ભ્રષ્ટ બેન્ક અધિકારીઓના કારણે ચાલતી ધ ગ્રેટ બેન્ક રોબરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાઇ પ્રોફાઇલ ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કને અગિયાર હજાર ચારસો કરોડ રૂપિયામાં નવડાવી નાખી અને એ ભોપાળું બહાર આવે એ પહેલાં તો અમેરિકા ભાગી ગયો. હવે રોજ નીરવ મોદી વિશે અખબારો અને ન્યૂઝ ચેનલ્સમાં નવા નવા સમાચારો આવે છે. નીરવ મોદી અને પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓનાં કરતૂતો વિશેની વાતો જેમ જેમ બહાર આવતી જાય છે એમ એમ આક્રોશ વધતો જાય છે.

 

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કના ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને કેવા ખેલ કર્યા એ વિશે ઘણી ખરી વાતો બહાર આવી ગઈ છે એટલે એની કથા નથી કરવી, પણ અાપણા દેશની સરકારી બેન્કો પબ્લિકના પૈસા કઈ રીતે ઉડાવે છે, જાડી ચામડીના ઘણા બેન્ક અધિકારીઓ પબ્લિકના પૈસા જાણે બાપનો માલ હોય એ રીતે તેને કઈ રીતે ફૂંકી મારે છે એ વિશે વાત કરવી છે. નીરવ મોદીના હજારો કરોડના બેન્ક કૌભાંડને કારણે પબ્લિકમાં ફેલાયેલા આક્રોશની વાત કરવી છે.

 

નીરવ મોદીનું સાડા અગિયાર હજાર કરોડનું બેન્ક કૌભાંડ બહાર આવ્યું એ ઓછું હોય એમ પાછળ પાછળ બહાર આવ્યું કે તેના મામા મેહુલ ચોક્સીએ પણ પંજાબ નેશનલ બેન્કની ચાર હજાર કરોડ રૂપિયા જેટલી રકમ ડૂબાડી દીધી છે. નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કને કઈ હદ સુધી ‘વાપરી’ એની વાત રુવાડાં ઊભાં કરી દે એવી છે. જોકે, તેણે પંજાબ નેશનલ બેન્કને ‘વાપરી’ એમ કહેવા કરતાં પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓએ બેન્કને ‘વાપરવા દીધી હતી’ એમ કહેવું વધારે યોગ્ય ગણાશે.

 

નીરવ મોદીએ હજારો કરોડ રૂપિયાનો ખેલ કર્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે બેન્કના ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર એ શક્ય ન બને. પીએનબીના અધિકારીઓએ નીરવ મોદીને વિદેશોની બેન્કોમાંથી પૈસા ઉપાડવા માટે એલ ઓયુ બનાવવા માટે પાસવર્ડ જ આપી દીધો હતો. વિચારો કયા લેવલ સુધીના અધિકારીઓ સામેલ હોય તો આવું શક્ય બને!


સામાન્ય કસ્ટમર સાથે ઘણા બેન્ક કર્મચારીઓ તુચ્છકારભર્યો વર્તાવ કરતા હોય છે. આવું ખાસ તો નેશનલાઇઝ્ડ બેન્કોમાં ઘણી વાર જોવા મળતું હોય છે, પણ સામાન્ય કસ્ટમરને ભાજીમૂળા ગણતા બેન્ક અધિકારીઓનો ધનાઢ્ય કસ્ટમર્સ સાથેનો વર્તાવ જુદો જ હોય છે. તેઓ ધનાઢ્ય કસ્ટમર્સને અછોવાના કરતા હોય છે. સામાન્ય કસ્ટમરે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવામાં મોડું કર્યું હોય તો તેના પર રિકવરી એજન્ટ્સ છોડી મુકાયા હોય.

 

ઘણી વાર તો ગુંડા જેવા રિકવરી એજન્ટ બાપડા કસ્ટમરની બેરહેમીથી ધુલાઈ પણ કરી દીધી હોય એવી ઘટનાઓની નવાઈ નથી. મિડલ ક્લાસ કસ્ટમરે સ્કૂટર કે કારની લોન લીધી હોય અને તે સમયસર હપ્તા ન ભરી શકે તો તેનું સ્કૂટર કે કાર ઉઠાવી જવા માટે બેન્કવાળાઓ ધસી જતા હોય છે, પણ વિજય માલ્યાઓ કે લલિત મોદીઓ કે નીરવ મોદીઓ જેવા સોફિસ્ટિકેટેડ ગઠિયાઓ અબજો રૂપિયાનો ચૂનો લગાવી જતા હોય એની ખબર હોવા છતાં તેઓ તેમની સામે કુર્નિશ બજાવતા હોય છે.


નીરવ મોદી અને મેહુલ ચોક્સીની પાછળ પાછળ જ રોટોમેકવાળા વિક્રમ કોઠારી અને રાહુલ કોઠારીનું ચારેક હજાર કરોડ રૂપિયાનું બેન્ક કૌભાંડ બહાર આવ્યું. જોકે, એ બાપ-દીકરો વિદેશ ભાગી ન શક્યા. તે બંનેની ધરપકડ થઈ, પણ તેમણે બેન્ક પાસેથી પડાવી લીધેલા આશરે ચાર હજાર કરોડ રૂપિયા પાછા આવે ત્યારે ખરા, પણ આવા હજારો કરોડ રૂપિયાની લોનનાં કૌભાંડો બહાર આવે ત્યારે પબ્લિકના મનમાં સવાલ જાગે કે સામાન્ય કસ્ટમર્સને નાનકડી લોન આપવા માટે પણ પચાસ જાતના પેપર્સ માગતા બેન્ક કર્મચારીઓ આવા શ્રીમંતોને કેમ આંખ મીંચીને હજારો કરોડ રૂપિયાની લોન આપી દેતા હશે?

 

આપણા દેશમાં મિડલ ક્લાસ કે હાયર મિડલ ક્લાસના લોકોને મોટેભાગે ઘરની લોન લેવી હોય છે અને તેઓ સૌ પ્રથમ ઘરની લોન ભરપાઈ કરતા હોય છે. તેમને ઘરની લોન આપતી વખતે બેન્ક તેમનું ઘર મોર્ગેજ કરી લેતી હોય છે. કોઈ વ્યક્તિએ બેન્ક પાસેથી લોન લઈને ઘર ખરીદ્યું હોય તો તે જ્યાં સુધી પૂરી લોન ભરપાઈ ન કરે ત્યાં સુધી બેન્ક પાસે તેનું ઘર મોર્ગેજ રહે છે એમ છતાં બેન્ક નોકરિયાત વ્યક્તિને લોન માટે ખૂબ દોડાવે છે, અનેક પ્રકારનાં ડોક્યુમેન્ટ્સ માગે છે.

 

એક પત્રકારે ફ્લેટ ખરીદવા માટે એક બેન્ક પાસે લોન માગી અને બધાં ડોક્યુમેન્ટ્સ આપી દીધા, પણ પછી તેને બેન્કમાંથી ફોન આવ્યો કે તમારી તો બીજી એક લોન ચાલે છે એટલે અમે તમને લોન ન આપી શકીએ. પત્રકારે કહ્યું કે મારી કોઈ જ લોન બાકી નથી. કોલ કરનારા બેન્ક કર્મચારીએ કહ્યું કે તમારું બેન્ક સ્ટેટમેન્ટ દર્શાવે છે કે તમારા અકાઉન્ટમાંથી દર મહિને ચોક્કસ અમાઉન્ટ કપાય છે. પત્રકારે ચેક કરીને કહ્યું કે અરે એ તો દર મહિને મારી સોસાયટીમાં હું મેઇન્ટેનન્સનો ચેક આપું છું.

 

બેન્ક કર્મચારીએ કહ્યું કે તો સોસાયટીનો લેટર લઈ આવો કે એ રકમ મેઇન્ટેનન્સ પેટે જાય છે. તમારે પુરાવો આપવો પડશે કે એ રકમ કોઈ પ્રકારની લોનના હપ્તા પેટે નથી જતી! પત્રકારને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે એ બેન્કમાંથી લોન લેવાનું જ માંડી વાળ્યું, પણ વાત એ છે કે થોડા લાખ રૂપિયાની લોન માટે પણ આટલી ચકાસણી કરનારા બેન્ક કર્મચારીઓ હજારો કરોડ રૂપિયાની વાત આવે ત્યારે દાનવીર કેમ થઈ જતા હશે? સીધી વાત છે. તેમનાં ખિસ્સાં, ખિસ્સા નહીં તેમની તિજોરીઓ પણ ભરાતી જ હોય. પીએનબીના એક અધિકારીએ તો સ્વીકારી પણ લીધું છે કે નીરવ મોદી તરફથી અમને ‘વળતર’ મળતું હતું.


વિજય માલ્યાઓ કે નીરવ મોદીઓના હજારો કરોડનાં બેન્ક કૌભાંડો બહાર આવે ત્યારે પબ્લિકને (અને એમાંય ખાસ તો નોકરિયાત વર્ગને વધુ) આક્રોશ એટલા માટે આવે કે તેમણે ભરેલા ટેક્સના પૈસા બેન્ક અધિકારીઓ આવા સોફિસ્ટિકેટેડ ગઠિયાઓ પાછળ લૂંટાવી દે છે. આવાં કૌભાંડ બહાર આવે ત્યારે ઘણા વોટ્સએપ મેસેજ પણ વાઇરલ થાય છે. એમાં આમ તો હ્યુમર હોય છે, પણ એ હ્યુમર પાછળ આક્રોશ છુપાયેલો હોય છે. આવો જ એક વોટ્સએપ મેસેજ વાઇરલ થયો હતો કે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો બેન્કને એક સેકન્ડમાં ખબર પડી જાય અને પેનલ્ટી તરીકે અઢીસો-ત્રણસો રૂપિયા કપાઈ જાય, પણ નીરવ મોદી જેવાઓએ અગિયાર હજાર કરોડનું કરી નાખ્યું હોય તો બેન્કને વર્ષો પછી ખબર પડે!


નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બેન્ક કૌભાંડને કારણે ફરી એક વાર સરકારી બેન્ક અધિકારીઓનાં કારનામાંઓ પર લોકોનું ધ્યાન ગયું, પણ ઘણા સરકારી બેન્ક અધિકારીઓ સરકારી બેન્કોને બદલે તેમના કરોડપતિ-અબજપતિ શેઠોને વફાદાર છે એના પુરાવાઓ આપતા થોડા આંકડાઓ જોઈએ.


કેન્દ્રિય ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે થોડા સમય અગાઉ સંસદ સભામાં માહિતી આપી હતી કે 2012થી 2016 દરમિયાન સરકારી બેન્કોએ કૌભાંડોને કારણે 22, 743 કરોડ રૂપિયાના નામનું નહાઈ નાખવું પડ્યું છે. 2011માં સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને આઇડીબીઆઈ બેન્કના એક્ઝિક્યુટિવ્સે દસ હજાર જેટલાં નકલી અેકાઉન્ટ ખોલ્યાં હતાં અને એમાં રૂપિયા 1500 કરોડની લોન ટ્રાન્સફર કરી હતી!


2014માં અનેક બેન્ક કૌભાંડો બહાર આવ્યાં હતાં. એમાં વિજય માલ્યાનું મુખ્ય કૌભાંડ હતું. બીજા નંબરે સિન્ડિકેટ બેન્કના એક્સ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ.કે. જૈનનું કૌભાંડ હતું, જેમણે લાંચ લઈને રૂપિયા 8,000 કરોડની લોનો આપી હોવાનું બહાર આવ્યું હતું.


2016માં પણ સિન્ડિકેટ બેન્કનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં ચાર વ્યક્તિએ 380 ખાતાં ખોલાવીને રૂપિયા એક હજાર કરોડના નકલી ચેક વટાવ્યા હતા. થોડા સમય અગાઉ આંધ્ર બેન્કના એક ભૂતપૂર્વ ડિરેક્ટરની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ ગુજરાતની એક ફાર્મા કંપની જેમાં સંકળાયેલી છે એવા 500 કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડમાં ધરપકડ કરી છે. આવાં બીજાં પણ ઘણાં કૌભાંડો છે, પણ એની વાત ફરી ક્યારેક. 

અન્ય સમાચારો પણ છે...