પૈશાચિક હાથ : એક વણઉકલ્યો કોયડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુનિયાભરમાં એવી કેટલીયે સડકો કે જગ્યાઓ છે જ્યાં લોકો સાથે કંઈક અજૂગતું થતું હોય છે કે રહસ્યમયી ઘટનાઓ કે અકસ્માતો થાય છે. જેનો ભોગ બનનારા લોકોને એ સમજાતું નથી કે આખરે તેમની સાથે શું થયું હતું? ડાર્ટમૂરની સડક પર ફ્લોરેન્સને થયેલો અનુભવ એકમાત્ર નહોતો. 1910ની આસપાસથી ગાડી અને સાઇકલચાલકોએ આ રોડ પર થનારી અસામાન્ય દુર્ઘટનાઓ વિશે જણાવવાનું શરૂ કર્યું હતું.
26 ઓગસ્ટ, 1921ના દિવસે પહેલીવાર કોઈ દુર્ઘટના પીડિતે ડાર્ટમૂરની સડક પર બે ડરામણા પૈશાચિક હાથની વાત કહી. બ્રિટનની શાહી સેનાના કેપ્ટન જેકબ પીટરે લંડનના એક અખબારને જણાવ્યું કે, ‘હું મારી ગાડી બરાબર ચલાવી રહ્યો હતો. પોસ્ટ બ્રિજ પાર કર્યા પછી અચાનક જ મને કંઈક અજીબોગરીબ લાગવા માંડ્યું. મારા હાથ તો કારના સ્ટિયરિંગ પર હતા, પણ મારા હાથ પર બે ડરામણા હાથ કસ્સીને જાણે ચોંટી ગયા હતા. હું બહુ ગભરાઈ ગયો. મેં સામેથી આવતી ગાડીઓથી બચવા માટે જેવું સ્ટિયરિંગ એક તરફ વાળ્યું કે તરત જ તે હાથે સ્ટિયરિંગને સામેની સાઇડે આવતી ગાડીઓ તરફ વાળી દીધું. મારી કાર કોઈની સાથે ન અથડાતાં સીધી રસ્તાની નીચે ઊતરી ગઈ.’ જેકબ સાથે ઘટેલી આ ઘટના સમાચારપત્રોમાં છપાયા પછી સમગ્ર બ્રિટનના લોકોનું ધ્યાન ડાર્ટમૂરની ઘટનાઓ તરફ ખેંચાયું. ત્યારબાદ સ્થાનિક પ્રશાસને નવી સડક બનાવી, પરંતુ નવી સડક પર પણ તે પૈશાચિક હાથની પ્રેતલીલા પ્રારંભ થઈ ગઈ. ઈ.સ. 1945 પછી તો પૈશાચિક હાથ સંબંધિત ઘટનાઓનું જાણે પૂર આવ્યું. ગાડી ચલાવનારા પોતાની સાથે ઘટેલી દુર્ઘટનાનું કારણ ડરામણા રહસ્યમયી હાથ જ જણાવતા હતા. જે અચાનક તેમની ગાડીમાં ઘૂસીને સ્ટિયરિંગ પર કાબૂ કરી લેતા અને સ્ટિયરિંગ એવી રીતે ફેરવવા લાગતા જાણે નવશીખીયો કાર ચલાવતા શીખવા અધીરો થઈ રહ્યો હોય.
1955નો એક કિસ્સો ખૂબ જ ડરામણો છે. એક નવપરિણીત જોડું કેરેવાન (બાથરૂમ, ડ્રોઇંગ રૂમ, બેડરૂમવાળી  ગાડી)માં ડાર્ટમૂર ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યાં હતાં. મોડી રાત થઈ ગઈ હોવાથી તેમણે કેરેવાનને સડકના કિનારે પાર્ક કરીને રાત પસાર કરવાનો નિર્ણય કર્યો. ખાઈ-પીને તેઓ ગાડીના પાછલા ભાગમાં બનેલા બેડરૂમમાં જઈને સૂઈ ગયાં. રાતનો એકાદ વાગ્યાનો સમય હતો. સતત વિચિત્ર પ્રકારના અવાજથી પત્નીની આંખ ખૂલી ગઈ. તેણે જોયું તો ગાડીના પાછળના કાચને કોઈ થપથપાવી રહ્યું હતું. તેને થયું કે કૂતરું કે કોઈ જાનવર ઠંડીથી બચવા માટે ગાડીમાં ઘૂસવાની કોશિશમાં કાચ પર પંજો મારી રહ્યું હશે. ત્યાં અચાનક જ તેણે પતિના માથાની પાછળની બારીમાં કાચ પર જે દૃશ્ય જોયું તે શરીરનું લોહી થિજાવી દે તેવું હતું. કાચ પર બે ભયાનક હાથ હતા. તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ અને પૈશાચિક હાથ અચાનક ગાયબ થઈ ગયા. ત્યારબાદ તે ભયાનક હાથની કહાનીઓ બ્રિટનના રાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ.
છેવટે આ ઘટનાઓનાં કારણ શોધવાની કવાયત હાથ ધરાઈ. મોટેભાગે દુર્ઘટનાઓનું કારણ વળાંકોવાળા રસ્તાને માનવામાં આવ્યું. એ તો ઠીક પણ પૈશાચિક હાથનું શું? આ રહસ્ય આજની તારીખેય વણઉકલ્યો કોયડો જ છે. ડાર્ટમૂરની પૈશાચિક હાથની ઘટનાઓ પર 2010માં ‘ધ હાયરી હેન્ડ્સ’ નામની હોરર ફિલ્મ પણ આવી ચૂકી છે. 
અન્ય સમાચારો પણ છે...