નૃત્ય કલા પણ છે, વિદ્યા પણ છે અને અધ્યાત્મ પણ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંત એકનાથજી કહે છે કે કીર્તનમાં જે નાચે છે એ ધન્ય છે. મેં ઘણા સમય પહેલાં વિદ્યા વિશે અને કલાઓ વિશે થોડું વાંચ્યું હતું. કલાના શાસ્ત્રમાં મૂળત: કલાઓનો જે અંક છે એ ચોસઠનો છે. પરંતુ હું ગુરુકૃપાથી જે સમજી શક્યો એ મુજબ કલા હોય કે વિદ્યા હોય, બંનેમાં નૃત્ય છે. નૃત્ય કલા પણ છે, નૃત્ય વિદ્યા પણ છે. કલા અધ્યાત્મ પણ છે, નૃત્ય અધ્યાત્મ પણ છે. પરંતુ હું મારી જવાબદારી સાથે નૃત્યને અધ્યાત્મ સાથે જોડું છું. અને મારો ઇરાદો આધ્યાત્મિક નૃત્ય સાથે છે.

 

એનો મતલબ કોઇ એવો ન કરે કે નૃત્ય જ્યારે કલા છે ત્યારે એ નિમ્ન થઇ જાય છે. નૃત્ય વિદ્યા છે ત્યારે એનું પદ કંઇક બીજા સ્થાન પર છે અને નૃત્ય અધ્યાત્મ હોય ત્યારે એ સર્વોપરી છે. એવી કોઇ વાત નથી. પોતાના દસ હજાર ભિખુઓને બુદ્ધે પાંચ-છ વાતો કરી કે મારી વાતો તમને તમારી પરંપરાને અનુકૂળ લાગે છે એટલે માનવી નહીં. અને બુદ્ધ કહી રહ્યા છે, મારી વાતો મારી પરંપરાને અનુકૂળ છે એટલા માટે પણ માનવી નહીં. મને લોકો બુદ્ધ કહી રહ્યા છે, ભગવાન કહે છે, તથાગત કહે છે. એક બહુ મોટું પદ મને મળી રહ્યું છે અને એટલું મોટું પદ પ્રાપ્ત થયું છે, એવું વિચારીને પણ મારી વાત માનવી નહીં.

 

પાંચમી વસ્તુ, મારી વાત તમારા ગુરુએ પણ કોઇ રીતે તમને સંભળાવી હોય અને તમારા ગુરુનાં વચનને અનુકૂળ પડતી હોય તો પણ માનવી નહીં. પૂર્વાશ્રમમાં હું એક રાજકુમાર હતો, એક મોટા કુળનો પુત્ર હતો, એટલે એ રાજકુમારના ગૌરવને નાતે પણ મારી વાત માનવી નહીં. અને મારા રૂપને જોઇને, મારી વાણીના પ્રભાવમાં આવીને પણ મારી વાત માનવી નહીં. મારી વાત કેવળ, કેવળ, કેવળ તમારી વિવેકબુદ્ધિથી માનવી. હું તમને હાથ ફેલાવીને પ્રાર્થના કરું છું કે કથામાં તમને આટલી રુચિ અને રસ છે તો મહેરબાની કરીને વ્યાસપીઠની વાતો માત્ર ગૌરવને કારણે માનવી નહીં અને તમને અનુકૂળ ન હોય એટલા માટે છોડી પણ ન દેવી. વિવેકબુદ્ધિથી કસો, ત્યારે જ ઘટના ઘટશે.


નૃત્ય કલા પણ છે, વિદ્યા પણ છે અને અધ્યાત્મ પણ છે. અને આ અધ્યાત્મ વ્યાસપીઠ જોડી રહી છે એને માત્ર અહોભાવથી ન સ્વીકારી લેવું. અને એમાં શું રાખ્યું છે, એવા ભાવથી એનો ત્યાગ પણ ન કરવો. તો બાપ! ચોસઠ કલા છે. એમાં પણ નૃત્યની વાત આવે છે. અને ચૌદ, સોળ કે અઢાર વિદ્યા માનવામાં આવે છે. કોઇપણ કલા કલાકારને બાંધી દે છે અને કલા નિહાળનારાઅોને-સાંભળનારાઓને પણ બાંધી દે છે.

 

જ્યાં સુધી આર્ટિસ્ટ, આર્ટિસ્ટ છે ત્યાં સુધી બંધાયેલો છે. અને એની કલા એટલી પ્રભાવક હશે કે ઓડિયન્સ પણ બંધાઇ જશે અવશ્ય. તો, એ બાંધી દેશે, પરંતુ એ સ્વયં પણ સ્વતંત્ર નથી. એ પણ બંધાયેલો છે. જ્યાં સુધી નૃત્ય કલા હશે ત્યાં સુધી નૃત્ય ખુદને પણ બાંધી દેશે અને દર્શકોને પણ બાંધી દેશે. પોતાની કલાથી અભિભૂત થઇને સ્વયં નર્તક પણ બંધાઇ જાય છે. નૃત્ય કલા મટીને જ્યારે વિદ્યા બની છે ત્યારે ખુદ નર્તક પણ મુક્ત થાય છે અને દર્શકને પણ મુક્ત કરી દે છે. કલા અને વિદ્યા વચ્ચે બહુ સૂક્ષ્મ અંતર છે.


ક્યારેક ક્યારેક કલા વિદ્યામાં પ્રવેશ નથી કરી શકતી અને જિંદગીભર કલા-ઉપાસકને બાંધી રાખે છે. અને કલા જ્યારે વિદ્યા પ્રવિષ્ટ થઇ જાય છે ત્યારે તત્ક્ષણ એ મુક્ત થઇ જા છે. એ ડાન્સ નહીં છોડે, પરંતુ ડાન્સ જ્યાં સુધી નૃત્ય હતું અને એ નૃત્ય કલા હતી ત્યાં સુધી એ બાંધી રાખતી હતી. એ બંધનથી નૃત્ય મુક્ત થઇ જાય છે પછી એ માણસ વધુ જોરથી નૃત્ય કરી શકે છે. અને સ્વતંત્રતાથી નાચી શકે છે. પછી એને કોઇની લોકમર્યાદા બાંધી નહીં શકે. અને એનું મોટું પ્રમાણ છે મીરાં. મીરાંએ પણ ઘૂંઘરુ બાંધ્યા હતાં. કલાકાર જ્યારે ઘૂંઘરુ બાંધે છે ત્યારે એ બેડી છે. અને વિદ્યાવાન ઘૂંઘરુ બાંધે છે ત્યારે એ મુક્ત છે. મીરાંને સાસુનો ડર બાંધી નથી શક્યો.

 

રાજાનું ઝેર બાંધી નથી શક્યું. મીરાંને લોકલજ્જા બાંધી નથી શકી. મીરાંએ સાધુનો સંગ કર્યો હતો એટલે એની કલા વિદ્યારૂપ થઇ ગઇ હતી અને મીરાં વિદ્યારૂપ થવાને કારણે મારી દૃષ્ટિએ મીરાંનું નૃત્ય અધ્યાત્મ-નૃત્ય છે. ચૈતન્ય મહાપ્રભુનું નૃત્ય અધ્યાત્મ-નૃત્ય છે. તુકારામજીનું નૃત્ય અધ્યાત્મ-નૃત્ય છે. નામદેવનું નૃત્ય અધ્યાત્મ-નૃત્ય છે. અને પંઢરીનાથ નાચ્યા હોય તો એ પણ અધ્યાત્મ-નૃત્ય છે. અને હનુમાનજીનાં દર્શન થયા બાદ સમર્થ રામદાસે જે થોડું ‘થૈ થૈ’ કર્યું હોય, તો એ નૃત્ય પણ અધ્યાત્મ-નૃત્ય હતું.


કલા જ્યારે વિદ્યા બની જાય છે ત્યારે એ નૃત્ય સ્વતંત્ર થાય છે, દર્શક પણ સ્વતંત્ર થઇ જાય છે, પરંતુ નૃત્ય જ્યારે અધ્યાત્મ બની જાય છે ત્યારે ‘ન મુક્તિર્નબન્ધ ચિદાનંદરૂપ: શિવોડહં શિવોડહમ્.’ બુદ્ધ નથી નાચ્યા. ઓશોનું પણ વક્તવ્ય છે કે બુદ્ધ ક્યારેય નાચ્યા નથી. અને મહાવીર તો બિલકુલ નથી નાચ્યા. કૃષ્ણ ભરપૂર નાચ્યા છે. રામ અને રામની માયા આખા જગતને નચાવી રહી છે. અને સ્વયં ‘નાચહિં નિજ પ્રતિબિંબ નિહારી.’ રામ સ્વયં નર્તન કરાવે છે. કૃષ્ણનો મંચ હતો કાળીનાગની ફેણ. જે કાળ પર કદમ રાખી શકે છે એમના નૃત્યનો મહિમા કોણ કહી શકે?


તો, મારાં ભાઇ-બહેનો, નૃત્યને હું આધ્યાત્મિક ક્ષેત્રમાં લઇ જાઉં છું. પછી એને તમે પ્રેમજગતનું નૃત્ય કહો, મને કોઇ વાંધો નથી. એને તમે ભક્તિજગતનું નૃત્ય કહો, મને કોઇ વાંધો નથી કેમ કે પ્રેમ આધ્યાત્મિક છે. કથા પ્રેમનો સંદેશ છે, સત્યનો સંદેશ છે. કરુણાનું વરદાન છે ભગવદ્કથા. આ વૈશ્વિક સૂત્રપાત છે. પ્રેમ જીવન છે. જિસસ કહેતા હતા, પરમાત્મા પ્રેમ છે. અને પછી એમને અનુભવ થયો ત્યારે એમણે એ બદલીને કહ્યું, પ્રેમ જ પરમાત્મા છે. મહાત્મા ગાંધીબાપુ કહેતા હતા કે પરમાત્મા સત્ય છે. પછી પૂરો અનુભવ થયો તો કહેવા લાગ્યા કે સત્ય જ પરમાત્મા છે. બુદ્ધ કહેતા હતા કે પરમાત્મા કારુણિક છે, પરંતુ અંતે એ વાત બદલાઇ જાય છે કે કરુણા જ પરમાત્મા છે.


તો, આધ્યાત્મિક નૃત્ય નથી બાંધતું કે નથી મુક્ત કરતું. એ બંને દ્વન્દ્વથી મુક્ત થઇ જાય છે. તુકારામ નાચે છે અને પંઢરીનાથ નચાવે છે. ‘રામચરિત માનસ’માં લખ્યું છે કે જ્ઞાન-વૈરાગ્ય એ પુરુષ છે અને ભક્તિ સ્ત્રી છે. સ્ત્રી જેટલું અદ્્ભુત નૃત્ય કરી શકે છે એની તુલનાને પુરુષ નથી કરી શકતા. માતૃશરીરમાં જે નૃત્ય થઇ શકે છે એ પુરુષશરીરમાં એટલું બધું નથી થઇ શકતું. એમાં અપવાદ હોઇ શકે. પુરુષ જે માત્ર જ્ઞાન છે, એ માતૃભક્તિરૂપી નારીના અભાવમાં નાચી નથી શકતો. નૃત્ય માટે થોડું નારીપણું જોઇએ. વિનોબાજીએ વેદની પંક્તિ લઇને ‘સ્ત્રી’ શબ્દની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ‘સ્ત્રી’ શબ્દ, સ્ત્રી ધાતુમાંથી આવ્યો છે અને એનો અર્થ છે વિસ્તરણ. સ્પ્રેડ લવ, એટલા માટે માતૃશરીર જેટલો વિસ્તાર કરી શકે છે એટલું પુરુષશરીર નથી કરી શકતું.

અન્ય સમાચારો પણ છે...