ભારત યાત્રા ગ્રાઉન્ડ રિપોર્ટ / ઉત્તરપ્રદેશ : અહીં વોટનો રંગ સાંપ્રદાયિક જેટલા કદાવર નેતા તેટલી હલકી ભાષા

Uttar Pradesh here is a hottest language of watertarian monk

  • મુદ્દા જે અહીં અસર દર્શાવશે : બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ પર ભારે પડી રહ્યો છે સર્જિકલ સ્ટ્રાઈકનો મુદ્દો
  • આ છ બેઠકો પર 23મીએ મતદાન : વરુણ ગાંધી, આઝમ ખાન અને જયાપ્રદા જેવા મોટા ચહેરાઓની પરીક્ષા થવાની છે

divyabhaskar.com

Apr 18, 2019, 08:31 AM IST

ઈલેકશન ડેસ્ક: રામપુરમાં પ્રવેશ કરતા જ મોટા-મોટા ઊંચા ગેટ, ભવ્ય ચાર રસ્તા તમારું સ્વાગત કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગેટ-દરવાજા રામપુરના રાજકારણનો મહત્વનો ભાગ રહ્યા છે. કદાવર અને વિવાદિત સપા નેતા આઝમ ખાને મંત્રી હતા ત્યારે પોતાની જીદમાં નવાબના સમયના સાત ગેટ તોડાવ્યા હતા. આઝમની સત્તા જતા અને યોગી સરકાર આવ્યા પછી આઝમના ડ્રીમ પ્રોજેક્ટ જૌહર યુનિવર્સિટી સામે બનેલો ઉર્દુ ગેટ માર્ચ મહિનામાં દબાણના કારણે તોડી દેવાયો.

રામપુરના ગેટ જેટલા બુલંદ અને ભારે છે, ત્યાં નેતાઓની ભાષા તેટલી જ હલકી થતી ગઈ છે. ઝડપથી બનતા હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ વચ્ચે અહીં 23 એપ્રિલે મતદાન છે. રામપુરમાં અંદાજે 52 ટકા મુસ્લિમ મત છે. ત્યાં મુરાદાબાદમાં 8.8 લાખ અને સંભલમાં 7.5 લાખ મુસ્લિમ મતો છે. બાકીની ત્રણ બેઠકો પર ચારથી પાંચ લાખ મુસ્લિમ મતદારોની સંખ્યા છે. ભાજપનો પ્રયાસ હિન્દુ મતોને એક સાથે લાવવાનો છે. મુરાદાબાદમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીની અમરોહા, રામપુરમાં રેલી થઈ ગઈ છે.

આઝમ ખાનના સતત નિવેદનો પછી અહીં હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ વધી ગયું છે. સૌથી વધુ રસપ્રદ, ચર્ચાસ્પદ અને નજીકનો મુકાબલો રામપુરમાં થઈ રહ્યો છે. અહીં એક સમયે એકબીજાના સાથી રહેલા અને હવે કટ્ટર વિરોધી અભિનેત્રી જયાપ્રદા અને આઝમ ખાન આમને-સામને છે. 2004માં આઝમ ખાને સપાના ઉમેદવાર તરીકે જયાપ્રદા માટે મત માગ્યા હતા. પછી તે અપમાનજનક શબ્દો પર ઉતરી આવ્યા, જે હજી સુધી ચાલુ છે. આઝમ ખાન સપાનો સૌથી મોટો ચૂંટણી ચહેરો અવશ્ય છે, પરંતુ વિરોધી પણ છે.

રામપુરમાં કુલ 11 ઉમેદવારો ચૂંટણીમાં છે જેમાં આઝમ સહિત 8 મુસ્લિમ છે. 9 વખત ધારાસભ્ય અને 5 વખત મંત્રીપદ પર રહેલા આઝમ પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આઝમ દ્વારા અપમાનથી દુ:ખી જયાપ્રદા ઉમેદવારીપત્ર ભર્યા પછી રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં તો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં હતાં.

ભાજપે અહીં વર્તમાન સાંસદ નેપાલ સિંહની જગ્યાએ જયાને ઉમેદવાર બનાવ્યાં છે. જયાપ્રદાના પુત્ર સમ્રાટ અને આઝમના પુત્ર ધારાસભ્ય અબ્દુલ્લા પોતપોતાનાં માતા-પિતાને જીતાડવામાં વ્યસ્ત છે. કોંગ્રેસે પહેલી વખત બિનમુસ્લિમ ઉમેદવારના રૂપમાં રાષ્ટ્રીય સચિવ સંજય કપૂરને ઉતાર્યા છે.મુરાદાબાદમાં મુકાબલો ત્રિકોણીય થઈ ગયો છે. કોંગ્રેસ અને સપાએ શરૂઆતમાં જાહેર કરેલા ઉમેદવારોને બદલ્યા છે.

કોંગ્રેસે રાજ બબ્બરને ઉમેદવાર બનાવ્યા હતા, પછી તેમને ફતેહપુર-સિક્રી મોકલી પ્રખ્યાત શાયર ઈમરાન પ્રતાપગઢીને ઉમેદવાર બનાવ્યા. સપાએ પહેલા નાસિર કુરેશીને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ આઝમના વિરોધ પછી તેમના સમર્થક એસ.ટી. હસનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.ભાજપે સાંસદ સર્વેશ સિંહને બીજી વખત મેદાનમાં ઉતાર્યા છે. સ્થાનિક મુદ્દા જેમ કે અધૂરા લોકો બ્રિજ, પીત્તળ ઉદ્યોગની પાયમાલીના મુદ્દા ક્યાંક છુપાઈ ગયા છે.

પ્રતાપગઢી તેમની શાયરીથી સતત મોદી પર હુમલા કરતા રહે છે. ભાસ્કર સાથે વાત કરતા તેમણે કહ્યું કે -ખુદ કો સચ્ચાઈ કા ઠેકેદાર લીખને લગ ગયે, બૌખલાહટ મેં સરે બાઝાર લીખને લગ ગયે. એક નારે સે હકૂમત ઈસ કદર ગભરા ગઈ, ચોર સાહબ ખુદ કો ચોકીદાર લીખને લગ ગયે.

સંભલમાં ધ્રુવીકરણ સ્પષ્ટ દેખાય છે. સપાએ ડો. શફીર્કરહમાન બર્કને ટિકિટ અપાઈ છે. બર્ક એ જ છે, જેમણે વંદે માતરમ ન ગાવા અને આંબેડકરની પ્રતિમા પર હાર પહેરાવવા ઈનકાર કરી દીધો હતો. તેમની કટ્ટર છબી ભાજપ ઉમેદવાર પરમેશ્વર સૈનીને ગઠબંધનના બિનમુસ્લિમ મત મેળવવામાં મદદ કરી શકે છે. ભાજપે વર્તમાન સાંસદ સત્યપાલ સૈનીની ટિકિટ કાપીને બસપાથી એમએલસી રહેલા બીજા સૈનીને ટિકિટ આપી છે. 90 હજાર સૈની મત આ ક્ષેત્રમાં છે. બીજી બાજુ કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય અને સૌમ્ય છબીના મેજર જે.પી. સિંહને ટિકિટ આપી છે.

મેનકા ગાંધીનું મજબૂત ચૂંટણી ક્ષેત્ર રહેલા પીલીભીતમાં આ વખતે તેમના પુત્ર અને સુલતાનપુરના સાંસદ વરુણ ગાંધી ભાજપના ઉમેદવાર તરીકે ઉતર્યા છે. મેનકા ગાંધી પીલીભીતથી સુલતાનપુર આવી ગયાં છે. વરુણનો મુકાબલો સપાના ભૂતપૂર્વ મંત્રી હેમરાજ વર્મા સામે છે. કોંગ્રેસે અપના દલ - કૃષ્ણા પટેલ જૂથના ઉમેદવાર સુરેન્દ્રકુમાર વર્માને ટિકિટ આપી છે. અહીં જનતા દળ યુનાઈટેડના ડો. ભરત પટેલ પણ કુર્મી મતના બળે હલચલ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પીલીભીત છેલ્લી છ ચૂંટણીથી ભાજપનો ગઢ રહી છે, પરંતુ આ વખતે વરુણ ગાંધી આકરા મુકાબલામાં હેમરાજ વર્મા સામે ટક્કર લઈ રહ્યા છે. બરેલીમાં કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ગંઠબંધન ઉમેદવાર ભગવત સરન ગંગવાર અને કોંગ્રેસના પ્રવીણસિંહ એરન સામે ત્રિકોણીય સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સાત વખત આ ક્ષેત્રથી સાંસદ રહી ચૂકેલા અને એક વખત ચૂંટણી હારી ગયેલા સંતોષ ગઠબંધનના મુશ્કેલ જાતીય સમીકરણથી ગૂંચવાઈ રહ્યા છે.

આંવલામાં ત્રિકોણીય સંઘર્ષ છે. અહીં ભાજપે ધર્મેન્દ્ર કશ્યપને ફરીથી ટિકિટ આપી છે.

કશ્યપને મૌર્ય, લોધ, વાલ્મીકિ-શાક્ય, કશ્યપ, બ્રાહ્મણ અને વૈશ્ય મતોને ભાજપના મજબૂત આધારનો વિશઅવાસ છે. તો અંદાજે 4 લાખ મુસ્લિમ મતોને કોંગ્રેસના સર્વરાજ સિંહ અને બસપાની રુચિ વીરા વિભાજિત કરી રહ્યાં છે. સપામાંથી કોંગ્રેસમાં આવેલા અને કોંગ્રેસ ઉમેદવાર અને જૂના નેતા સર્વરાજ સિંહને રાજપુત અને મુસ્લિમ મતોનો આધાર છે. રુચિ વીરાનું બહારનું હોવું તેમને ભારે પડી શકે છે.

  • મુસ્લિમોના વોટનો અધિકાર છીનવી લો તો વિવાદ જ પતી જાય : આઝમ ખાન

ભાસ્કર : તમારા માટે આ ચૂંટણી કેટલી અલગ છે?
આઝમ : અમે(મુસ્લિમ) તો ગરીબ-નબળા લોકો છીએ. બિલાડી, કૂતરાં... મોદી-યોગી બોલીને બતાવી દે છે કે અમે શું છીએ. આ ઓછું છે જે દેશમાં રહેવા દે છે, શું ખબર વોટનો અધિકાર જ છીનવી લે. અમે પણ કહીએ છીએ કે વોટનો અધિકાર જ છીનવી લો વિવાદ જ પતી જાય.
ભાસ્કર : તમે બે વાર જયાપ્રદાને લડાવ્યાં, હવે તે તમારી સામે છે?
આઝમ : કંઈક બીજું પૂછો.
ભાસ્કર : તમે ફક્ત મુસ્લિમોની વાત કરી રહ્યા છો?
આઝમ : હું તો ફક્ત મોદીજી અને આરએસએસને જવાબ આપી રહ્યો છું. મારી સાથે બ્રાહ્મણ, ઠાકુર, વાણિયા, યાદવ, દલિત બધા છે. રામપુરની પ્રજાનાં આશીર્વાદથી હું ચૂંટણી જીતીશ.

  • 52% મુસ્લિમ ગુલદસ્તાની જેમ આઝમ સાથે નહીં જાય : જયા
ભાસ્કર : આ ચૂંટણી કઇ રીતે અલગ છે?
જયાપ્રદા : 2004માં આઝામ ખાન અમને લાવ્યા. 2009માં તેમણે કોંગ્રેસને ટેકો આપ્યો. ફરી જીત્યા. આ વખતે લડાઈ સીધી તેમનાથી છે.
ભાસ્કર : 52% મુસ્લિમ વોટ છે રામપુરમાં, સપા-બસપાનું ગઠબંધન પણ છે.
જયાપ્રદા : 52% મુસ્લિમ ગુલદસ્તાની જેમ આઝમ સાથે નહીં જાય.
ભાસ્કર : તમને બાહરી ગણાવાય છે?
જયાપ્રદા : બહારના ઉમેદવાર કઈ રીતે? 10 વર્ષ સાંસદ રહી, મારું ઘર છે અહીં, અમારી કોલેજ છે. નીલવેડી કૃષ્ણા સ્કૂલ ઓફ નર્સિંગ છે, બાળકો ભણીને રોજગાર મેળવે છે. આઝમ ખાન ઈચ્છે છે કે લોકો નબળા રહે, દબાણમાં રહે અને તેમના પર નિર્ભર રહે.
X
Uttar Pradesh here is a hottest language of watertarian monk
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી