નીરવ મોદી અને રોટોમેકના વિક્રમ કોઠારી, વિજય માલ્યા અને અન્યોના સ્કેમ અને વિદેશ ભાગી જવાની વાતોથી કંટાળ્યા હોય અને આ ઉનાળે અમદાવાદની ગરમીથી છટકવા યુરોપ કે અમેરિકા કે પછી ભારતમાં સરસ મજાના હિલસ્ટેશન પર જવાનો પ્લાન બનાવતા હો, તો આ જરૂર વાંચજો અને એક વાર તમારી ટિકિટો જરૂર ચેક કરી લેજો.
વિશ્વપ્રવાસી એવા ગુજરાતીઓ પ્રવાસમાં દિલથી પૈસા ખર્ચવા માટે જાણીતા છે અને એટલે જ તેમને ઉલ્લુ બનાવી લૂંટવાના પ્રયાસો દિન-બ-દિન વધી રહ્યા છે. સરકાર અને પોલીસ ચૂપ છે એટલે આ ‘ડણક’ તમને આવતા ઉનાળા કે દિવાળીનાં વેકેશનો વખતે થનારા સ્કેમથી બચાવવા અને ચેતવવા માટે છે.
સસ્તાના લોભમાં લોકો ભાન ભૂલી જતા હોય છે અને પછી આખી જિંદગી પસ્તાવો કરતા રહે છે. એક સાદી સીધી સામાન્ય સમજની વાત જ્યારે આપણે ભૂલીએ છીએ ત્યારે ગંભીર સમસ્યા થાય છે. જેની બજારકિંમત એક લાખ હોય તેવો પ્રવાસ કોઈ કંપની જ્યારે 50થી 70 હજારમાં વેચે ત્યારે ભરોસો કરવાને બદલે શંકા કરવી વધારે યોગ્ય ગણાય. ખોટ ખાઈને ધંધો કરવાનું મોડેલ ઓનલાઇન વેબસાઇટોનું હોઈ શકે, પણ ગલીના નાકેથી નવીનવી દુકાન ખોલી ધંધો કરતા ટ્રાવેલ એજન્ટનું નહીં.
મારી એક વિદ્યાર્થિની સાથે વર્ષની શરૂઆતે બનેલી હકીકત ચોંકાવનારી છે. દુબઈના પ્રવાસે જવા આતુર તેના પરિવારે, એક અન્ય મિત્ર-પરિવારના જાણીતા અને હૈદરાબાદના એક એજન્ટને પૈસા આપી સસ્તી ટિકિટો બુક કરાવી હતી. મને જ્યારે તેની કિંમત કહી ત્યારે એક મિનિટ શંકા તો જરૂર ગઈ કે આટલું સસ્તું કેવી રીતે શક્ય હોય. થોડા દિવસ પછી મને કહે કે દુબઈની ટિકિટ અને વિઝા નથી આવ્યા અને પ્રવાસના ચાર જ દિવસ બાકી છે.
એ પછી તો એજન્ટનું ચલકચલાણું ચાલ્યું. ઘડીક કહે કે હવે એ સિંગાપોર મોકલશે અને પછી કહે કે મલેશિયા અને અંતમાં બેગ પેક કરી તૈયાર બેઠેલા પરિવાર અને અન્ય લોકોને ઘરમાં પૂરી રાખ્યા. માથાદીઠ એક લાખ લેખે ચાર વ્યક્તિના ચાર લાખ ગુમાવ્યા તે અલગ.
આ લખવાનું ચાલુ કર્યું ત્યારે ટ્રાવેલ એજન્ટ એક મિત્રનો સવાર-સવારમાં ફોન આવ્યો. ‘આપણા દેશમાં ચીટિંગ કરનારાઓને ખરેખર જલસા છે.’ મને થયું કે આખરે ભાઈને બ્રહ્મજ્ઞાન લાધ્યું! પરંતુ તેમણે તરત ઉવાચ્યું, ‘મારી ઑફિસથી થોડે દૂર જ એક ભાઈએ ટ્રાવેલ એજન્સી ખોલી અને મારા જેવા એજન્ટ જે પ્રવાસ એક લાખ ઉપરાંતમાં વેચે છે તે સસ્તામાં વેચવાની જાહેરાતો કરી અને 200 લોકોએ તેમની પાસેથી આવા પ્રવાસો ખરીદ્યા પણ ખરા! અને આજે સવાર સવારમાં ભાડાનું મકાન ખાલી કરી અને સિમ કાર્ડ ફેંકીને ભાઈ ગુમ થઈ ગયા!’
અને પછી અમે છેલ્લા એક વર્ષમાં આવી રીતે પૈસા લઈ ગુમ થઈ ગયેલી અને જેના વિશે છાપામાં સમાચાર આવ્યા હોય તેવા સ્કેમની વિગતો ભેગી કરી અને તરત જ સમજાયું કે અમદાવાદ સાથે સંકળાયેલા આવા સ્કૅમનો આંકડો હજાર કરોડની આળે-ગાળે તો પહોંચી ગયો છે! અને એક
વર્ષમાં પોલીસે આવા લેભાગુઓની ધરપકડ કરી હોય તેવો એક પણ કિસ્સો જડ્યો નહીં.
મતલબ કે તમારા પૈસા ગયા તે ડૂબ્યા જ સમજવા અને એવું પણ સમજી લેવું કે પોલીસ આવાં તત્ત્વોને છાવરી રહી છે કે નહીં તે તો નથી ખબર, પણ તમને ઉપયોગી આ મામલે તો નથી જ
થઈ રહી.
આવા સ્કેમથી બચવાના રસ્તા બહુ સરળ છે. પહેલી વાત, બધાથી ખૂબ સસ્તો પ્રવાસ અગર કોઈ વેચતો હોય તો દાળમાં કાળું છે કે નહીં તે ધ્યાન રાખવાની ફરજ દરેકની વ્યક્તિગત છે. વિમાનની ટિકિટો કે હોટેલના ભાવ ઓનલાઇન ચેક થઈ શકે છે. ટ્રાવેલ એજન્ટ પાસે જી.એસ.ટી. નંબર છે કે નહીં. તે ટ્રાવેલ એસોસિયેશન ઑફ ગુજરાત કે ઇન્ડિયાનો સભ્ય છે કે નહીં જેવી બાબતો જે તે કંપનીના બોર્ડ કે લેટરપેડ પર એક નજર નાખતાં જ સાફ થઈ જતી હોય છે.
વળી, આમ છતાં કોઈ કારણસર બે-પાંચ વર્ષથી જાણીતી કંપનીના બદલે નવા-નવા ધંધાવાળા એજન્ટ પાસેથી પ્રવાસ ખરીદો તો કમ સે કમ જે તે હોટેલ કે એરલાઇનને ફોન કરીને શું તમારે નામે રૂમ કે ટિકિટ ખરેખર બુક થઈ છે કે નહીં અને શેનો શેનો સમાવેશ છે તે જરૂર એક ફોનથી કે ઈ-મેઇલથી જાણી શકો છો. આવી ચોકસાઈ પાછળ ખર્ચાયેલો એકાદ કલાક તમને ઘણી બધી તકલીફોથી દૂર રાખશે.
આશા રાખીએ કે ટ્રાવેલ એજન્ટો પોતાના ધંધાની લાજ રાખવા માટે પણ આ અંગે કોઈ પગલાં જરૂર લેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.