નિ:સ્તબ્ધતા અને ચમચીનું ઠકઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શોર્ટ ફિલ્મ અને સાહિત્યિક ટૂંકી વાર્તા કે લઘુકથા વચ્ચે ઘણી સમાનતા રહેલી છે. ટૂંકી ફિલ્મ પણ એના આરંભ સાથે જ લક્ષ્યબિંદુ તરફ ગતિ કરે છે. છતાં તેમાં ફિલ્મનિર્માણ સાથે જોડાયેલી બધી ક્ષમતાનો ખ્યાલ રાખવો પડે છે, તેની અસરકારકતાને ધારદાર કરવા માટે વધુ સભાનતા અને કૌશલની જરૂર રહે છે. ડિજિટલ ટેક્નોલોજીના આ યુગમાં શોર્ટ ફિલ્મ્સનું ચલણ ધ્યાન ખેંચે તેટલી હદે વધી રહ્યું છે.


એક શોર્ટ ફિલ્મ છે: ‘જ્યૂસ.’ ચૌદ મિનિટની આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ અભિનેત્રી શેફાલી શાહે મંજુના પાત્રમાં ઉત્તમ અભિનય આપ્યો છે. મંજુ સિંહના ઘરમાં પાર્ટી છે. પતિના મિત્રો ડ્રોઈંગરૂમમાં એરકૂલરની ઠંડી હવામાં ડ્રિન્ક્સ લઈ રહ્યા છે અને જગતભરની ફાલતુ વાતો કરી રહ્યા છે. મંજુ રસોડાની અસહ્ય ગરમીમાં તેમની બધી જ જરૂરિયાતોને પૂરી પાડવા મથી રહી છે. પતિ બહારથી એને કોઈ પણ નજીવા કામ માટે આદેશ આપતો રહે છે.

 

રસોડામાં ગરમી સામે લડી રહેલી મંજુ ટેબલ ફેન ચાલુ કરી આપવા માટે પતિને બોલાવે છે, પરંતુ ‘હમણાં આવું’ કહ્યા પછી પણ એ આવતો નથી. મંજુ અકળાયેલી છે, કામના દબાણ હેઠળ કચડાઈ ગઈ છે, પરંતુ એ તરફ પતિનું કે કોઈનું ધ્યાન જ જતું નથી. પતિ ડિનર જલદી સર્વ કરવાનો હુકમ કરે છે ત્યારે મંજુની માનસિક સ્થિતિ જવાબ દઈ દે છે. એનો તનાવ પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યાર પછી મંજુ જે કરે છે તેમાં ફિલ્મની ‘પ્રેગ્નેન્ટ મોમેન્ટ’ આવે છે. એ કશું જ બોલ્યા વિના જ્યૂસનો ગ્લાસ ભરે છે, ડ્રોઈંગરૂમમાં આવે છે, એરકૂલર સામે બેસી જાય છે અને નિરાંતે જ્યૂસ પીતી રહે છે.

 

બધા પુરુષો ડઘાઈ જાય છે, નિ:સ્તબ્ધતા છવાઈ જાય છે. એક પણ સંવાદ વિના શેફાલી શાહની આંખો, ચહેરા પરના ભાવો અને બોડી લેન્ગ્વેજ બધું વ્યક્ત કરી દે છે. આ ફિલ્મ મધ્યમ વર્ગની એક સ્ત્રીના મૌન, પરંતુ વેધક અને અત્યંત સ્પષ્ટ, બળવાનું પ્રતીક છે.


એવી જ બીજી શોર્ટ ફિલ્મ છે ‘ટીસ્પૂન.’ વીસ મિનિટની આ ફિલ્મમાં ત્રણ પાત્રો છે - પતિ રાજીવ, પત્ની કવિતા અને પક્ષાઘાતથી પથારીવશ વૃદ્ધ સસરો. રાજીવ આખો દિવસ ઘરની બહાર રહે છે, કવિતા ઘરમાંથી સેલ્સગર્લનું કામ કરે છે. સસરાની બધી જવાબદારી કવિતા પર આવી પડી છે. એમને કશાયની જરૂર પડે તો એ પલંગની સાઈડ પર ચમચી ઠોકી કવિતાને બોલાવે.

 

કવિતા પહોંચે નહીં ત્યાં સુધી એમનું ઠકઠક ચાલુ જ રહે. કવિતાએ એનું કામ પડતું મૂકી દોડી આવવું પડે. આવી સ્થિતિને કારણે એ ઘરની બહાર નીકળી શકતી નથી. પોતાનું કોઈ પણ કામ નિરાંતજીવે કરી શકતી નથી. ચમચી ઠોકાવાનો અવાજ એના મગજ અને જ્ઞાનતંતુઓ પર હુમલો કરતો રહે છે. કરુણતા એ છે કે એનો પતિ કવિતાની પરિસ્થિતિ સમજવા તૈયાર જ નથી.


એક દિવસ તંગ મનોદશામાં જીવતી કવિતાને એણે કરેલા વેચાણના હિસાબ વિશે એની સેલ્સ ઑફિસના એકાઉન્ટ સેક્શન સાથે ફોન પર ઉગ્ર ઝઘડો થાય છે. તે દરમિયાન બાજુના રૂમમાંથી ઠકઠક અવાજ સંભળાયા કરે છે. કવિતા ફોન પર બરાબર વાત કરી શકતી નથી. ઉશ્કેરાયેલી કવિતા મગજનો કાબૂ ગુમાવી બેસે છે અને સસરા પાસે જઈ એમના મોઢા પર ઝનૂનપૂર્વક ઓશીકું દાબી દે છે, શ્વાસ રૂંધાવાથી સસરાનું મૃત્યુ થાય છે.

 

અપરાધભાવને કારણે કવિતા સસરાના અવસાન પછી ઘણા દિવસ પછી પણ રુદન ખાળી શકતી નથી. અસંવેદનશીલ પતિ ટકોર કરે છે કે સસરા જીવતા હતા ત્યારે એ એમને ઘર બહાર મૂકી આવવા માગતી હતી અને હવે દુ:ખનું નાટક કરે છે. એક સવારે કવિતા પતિનું ટિફિન બનાવતી હોય છે ત્યાં એને ફરી ઠક..ઠક અવાજ સંભળાય છે. એ ચોંકી ઊઠે છે. પહેલાં તો લાગે છે કે એને ભ્રમ થયો છે,

 

પરંતુ એ જુએ છે તો એનો પતિ છાપું વાંચી રહ્યો છે અને બેધ્યાનપણે ટિપાઈ પર ચમચી ઠોકી રહ્યો છે. સ્ત્રી માટે છુટકારો છે જ નહીં, એક પુરુષ પછી બીજો એના માથે ઠકઠકનું આક્રમણ કરવા તૈયાર જ હોય છે.  કોઈ ધારદાર ટૂંકી વાર્તાની જેમ ‘ટીસ્પૂન’ ફિલ્મનો અંત ઘણું સૂચવી જાય છે. શોર્ટ ફિલ્મ્સની આ જ
મજા છે. 

અન્ય સમાચારો પણ છે...