જન્મથી છ માસ સુધી બાળકનો માનસિક વિકાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પહેલો મહિનો : પહેલા માસ દરમ્યાન બાળક લગભગ 15થી 16 કલાકની ઊંઘ લે છે. તેને જો ઊંધું સુવડાવવામાં આવે તો તે માથું એક બાજુ ફેરવે છે. ભૂખ્યું થાય કે પેશાબ કરતી વખતે રડે છે. ઘણીવાર કોઈ કારણ વગર પણ રડે છે. માથું કે શરીર ફેરવવાથી તે ઢીંગલીની આંખોની માફક તેની આંખો શરીરની વિરુદ્ધ દિશામાં ફેરવે છે.


- બીજો મહિનો : બીજા માસ દરમ્યાન તે સંપર્ક અને અવાજથી માતાને ઓળખતું થઈ જાય છે. માતા સામે તાકી રહે છે. ઘરના સભ્યોના અવાજને ઓળખીને તે સામો પ્રતિસાદ પણ આપે છે. તે હાથ-પગ ભેગા કરવા, લાતો મારવી જેવાં કાર્ય કરે છે. તેની સામે કુટુંબીજનોના પ્રતિભાવથી તે રડતું બંધ થઈ જાય છે.


- ત્રીજો મહિનો : ત્રીજા માસ દરમ્યાન જો તેને જમીન પર ઊંધું સુવાડીએ તો તે માથું ઊંચું કરી અવાજની દિશામાં માથું ફેરવી શકે છે. ત્રીજા માસ દરમ્યાન બાળક વિવિધ અવાજો, હળવું સંગીત, હાલરડાં અને પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે. તેની સામે વસ્તુ ધરતા તે હાથ લંબાવે છે. તે રડતું હોય ત્યારે ગમતું સંગીત સાંભળી શાંત થઈ જાય છે.


- ચોથો મહિનો : ચોથા માસ દરમ્યાન તે કુટુંબના સભ્યો સાથે ખૂબ હળીમળી ગયું હોય છે. કુટુંબના સભ્યોને પણ તેની સાથે રમવું ગમે છે. તે આખા દિવસમાં ઓછામાં ઓછું બે વખત સૂઈ જાય છે. તેને ઊંધું સુવાડતાં પંજાના ટેકે છાતી ઊંચકી ઊભું થાય છે. તે તેનાં મોટાં ભાઈ-બહેન સાથે રમે છે. તે ખુશ થઈ તેમને પ્રતિભાવ પણ આપે છે.


- પાંચમો મહિનો : પાંચમા મહિને તેની વસ્તુ પરની પકડ મજબૂત બને છે. તે ચોરસ, ગોળ અને ક્યૂબ જેવા કલરવાળાં રમકડાંથી રમે છે. તેને ગમતા રમકડાની સામે તે તાકીને જોયા કરે છે. અજાણ્યા માણસને જોઈ તે રમવાનું બંધ કરી દે છે. અજાણી વ્યક્તિ તેને ઊંચકે તો તે હાથ પહોળા કરી પોતાની માતા તરફ આવવાનો પ્રયત્ન કરે છે. 


- છઠ્ઠા મહિને : છઠ્ઠા મહિને તે ઊંધામાંથી ચત્તું અને ચત્તામાંથી ઊંધું થતાં શીખી ગયું હોય છે. તે પોતાના પેટ પર સરળતાથી ગોળ ગોળ ફરે છે. પોતાનો ચહેરો અરીસામાં જોઈને ખુશ થાય છે. તે હાથમાં પકડેલાં રમકડાં અને વસ્તુઓને જમીન પર પછાડી અવાજો કરે છે. 


સારા માનસિક વિકાસ માટે માતા-પિતાનો પ્રેમ, પૌષ્ટિક ખોરાક, ઘરનું વાતાવરણ, પરિવારજનોનો સ્નેહ અને તેની સાથે સંકળાયેલ લોકોનાં વર્તન જેવાં પરિબળો અગત્યનો ભાગ ભજવે છે.

અન્ય સમાચારો પણ છે...