ભૂજના વાણિયાવાડ વિસ્તારમાં ચાની હોટલ ચલાવતો યુવક રોજના ક્રમ મુજબ વહેલી સવારમાં સૂર્યોદય પહેલાં હોટલ પર પહોંચ્યો. ભગવાનના ફોટાને દીવાબત્તી કરીને બજારમાં નજર ફેરવી. આખી બજાર સૂનકાર હતી, પણ થોડા જ સમયમાં આ બજારમાં ચહલપહલ વધી જશે અને આખો રસ્તો ચેતનવંતો બની જશે, કારણ કે અહીંથી થોડેક જ આગળ જતાં વળાંકમાં જ શાકમાર્કેટ આવેલી હતી.
ભગવાનને દીવાબત્તી કર્યા બાદ રોજની જેમ તેણે બજારમાં નજર નાખી તો સામેના છેડે ઓટલા ઉપર બે નાનાં બાળકો નજરે ચડ્યાં.
અઢી વર્ષની બાળકી પોતાનાથી એકાદ વર્ષ નાના ભાઈને છાનો રાખવાની મિથ્યા કોશિશ કરી રહી હતી. આવડાંક બાળકો અત્યારમાં અહીંયાં ક્યાંથી આવી ચડ્યાં હશે? કોણ મૂકી ગયું હશે? જેવા સવાલો હોટલમાલિકના મનમાં જાગ્યા. તેણે જોયું તો આ બાળકોની પાસે નાસ્તાની એક થેલી પણ પડી હતી. બાળકો પણ તેના પોષાક પરથી સારા ઘરનાં લાગી રહ્યાં હતાં. હોટલમાલિકનું કૌતુક બેવડાયું અને તે એ બાળકોની પાસે જવાનો વિચાર કરતો હતો ત્યાં જ બે મજૂરો આવી ચડ્યા. બે કટિંગ આપી દે,
ઝપાટો કર. બાળકો તરફથી નજર હટાવીને હોટલમાલિકે ચા બનાવવામાં ધ્યાન પરોવ્યું. ચાના રોજિંદા ગ્રાહકો પણ એક પછી એક ઠલવાવા માંડ્યા. ચાની પ્યાલીઓ ભરાતી ગઈ, ચૂસકીઓ લેવાતી ગઈ, પૈસા ચૂકવાતા ગયા અને હોટલના થડા પરનો ગલ્લો છુટ્ટા રૂપિયાઓથી ઊભરાવા માંડ્યો. ઘટમાળમાં ઉલઝેલા હોટલમાલિકના દિમાગમાંથી પેલાં માસૂમ બાળકોની વાત સાવ નીકળી જ ગઈ.
ઘરાકી થોડીક ઓછી થતાં વળી હોટલમાલિકનું ધ્યાન સામેના ઓટલા પર ગયું. દોઢ વર્ષના માસૂમ ભાઈના ગાલ પર રેલાયેલાં આંસુને લૂછતી અઢી વર્ષની બહેન હાથમાં બિસ્કિટ રાખીને તેને રડતો અટકાવવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, ભઈલો પણ હવે રડીરડીને થાક્યો હતો એટલે અટકી-અટકીને હીબકાં ભરતો હતો.
હોટલમાલિકને લાગ્યું કે, આ બાળકો અંગે તપાસ કરવી જોઈએ. ભૂજમાં આવી ચડતાં આવાં બાળકો, વૃદ્ધો કે માનસિક દિવ્યાંગો માટે મદદરૂપ બનતા એક સામાજિક કાર્યકરનો તેણે સંપર્ક કર્યો અને આ બન્ને બાળકો વિશે જણાવ્યું. તરત જ બન્ને બાળકોને પોલીસ સ્ટેશને લઈ જવાયાં. એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સેવાકીય માનવજ્યોત સંસ્થાના સદસ્યો મળીને આ બાળકો કોનાં છે અને ક્યાંથી આવ્યાં? તેનું પગેરું શોધવામાં લાગ્યા. બન્ને બાળકોને સાથે લઈને આખું ભૂજ ફરી વળ્યા, પણ પત્તો લાગતો ન હતો. બાળકોની પાસેથી નાસ્તાની મળી આવેલી થેલી સુરતની કોઈ દુકાનની હતી. આથી આ બાળકો સુરતનાં હોવાની સંભાવના બળવત્તર હોવાનું લાગતાં હવે એ દિશામાં ચક્રો ગતિમાન કરાયાં. દરમિયાનમાં બન્ને બાળકોને રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.
ભૂજ પોલીસે સુરતમાં શરૂ કરેલી તપાસ રંગ લાવી અને એકાદ મહિના પહેલાં સુરતના સચીન વિસ્તારમાંથી એક મહિલા પોતાના પુત્ર અને પુત્રી સાથે ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ સમાચાર મળતાં ભૂજ પોલીસ ચમકી. ભૂજથી મળેલાં આ બન્ને બાળકો એ જ હોય તો તેની માતા ક્યાં હતી? ક્રમશ: (સત્યઘટના)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.