ગ્રાઉન્ડ રિપોર્ટ બિહાર / શું ભાજપના મત જદયુને મળશે? ચોરે ને ચૌટે આ જ સવાલ

નીતીશકુમારની ફાઈલ તસવીર
નીતીશકુમારની ફાઈલ તસવીર

  • બીજા તબક્કાની પાંચ બેઠક પર ભાજપ નહીં, જદયુ લડી રહ્યું છે
  • 10 વર્ષ પછી ભાજપ-જદયુ ફરી લોકસભાની ચૂંટણી સાથે લડી રહ્યા છે.

Divyabhaskar.com

Apr 17, 2019, 12:24 AM IST

ઓમ ગૌડ, પટણા:બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી નીતીશકુમાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. પાંચેય બેઠકો પર જદયુ ઉમેદવારો લડી રહ્યા છે. કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર બેઠકો પર તેમનો કોંગ્રેસ સાથે મુકાબલો છે, તો બાંકા-ભાગલપુરમાં રાજદ સાથે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગલપુરમાં રેલી કરી ચૂક્યા છે, જ્યારે રાહુલ ગાંધી કટિહાર અને પૂર્ણિયામાં સભાઓ કરી ચૂક્યા છે.

ભાજપ બીજા તબક્કાની ચૂંટણી નથી લડી રહ્યો, પરંતુ તે જદયુના પક્ષમાં માહોલ ઊભો કરી રહ્યો છે. ભાજપના અનેક વરિષ્ઠ-સંઘનિષ્ઠ કાર્યકરોએ અહીં ડેરાતંબૂ તાણ્યા છે. પાંચેય બેઠકો પર લગભગ સીધો મુકાબલો છે. જદયુ સામે સૌથી મોટી મુશ્કેલી ભાજપના હિસ્સાવાળી બાંકા, ભાગલુપર, કટિહાર અને પૂર્ણિયા બેઠક છે, જ્યાં ભાજપના મત સહેલાઈથી શિફ્ટ થાય એવું લાગતું નથી. અહીં મતોના ધ્રુવીકરણનો પણ ખતરો ઉઠાવી શકાય એમ નથી કારણ કે, તેનું નુકસાન બીજી બેઠકો પર પણ ઉઠાવવું પડી શકે છે.

અહીં ચૂંટણીપ્રચારનો બિલકુલ માહોલ નથી. રાજકીય પક્ષો અને ઉમેદવારો ગામડે-ગામડે સભાઓ કરીને જ પ્રચાર કરી રહ્યા છે. રસ્તા પર ભાજપના પ્રચારવાહનો જરૂર નજરે પડે છે. આમ તો કોંગ્રેસ બીજા તબક્કાની ત્રણ બેઠક પર લડી રહી છે, પરંતુ ક્યાંય મુકાબલો નજરે નથી પડતો. તે સંપૂર્ણપણે મતબેન્ક પર આધારિત છે. લાલુના પક્ષની પણ આ જ હાલત છે. કોંગ્રેસ-રાજદને એવું લાગે છે કે, જાતિગત સમીકરણોની રીતે તેઓ મજબૂત છે. એટલે તેમણે બધી તાકાત જાતિગત નાકાબંધીમાં લગાવી છે.

ચૂંટણીપ્રચારમાં કોઈ મુદ્દો જ નજરે નથી પડતો. તેજસ્વી સભાઓમાં દારૂબંધી, શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દા ઉઠાવી રહ્યા છે, તો નીતીશ તેમની યોજનાઓ ગણાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના કાર્યકાળની ટીકા કરી રહ્યા છે. નોટબંધી, જીએસટી સિવાય તેઓ જોરશોરથી રાફેલમાં દલાલીનો મુદ્દો ઉઠાવે છે. મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં મહાગઠબંધનના આંતરિક વિખવાદના પણ સમાચાર છે. જોકે, કોંગ્રેસ તેજસ્વી પર ધ્યાન નથી આપી રહી.

પાંચેય બેઠકોનો ઈતિહાસ રહ્યો છે કે, અહીં ભાજપનો ખાસ પ્રભાવ નથી રહ્યો. શાહનવાઝ હુસેન એકવાર કિશનગંજ અને એકવાર ભાગલુપરથી સાંસદ રહ્યા છે. જોકે, 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં તેઓ ભાગલપુરમાં હાર્યા હતા. કદાચ એટલે જ એનડીએની બેઠકોની વહેંચણીમાં ભાજપે આ પાંચેય બેઠક જદયુને આપી હતી. હાલમાં કિશનગંજ બેઠક કોંગ્રેસ, પૂર્ણિયા કોંગ્રેસ, કટિહાર કોંગ્રેસ તેમજ બાંકા-ભાગલપુર રાજદ પાસે છે.

ક્યાં , કયું રાજકીય ફેક્ટર

ભાગલપુર: ભાજપના કેડર મતો મેળવવાનું મુશ્કેલ: રાજદ-જદયુમાં સીધી ટક્કર છે. અહીં રાજદના બુલો મંડલ અને જદયુના અજય મંડલ મેદાનમાં છે. બંને ગંગોતા જાતિના છે. જદયુની સામે ભાજપના કેડર સમર્થકોને એકજૂથ કરવાનો મોટો પડકાર છે. શાહનવાઝ હુસેનને ટિકિટ નહીં મળવાને કારણે પણ જોખમ છે. અહીં મલ્લાહ-માંઝીની તાકાત પણ નિર્ણયક રહેશે.

પૂર્ણિયા: મહાગઠબંધનમાં આંતરિક બળવાની આશંકા: જદયુ ઉમેદવાર સંતોષ કુશવાહા અને મહાગઠબંધનને કારણે કોંગ્રેસના ઉમેદવાર ઉદયસિંહ ઉર્ફે પપ્પુ સિંહ વચ્ચે ટક્કર છે. ભાજપમાંથી બે વખત સાંસદ રહેલા પપ્પુ સિંહે જ્યારે જોયું કે સીટ જદયુને જઇ રહી છે તો તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા. તેથી મહાગઠબંધનમાં આંતરિક બળવાની આશંકા છે. ટિકિટ નહીં મળવાથી ભાજપ કાર્યકર્તાઓમાં નિરાશા છે.

બાંકા: ત્રિકોણીય જંગમાં બેઠક ફસાઇ: રાજદ ઉમેદવાર જયપ્રકાશ નારાયણ, જદયુ ઉમેદવાર ગિરિધારી યાદવ અને ભાજપની બળ‌વાખોર અપક્ષ ઉમેદવાર પુતુલ કુમારી વચ્ચે ત્રિકોણીય જંગ છે. જોવાનું રહેશે કે ‘માય’ (મુસ્લિમ-યાદવ) સમીકરણમાં ગિરિધારી કેટલી હદ સુધી ભાગ પડાવી શકે છે. ગિરિધારી યાદવ અગડી, કોઇરી, કુર્મી અને યાદવ વર્ચસ્વવાળા વિસ્તારોમાં મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાતિ અને વર્ગોના મતો પુતુલના પક્ષમાં છે.

કટિહાર: એનસીપી કોંગ્રેસનો માર્ગ અટકાવી શકે છે: કોંગ્રેસના તારીક અનવર અને જદયુ ઉમેદવાર દુલાલ ગૌસ્વામી વચ્ચે મુકાબલો છે. એનસીપીના મોહમ્મદ શકુર તારીક અનવર માટે મુશ્કેલી સર્જી શકે છે. તેઓ શેરશાહબાદી મુસ્લિમોના 20-25 હજાર વોટ કાપી લેશે તો તારીકનો માર્ગ સરળ નહીં રહે. બીજી બાજુ ભાજપમાં આંતરિક બળવાની આશંકા છે.

કિશનગંજ: મુસ્લિમ ફેક્ટર નિર્ણાયક રહેશે: અહીં 70% વસતી મુસ્લિમોની છે. કોંગ્રેસના ડૉ. જાવેદ આઝાદ, જદયુના સૈયદ મહેમૂદ અશરફ અને AIMIMના અખ્તરુલ ઇમાન મેદાનમાં છે. એઆઇએમઆઇએમને લીધે ત્રિકોણીય જંગની સ્થિતિ બની છે. આ વખતે ભાજપ ઉમેદવાર મેદાનમાં નથી. અહીં હિન્દુ મતદારોએ હજુ સુધી પોતાના પત્તાં નથી ખોલ્યાં.

લોકસભા ચૂંટણીમાં વિધાનસભાની તૈયારી: એનડીએ આ ચૂંટણીને વિધાનસભાની તૈયારીના રૂપમાં જોઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં જદયુના નીતીશ એકલા એવા મુખ્યમંત્રી હશે જેઓ રાજ્યની તમામ 40 લોકસભા ક્ષેત્રોની 243 વિધાનસભા બેઠકોમાંથી આશરે 220 ક્ષેત્રોમાં જવાની યોજના હેઠળ પ્રચાર કરી રહ્યા છે.
બીજી બાજુ મહાગઠબંધનની સ્થિતિ અલગ છે. બેઠક વહેંચણી છતાં ક્યાંકને ક્યાંક મતભેદની સ્થિતિ બનેલી છે. બળવાના સૂર પણ સંભળાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શકીલ અહેમદે પાર્ટી પ્રવક્તાપદેથી રાજીનામું આપી મધુબનીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે તો રાજદ નેતા અલી અશરફ ફાતમી પણ પાર્ટી લાઇનથી અલગ મધુબનીથી જ ચૂંટણી લડી શકે છે.

ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

  • 2009 ચૂંટણી BJP-જદયુએ સાથે લડી. 32 બેઠકો જીતી હતી.
  • 2010 વિધાનસભા ચૂંટણી ભાજપ-જદયુએ સાથે લડી. લાલુ 22 બેઠકો પર આવી ગયા.
  • 2014ની ચૂંટણી ભાજપ-જદયુએ અલગ તો કોંગ્રેસ અને રાજદે સાથે લડી. એનડીએને 32, જદયુને માત્ર 2, રાજદને 4 બેઠકો મળી.
  • 2015 વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ, જદયુ-રાજદ સાથે લડી. 243માંથી 177 બેઠકો જીતી.
X
નીતીશકુમારની ફાઈલ તસવીરનીતીશકુમારની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી