પતિ સારા સમાચાર સાંભળવા ઉતાવળ કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રશ્ન :  હું ત્રેવીસ વર્ષની યુવતી છું. મારાં લગ્નને છ મહિના થયા છે, પણ હજી સુધી મને ગર્ભ રહ્યો નથી. મારા પતિ ખુશખબર સાંભળ‌વા ઉતાવળા થયા છે, પરંતુ મને પ્રેગ્નન્સી રહેતી નથી. મારે શું કરવું? - માહી પટેલ, વડોદરા 


ઉત્તર : તમારી ઉંમર હજી એટલી બધી નથી થઈ ગઈ કે તમે ગર્ભધારણ માટે આટલી ચિંતા કરો છો. અલબત્ત, પતિને તેમજ પરિવારના અન્ય સભ્યોને સારા સમાચાર સાંભળવાની ઉતાવળ હોય તે સ્વાભાવિક છે. તમને પણ માતૃત્વ ધારણ કરવાની ઇચ્છા થતી હોય. તમે આ માટે એક વાર ગાયનેકોલોજિસ્ટને બતાવો. તેમને જરૂર લાગશે તો તેઓ તમને અને તમારા પતિને કેટલાક ટેસ્ટ કરાવવાનું કહેશે. એ પછી જે રિપોર્ટ આવે તેના પરથી તેઓ તમને સલાહ આપશે કે ગર્ભધારણ કરવા માટે શું કરવું જોઈએ. 


- પ્રશ્ન :  મને ઘણા સમય પછી ગર્ભ રહ્યો છે અને પાંચમો મહિનો ચાલે છે. મારી સમસ્યા એ છે કે મારા પતિનો સ્વભાવ ગુસ્સાવાળો છે. એ ક્યારેક ગુસ્સે થાય ત્યારે મારા પર હાથ પણ ઉપાડે છે. ગયા અઠવાડિયે એમણે મારા પર હાથ ઉપાડ્યો ત્યારે મારા પેટ પર લાત મારી હતી. મને ચિંતા થાય છે કે એનાથી મારા પેટમાં રહેલા ગર્ભને કંઈ નુકસાન તો નહીં થયું હોયને? - સોનલ કામદાર, વડોદરા 


ઉત્તર : તમે સગર્ભા હોવા છતાં તમારા પતિ ગુસ્સામાં તમારા પર હાથ ઉપાડે છે અને સમજ્યા-વિચાર્યા વિના ગમે તે રીતે મારી બેેસે છે તે યોગ્ય નથી. તમે આ સામે ઇચ્છો તો કોઈ નારી સંરક્ષણ ગૃહનો આશરો લઈ શકો છો. જો તમને લાગતું હોય કે પતિ િવરુદ્ધ નથી જવું તો પણ એમને એક વાર જણાવી દો કે તેઓ તમારા પર ભલે ગમે એટલો ગુસ્સો કરે, પરંતુ આ રીતે જોયા વિના મારે નહીં. તમને ચિંતા થાય છે તે દૂર કરવા માટે તમે ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ જેથી ગર્ભને કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું તેની જાણ થઈ શકે. 


- પ્રશ્ન :  મારી ઉંમર એકવીસ વર્ષ છે. મારી સગાઈ મારાથી ઉંમરમાં ચાર વર્ષ મોટી યુવતી સાથે કરવામાં આવી છે. મને ચિંતા થાય છે કે ભવિષ્યમાં અમારી વચ્ચે કોઈ પ્રકારની સમસ્યા નહીં સર્જાયને? હું એને પૂરતો સંતોષ આપી શકીશ? - ચિંતન પટેલ, અમદાવાદ 


ઉત્તર : તમારી સગાઈ તમારાથી ઉંમરમાં ચાર વર્ષ મોટી યુવતી સાથે કરવામાં આવી છે, તેના લીધે તમે ટેન્શન અનુભવો છો, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને કોઈ પ્રકારની સમસ્યા નહીં સર્જાય, કેમ કે સ્ત્રીને મેનોપોઝનો સમય નજીક આવે ત્યારે એના હોર્મોન્સમાં ફેરફાર થાય છે અને તેની ઉત્તેજનામાં વધારો કે ઘટાડો નોંધાય છે. આથી તમે નિશ્ચિંત બની એની સાથે લગ્ન કરો. તમારા ભાવિ જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા નહીં સર્જાય અને તમે તમારી ભાવિ પત્નીને પૂરતો સંતોષ આપવા સાથે સહજીવનનો આનંદ પણ માણી શકશો. 


- પ્રશ્ન :  મને પહેલાં માસ્ટરબેશનની આદત હતી. થોડા મહિનાથી મારી એક ફ્રેન્ડે મને આ આદત છોડાવી છે. આમ છતાં હજી મને ક્યારેક એ માટે ઇચ્છા થઈ જાય છે અને મારાથી રહેવાતું નથી. મારાં લગ્ન થયાં નથી. કોઈ ઉપાય જણાવશો. - રેખા અગ્રવાલ, મહેસાણા 


ઉત્તર : તમે તમારી ઉંમર વિશે જણાવ્યું નથી, પરંતુ તમારી જે આદત હતી તેને તમારી ફ્રેન્ડે છોડાવી દીધી તે સારું કર્યું. વળી, તમે પણ હવે તમારી ઇચ્છા થવા છતાં જાત પર કાબૂ રાખો છો એ સારી વાત છે. તમારાં લગ્ન થયાં નથી, તો હવે તમારાં માતા-પિતાને કહો કે યોગ્ય પાત્ર શોધી તમારાં લગ્ન કરાવી આપે, કેમ કે તમારા હોર્મોન્સ સક્રિય થઈ ગયા છે અને ફરીથી તમને એ જ આદત પડે તેના બદલે લગ્ન કરીને ઇચ્છા સંતોષ‌ો તે વધારે હિતાવહ છે. 


- પ્રશ્ન :  મારી કોલેજની એક યુવતી મને  ખૂબ ગમે છે. એ મારી સાથે સારી રીતે વાતચીત કરે છે અને અમે સાથે ફરીએ પણ છીએ. મેં બે-ત્રણ વાર મારા પ્રેમનો એની સમક્ષ એકરાર કર્યો, પરંતુ એ મને કાયમ એમ જ  કહે છે કે આપણે સારા મિત્રો છીએ. મારે એના મનની વાત કેવી રીતે જાણવી? - યોગેશ પરમાર, આણંદ 


ઉત્તર : તમે જે યુવતીને પ્રેમ કરો છો, શક્ય છે કે એ તમને પ્રેમ ન પણ કરતી હોય અને તમને માત્ર એના સારા મિત્ર માનતી હોય. લાગે છે કે તમે એકતરફી પ્રેમમાં વધારે આગળ નીકળી ગયા છો. જો તમને એ યુવતી ખૂબ જ ગમતી હોય અને એની સાથે જ લગ્ન કરવા ઇચ્છતા હો તો એક વાર એની સાથે તમારા સંબંધો વિશે સ્પષ્ટતા કરી લો. જેથી ભવિષ્યમાં તમને કે તમારી એ મિત્રને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. 

અન્ય સમાચારો પણ છે...