બે ચુકાદાએ જ્યારે વડાપ્રધાનની ખુરશી ડગમગાવી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પછીના સૌથી સિનિયર એવા ચાર ન્યાયાધીશોએ જાહેરમાં તેમનો અસંતોષ વ્યક્ત કર્યો, ત્યારે ન્યાયક્ષેત્રે ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ચારેય ન્યાયાધીશોએ લીધેલું પગલું અભૂતપૂર્વ હતું અને તેનો સીધો નહીં તો આડકતરો સૂચિતાર્થ સરકાર સામે પણ આંગળી ચીંધતો હતો. તેમનો વાંધો તો એવો હતો કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કેટલાક મહત્ત્વના કેસની ફાળવણી પ્રમાણમાં જુનિયર ગણાય એવા ન્યાયાધીશોને કરે છે. પરંતુ તેનો ધ્વન્યાર્થ એ થાય કે કેટલાક કેસોની ફાળવણી સરકારને અનુકૂળ ચુકાદા મળે એવી રીતે ન્યાયાધીશોને કરવામાં આવે છે.

 

આ ગંભીર આરોપ સરકારના સંદર્ભે જેટલો વધારે ચર્ચાય, તેટલા વધારે છાંટા સરકારને ઊડે. એટલે વર્તમાન સરકાર શાણપણ કે સાવચેતી વાપરીને આ ઘટનાક્રમથી દૂર ખસી ગઈ અને એવો દેખાવ રાખ્યો, જાણે આ ન્યાયતંત્રનો આંતરિક મામલો છે અને સરકાર સાથે તેને કશો સંબંધ નથી. ભૂતકાળમાં સરકાર અને ન્યાયતંત્રને આમનેસામને આવવાના આનાથી વધારે સીધા પ્રસંગ બન્યા છે. પરંતુ વ્યાપક અસરની દૃષ્ટિએ ૧૯૭૫માં અલ્લાહાબાદ હાઇકોર્ટે વડાપ્રધાન ઇંદિરા ગાંધીને લગતા કેસમાં આપેલો ચુકાદો અભૂતપૂર્વ ગણાય. કેમ કે, એ ચુકાદાની સીધી અસરને કારણે ઇંદિરા ગાંધીનું વડાપ્રધાનપદું જોખમમાં આવી ગયું.

 

તેને ટકાવી રાખવા માટે તેમણે કટોકટી લાદવા જેવું આત્યંતિક પગલું ભર્યું, જે ઇંદિરા ગાંધીની કારકિર્દીના જ નહીં, ભારતની લોકશાહીના ઇતિહાસના સૌથી કાળા દિવસ બની રહ્યા. તેની શરૂઆત સાધારણ લાગતા એક કેસથી થઈ હતી. બન્યું એવું કે ઇંદિરા ગાંધીએ સમય કરતાં લગભગ સવા વર્ષ પહેલાં 1971માં લોકસભાની ચૂંટણી જાહેર કરાવી દીધી અને ફરી સત્તા મેળવી શક્યાં.

 

ચૂંટણીમાં ઇંદિરા ગાંધી પોતે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં. તેમની સામે ઊભેલા ઉમેદવાર રાજનારાયણ જૂના સમાજવાદી નેતા હતા. તે ચૂંટણી તો હારી ગયા, પણ વિખ્યાત ધારાશાસ્ત્રી શાંતિ ભૂષણને રોકીને તેમણે ઇંદિરા ગાંધી સામે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં એક કેસ દાખલ કર્યો. તેમાં મુકાયેલા 14 આરોપનો મુખ્ય સૂર એ હતો કે ચૂંટણી જીતવા માટે ઇંદિરા ગાંધીએ વડાપ્રધાન તરીકેની પોતાની સત્તાનો અને સરકારી સાધનસરંજામનો ઉપયોગ કર્યો છે. માટે આ ઉપયોગ એ સત્તાનો દુરુપયોગ ગણાય.

 

‘સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ વર્સીસ રાજનારાયણ’ તરીકે ઓળખાતો આ કેસ જસ્ટિસ જગમોહનલાલ સિંહાની કોર્ટમાં ચાલ્યો. સામે વડાપ્રધાન હોવાથી આ કેસનું મહત્ત્વ ઘણું હતું, પણ મોટા ભાગના લોકો માનતા હતા કે ઇંદિરા ગાંધીને વાંધો નહીં આવે. (એ વખતનું તેમનું સત્તાવાર નામઃ શ્રીમતી ઇંદિરા નહેરુ ગાંધી) તેમ છતાં સરકારપક્ષ કોઈ જોખમ લેવા માગતો ન હતો. એટલે જસ્ટિસ સિંહા અને તેમના વકીલ શાંતિ ભૂષણને પલાળવાના વિવિધ પ્રયાસ થયા. પરંતુ બંનેમાંથી કોઈએ મચક ન આપી. કંઈ ન ચાલ્યું તો છેવટે અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે જસ્ટિસ સિંહાને ફોન કરીને ચુકાદો થોડો સમય મોકૂફ રાખવા સૂચવ્યું. (આ હકીકત ધારાશાસ્ત્રી અને રાજનારાયણના વકીલ શાંતિ ભૂષણના પુત્ર પ્રશાંત ભૂષણે તેમના પુસ્તક ‘ધ કેસ ધેટ શૂક ઇન્ડિયા’માં નોંધી છે.) જસ્ટિસ સિંહાએ ઘરમાં પુરાઈને ચુકાદો તો લખી નાખ્યો હતો, પણ હવે તેમને લાગ્યું કે તે ઝડપથી જાહેર પણ કરી દેવો પડશે.


1975ની 12 જૂન. અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહા સવારે દસ વાગ્યે ચુકાદો આપવાના હતા. અદાલતમાં પોલીસ ખડકાયેલી હતી અને લોકો પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. જસ્ટિસ જગમોહનલાલ સિંહા સમયસર દસ વાગ્યે આવી પહોંચ્યા અને તેમણે ચુકાદો જાહેર કર્યો. કુલ 258પાનાંના ચુકાદામાં બે આરોપોમાં તેમણે શ્રીમતી ઇંદિરા નહેરુ ગાંધીને દોષી ઠેરવ્યાં હતાં અને લોકસભામાં તેમની ચૂંટણી રદબાતલ ઠેરવી હતી. એ બે ગુના વિશે અત્યારે જાણીને રમૂજ થાય અને વર્તમાન વાસ્તવિકતા ધ્યાનમાં રાખતાં એવો પણ વિચાર આવે કે સાવ આવા આરોપમાં સરવાળે ઇંદિરા ગાંધીનું વડાપ્રધાનપદું ગયું?


પહેલો ગુનો હતોઃ રાયબરેલીમાં યોજાયેલી વડાપ્રધાનની બે ચૂંટણીસભાઓ માટે ઉત્તર પ્રદેશની સરકારે ઊંચાં સ્ટેજ બનાવી આપ્યાં હતાં અને લાઉડ સ્પીકર માટે લાઇટ કનેક્શન આપ્યું હતું. બીજો ગુનોઃ વડાપ્રધાનના ચૂંટણી એજન્ટ યશપાલ કપૂર ત્યારે વડાપ્રધાનની કચેરીમાં ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી તરીકે સરકારી નોકરીમાં ચાલુ હતા. (કપૂરે રાજીનામું તો આપી દીધું હતું, પણ તેના સ્વીકારની તારીખનો વિવાદ હતો.)


ગુના મામૂલી, પણ તેની સજારૂપે ઇંદિરા ગાંધીની સાંસદ તરીકેની ચૂંટણી રદબાતલ ઠરતી હતી. વડાપ્રધાનપદું તો રહે, પણ સવાલ વિશ્વસનીયતાનો હતો. 1974થી ગુજરાતમાં શરૂ થયેલા નવનિર્માણ આંદોલન અને તેના પગલે બિહારમાં શરૂ થયેલા સંપૂર્ણ ક્રાંતિ આંદોલનથી વિરોધનો માહોલ તો બંધાયેલો હતો. તેની પર હાઇકોર્ટનો ઠપ્પો વાગે, એટલે નૈતિક રીતે ઇંદિરા ગાંધી કેવી રીતે વડાપ્રધાનપદે ચાલુ રહે શકે, એવો અણિયાળો સવાલ ઊભો થયો. ઇંદિરા ગાંધીના બચાવ માટે પુત્ર સંજય ગાંધી અને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ જેવા દરબારીઓ મેદાનમાં આવી ગયા. ટોળાંએ જસ્ટિસ સિંહાના નામની નનામી બાળી.


હાઇકોર્ટના ચુકાદા પછી 23 જૂનના રોજ ઇંદિરા ગાંધી સુપ્રીમ કોર્ટમાં ગયાં. ત્યાંથી તત્કાળ મનાઈહુકમ મળી જાય તો હજુ નૈતિકતાનો પ્રશ્ન ટાળી શકાય. પરંતુ સુપ્રીમ કોર્ટના વેકેશન જજ વી.આર.કૃષ્ણ આયરે પરિસ્થિતિની ગંભીરતા સમજીને, એક જ દિવસમાં બંને પક્ષની દલીલો સાંભળી અને રાત જાગીને ચુકાદો તૈયાર કરાવ્યો. બીજા દિવસે તેમણે હાઇકોર્ટના ચુકાદા ઉપર શરતી સ્ટે ઑર્ડર આપ્યો. તેમણે કહ્યું કે ઇંદિરા ગાંધી સંસદમાં હાજરી આપી શકે અને વડાપ્રધાન તરીકેની કામગીરી ચાલુ રાખી શકે, પણ તે સંસદમાં મતદાન નહીં કરી શકે અને સાંસદ તરીકેનો પગાર પણ નહીં લઈ શકે.


આ ચુકાદાએ બાકી રહેલું કામ પૂરું કર્યું. વિપક્ષો ઓર આક્રમક બન્યા. જયપ્રકાશ નારાયણે કહ્યું કે અદાલતમાં જુબાની આપતી વખતે ઇંદિરા ગાંધીએ કુલ 27 જૂઠાણાં ઉચ્ચાર્યાં હતાં. દર પંદર મિનિટે એક જૂઠાણું. પરંતુ સંજય ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિદ્ધાર્થશંકર (એસ.એસ.) રેના મનમાં જુદી યોજના ઘડાઈ ચૂકી હતી. એ પ્રમાણે રાષ્ટ્રીય હિતમાં કટોકટી જાહેર કરતા વટહુકમનો મુસદ્દો તૈયાર હતો. 25 જૂનના રોજ રબરસ્ટેમ્પ રાષ્ટ્રપતિ ફકરુદ્દીનઅલી અહમદે તેની પર સહી કરી દીધી. એ સાથે જ દેશમાં કટોકટી લાગુ થઈ.
બે અદાલતી ચુકાદાએ દેશની રાજકીય તવારીખને બદલવામાં મોટી ભૂમિકા ભજવી અને સ્વતંત્ર ન્યાયતંત્ર કેવું હોવું જોઈએ તેની મિસાલ કાયમ કરી. 

અન્ય સમાચારો પણ છે...