વરદ હસ્ત નહીં, વરદ પરંપરા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હવે લોકો ૧પ ઓગસ્ટે ટીવી પર થઇ રહેલું દિલ્હીના લાલ કિલ્લા પરનું જીવંત પ્રસારણ જોવા બેસતા નથી. સામાન્ય નાગરિક માટે રાજકારણી નેતાઓના સંદર્ભમાં 'વરદ હસ્ત’ જેવું જુઠ્ઠાણું બીજું કોઇ રહ્યું નથી

ચાર દિવસ પછી પંદરમી ઓગસ્ટ આવશે. ગામડાની શાળાઓમાં પ્રભાતફેરી નીકળશે. કતારમાં ચાલતાં બાળકો 'જય હિ‌ન્દ’ કે 'આઝાદી અમર રહો’ના નારા લગાવતાં પોતાના ગામની શેરીઓમાં અજાણ્યાં ભાવિ નાગરિકો જેવાં પસાર થઇ જશે. શાળામાં ધ્વજવંદન થશે અને પતાસાં-પેંડા જેવી મીઠાઇ ખાઇને બાળકો પ્રસન્ન ચિત્તે ઘેર જશે. દિલ્હીમાં લાલ કિલ્લા પર ભારતના વડાપ્રધાન એમના 'વરદ હસ્તે’ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ધ્વજવંદન કરતા હશે. અન્ય નેતાઓ મને- કમને ત્યાં હાજર રહેશે. એમાંના કેટલાયના વરદ હસ્તે પણ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવા સળવળતા રહેશે. હવે લોકો ટીવી પર થઇ રહેલું એનું જીવંત પ્રસારણ જોવા બેસતા નથી. સામાન્ય નાગરિક માટે રાજકારણી નેતાઓના સંદર્ભમાં 'વરદ હસ્ત’ જેવું જુઠ્ઠાણું બીજું કોઇ રહ્યું નથી. જે હસ્તો રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યા હશે એમાંના કેટલાય હસ્તો કરોડો રૂપિયાની ગોલમાલ કરી ચૂક્યા હોય છે.

આટલાં વરસોની આઝાદીનું સામાન્ય પ્રજાજન માટે શું મૂલ્ય રહ્યું છે એની રાજકારણીઓને ચિંતા નથી. એમને દેશના ભવિષ્યની નહીં, પોતાનાં ગજવાં ભરવાની અને મતબેન્ક સાચવી રાખવાની ચિંતા છે. સામાન્ય નાગરિકોને સરકાર કે વિરોધી પક્ષોને નેતાઓનાં વચનોમાં ભરોસો રહ્યો નથી. એક રાજકીય પક્ષ સત્તામાં હોય અને બીજા પક્ષો ન હોય-તે સિવાય એમની વિચારસરણી, એમણે આપેલાં વચનો કે એમની કહેવાતી પ્રતિબદ્ધતા વિશે લોકોના મનમાં આશંકા સિવાય બીજું કશું રહ્યું નથી. ભારત બદલાઇ રહ્યું છે. આપણા માટે રાજકારણી નેતાઓના આદર્શોનું માપદંડ કોણ કેટલું ધન ઉચાપત કરી શકે છે તે વિશેની શક્તિનો અંદાજ કાઢવા સુધી જ સીમિત થઇ ગયો છે. બધાને ખાવું છે અને ખાવા દેવું છે. જે લોકો આ વિશે બૂમબરાડા પાડે છે તેઓ એક અર્થમાં વંચિત રહી ગયેલા સમૂહના લોકો છે. માફિયાને પાઠ ભણાવવાની 'ગંભીર ભૂલ’ કરનાર અધિકારીને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેતાં જીવ ખચકાતો નથી. પરંતુ પ્રશ્ને એ છે કે શું ભારતનું ચારિત્ર્ય માત્ર રાજકારણના ક્ષેત્રમાં જે બને છે એનું જ પ્રતિબિંબ બની ગયું છે?

દેશમાં કેટલાય નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકો, બુદ્ધિજીવીઓ, વૈજ્ઞાનિકો, લોકકળાના કલાકારો, સાહિ‌ત્યકારો, સંગીતકારો, ચિત્રકારો જેવી મહાન હસ્તીઓ પણ વસે છે. એમાંના કોઇનાં કામ, સિદ્ધિઓ, નિષ્ઠા, પ્રામાણિકતા વિશે સામાન્ય માણસને કશુંય જણાવવામાં આવતું નથી. જો એ તરફ પણ આપણું ધ્યાન જાય તો દેશનું જે નિરાશાજનક ચિત્ર ઊપસે છે, એમાં થોડીક રાહત મળી શકે અને આવતી કાલના નાગરિકોને એમાંથી સાચી દિશા પણ સૂઝે. આઝાદીનો સાચો અર્થ અમત્ર્ય સેન જેવા નોબલ પ્રાઇઝ મેળવનાર મહાન અર્થશાસ્ત્રીનું હોવું એટલે શું તે સમજવામાં છે, એમણે ભારતના વડાપ્રધાન તરીકે કોણ વ્યક્તિ એમને અયોગ્ય લાગે છે તે વિશે આપેલો અભિ‌પ્રાય અનુકૂળ લાગતો ન હોય તો એમને આપવામાં આવેલો 'ભારતરત્ન’ ખિતાબ પાછો લઇ લેવાની બેહૂદી માગણી કરવામાં નથી.

આ એ દેશ છે, જેના વિશે દુનિયાભરની નામાંકિત વ્યક્તિઓએ પ્રશંસાના ઢગલા ખડકી દીધા છે. આવતી કાલના નાગરિકોને તેનાથી માહિ‌તગાર કરવાની જરૂર છે. જે દેશનો ભૂતકાળ આટલો બધો ભવ્ય હોય એનું ભવિષ્ય કદી ધૂંધળું બની જ ન શકે. ઇતિહાસકાર વિલ ડુરાન્ટે હિ‌ન્દુસ્તાનને દુનિયાભરની ફિલોસોફીની માતા કહ્યું છે. મહાન વૈજ્ઞાનિકે આઇન્સ્ટાઇને કહ્યું હતું. 'આપણે કેટલી બાબતો માટે હિ‌ન્દુસ્તાનના દેવાદાર છીએ. ત્યાંથી જ ગણિત અને વિજ્ઞાનના મહત્ત્વના સિદ્ધાંતો દુનિયાને પ્રાપ્ત થયા. એના વિના વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલી મહાન શોધો શક્ય જ બની ન હોત.’ અમેરિકન લેખક માર્ક ટ્વેઇન કહે છે 'ભારતની ભૂમિ માનવજાતિનું પારણું છે, માનવભાષાનું જન્મસ્થાન છે, ઇતિહાસની માતા છે, દંતકથાઓની માતામહી છે અને પરંપરાઓની પ્રમાતામહી છે. માનજાતના વિકાસના ઇતિહાસનાં મૂળ આ ભૂમિમાં દટાયેલાં છે.’

દુનિયાભરનાં સ્થળોનો પ્રવાસ કરવા માટે વિગતવાર માહિ‌તી આપતા એક પુસ્તકમાં ભારત વિશે લખવામાં આવ્યું છે : 'ભારતદર્શન કરતી વખતે અભિભૂત ન થવું અશક્ય છે. આ દેશ દૂરદૂરની પ્રજાઓની આવનજાવન અને એના પર થયેલા બાહરી આક્રમણોથી વધારે ને વધારે સમૃદ્ધ થતો રહ્યો છે. બીજી પ્રજાની સંસ્કૃતિઓને પોતાની બનાવીને ભારતીય સ્વરૂપમાં ઢાળી દીધી છે. અહીં ડગલે ને પગલે વિવિધતામાં એકતાનાં દર્શન થાય છે.’
ભારતનો સાચો ચહેરો આ મહાન હસ્તીઓના શબ્દોમાં છુપાયેલો છે, રાજકારણીઓની ખરડાયેલી વરદ હસ્તરેખાઓમાં નહીં.'