અંગને ‘ચીજ’ બનાવતી ટેક્નોલોજી : ઇલેક્ટ્રોસ્પિનિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુંભાર ચાકડા પરથી જાતજાતનાં વાસણોનો ઘાણવો ઉતારે એવી રીતે બ્રહ્માજીએ આ આખીય સૃષ્ટિ સર્જી છે. કુંભાર તો પેઢી દર પેઢી આ કળા તેના દીકરાને શીખવે, પણ બ્રહ્માજી પાસેથી કેમ જાણવું કે તમે આ શરીર કેવી રીતે ઘડ્યું? એમાં હાડકાં, માંસ, મજ્જા, લોહી ભર્યાં કેવી રીતે? એટલે માણસજાતે ‘એકલવ્ય’ બનીને જ જોયાં કરવાનું કે ગુરુ દ્રોણ શું મંત્ર ભણીને તીર ચલાવે છે! પણ ખુશખબર એ છે કે ‘એકલવ્ય’ને આ મંત્ર ‘થોડો-થોડો’ સમજાવા લાગ્યો છે!


તમે નવું મકાન બનતું કે જૂના મકાનનું રિનોવેશન થતું તો જોયું જ હશે. ત્રાપા-ટેકા ઊભા કરીને માંચડો ખડકી દેવાય અને આ માળખામાં બિલ્ડિંગ મટીરિયલ ભરીને પછી સમય આવ્યે આખોય જુમલો હટાવી દેવાય. બિલકુલ આ જ બાબત હવે માનવશરીરની બાબતમાં પણ લાગુ પડવા જઈ રહી છે! વિજ્ઞાનીઓ એવાં કૃત્રિમ અંગો બનાવવા જઈ રહ્યા છે, જે આવા ‘ત્રાપા-ટેકા’ દ્વારા સ્પેશિયલી ડિઝાઇન કરેલા હોય અને જરૂર પડ્યે માનવશરીરમાં આરોપિત પણ કરી શકાય!

 

આ માટે થ્રીડી પ્રિન્ટર ટેક્નોલોજી તો પ્રમાણમાં ‘જૂની’ કહેવાય, એટલે સંશોધકોએ આ ટેક્નોલોજી સાથે અફલાતૂન એવી ઇલેક્ટ્રોસ્પિનિંગ ટેક્નિકને મેદાનમાં ઉતારી છે. પોલિમરના પ્રવાહીને ઇલેક્ટ્રિક ચાર્જ આપીને બારીક ફાઇબર ‘દોરડાં’નું વણાટકામ આ ટેક્નોલોજી કરે છે. માઇક્રોન અને નેનોમીટરમાં મપાય એવું આ વણાટકામ એવું તો અદ્્ભુત હોય છે કે એમાં એક પણ સાંધો ન હોય અને લાગે પણ કુદરતી જેવું જ!


પેન સ્ટેટ યુનિવર્સિટીની બાયોમેડિકલ એન્જિનિયરિંગ શાખાના પ્રોફેસર જસ્ટિન બ્રાઉન આવા જ અમેરિકન ‘એકલવ્ય’ છે. તેમણે જે ઘટસ્ફોટ કર્યો તે ચોંકાવનારો છે. થ્રીડી પ્રિન્ટરમાં એક નિશ્ચિત અંગની પેટર્ન ધરાવતા ફાઇબર્સ ધકેલો એટલે એ રેસા અગાઉથી જ અંદર મૂકી દેવાયેલા હાઇડ્રોજેલ ફરતે વીંટળાઈ વળે અને જેમ છત્રી ખૂલે એમ પેલાં ફાઇબર્સ ખૂલીને એક ખોખું બનાવે. આ ખોખામાં જ જીવિત કોષને મૂકી દેવાના. કોષ પેલા ખોખાની મર્યાદામાં જ રહીને વિકાસ પામતો જાય. એટલે તેને મનચાહ્યો આકાર પણ આપી શકાય! જેવા આકારનું ફાઇબર મૂક્યું હોય તેવા આકારનું અંગ બને. અંગ તૈયાર થઈ જાય એટલે પેલું બીબું પણ ઓગળી જાય! જાણે પ્રસવ થાય એટલે ગર્ભનાળ તૂટી જાય એમ જ!


સરળતાથી સમજવું હોય તો તેને પેલી નવી બનતી ઇમારત સાથે જ સરખાવીએ. જીવિત કોષ (માનો કે ઇંટ) સાથે નોન કન્ડક્ટિવ એવું હાઇડ્રોજેલ (ધારી લો કે સિમેન્ટ)નું મિશ્રણ કરીને ફાઇબર (સળિયા, ફ્રેમ!) સાથે જોડી દેવાનું. એટલે જેમ સળિયા સાથે સિમેન્ટ ચોંટી જાય એમ કોષ એક નિશ્ચિત જગ્યામાં જડબેસલાક ચોંટી જાય અને તે જીવિત હોવાથી ધીમે-ધીમે પેલી ફ્રેમની અંદર જ વિકસિત થયા કરે! ફ્રેમ ભરાતી જાય એ દરમિયાન પેલાં ફાઇબર્સ ઓગળતાં જાય અને છેવટે પેલા કોષમાંથી અંગ બનતું જાય! જેવી ફ્રેમ, તેવી ડિઝાઇન બને! અરે! હાડકાં અને લચીલા સ્નાયુઓ બનાવવાં હોય તો પણ આ ટેક્નોલોજી કામ લાગે! બિલ્ડિંગ બ્લોક્સ એન્ડ ટેક્નિક રોક્સ!


અત્યારે થાય છે એવું કે જુદા-જુદા કોષને વિકસાવીને તેમને એકબીજા સાથે કોઈ ચીપકુ પદાર્થ વડે જોડીને સળંગ અંગ બનાવાય છે, પણ સાંધા ત્યાં વાંધા! વળી હૃદય કે કિડની જેવા કોઈ જટિલ અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો તેને તાત્કાલિક ઉપયોગમાં લેવું પડે. ઉપરાંત તેની સર્જરી પણ અત્યંત ખર્ચાળ છે. જો આ ટેક્નોલોજી પ્રયોગશાળામાંથી બહાર આવી જાય તો આવાં જટિલ અંગોનું ઉત્પાદન જોઈએ ત્યારે અને જોઈએ તેટલી માત્રામાં કરી શકાય. એકેય સાંધો જ નહીં! અને તેનું રિપ્લેસમેન્ટ પણ સરળતાથી અને સસ્તામાં થઈ શકે. અત્યારે આવા એકાદ ઘન ઇંચના, પણ કામઢા ટિસ્યૂઝ પર પ્રયોગ થઈ રહ્યા છે.

 

આમ પણ શરીરના અંદરુની નાજુક અંગોની સાઇઝ બહુ મોટી ન હોય, એટલે આ ટેક્નોલોજી થોડા જ વર્ષોમાં મેડિકલ ફિલ્ડમાં તરખાટ મચાવી દે તો નવાઈ નહીં! અંગને ‘ચીજ’ બનાવી દેતી આ ટેક્નોલોજી શરીરશાસ્ત્ર માટે જોકે આશીર્વાદરૂપ છે, કેમ કે અવયવો હાટડે મંડાય એ સામે તેની ઉપયોગિતા પ્રમાણમાં ઘણી વધુ છે અને આમ પણ, કોઈનો જીવ બચાવતાં સંશોધનો બીજી કોઈ રીતે માપી શકાય ખરાં? લેબોરેટરીમાં આંખો ખોસીને કસનળી સામે તાક્યા કરતા આવા ભેજાબાજો ઈશ્વરનું જ બીજું રૂપ કહેવાય! સલામ આવા અર્વાચીન ધન્વંતરીઓને! 

અન્ય સમાચારો પણ છે...