ફોન હાર્યે ઇટ્ટા કિટ્ટા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દસેક વર્ષ પહેલાં સ્માર્ટફોને દેખા દીધી ત્યારે તેની નવી નવાઈએ આપણી આંખ બાંધી લીધેલી ને આપણે મગજના અરીસામાં જોતા હોઈએ તેમ તેની સામે ટકટકી લગાવતા થાકતા નહોતા. શરૂ શરૂમાં સ્માર્ટફોનના ‘બંધાણ’ની વાતો સાંભળતા ત્યારે જરાક આંખ મીંચકારીને હસી લેતા હતા આપણે. ચીનમાં ફોનનું બંધાણ છોડાવવાના ક્લાસ ચાલવાની વાત વાંચીને આપણે સમજતા કે ચીના તો ન ખાય તે ઓછું ને ચીનમાં તો ન થાય તે ઓછું. પછી નાની-મોટી સ્ટોરીઝું વાંચવામાં આવતી ગઈ કે આપણે ફોનના કેવા ગુલામ બની ગયા છીએ ને તોયે આપણે પર્સનલી સમજતા કે આપણે પર્સનલી તો ગુલામ બુલામ કાંઈ નથી.


પણ ધીમે ધીમે પાદરીઓ રોઝરી રમાડે કે મૌલવી તસ્બી ફેરવે કે સાધુઓ ગૌમુખીમાં હાથ નાખીને માળા જપે તેમ આપણે ખુદ હસ્તે પોતે હાથેથી સ્ક્રીન ઉપર ચોકડા ચીતરતાં કે કોડ દબાવતાં ફોનમંદિરની ઘંટડી વગાડતાં પકડાઈએ છીએ. ખાતાં ખાતાં ઈ-મેઇલ તપાસી જોવાની, ડ્રાઇવ કરતાં ટેક્સ્ટ મેસેજીસ તરફ નજર નાખી લેવાની, કામ ઉપર શેઠ સાહેબની નજર બચાવીને વ્હોટસેપ ઉપર જોક્સ વાંચવાની ને મિસીસે લખેલી નવી પોએમને ફેસબુક ઉપર ટિંગાડવાની લાલચ રોકી શકતા નથી ત્યારે લેખિકા કેથરિન પ્રાઇસની એક નવી ચોપડી સમયસર આવ્યાનો અહેસાસ થાય છે, ‘હાવ ટુ બ્રેકઅપ વિથ યોર ફોન.’ મતલબ કે ફોન હાર્યે ઇટ્ટા કિટ્ટા કરવાની રીત. ઓકે, તદ્દન તલાક તલાક તલાક નહીં, પણ સંયમપૂર્વક ફોન વાપરવાની સ્ટેપ બાય સ્ટેપ રીતું તેમાં છે. તેની નોંધું અમેરિકાના ટાઇમ મેગેઝિન જેવાં ભડભાદર પ્રકાશનોએ પણ લીધી છે. વ્હાય?


સાંભળો: દુનિયાભરમાં ગયા વર્ષમાં દર મિનિટે 15,220,700 ટેક્સ્ટ મેસેજીસ મોકલાયા હતા. દર કલાકે 913,242,000 મેસેજીસ, યાને દરરોજ 22 બિલિયન મેસેજીસ. આખા વરસમાં 8 ટ્રિલિયન (આઠડા પછી અઢાર મીંડાં) ગરબી લેતાં લેતાં દુનિયાભરના ફોનમાં સંચર્યા હતા.  


વ્હોટસેપ અને ફેસબુક મેસેન્જર બંને ઉપર મળીને દર વર્ષે 60 બિલિયન મેસેજીસ મોકલવામાં આવે છે. અથવા મેસેજીસની બોલીમાં ‘સેન્ડ’ કરવામાં આવે છે કે તેનાથીયે વધુ અભડાવું હોય તો ‘સેન્ડાય’ છે! મેસેજીસની ‘બોલી’ પોતે ઈંડું ફોડીને સાપનું બચ્ચું ફૂંફાડો મારે તેમ લખાણમાં નવો જાયકો લાવે 6. તમે મેસેજ ‘સેન્ડો’, ને સામેવાળી વ્યક્તિ ક્યારે ‘રીડે’ તે બી ડબલ ખરાની નિશાનીથી ‘ફાઇન્ડાઉટાય’ 6 અને આહ! તે બે ખરાની નિશાનીને તાક્યા કરતાં રિપ્લાયની વેઇટ કરતાં કરતાં આયઝો ક્લોઝ કરીને ‘વન્ડરવા’નું કે વિલ શી? વોન્ટ શી? ને યાહ, રીડર્સોને માલમ થાય કે સાપ પીપલ બર્ડ્ઝ પીપલની જેમ ઈંડાંમાંથી બોર્ન થાય 6. લાઇક સિત્તેર પર્સેન્ટ સાપ પીપલ.


અને ઈ-મેઇલ? હવે ફોન ઉપર જ લોકો ઈ-મેઇલ વાંચતા થઈ ગયા છે. સરેરાશ માણસ ઓફિસમાં 74 વખત ઈ-મેઇલ ચેક કરે છે. છેલ્લા બે વર્ષના આંકડા હજી આવ્યા નથી, પણ 2015માં રોજના 205.6 બિલિયન ઈ–પત્ર, યાને મહિનાના 6.2 ટ્રિલિયન (છગડે કે બાદ અઢાર મીંડાં અને વર્ષના 74 ટ્રિલિયન.


દુનિયાભરના ઈ-મેઇલધારકોની સંખ્યા છે 2.6 બિલિયન. તેમના બધા એકાઉન્ટનો સરવાળો છે 4.3 બિલિયન (જેમાંના એક એકાઉન્ટનું શિરોનામું આ લેખના છેડે છે).
‘વાયર્ડ’ નામના મેગેઝિનમાં કેથરીન જણાવે કે સમય ગુજારવા કે કશીક પીડા ભૂલવા કે મનોરંજન માટે આપણો હાથ આપોઆપ ફોન તરફ લંબાઈ જાય છે, પરંતુ Moment નામની એક ‘એપ’ છે (https://inthemoment.io/) જે તમે ફોન લેવા જાઓ કે તરત તમને ટોકે છે અને તમારી ફોન મિનિટોનો હિસાબ રાખે છે. તેની નવી ચોપડીમાં આ પ્રકારની અનેક સહાયકારી રીતોની યાદી છે.


આ પુસ્તક બે વસ્તુ સવાલોની છણાવટ કરે છે: આપણા અંગત જીવન ઉપર સ્માર્ટફોનનો પ્રભાવ શો છે? અને બીજો સવાલ છે કે આ ફોનનો આખો અસબાબ આપણા સૌના દિમાગ ઉપર શી અસર કરે છે અને સમાજને કયા રસ્તે વાળે છે? લોકો માને છે કે પોતે એકીસાથે બે-ત્રણ ચીજો કરી શકે છે. જેમ કે, રેડિયો સાંભળતાં સાંભળતાં રસોઈ કરી શકે છે, પરંતુ ફોનનું એવું નથી. કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરતાં કરતાં વચ્ચે ટ્વિટરના માથે હાથ ફેરવવાને આપણે મલ્ટિટાસ્કિંગ સમજીએ છીએ, પણ ખરેખર આપણે સમય બરબાદ કરીએ 6A, ઓકે? 

અન્ય સમાચારો પણ છે...