ખાદી : ફેબ્રિક ઑફ ફ્રીડમ અને બેરોજગારીનો રામબાણ ઇલાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાદીને પશ્ચિમના અર્થશાસ્ત્રીઓએ ‘ફેબ્રિક ઓફ ફ્રીડમ’ કહેલ છે. સમાજશાસ્ત્રી ડો. જેમ્સ બાલ્ડવીને તેમાં નવો વિચાર ઉમેર્યો કે, ફ્રીડમ એવી વસ્તુ છે જે તમને કોઈ બીજું દાનમાં આપતું નથી. ફ્રીડમ તમારે પોતે સંઘર્ષ કરીને કે સ્વેચ્છાએ મેળવવાનું હોય છે. ખાદીને અપનાવીને દેશની બેરોજગારી દૂર કરી શકાય છે તેવો અમારા અખબારનો મત થયો છે. તેને આંતરરાષ્ટ્રીય ટેકો છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેરળમાં તમામ સરકારી કર્મચારી દર શનિવારે ઓફિસમાં આવે ત્યારે ખાદીનાં જ વસ્ત્રો પહેરે છે. મહિલા કર્મચારી ઇન્દિરા ગાંધીની ઢબની ખાદીની સાડી પહેરે છે કે પંજાબી ડ્રેસ પહેરે છે.


મુંબઈમાં રહીને આયુર્વેદનો ઝનૂનથી ઉપયોગ કરનારા એક ગાંધીવાદી વૈદ્ય સ્વ. ડો. ખીમજી કોઈના કહ્યા વગર ખાદી જ પહેરતા! કેરળમાં ધોતીને મુંડું (Mundu) કહે છે. તેમને ખાદીની મુંડું વધુ અનુકૂળ છે. મહિલા કર્મચારી ચૂડીદાર અને કુરતા પહેરે છે. કેરળની સરકારે 2007થી આ શનિવારને ખાદી ડે રાખ્યો હતો. માત્ર સરકારી કર્મચારી જ નહીં પણ બીજા કેરળવાસી જે યુરોપ- અમેરિકાથી કેરળમાં આવતા તેને ખાદીનું કાપડ ખૂબ આકર્ષક લાગતું. ચરખા ખાદી હવે રહી નથી,

 

પણ હેન્ડલુમનું કાપડ અને મિકેનિકલ ચરખા થકી કેરળ રાજ્યના 1ાા લાખ લોકોને રોજગારી મળે છે. કેરળમાં ખાદીની ખપત રૂ. 50 કરોડની થતી તે વધીને રૂ. 200 કરોડની થઈ પાંચ લાખ લોકોને રોજગારી આપશે તેવો અંદાજ છે. અમારા 9-2-18ના અખબારમાં સમાચાર છે કે ખાદીનું વેચાણ સ્વેચ્છાએ ઝડપથી વધી રહ્યું છે,

 

પણ રાષ્ટ્રીય ભાવનાને આધુનિક બનાવીને પ્રચારશાસ્ત્ર અને માર્કેટિંગના સિદ્ધાંત અપનાવી ખાદીનું વેચાણ વધારી શકાય છે. ખાસ કરીને ફિલ્મના લોકો- ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, દીપિકા પદુકોણ, સલમાન ખાન, શાહરુખ ખાન, શત્રુઘ્ન અને અક્ષયકુમાર એ બધા કેરળ સરકારનો દાખલો લઈને રોજરોજ ખાદી નહીં, પણ શનિવારે ખાદીનાં વસ્ત્રોને વાપરવાની અપીલ કરીને તમામ ફિલ્મી હસ્તી શૂટિંગ વખતે સ્ટુડીઓમાં અમુક દિવસે ખાદીનાં વસ્ત્ર પહેરે તેવો આગ્રહ રાખવો જોઈએ.


કેરળની ઘણી સ્કૂલોમાં તો ફરજિયાત શનિવારે દરેક વિદ્યાર્થીએ ખાદી પહેરવાની હોય છે, પણ નવાઈની વાત જોઈ લો કે આવો નિયમ કેરળનાં મા-બાપને આકરો લાગ્યો નથી. સ્વયં રાષ્ટ્રભાવનાથી જાગીને અને કેરળની અસહ્ય ગરમીમાં ખાદીને વસ્ત્ર તરીકે અપનાવ્યું છે. નવાઈની વાત છે કે ખાદીના અર્થશાસ્ત્રને નરેન્દ્ર મોદીએ શરૂમાં અપનાવેલું.

 

‘મન કી બાત’ નામના ટીવીના કાર્યક્રમમાં મોદીએ રેડિયો ઉપર ખાદીના મહત્ત્વની વાત કરેલી. ભારતના નાગરિકની રાષ્ટ્રભાવના વધારવા ખાદીની જરૂર છે તેવો મોદીનાે મત ત્યારે જાણેલો. મોદીએ કહેલું કે કરોડો લોકોને ખાદી થકી રોજગારી મળે તેમ છે. સરદાર વલ્લભભાઈ પટેલને ટાંકીને કહેલું કે, ‘ભારતની સ્વતંત્રતા ખાદી સાથે વણાયેલી છે.’


ખાદીમાં ભારતના 5000 વર્ષ જૂના કલ્ચરનાં દર્શન થાય છે! અહિંસાનું સૂત્ર પણ ખાદી સાથે જોડાયેલું છે ઉપરાંત ભારતના ખેડૂતને કપાસની ખેતીમાં ફાયદેમંદ છે. પશ્ચિમના ફિલોસોફરો પૈકી કવિ-ફિલોસોફર ઇમેન્યુઅલ કાન્ત અને હેગલના વ્યક્તિત્વ ઉપર ભાષણ આપનારા ભારતના ફિલોસોફર હિમાર્યંુ કબીરે અનેક વિષયો ઉપર ભાષણ આપ્યાં, પણ તેણે ખાદીના અર્થશાસ્ત્રને ખાસ ભાર આપ્યો હતો. ડો. ચલપતીરાવ અને ભારતના ‘વાઇસરોય’ જી. કે. ચેસ્ટરટન પણ ખાદીની ફેવરના હતા.

 

આજે અમુક માર્કેટિંગના એક્સપર્ટ લોકોએ ખાદીને લક્ઝરીની ચીજ બનાવીને મોડેલોને રૂ. 3000થી રૂ. 5000ના ચૂડીદાર પહેરાવીને તેના ફોટા પ્રગટ કર્યા છે. ભારત જ નહીં પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ આજે હાથવણાટનું કાપડ ધૂમ ખપે છે. ત્યાંના ઘણા લોકો કહે છે કે ખાદી પહેરો ત્યારે ખાદીની પ્રાઇસ (કિંમત) ન જુઓ, પણ ખાદી થકી તમે પ્રાઇડનું લક્ષણ મહેસૂસ કરો,

 

પરંતુ ખાદીની મહેંગાઈની વાત થાય ત્યારે તેનો ઇલાજ સરકાર પાસે છે. દા.ત. શનિવારે ભારતભરમાં ‘ખાદી-ડે’ ઊજવાય તે દિવસે ખાદી ભંડારો અને ખાદીના દુકાનદારોને અમુક રકમ સબસિડી તરીકે આપવી જોઈએ. સરકારે 2018-19મા ખાદી અને ગ્રામોદ્યોગની ચીજોનું રૂ. 5000 કરોડનું વેચાણ નિરાધાર્યું છે તે કાગળ ઉપર જ ન રહે. ‘ઇકોનોમિક ટાઇમ્સ’ લખે છે કે ખાદીનો ટ્રેન્ડ વિદેશમાં પણ જાગ્યો છે. પહેલાં માત્ર પોલિટિકલ-રાજકીય કે સ્વદેશી ભાવનાવાળા ખાદી વાપરતા, પણ બ્રાન્ડ-એક્સપર્ટ હરીશ બિજુર કહે છે કે લોકો હવે નેચરલ પ્રોડક્ટ તરીકે ખાદી પસંદ કરે છે અને તેમાં ખાદી આવી જાય છે.


‘ધ સ્ટોરી ઓફ ખાદી’ નામના લેખમાં ‘ડેઇલી સ્ટારે’ ખાદીની ‘વાર્તા’ લખી છે. તેમાં ફેશન ડિઝાઇનર મહિન ખાને ખાદીનું મહત્ત્વ જોરશોરથી ફેશનની દૃષ્ટિએ અને આરોગ્યની દૃષ્ટિએ (સ્ત્રીની ચામડીને બીજા ફેબ્રિક નુકસાન કરે છે પણ ખાદી નહીં). આજે ભારત ગરમ પ્રદેશ બની ગયો છે ત્યારે ખાદી ઉપયોગી છે. મહિન ખાને તો ‘ધ ડેઇલી સ્ટાર’માં લખ્યું છે કે 5000થી વધુ વર્ષ પહેલાં વૈદિક યુગમાં હાથે કાંતેલા સૂતરના કપડાને પવિત્ર માનીને અપનાવાતા હતા.

 

ગામડાના ખેડૂતો ચોરણી અને પહેરણ પાણકોરાના પહેરતા. સ્ત્રીઓ પણ પાણકોરાના સાડલા ઘાઘરા પહેરતી. દક્ષિણ ભારતમાં તો ભાગ્યે જ કોઈ સ્ત્રી ચોળી પહેરતી. સિકંદરે ભારત ઉપર હુમલો કરેલો ત્યારે સૌપ્રથમ કાંતેલા રેશમી સૂતરનાં બ્યૂટીફૂલ કપડાંની લૂંટ ચલાવેલી. તે રેશમી કાપડને ‘ગંગેતિકા’ કહેવામાં આવતું. 12મી સદીમાં માર્કોપોલોએ ભારતમાં જે રેશમી સૂતર કે કોટનના સૂતરને જોયેલું તેણે કહેલું કે કરોળિયાનાં જાળાંના તાર જેટલા પતલા તાર કપાસના હોય છે તેટલા પતલા સૂતરનું કાપડ હિન્દુસ્તાનમાં બને છે. રોમન લોકો બંગાળની ખાદીનાં વસ્ત્રો અને મુસલીન આયાત કરતા.

 

ઔદ્યોગિક ક્રાંતિ વખતે ઇંગ્લેન્ડમાં ભારતની ખાદી આયાત થતી. ભારતીય ખાદીનું કાપડ ઇંગ્લેન્ડમાં ઊંચા વર્ગમાં લોકપ્રિય હતું અને આવું કાપડ પહેરનારી સ્ત્રીઓને ‘કેલિકોમેડમ્સ’ કહેવાતી! અંગ્રેજોને તેના મશીનથી વણેલા કાપડને ખપાવવું હતું એટલે ચરખાની ખાદીનો નાશ કરવા ખૂબ પ્રયાસ કર્યો, પણ થેંક્સ ટુ ગાંધીજી કે આજે 2018માં ખાદી વધુ લોકપ્રિય છે અને હું તો માનું છું કે 2020 સુધીમાં જગતને ખાદીની ગરજ પડશે અને પછી ખાદી વગર-ગાંધીએ જગતના લોકોને સ્વપસંદથી ખાદી ખોળે બેસશે!

અન્ય સમાચારો પણ છે...