• Home
  • Election 2019
  • News
  • tense paresh dhanani try to convince pancholi samaj leader babu jalandhara to win amreli lok sabha

પક્ષપલટો / અમરેલીમાં મેજર અપસેટ: ઘાંઘા થયેલા ધાનાણી રાત્રે 2 વાગ્યે નારાજગી દૂર કરવા દોડ્યા

tense paresh dhanani try to convince pancholi samaj leader babu jalandhara to win amreli lok sabha

  • પંચોળી આહિર અગ્રણીએ સમાજના સંમેલનમાં કોંગ્રેસ છોડીને કાછડિયાને મત આપવા અપીલ કરી
  • માંધાતા સેનાના પ્રમુખ રાજુ સોલંકી કોંગ્રેસમાં જોડાતાં ભાવનગરના એકતરફી જંગમાં ભાજપને આંચકો

divyabhaskar.com

Apr 17, 2019, 06:28 PM IST

અમદાવાદઃ મતદાન આડે માંડ એક અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેને પોતપોતાની ખાતરીબંધ જણાતી બેઠકો પર ભારે આંચકો ખમવાનો વારો આવ્યો છે. અમરેલીમાં આહિર અગ્રણી બાબુભાઈ જાળંધરાએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જ્યારે ભાવનગરમાં કોળી સમાજના અગ્રણી રાજુ સોલંકીએ ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

પક્ષપલટાથી બંને પક્ષના ઉમેદવાર ટેન્શનમાં
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યાં છે એ અમરેલી બેઠક પર કોંગ્રેસ આત્મવિશ્વાસમાં જણાતી હતી. એ જ રીતે, ભાવનગર બેઠક પર ભાજપ મજબૂત જણાય છે. પરંતુ મંગળવારે મોડી રાત્રે આ બંને બેઠકો પર સમીકરણો બદલાયા હતા. અમરેલી જિલ્લામાં આશરે બે લાખ જેટલી જનસંખ્યા ધરાવતા પંચોળી આહિર સમાજના અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ બાબુભાઈ જાળંધરાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાને જીતાડવા અપીલ કરી છે. જ્યારે ભાવનગરમાં કોળી સમાજ પર વ્યાપક પ્રભાવ ધરાવતા માંધાતા સેનાના પ્રમુખ રાજુ સોલંકી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. પક્ષપરિવર્તનની આ બંને ઘટનાઓ અમરેલી અને ભાવનગર બેઠક પર નિર્ણાયક બની શકે તેમ છે.

જાળંધરાને મનાવવા મધરાતે ધાનાણી દોડ્યા
પંચોળી આહિર સમાજના સંમેલનમાં જાળંધરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને ભાજપના નારણ કાછડિયાને જીતાડવા અપીલ કરી હતી. મંગળવારે રાત્રે મળેલા આ સંમેલનથી ડઘાઈ ગયેલા પરેશ ધાનાણી મધરાતે બે વાગ્યે રાજુલા દોડી ગયા હતા અને જાળંધરાના ઘરે જઈને માફી માગી તેમની નારાજગી દૂર કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ જાળંધરા પોતાના નિર્ણયમાંથી ડગ્યા ન હતા.

મારૂં જ નહિ, મારા સમાજનું અપમાન થતું હોય ત્યાં ન રહી શકું: જાળંધરા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં બાબુભાઈ જાળંધરાએ જણાવ્યું હતું કે, 'હું 30 વર્ષથી કોંગ્રેસનો પ્રતિબદ્ધ કાર્યકર રહ્યો છું. મેં કદી મને ટિકિટ મળે કે ન મળે તેની પરવા કરી નથી. પરંતુ નગરપાલિકાના પ્રશ્ને હું અગાઉથી એપોઈન્ટમેન્ટ લઈને પરેશ ધાનાણીને મળવા ગાંધીનગર ગયો ત્યારે અમને સાંભળવાને બદલે તેમણે બહુ અપમાનજનક વર્તાવ કર્યો હતો. પાલિકામાં પણ અમારા સમાજના મહિલાપ્રમુખને પરેશાન કરાઈ રહ્યા છે. આ અમારા સમાજનું અપમાન છે. મોડી રાતે ધાનાણીએ મારા ઘરે આવીને માફી માગી છે પરંતુ હવે ઘણું જ મોડું થઈ ગયું છે. અપમાન થતું હોય એ પક્ષમાં ન રહેવા મને મારા સમાજે આદેશ કર્યો છે અને હું એનું પાલન કરીશ.'

માંધાતા સેનાનો પ્રભાવ ભારતીબેનને નડી શકે
ભાવનગરમાં કોળીસમાજ નોંધપાત્ર સંખ્યામાં છે. ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળ પણ કોળી છે. સામે કોંગ્રેસના ઉમેદવાર પ્રમાણમાં નવા અને પાટીદાર છે. આથી આ બેઠક પર ભાજપ આશ્વસ્ત મનાય છે. પરંતુ કોળી સમાજમાં ખાસ કરીને યુવાનોમાં પ્રભાવ ધરાવતા સંગઠન માંધાતાસેનાના અધ્યક્ષ રાજુ સોલંકી કોંગ્રેસમાં જોડાતાં અહીં મોટા પ્રમાણમાં ફરક પડી શકે છે. વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયેલા સોલંકીનો લોકસભાની ચૂંટણી આવતાં સુધીમાં મોહભંગ થઈ ચૂક્યો છે. આથી ભાજપના ઉમેદવાર માટે હવે અહીં ધારણા મુજબની આસાન જીત નહિ હોય.

X
tense paresh dhanani try to convince pancholi samaj leader babu jalandhara to win amreli lok sabha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી