મેનેજમેન્ટની દુનિયાના 4 શબ્દો ઊઠો, જાગો, આગળ વધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદના આ ચાર શબ્દો ઘરમાં મેનેજમેન્ટની દુનિયામાં ખૂબ વપરાતા શબ્દો છે. ઘરમાં દાદાજી અને વર્કપ્લેસમાં બોસ આ બોલતા રહે છે.પણ આગળ વધવા માટે યોગ્ય સ્ટ્રેટજી ન હોય તો ટ્રેડમિલ ઉપર ચાલવાની નોબત આવે છે કે પછી ઊંધી દિશામાં ચાલી લક્ષ્યાંકથી દૂર જવાની. દરેકે પોતાની સ્ટ્રેટજી જાતે જ બનાવવાની છે. આજની ચર્ચા એમાં મદદ કરશે.

 

પરિવર્તનોને આવકારો: તમારી આવડત અને પ્રતિભાવ ઉપર આધારિત એવી પ્રવૃત્તિઓ કરો જે આસાન અને અશક્ય ન હોય, પણ ‘ચેલેન્જીંગ’ હોય. દરેક સમસ્યાને ચેલેન્જ સમજો.


માહિતી અને જ્ઞાન: જે માહિતીનું પરિણામમાં રૂપાંતર ન કરાય એવી માહિતી દિમાગમાં ભરવાનો જમાનો વહી ગયો છે. તમને તમારા લક્ષાંક તરફ લઈ જાય એવી જ માહિતી મેળવો, એનું જ્ઞાનમાં અને પરિણામમાં રૂપાંતર કરો.


પ્રતિભાશાળી દોસ્તો શોધો: તમને મદદ કરી શકે એવા દોસ્તો શોધો અને સાચવો, તમને જરૂર પડશે.
ફીડબેક આપનાર : તમારી પ્રવૃત્તિઓ ઉપર પ્રામાણિક ફીડબેક આપનાર દોસ્ત.
સાઉન્ડિંગ બોર્ડ : તમારા વિચારોને પ્રવૃત્તિમાં તબદીલ કરવામાં મદદ કરે એવો દોસ્ત.
રોલમોડેલ : એવો દોસ્ત જેની નકલ કરવામાં ફાયદો હોય.
દલાલ : એવો દોસ્ત જે તમારે માટે યોગ્ય પ્રવૃત્તિઓ શોધી લાવે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ : તમે જે કરો એનું ઓડિટ કરે, તમે કાંઈ અસામાજિક, ગેરકાયદેસર કે નુકસાનકારક પ્રવૃત્તિ તો નથી કરતા એનું ધ્યાન રાખે.
કાઉન્સેલર : જેની પાસે તમે દિલ ખોલીને વાત કરી શકો.
રિસોર્સ શોધનાર : એવો દોસ્ત જે તમને જરૂરી રિસોર્સ ઝડપથી લાવી આપે.
ચેઇન્જ કેટાલિસ્ટ : તમને પરિવર્તનોને આવકારવા માટે પ્રોત્સાહિત કરે.
વાહ વાહ મંડળી : એવા દોસ્તો જે તમારી સફળતાઓને બિરદાવતા રહે.
યાદ રાખો, દોસ્ત તમારી જરૂરિયાતોનો જવાબ છે.


સમસ્યાને બદલે તકો ઉપર ધ્યાન આપો: સમસ્યાઓની નહીં, તકો (Opportunities)ની યાદી બનાવો. દરેક સફળતામાં, નિષ્ફળતામાં તકો છુપાયેલી હોય છે.
ટેક્નોલોજીનો ઉપયોગ કરો : ટેક્નોલોજીના આ સમયમાં યોગ્ય ટેક્નોલોજી તમને તમારા સમયના મેનેજમેન્ટમાં મદદ કરશે. ફક્ત વટ મારવા માટે ટેક્નોલોજી ઉપર નાણાં વેડફવામાં મૂર્ખાઈ છે.
વટ મારતાં લેબલોથી દૂર રહો: શહેરોની મોટી મોટી ક્લબો સોહામણાં લેબલો આપે છે. તમારી તમારા લક્ષ્યાંક તરફની સફળમાં એનું કોઈ મોટું યોગદાન હોતું નથી. આવી સંસ્થાઓ તમને વગદાર વ્યક્તિઓની દોસ્તી કરાવી શકે છે, પણ એ તમારા લક્ષાંક ઉપરથી ધ્યાન ન હટાવે એનું ધ્યાન રાખો.
રોજ નવા અનુભવો લો : રોજ એક નવો અનુભવ મેળવો. જેને ઓળખતા નથી એવી વ્યક્તિઓ સાથે પણ વાતો કરો. નવી વાનગી ઉપર હાથ અજમાવો. નવું સંગીત સાંભળો. વેકેશનમાં રિસોર્ટમાં જવાને બદલે જંગલમાં રખડો અને ડુંગરા ખૂંદો.
ના કહેતાં શીખો: ખોટું ન લાગે એ રીતે ના પાડતાં શીખો.
વિશ્વસનીયતામાં તડ: તમારી વિશ્વસનીયતામાં સહેજ પણ બાંધછોડ કરતા નહીં. વાણી અને વર્તન વચ્ચે તફાવત સહેજ પણ ન હોય એનું ધ્યાન રાખો. એક વાર જુઠ્ઠું બોલશો અને તે બાદ હજાર વાર સારું બોલશો તો તમારી વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે.
ઊઠો, જાગો, આગળ વધો, પણ ઊંઘમાંથી ક્યારે જાગવું અને કેટલી ઝડપથી કઈ દિશામાં જવું એ નક્કી કરો. પારસીઓની કહેવત છે, ‘દોરી વગરના બૂટને બક્કલ નથી તો કાંઈ નથી, ઓક્સફોર્ડનો ગ્રેજ્યુએટ હોય, પણ અક્કલ નથી તો કાંઈ નથી.’
થોડામાં ઘણું.

અન્ય સમાચારો પણ છે...