સુરેશ પ્રજાપતિ: વહાલનો દરિયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરી માટે કંઇકેટલાય વિશેષણોનો ઉપયોગ થાય છે, પણ ડુંગરબાપાને મન તો દીકરી એમના જીવનનો સહારો હતી. ભરજુવાનીમાં ઘરભંગ થયેલા ડુંગરબાપાએ પોતાના સંતાનોને સાવકી મા દુ:ખ આપશે એ વિચારીને લગ્ન ન કર્યા. આટઆટલું વીતવા છતાં એ પોતાના વહાલના દરિયાને બચાવી ન શક્યાં અને એ દુ:ખ એમને સતત કોરી ખાતું રહ્યું. નમણી વિજોગણ જેવી સાંજ નમી ચૂકી હતી. ક્ષિતિજ પર ઢળેલાં સૂરજનારાયણે તેમનો કેસરી સાફો જાણે ધરતી પર પાથરી દીધો હતો! વહાલસોયાં વાછરુંઓને ખીલે મૂકી વગડે ગયેલું ગોધન આથમતા સૂરજની દિશામાંથી ગામ તરફ ધસમસી રહ્યું હતું. ધૂળિયા રસ્તા પરથી ઊડતી ગોધૂલિના રજકણો પાંગરેલી સંધ્યાના રંગે રંગાઇ ગયા હતાં. વૃક્ષની ઘટામાં પંખીનો મધુર કલરવ થઇ રહ્યો હતો. પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી. આથમતો સૂરજ, ખીલેલી સંધ્યા, ઊડતી ગોધૂલિ, પંખીઓનો મીઠો કલરવ... આ બધું જ હું આ ગામના ઝાંપા પર ઊભેલી નિશાળની બારીમાંથી માણી રહ્યો હતો. મારી નજર ક્ષિતિજ પર પ્રકૃતિ પર મંડાયેલી મારી નજરને હટાવી મેં ગામના ઝાંપા પર માંડી. એક વૃદ્ધ કાયા લથડાતા પગે લાકડીના સહારે, ધસમસતા ગોધનની જેમ જ નિશાળ તરફ ધસમસી રહી હતી. ગામના ધૂળિયા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડાડતી એ વદ્ધ કાયાના હૈયાંમાં દરિયા જેટલો અજંપો ભરેલો હતો. તે વૃદ્ધ મારી તરફ જ અદ્ધર શ્વાસે ધસી રહ્યાં હતાં. ટપાલીએ આપેલું એક અડધું લખેલું પોસ્ટકાર્ડ જોઇ તેમના દિલમાં ઊંડો ધ્રાસકો પડ્યો હતો. કંઇક તો અજુગતું બની ગયાની ટપાલ છે, એવું લાગતાં જ કુતૂહલવશ નિશાળના પગથિયાં લથડતા પગે ચડતાં ચડતાં એ વૃદ્ધે મને બૂમ પાડી, ‘ભણ્યું... માસ્તરસા’બ, હેઇ... ઇ... ઇ...!’ હું અંતરિયાળ ગામમાં નવો જ નિમાયેલો શિક્ષક હતો. હજી ગામ સાથે પૂરો પરિચય પણ નહોતો થયો. કુટુંબને શહેરમાં મૂકીને એકલો જ ગામમાં આવ્યો હતો. નવી નોકરી અને નવું ગામ હોવાથી મેં નિશાળને જ મારું નિવાસસ્થાન બનાવ્યું હતું. જોશ વગરના લથડતા વૃદ્ધને અદ્ધર શ્વાસે અજંપાભરી હાલતમાં મારી તરફ દોડી આવતાં જોઇ મેં તેમની સામે ઉતાવળે પગ માંડ્યા અને કહ્યું, ‘હળવે... હળવે... બાપા!’... ને પછી તરત જ એક લાંબી ફલાંગ ભરી એ વૃદ્ધ કાયાને નિશાળની ફરસ પર પડતી બચાવી, પણ તેમના હાથમાંનું અડધું લખાયેલું પોસ્ટકાર્ડ નીચે સરી પડ્યું. ફૂલાયેલી ધમણમાંથી હવાની જોરદાર ફૂંક નીકળે તેવી જ રીતે તેમના બોખા મોંમાંથી શબ્દો નીકળ્યાં, ‘માસ્તર સા’બ! ઇ... ઇ...પત્તું ઝટ વાંચો. ઇમાં શું લખ્યું છે? મને તો મેલો (અશુભ) જ લાગે છે...’ આગળના શબ્દો દાંત વગરના ગલોફામાં જ રુંધવાઇ ગયાં. વૃદ્ધની હૈયાવરાળ જોઇ મેં નીચે ફરસ પર પડેલું પોસ્ટકાર્ડ હાથમાં લીધું. અડધું લખેલું જ હતું. સરનામાં પર નજર કરી. નામ લખ્યું હતું : ‘ડુંગર ઓઘડ’ પછી વિગત વાંચી : તમારી દીકરી રામચરણ પામી ગઇ છે.’ અડધા લખેલા પોસ્ટકાર્ડ પરના શબ્દો વાંચતાં જ મારાય પગ જોશ વગરના થઇ ગયાં. મારા જુવાન ચહેરા પર બદલાતા ભાવને એ વૃદ્ધની આંખો કળી ગઇ. તરત જ એક ઊંડા નિસાસા સાથે લથડતા સ્વરે બોલ્યા, ‘માસ્તરસા’બ, શું થયું મારી ગંગાને? ઝટ બોલો સા’બ...’ધમણની જેમ ધબકતું ડુંગરબાપાનું હૈયું જોઇ મારી જીભે જાણે તાળું વાગી ગયું. એક વૃદ્ધ બાપને તેમની દીકરીના મૃત્યુના સમાચાર કઇ રીતે આપું? મેં આવી દુખદ ક્ષણ આપવા બદલ મનોમન ઇશ્વરને ફરિયાદ કરી. હું કંઇ પણ વિચારું તે પહેલાં જ ડુંગરબાપાનો વલોપાત વધતો ગયો. મારાથી હવે જીરવાયું નહીં એટલે મેં મહામહેનતે જીભ પર લાગેલું તાળું ખોલ્યું અને દિલ પર પથ્થર મૂકી કંપિત સ્વરે કહ્યું, ‘બાપા! તમારી ગંગાએ આ દુનિયામાંથી વિદાય લીધી છે.’‘હા... હા... માસ્તરસા’બ! વિદાય લીધી નથ... પણ ઇ મૂઆઓએ વિદાય દઇ દીધી. પાપીઓએ મારી દીકરીને મારી નાખી...’ આગળના શબ્દોની જગ્યાએ ડુંગરબાપાએ રીતસરની મરણપોક મૂકી. નિશાળની ફરસ પર તે ઢગલો થઇને બેસી ગયા. તેમની આંખોમાંથી વેળુમાં ગાયેલા વીરડામાં જેમ પાણી ફરે તેમ આંસુ ફૂટી નીકળ્યા. નિશાળનો ઓરડો તેમના આર્તનાદથી ભરાઇ ગયો. જાણે જીવતર હારી ગયા હોય તેમ દીકરીને યાદ કરી ચોધાર આંસુએ રડવા લાગ્યા. મારુંય દિલ તેમનો કલ્પાંત જોઇ હચમચી ગયું. તેમનો કરુણ કલ્પાંત સમેટાઇ રહેલી સાંજે આખા ગામમાં પ્રસરી ગયો. ગામનું ગોધન ધૂળની ડમરીઓ ઉડાડતું ગામમાં પ્રવેશી રહ્યું હતું, ભગવારંગી સૂર્ય ક્ષિતિજમાં અડધો ઊતરી ગયો હતો, તે જ સમયે બે-ચાર માણસો આવીને ડુંગરબાપાને મહામહેનતે ઘરે લઇ ગયા. તેમના ગયા પછી મારી નજર ક્ષિતિજ પર પડી. સૂરજનારાયણે પણ ધરતી પર સૂકવેલો સાફો સંકેલી ઉદાસ હૈયે સમાધિ લીધી. વૃક્ષની ઘટામાં કલરવતા પંખીડા પણ મૌન થઇ ગયા. સૂરજ ધરતીમાં પૂરો સમાઇ ગયો પછી રજનીરાણીએ તેનો પાલવ પાથરી દીધો... ને તે સાથે જ ઘાતકી નરના હૈયા જેવું કાળું અંંધારું અવનિ પર પથરાઇ ગયું. મારી ભીની થઇ ગયેલી આંખોને લૂછી હું પણ નિશાળની ફરસ પર બેસી ગયો. વાતને એક મહિનો વીતી ગયો. ગ્રામજનો સાથે હવે મારો પરિચય ઠીક પ્રમાણમાં થઇ ગયો હતો. ગંગાના અવસાનને એક મહિનો પૂરો વીતી ગયો છતાં પણ મારી નજર સામેથી કલ્પાંત કરતી ડુંગરબાપાની કાયા હટતી નહોતી. રાત-દિવસની ક્ષણેક્ષણ મારું મન તેમના વિચારોમાં જ વલોવાતું રહ્યું. ડુંગરબાપાની જીવનકિતાબ વાંચવા મારું મન અધીરું બની ગયું, ત્યારે મેં ગામના એક અનુભવી માણસને પૂછી લીધું. મને જાણવા મળ્યું તે મુજબ.... ડુંગરબાપાનું ભરેલું અને સુખી ઘર હતું. પરણ્યા પછી પહેલે જ ખોળે તુલસીના છોડ જેવી દીકરી ગંગા જન્મી હતી. ત્યાર પછીના બીજા ખોળે રાજકુંવર જેવો દીકરો જન્મ્યો, પણ... હાય રે નસીબ! દીકરાને જન્મ આપનાર જનેતા ન બચી. જે ઘરમાં ખુશીનો સાગર હિલોળા લેતો હતો. તે ઘરમાં શોકના ઓળા ઊતરી આવ્યા. ડુંગરબાપા ભરજુવાનીમાં ઘરભંગ થયા. નજીકના સગાંવહાલાંએ બીજા લગ્ન માટે તેમને ખૂબ સમજાવ્યા, પરંતુ તે એકના બે ન થયા. સાવકી માના હાથ નીચે સંતાનોની સલામતી જોખમાશે એવા ડરથી તેમણે બીજા લગ્ન કરવાનું માંડી વાળ્યું. નંદવાઇ ગયેલું સુખ ધીરે ધીરે પાછું આવવા લાગ્યું. બસ.... તે જ ક્ષણે બીજી દુર્ઘટના બની ગઇ. ખેતરમાંથી જુવાન દીકરાને સાપ કરડ્યો ને... દીકરો ભરજુવાનીમાં મૃત્યુ પામ્યો. પોતાના કંધોતરને જ એક બાપે કાંધ આપી ભારે હૈયે વિદાય કર્યો. જીવનના અરમાનો દીકરાની ચિતામાં જ બળીને ખાખ થઇ ગયાં. હવે ગંગા પણ જુવાન થઇ ગઇ હતી. એના માટે સારા ઘર અને વરની શોધ ડુંગરબાપા કરી રહ્યા હતા. વહાલસોયી દીકરીને ડુંગરબાપાએ માના વહાલ સાથે ભાઇનું હેત પણ દીકરીને આપ્યું. દિવસો વહેતા પાણીની જેમ વહેવા લાગ્યા. એક દિવસ ડુંગરબાપાએ સારું ઘર જોઇને ગંગાના હાથ પીળાં કરી સાસરે વળાવી દીધી. દીકરીના ગયા પછી ડુંગરબાપાને કોઇનો સહારો ન મળ્યો. એકલાં પડેલાં ડુંગરબાપા દિલમાં પડેલાં જખમોને સમજણનો મલમ લગાવી બાકીનું જીવન વહાલસોયી દીકરીને માટે જીવવા લાગ્યા. હવે તો દીકરી જ તેમનું સર્વસ્વ હતી. બસ... અચાનક જ સમયે પડખું ફેરવ્યું. રંગેચંગે પરણાવેલી લાડકવાયી દીકરી પણ દુ:ખી બાપને મૂકી દુનિયા છોડી ચાલી ગઇ. કાળની એક થપાટે ડુંગરબાપાનું જીવતર વેરણછેરણ કરી નાખ્યું. તે દિવસની દુખદ સાંજે ડુંગરબાપાની કલ્પાંતભરી વાત... ‘હા... હા... માસ્તરસા’બ, વિદાય લીધી નથ... પણ ઇ મૂઆઓએ વિદાય દઇ દીધી.’ વલોપાત સાથે નીકળેલાં આ શબ્દો હજીય મારા દિલમાં પડઘાતા હતા. એક દિવસની સાંજે શાળા છુટયા બાદ મારા પગ તળાવ તરફ વળ્યા. તળાવની પાળ પર શિવમંદિરના ઓટલા પર મેં ડુંગરબાપાને સૂનમૂન બેઠેલાં જોયાં. તેમના ચહેરા પર હજીય મહિના પહેલાનું દુ:ખ ચાડી ખાતું હતું. દિલ પર પડેલા ઘાને જાણવાના હેતુથી મેં તેમની પડખે બેઠક લીધી. તળાવની સામેની પાળ પાછળ આથમતા સૂરજની સાક્ષીએ ઘણીય સુખદુ:ખની વાતો કરી, પછી ડુંગરબાપાએ સાવ અચાનક જ સહજભાવે મને પૂછ્યું, ‘માસ્તરસા’બ, તમારે બાળબચ્ચાંમાં શું છે?’‘બાપા! એક દીકરી છે... વહાલના દરિયા જેવી છે.’ ‘હોય... હોય હોં! દીકરી જ વહાલનો દરિયો હોય.’ ડુંગરબાપાએ આથમતા સૂરજ સામે નજર કરી, હળવેકથી મને કહ્યું, ‘માસ્તરસા’બ, વહાલના દરિયાને કાયમ ઘૂઘવતો રાખવો હોય તો આ ડોહાની જેમ એક શિખામણ માનશો?’‘જરૂર બાપા! તમારી અનુભવી શિખામણ ખોટી તો નહીં જ હોય.’‘તો હાંભળો, સા’બ! તમારી દીકરીને દીકરી વગરના ઘરમાં પૈણાવતા નંઇ હોં!’‘શા કારણે, બાપા?’ એક અચંબા અને જિજ્ઞાસાથી મેં સવાલ કર્યો. ‘કારણ કે જેના ઘરમાં દીકરી નો હોય ને, ઇને દીકરીના દુ:ખની ખબર્ય ન પડે...’ કહેતાં કહેતાં ડુંગરબાપાની આંખો ભીની થઇ ગઇ. આંખો લૂછીને આગળ બોલ્યા, ‘માસ્તર! દીકરી વહાલનો દરિયો ને બાપનું આરોગ્ય કે’વાય. દીકરીના સુખે બાપ સુખી ને દીકરીના દુ:ખે બાપ દુ:ખી. સા’બ! મારી ગંગાને સામેવાળાની સાહ્યબી જોઇ મેં દીકરી વગરના ઘરમાં દીકરી દીધી. મોઢે માંગ્યો કરિયાવર પણ દીધો, છતાંય કરિયાવરના ભૂખ્યા ઇ પાપીઓએ છાછવારે ગંગાને મારઝૂડ કરી મારી પાંહે મોકલતા. હું દીકરીના સુખ ખાતર તેમની માંગણી પૂરી કરતો ગયો. બાપ લૂંટાતો હતો ઇ દીકરીનેય ગમતું નો’તું... પણ બિચારી શું કરે? પછી તો ગંગા માર ખાઇ-ખાઇને પડી રઇ પણ મારાં આંગણે આવી નંઇ. મને તેની ચિંતા થઇ એટલે હું એક દિ’ ગંગા પાસે ગયો તો ગંગાએ રડતા હૈયે મને કીધું, બાપા! દુનિયાને તમે કહેજો કે દીકરી વગરના ઘરમાં દીકરી દેવાની ભૂલ નો કરે!’ કહેતાં કહેતાં ડુંગરબાપા હીબકે ચડી ગયા. એક બાજુ સૂર્યાસ્ત થઇ રહ્યો હતો, વૃક્ષની ઘટામાં પંખીનો કલરવ થઇ ગયો હતો અને આજુબાજુ ડુંગરબાપાની વેદના અષાઢની જેમ આંખોમાંથી ટપકતી હતી. દીકરીની યાદમાં ડુંગરબાપાના હૈયા પર વાગેલા ઘા હજીય રુઝાયા નહોતા. એ દીકરીને યાદ કરીને હજી પોશપોશ આંસુ સારતાં હતાં. મેં માંડમાંડ આશ્વાસન આપી તેમને શાંત તો કર્યા. .... પણ તે જ ક્ષણે મને પણ મારી નાનકડી દીકરી યાદ આવી ગઇ. મારી લાડકી દીકરી જે અત્યારે તો નાની હતી અને શહેરમાં રહેતી હતી, પરંતુ જાણે તે પણ તેની કાલી ભાષામાં ગંગાની વેદના વ્યક્ત કરતી હોય તેવો ભાસ મને થવા લાગ્યો. હું ડુંગરબાપાના નિસ્તેજ ચહેરા સામે જોઇ રહ્યો. સૂરજ પશ્ચિમ તરફ વિદાય થઇ રહ્યો હતો. લાલચોળ ભની ગયેલા એ આથમતા સૂરજની સાક્ષીએ હું સ્વગત બોલ્યો, ‘બાપા! તમારી શિખામણને માથે ચડાવું છું.’