જગવિખ્યાત યુનિવર્સિટીમાં કાર્યરત મેક્સ રોઝર નામના એક અર્થશાસ્ત્રીએ 2011માં તેની શરૂઆત કરી. શરૂઆતમાં તેમણે એકલે હાથે વિવિધ વિશ્વસનીય સ્રોતમાંથી ડેટા મેળવીને તેનું વિવિધ સ્વરૂપે વિશ્લેષણ કરવાની કસરત શરૂ કરી અને આગળ જતાં, આ પ્રોજેક્ટ માટે ભંડોળ મળતાં એમની ટીમ વિસ્તરી. પછીથી આ પ્રોજેક્ટનો તમામ ડેટા જાહેર જનહિતમાં એક વેબસાઇટ સ્વરૂપે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો.


આ સંદર્ભ સાથે ourworldindata.org વેબસાઇટ તમે જોશો તો જાણશો કે આ સાઇટ આપણી બદલાતી દુનિયાનો નજીકથી પરિચય તો કરાવે જ છે, સાથોસાથ ડેટા આખરે શું છે અને ડેટાને કેટલી અલગ અલગ રીતે તપાસી શકાય એ પણ સમજાવે છે.


સાઇટ પર વિશ્વની વસ્તી, આરોગ્ય, આહાર, ઊર્જા, પર્યાવરણ, ટેક્નોલોજી, વિકાસ અને અસમાનતા, યુદ્ધો અને શાંતિનો સમય, રાજકારણ, હિંસા અને અધિકારો, શિક્ષણ, મીડિયા, સંસ્કૃતિ વગેરે વિષયો અને તેમાંના પેટા વિષયો હેઠળ આખી દુનિયામાં વર્ષોવર્ષ કેવું પરિવર્તન આવ્યું છે તે અલગ અલગ ચાર્ટ સ્વરૂપે જોઈ શકાય છે.


જેમ કે, આ લખાય છે ત્યારે આ સાઇટ ઉપર, વર્ષ 1900થી 2017 સુધીમાં તમામ પ્રકારની કુદરતી આફતોથી કુલ મૃત્યુના પ્રમાણમાં કેટલી વધઘટ થઈ છે તે દર્શાવવામાં આવ્યું છે. આંકડા કહે છે કે 1931માં કુલ મૃત્યુનું પ્રમાણ 3.71 મિલિયનની ટોચે હતું, જે હવે 2017માં ઘટીને 9,066 થઈ ગયું છે! 


આ ડેટાને આપણે અલગ અલગ આફત મુજબ જોઈ શકીએ છીએ, આ ડેટા કયા કયા સ્રોતમાંથી મેળવાયો એ જોઈ શકીએ છીએ અને સીએસવી ફાઇલ તરીકે સમગ્ર ડેટાને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ.


અલબત્ત, આ સાઇટ ફક્ત એક વાર જોઈને ભૂલી જવા જેવી સાઇટ નથી. આ પ્રોજેક્ટ કેમ શરૂ થયો, એનું મહત્ત્વ શું છે એ દર્શાવતા વિભાગો બરાબર વાંચ્યા પછી જુદા જુદા ઇન્ટરેક્ટિવ ચાર્ટ, મેપ્સ વગેરે જોશો તો આપણી દુનિયાને નવી નજરે જોતા થશો!

અન્ય સમાચારો પણ છે...