‘પ્રભુનું પાઠ્યપુસ્તક’ આપણો અભ્યાસક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીવવા માટેનો ચોક્કસ કોઈ અભ્યાસક્રમ નથી,
બાકી સઘળી બાબતે અભ્યાસ મારો કમ નથી.

કેળવી છે આપણે કંઈકેટલી સમજણ છતાં,
ખોળિયેથી નીકળીને ક્યાં જવું એ ગમ નથી.

સંત છે પણ તે છતાંયે સંત કોઈ ગણતું નથી,
વાત કેવળ એટલી કે એમનો આશ્રમ નથી.

આપીને આદર પરસ્પર, બે જણાં જીવી ગયાં,
શું થયું જો એક-બે વિચારનો સંગમ નથી.

વિશ્વમાં સૌથી વધારે યાદ મેં તમને કર્યા,
એ અલગ છે વાત, આ નોંધાયેલો વિક્રમ નથી.
- કિરણસિંહ ચૌહાણ

 

પળનું પારેવું ઊડ્યા કરે છે અને ‘જેટલી પોતાની પાંખો એટલું પોતાનું આભ’ એવું રટ્યા કરે છે. માત્ર ફરિયાદોને વાગોળવી એના કરતાં આનંદને ઊજવવો એ માણસ માત્રની ટેવ હોવી જોઈએ. જીવનનો કોઈ ચોક્કસ અભ્યાસક્રમ નથી, એ પ્રાણની પ્રયોગશાળા નથી, જીવન સ્વાનુભવની યુનિવર્સિટી છે. અહીંયાં સમીકરણ ગણ્યા પછી તાળો મેળવવો જ એ જરૂરી નથી, પણ અભ્યાસક્રમ બહાર પણ જીવતરનું ઘડતર છે. આપણે આપણાથી ખુશ તો દુનિયા રાજી જ રહેવાની છે. આપણે અભ્યાસક્રમ બનાવી ન શકીએ, પણ અભ્યાસને આપણા ક્રમમાં ગોઠવી તો શકીએ જ ને!


આપણે આપણી સમજણની સાપસીડીમાં આપણને જ ચઢ-ઊતરમાં ગોઠવી દીધા છે. આપણે સમજણને વિકસાવી પણ પછી સમજણને વફાદાર ન રહ્યા. એટલી સમજણથી વંચિત થયા. પરિણામે ચાલતા આવડ્યું, પણ ક્યાંક પહોંચતા ન આવડ્યું.


આશ્રમથી જ સંત ઓળખાય એવી સમજણને કેટલાય રંગીન કપડાં પહેરેલા માણસોને ઘોખો પહોંચાડ્યો છે. આત્માના ભગવા રંગે રંગાયેલા માણસનો પડછાયો મોરપીંછ રંગનો હોય છે. એ ઉપરથી રંગીન અને અંદરથી ગમગીન હોય છે. એને આશ્રમની જરૂર નથી. એ તો હરીન્દ્ર દવેની ભાષામાં ‘ચરણ રુકે ત્યાં કાશી’ની સમજણને તોરણ બાંધતો ફરે છે.


બંને વચ્ચે આદર હોય ત્યારે આત્મીયતા સોળે કળાયે ખીલે છે, ખૂલે છે. કવિતા અને ભાવક વચ્ચે પણ અદ્વૈતનો સંબંધ રહેવાનો જ છે. પ્રેમમાં જિવાઈ ગયેલો કે જીવવા ધારેલો પ્રત્યેક સંબંધ આ પરવાહીને વાજબી ગણે છે. કેટલીક બાબતોમાં અસંમત હોઈ શકે છે બંને જણા એકબીજા સાથે, એનો મતલબ એવો નથી કે બંને વચ્ચે આત્મીયતાનું યુગ્મ નથી જ નથી.

 

વિચારભેદ અને વ્યવહારભેદ બંને અલગ છે અને બંને વતી ગેરહાજર એકસાથે ઉમેરાય છે ત્યારે કટુતાનો જન્મ થતો હોય છે. યાદ ગમતી વ્યક્તિની જ હોય અને એની યાદમાં તુંકારો જ હોય. છતાંય ગમતી વ્યક્તિની યાદમાં ભરોસાપાત્ર પ્રેમ ઉમેરાય છે ત્યારે ધબકારા માનવાચક લાગણીના પાડોશી બની જાય છે. એ આપણને પૂછી ન શકે કે આપણે એમને કેટલા યાદ કરીએ છીએ, પણ આપણે એમને પામી જઈને પૂછ્યા વગરના પ્રશ્નનો જવાબ જરૂર આપી શકીએ. યાદ બધામાં તમને વધારે જ કર્યા છે, પણ એનો કોઈ વિક્રમ નોંધવામાં નથી આવતો.


‘જીવનના હકારની આ કવિતા’ પોતાના અભ્યાસક્રમને ઊજવતી આજના વર્તમાનની કવિતા છે. જ્યાં કવિ કિરણસિંહ ચૌહાણ આપણી આખાબોલી ગુજરાતીનો રસાળ ગઝલબાનીમાં ઉપયોગ કરે છે. ફેસબુક પર લટાર મારતી આંખો પાસે હકાર હોય તો ક્યાંય પણ ગમતાં દૃશ્યોની હૂંફ મળી જ રહેવાની! એ પછી કવિની કવિતામાં રહેલો અવાજ કેમ ના હોય.

અન્ય સમાચારો પણ છે...