માણવા જેવું છે ‘સત્ય’નું આ સ્વરૂપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીજી વિશે ખૂબ લખાયું છે,  પરંતુ એ સઘળુંય નોન ફિક્શન હોવાનું. બહુ જૂજ કૃતિઓ ફિક્શન છે. ગુજરાતી ભાષામાં એક મજાની કૃતિ અસ્તિત્વ ધરાવે છે અને એ નવલકથાનું નામ છે ‘સત્ય’, જેનું આલેખન જયંત ગાડીતે કર્યું છે.


‘સત્ય’ એ ગાંધીજીના જીવનને આવરીને ચાર ભાગમાં લખાયેલી વિશાળ નવલકથા છે, જેમાં વર્ષ 1915 એટલે કે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત રહેવા આવ્યા ત્યારથી લઈને 30 જાન્યુઆરી, 1948 સુધીની વાતો આવરી લેવામાં આવી છે. જોગાનુજોગ આ એ જ કાળ છે, જે કાળ ભારતના ઇતિહાસનો મહત્ત્વનો પડાવ છે.


ગાંધી જેવા વિરાટ વ્યક્તિત્વને કથાનું પાત્ર બનાવીને ચાર ખંડમાં નવલકથા આલેખવી એ કંઈ નાનીસૂની વાત નથી. ધ્યાન રાખવું પડે કે આમાં જે નવલકથાનું માધ્યમ છે, તેમાં જો ઘટનાઓનો ઢગલો કરી દઈશું તો કૃતિ નવલકથા ઓછી અને ઇતિહાસનો દસ્તાવેજ વધુ લાગશે. એટલે કથારસ જાળવીને ખરા અર્થમાં નવલકથા જ કહી શકાય એવી કૃતિનું સર્જન કરવું અત્યંત કપરું કામ છે.

 

નવલકથામાં મોહનદાસ શું કામ મહાત્મા કહેવાયા એ બાબત દર્શવતા અનેક પ્રસંગો છે અને લેખકે ગાંધીજી પ્રત્યેના અહોભાવને સપાટી પર લાવ્યા વિના તેમનું ચિત્રણ કર્યું છે. જોકે મૂળ તો આ નવલકથા ઊંઝા જોડણી મુજબ લખાઈ હતી, પરંતુ ડિવાઈન પબ્લિકેશને જ્યારે આ મહાનવલને પ્રકાશિત કરવાનું વિચાર્યું ત્યારે નવેસરથી કામ આદરવામાં આવ્યું અને શુદ્ધ જોડણીઓમાં કથાનું રૂપાંતર કરાયું. આ માટે ડિવાઈન પબ્લિકેશનના અમૃત ચૌધરીને પણ અભિનંદન પાઠવવા ઘટે.


‘પાવક અગ્નિ’, ‘જ્વાળા’, ‘ઘૂંઘવાતો અગ્નિ’ અને ‘દાવાનળ’ એમ ચાર ભાગોમાં પથરાયેલી આ નવલકથા ગાંધી નિર્વાણના સિત્તેરમા વર્ષે સૌ કોઈએ વાંચવી જોઈએ. ગાંધીજનો તેમજ ગાંધીના સિદ્ધાંતોમાં જેમને થોડીઘણી પણ શ્રદ્ધા છે એ લોકો આ કથા વાંચીને નિરાશ નહીં જ થાય તેની ગેરંટી છે. 


ક્વોટ કોર્નર
સત્ય અને અહિંસા પરની મારી આસ્થા ક્યારેય ઓછી નહીં થાય. હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ.
- નવલકથાના અંતમાં ગાંધીજીનું કથન.     

અન્ય સમાચારો પણ છે...