ઓડિશાથી ગ્રાઉન્ડ રિપોર્ટ / ઓડિશા: ખેડૂત સહાય, બાલાકોટ અને ચિટફંડમાં ડૂબેલાં નાણાં મોટો મુદ્દો

Odisha farmer help, Balakot and Chitunda are the big issues of the money

divyabhaskar.com

Apr 17, 2019, 08:40 AM IST

ઈલેકશન ડેસ્ક: અસ્કામાં મુખ્યમંત્રી નવીન પટનાયકની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. બીજુ જનતા દળ (બીજેડી)એ સેલ્ફ હેલ્પ ગ્રૂપ (એસએચજી)નાં નેતા 68 વર્ષીય પ્રમિલા બિસોઇને ઉતાર્યા છે. પટનાયકે 1997માં આ બેઠક પરથી જ પેટાચૂંટણીથી તેમની પોલિટિકલ કરિયર શરૂ કરી હતી.

લોકોને બીજેડી પર ભરોસો: મહિલા સશક્તિકરણના નામે પસંદ થયેલાં પ્રમિલા વિશે કહેવાતું હતું કે તેઓ ઘર-ઘરમાં જાણીતાં છે, પણ હકીકતમાં એવું નથી. પ્રમિલાને લોકો જાણતા હોય કે ન જાણતા હોય પણ બીજેડીનું ચૂંટણી ચિહન શંખ લોકોની પહેલી પસંદ છે. ગામડાંમાં પીવાના પાણીના સંકટ છતાં લોકોને બીજેડી પર ભરોસો છે.

કૃષક સહાયતા યોજનાની રકમનો ઇંતજાર: ખલ્લીકોટ બાઝારમાં બિપિન નાયક કહે છે કે સરકારે ચિટફંડ કંપનીઓમાં ડૂબેલાં નાના રોકાણકારોનાં નાણાંની વસૂલાત માટે કંઇ નથી કર્યું. ભાગમાં ખેતી કરતા નાયકને સરકારની કૃષક સહાયતા યોજના દ્વારા મળનારી રકમનો પણ ઇંતજાર છે.

ખલ્લીકોટમાં ત્રિપાંખિયો જંગ: કોંગ્રેસ સમર્થિત સીપીઆઇ ઉમેદવાર રામકૃષ્ણ પાંડા આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ લોકો માટે મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા મોટો સવાલ છે. ખલ્લીકોટના વેપારી કાન્હુ સાહૂ કહે છે કે અમારી બેઠક મુખ્યમંત્રીના ગૃહ જિલ્લા ગંજમનો હિસ્સો છે અને તેઓ 3 વખત સાંસદ પણ રહ્યા છે. તેથી અમારે અહીંથી બીજેડીની જીત સુનિશ્ચિત કરવી જ પડશે. ભાજપ અહીં શાસક પક્ષની નિષ્ફળતાઓ જોર-શોરથી ઉઠાવી રહ્યો છે. પૂર્વ મંત્રી રામકૃષ્ણ પટનાયકના પુત્રી અને ભાજપના ઉમેદવાર અનીતા પ્રિયદર્શિની નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી રહ્યાં છે.

બોલનગીરમાં કોંગ્રેસનો ઉમેદવાર પણ મેદાને: બોલનગીરમાં બીજેડીના કલિકેશ સિંહ દેવ અને ભાજપના ઉમેદવાર સંગીતા સિંહ દેવ વચ્ચે રસપ્રદ મુકાબલો છે. બંને પટનાગઢ રિયાસતના વારસદાર છે. કલિકેશ 2009 અને 2014માં સાંસદ રહ્યા જ્યારે સંગીતા ત્રણ વાર આ બેઠક પરથી જીત મેળવી ચૂક્યાં છે. કોંગ્રેસે પૂર્વ મંત્રી નરસિંહ મિશ્રાના પુત્ર સમરેન્દ્ર મિશ્રાને ઉતાર્યા છે. સમરેન્દ્ર આ વખતે થોડા પાછળ રહેતા જણાય છે.

બે પાર્ટી વિકાસને મુદ્દો બનાવ્યો: ભાજપ અને બીજેડી વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સિંચાઇની સમસ્યા, લોકોનું સ્થળાંતર અને હાઇકોર્ટની બેન્ચ જેવા મુદ્દા ગાયબ છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી દર વર્ષે અંદાજે 30 હજાર લોકો સ્થળાંતર કરી જાય છે.

કંધમાલની 70 ટકા વસ્તી એસસી-એસટી : કંધમાલમાં બીજેડી આદિવાસીઓના સમર્થનની આશા રાખી રહ્યું છે. 70 ટકા વસતી એસસી-એસટી છે. અહીંથી અચ્યુત સામંતને ઉમેદવાર બનાવાયા છે. તેઓ ભુવનેશ્વરની કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના સંસ્થાપક છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર, પૂર્વ સાંસદ ખરવેલા સ્વૈન કંધમાલના રમખાણો બાદ હિન્દુ અને ખ્રિસ્તી આદિવાસીઓ વચ્ચે થયેલા વિભાજનનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાલાસોરથી અહીં આવેલા સ્વૈન બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ વડાપ્રધાન મોદીની તરફેણમાં ચાલી રહેલી લહેરનો પણ ફાયદો મેળવવા ઇચ્છે છે. કોંગ્રેસે મનોજ આચાર્યને ઉતાર્યા છે.

રાજ્ય સરકારથી ખેડૂતો નારાજ : ઓડિશાનો ચોખાનો કટોરો કહેવાતા બારગઢમાં દેવાંના કારણે આપઘાતના ઓછામાં ઓછા 10 કિસ્સા સામે આવ્યા છે. લોન ન ચૂકવી શકતાં ચિંતિત ખેડૂત અખિલ મહાપાત્રા કહે છે કે સરકારે તેમના માટે કંઇ નથી કર્યું. ભાજપના ઉમેદવાર સુરેશ પૂજારી આ મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યા છે જ્યારે બીજેડીના પ્રસન્ના આચાર્યને આશા છે કે મુખ્યમંત્રીની લોકપ્રિયતાના સહારે નૈયા પાર થઇ જશે. કોંગ્રેસ યુવા ચહેરા પ્રદીપ દેબતા અભિયાનને ભાજપ અને બીજેડીના મુકાબલામાં લાવવા પ્રયાસ કરી રહી છે.

સુંદરગઢમાં ત્રિપાંખિયા જંગ: કેન્દ્રીય મંત્રી જુએલ ઓરાંવ સુંદરગઢમાં કોંગ્રેસના નેતા જ્યોર્જ ટિર્કી અને પૂર્વ મુખ્યમંત્રી હેમાનંદ બિસ્વાલના પુત્રી, બીજેડીના ઉમેદવાર સુનીતા બિસ્વાલ સાથે ત્રિપાંખિયા મુકાબલામાં ફસાયા છે. જોકે, સુનીતા બીજેડીમાંથી લડી રહ્યાં છે તે અંગે તેમના પિતા વિચલિત છે. સુનીતાને મુખ્યમંત્રીના આશીર્વાદ છે, જેને તે પોતાની તાકાત માને છે.

ઓરાંવમાં મોદી લોકપ્રિય: ઓરાંવ ઔદ્યોગિક શહેરમાં વડાપ્રધાનની લોકપ્રિયતાના ભરોસે છે. પત્રકાર સતીશ શર્મા સ્વીકારે છે કે વડાપ્રધાનની તરફેણમાં લહેર દેખાઇ રહી છે. તેમને એક મજબૂત નેતા તરીકે જોવાઇ રહ્યા છે. ઓરાંવ નારાજ રાઉરકેલાના પૂર્વ ધારાસભ્ય દિલીપ રેને મનાવવામાં પણ સફળ રહ્યા છે.

X
Odisha farmer help, Balakot and Chitunda are the big issues of the money
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી