તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિયાએ વિવાનના બંને જગતમાં ફરી પ્રવેશ મેળવવાનો નિર્ણય લીધો હતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રિયાએ વિવાનના બંને જગતમાં ફરી પ્રવેશ મેળવવાનો નિર્ણય લીધો હતો
 
પ્રકરણ 9

યાનું દિલ છેક સોમવારની સાંજથી ધડક-ધડક થઈ રહ્યું હતું. રવિવારે સાંજે જાનકીની ગેરહાજરીમાં અને મમ્મીના ‘ઓન-લાઇન’ ગાઇડન્સમાં બનાવેલી ક્રીમ વિનાની ચોકલેટ કેક તેણે સંતાડીને ફ્રિજમાં રાખી મૂકી હતી. આખા સોમવારની કોલેજમાં ગુટલી માર્યા બાદ તે સાંજે છૂટવાના ટાઇમે પાર્કિંગમાં ગઈ હતી. વિવાનને જાનકીના સ્કૂટી પાછળ બેસીને પેલા સાઇકોથેરાપિસ્ટના ક્લિનિક પર જતાં જોયો ત્યારે તો તેનું દિલ રીતસરનું બેસી જ ગયું હોત, કારણ કે જાનકીના રફ-ડ્રાઇવિંગમાં બેલેન્સ સાચવવા માટે વિવાને જાનકીની કમર ફરતે હાથ વીંટાળી લીધો હતો.

‘શા માટે હું આ બધું જોવા માગું છું?’ પ્રિયા મનમાં બબડતી રહી. છેવટે જ્યારે જાનકી વિવાનને તેના બંગલાની બહાર ઉતારી ગઈ કે તરત પ્રિયા દોડીને વિવાન પાસે પહોંચી ગઈ. વિવાનની આંખોમાં આશ્ચર્ય પ્રગટે એ પહેલાં તેણે ચોકલેટ કેકવાળો સ્ટીલનો ડબ્બો તેના હાથોમાં પકડાવી દીધો:
‘વિવાન, ધીસ ઇઝ ફોર યુ!’

માત્ર એટલું કહી તે ત્યાંથી નીકળી ગઈ. એ પછી એપાર્ટમેન્ટ ઉપર આવ્યા પછીની એકે એક મિનિટ તે કલ્પના કરતી રહી કે વિવાને ડબ્બો ખોલ્યો હશે કે નહીં? ચોકલેટ કેક ખાધી હશે કે નહીં? ખાધી હોય તો તેને ભાવી હશે કે નહીં? અને ભાવી હોય તો...
ઓહ ગોડ, શી રીતે કપાશે આખી રાત? પ્રિયાને એક બાજુ પોતાની જાત ઉપર ગુસ્સો ચડી રહ્યો હતો કે શા માટે બબ્બે મમ્મીઓ ઉપર તેણે આટલો મોટો ભરોસો મૂકી દીધો? હસવું પણ આવી રહ્યું હતું કે યાર, વ્હાય ઇઝ ધીસ બ્લડી ચોકલેટ કેક સો ઇમ્પોર્ટન્ટ ઇન હર લાઇફ? વ્હાય નોટ એમબીએ ડિગ્રી? વ્હાય નોટ વિવાન હિમ સેલ્ફ?

પણ અચાનક પ્રિયાના મોબાઇલમાં વોટ્સ-એપ મેસેજનું ટીડીંગ-ટીડીંગ થયું. મેસેજ વિવાનનો હતો! પ્રિયાએ એટલી ઝડપથી ફોન ઉઠાવ્યો કે તે હાથમાંથી છટકીને નીચે પડી ગયો! કવર ખૂલી ગયું. બેટરી છૂટી પડી ગઈ!
‘ઓફ્ફો.’ પ્રિયાએ માંડ માંડ બેટરી ખોસીને મોબાઇલને રિ-સ્ટાર્ટ કર્યો ત્યારે ભાઈસાહેબનો શોર્ટ-એન્ડ-સ્વીટ મેસેજ વાંચવા મળ્યો, ‘ઇટ વોઝ વેરી નાઇસ.’ અને પછી હોઠ ચાટતાં બે સ્માઇલીઝ.
બસ? પ્રિયાને થયું, બસ? ‘ઇટ વોઝ વેરી નાઇસ?’ બસ, એટલું જ? બે ઘડી તો એવો ગુસ્સો ચડ્યો કે ફોન છુટ્ટો પછાડીને તોડી નાખે, પણ તેણે કંટ્રોલ રાખ્યો. બે મિનિટ વિચાર્યા પછી માત્ર બે જ શબ્દનો મેસેજ કર્યો:
‘ફ્રેન્ડ્ઝ અગેઇન?’

...અને જવાબ આવ્યો પૂરી પાંચ મિનિટ પછી! ‘યસ, ફ્રેન્ડ્ઝ અગેઇન,’ પણ કોઈ સ્માઇલી નહીં, કોઈ સોરીનો આઇકન નહીં, કશું નહીં. પ્રિયાને થયું, આ તો ભારે શરમાળ ચીજ છે, ભાઈ? ‘યસ’ કહેવામાં ય આટલી વાર લગાડે છે?
પણ પછી પ્રિયાને રિયલાઇઝ થયું કે વિવાન તેના બાળપણમાં જે ભયાનક યાતનાઓમાંથી પસાર થયો હતો તે જ યાતનાની વરવી ઝલક બતાડવામાં પોતે ભૂલભૂલમાં ગુનેગાર બની હતી. જો આવા ગુના પછી પણ વિવાન ‘ફ્રેન્ડ્ઝ અગેઇન’ કહેતો હોય તો તે પ્રિયા માટે મોટી ઇમોશનલ જીત હતી.

અને હા, પેલો સ્ટીલનો ડબ્બો તો વિવાન પાછો આપવા કોલેજમાં લાવશે જ ને!
***

પણ વિવાન બીજા દિવસે કોલેજમાં આવ્યો જ નહીં!
ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે પણ નહીં. પ્રિયાને સમજાતું નહોતું કે હવે વિવાન સાથે વાત શી રીતે કરવી? છેવટે ફરી એ જ સંકટ સમયની સાંકળ પ્રિયાએ ખેંચી જોઈ. વિવાનની મમ્મીને ફોન જોડીને તેણે રોતલ અવાજે કહ્યું:

‘મિસિસ નયના રોય ચૌધરી, ચોકલેટ કેકની કંઈ ખાસ અસર નથી લાગતી.’
સામે છેડેથી હળવું હાસ્ય સંભળાયું, ‘પ્રિયા, માત્ર વાનગીઓથી દિલ જિતાઈ જતાં હોત તો વર્લ્ડના સૌથી ધનવાન નબીરાઓની પત્નીઓ ફાઇવ-સ્ટાર હોટેલના શેફ હોત! અને સંજીવ કપૂરને તો પાંચ-પાંચ પુરુષો સાથે અફેર હોત ને?’

પ્રિયાને હસવું આવી ગયું, ‘યુ આર બેન્ગ ઓન મિસિસ રોય ચૌધરી.’
‘મને આન્ટી કહીશ તો ચાલશે, પ્રિયા અને હવે સાંભળ, વિવાન લવ્ઝ ટેડીબેર્સ.’

‘ટેડીબેર?’ પ્રિયાને નવાઈ લાગી, ‘આ ઉંમરે?’
‘યેસ.’ વિવાનની મમ્મીએ કહ્યું, ‘વિવાન માટે દરેક નવું ટેડીબેર કોઈ નવા જીવતા જાગતા ગલૂડિયા સમાન છે! એની પાસે નહીં નહીં તો એક હજારથી વધારે ટેડીબેર હશે, છતાં નવું ટેડીબેર હાથમાં આવતાંની સાથે જ એની આંખો ચમકી ઊઠે છે! હોઠ ઉપર સ્માઇલ આવી જાય છે અને અને...’

વિવાનની મમ્મી અટકી ગઈ. પ્રિયાએ પૂછ્યું, ‘શું થયું આન્ટી?’
બે ક્ષણોની શાંતિ પછી સામેથી જવાબ આવ્યો, ‘કંઈ નહીં. યુ શુડ સી ઇટ યોર-સેલ્ફ. ઇન ફેક્ટ, યુ ડિઝર્વ ઇટ.’
***

પ્રિયાએ બહુ મોટું રિસ્ક લીધું. એણે ટોટલી ગોલ્ડન કલરનું અને ખાસ્સી મોટી સાઇઝનું ટેડીબેર પસંદ કર્યું. તેણે જરા જુદી રીતે વિચાર્યું કે ભલે એની મમ્મી કહેતી હોય, પણ આજે 23 વર્ષની ઉંમરે જો વિવાનને નવા ટેડીબેરમાં રસ પડવાનો હોય તો તે કંઈ સ્પેશિયલ અને યુનિક હોવું જોઈએ. આ ટેડીબેરને પોતાનો પર્સનલ ટચ આપવા માટે પોતે જે પર્ફ્યૂમ વાપરતી હતી તે તેની ઉપર છાંટી દીધું. હવે તે તૈયાર હતી.
વિવાનની મમ્મીએ ખાસ કહ્યું હતું, 

‘વિવાનના મનોજગતમાં કે તેના રૂમમાં, કોઈ અચાનક ઘસી આવે તો તે ડરી જાય છે.’ પ્રિયાએ એટલી જ સાવધાનીથી વિવાનના બંને જગતમાં ફરી પ્રવેશ મેળવવાનો નિર્ણય લીધો હતો.
શનિવારની સાંજ હતી. વિવાન છેલ્લા પાંચ દિવસથી કોલેજમાં ફરક્યો નહોતો. ગુરુવારે તે જાનકી સાથે સાઇકોથેરાપિસ્ટ પાસે પણ નહોતો ગયો. પ્રિયા વિવાનના બંગલા પાસે જઈ પહોંચી હતી. વિવાને સપાટ ‘યસ ફ્રેન્ડ્ઝ અગેઇન’નો જે મેસેજ મોકલ્યો હતો એમાં રહેલા ‘યસ’ શબ્દ ઉપર પ્રિયાને બહુ ભરોસો હતો.

પ્રિયાએ જઈને ડોરબેલ દબાવી. તેને ખબર હતી કે ઘરમાં માત્ર નોકર-ચાકરો હતા. વિવાનના પપ્પા બિઝનેસના કામે કદાચ સિંગાપોર કે મલેશિયામાં હતા અને મમ્મી લંડનમાં તેના ક્લાયન્ટો પાસે હતી. ડોરબેલ વગાડ્યાને ખાસ્સી ત્રીસ-ચાલીસ સેકન્ડો વીતી ગઈ હતી.

આખરે દરવાજો ખૂલ્યો. પ્રિયાને એમ કે કોઈ નોકર હશે, પણ આ તો વિવાન પોતે જ હતો. પ્રિયાને દરવાજે ઊભેલી જોઈને એ રીતસરનો ડઘાઈ ગયો હતો! એના ગુલાબી હોઠ એકબીજા સાથે ચોંટી ગયા હતા.
‘કેમ? ડબ્બો પાછો આપવાની ઇચ્છા નથી?’ પ્રિયાનો અસલી મિજાજ બહાર આવી ગયો.

‘હેં?’ વિવાનના હોઠ ખૂલીને ખુલ્લા જ રહી ગયા.
પ્રિયાને અચાનક ભાન થયું કે તેણે મોટી ભૂલ કરી નાખી.
વિવાનના મનોજગત અને રૂમ, બંનેમાં બહુ હળવેથી દાખલ થવાનું હતું. અહીં તો પોતે ‘દાદા’ની જેમ એન્ટ્રી મારીને ઊભી હતી. વિવાન તત-ફફ થઈ ગયો.
‘ડબ્બો? હેં? હા, ડબ્બો. યસ, ડબ્બો.’ એ ફાંફે ચડ્યો.

‘શું ડબ્બો ડબ્બો કરે છે? ચલ, ફરગેટ ઇટ. હવે આ જો! તારા માટે શું લાવી છું?’
પ્રિયાએ જેવું પેલું લાર્જ સાઇઝનું ગોલ્ડન ટેડીબેર પીઠ પાછ‌ળથી કાઢીને આગળ ધર્યું કે તરત વિવાનનો ચહેરો 460 વોલ્ટનો સ્પોટ-લાઇટની જેમ ચમકી ઊઠ્યો!
‘વાઉ!’ ઝડપથી પોતાના હાથમાં ટેડીબેર લઈ લેતાંની સાથે તે એક જ સેકન્ડમાં સાવ બાળક બની ગયો. ટેડીબેરના ગળામાં આંગળાં ફેરવી, માથામાં હથેળી થપથપાવી, કાન ખેંચી, હાથ ઊંચાનીચા કરીને તેણે ટેડીબેરને હળવું ચુંબન પણ કરી લીધું. પછી તરત નવાઈથી બોલી ઊઠ્યો:

‘વાઉ! આ તો, ઓ માય ગોડ, આ તો એ જ પર્ફ્યૂમ છે જે તું લગાડે છે!’
‘ગમ્યું?’ પ્રિયાએ પૂછ્યું, ‘ટેડીબેરનું નથી પૂછતી, પર્ફ્યૂમનું પૂછું છું!’
‘ઓ યસ યસ!’ જાણે અચાનક દિમાગમાં બત્તી થઈ હોય તેમ વિવાન હસી પડ્યો, ‘વ્હાય ડોન્ટ યુ કમ ઇન? આવ ને! અંદર આવ ને?’

વિવાનના બંગલામાં પહેલી વાર પ્રવેશ કરતાં પ્રિયાને કંઈ જુદી જુદી દસ લાગણી થઈ રહી હતી, પણ તેમાંની એક લાગણી તો સ્પષ્ટ હતી, ‘વિવાનની મમ્મી કહે એ બધું જ માનવાની જરૂર નથી. વિવાનના જગતમાં ધમાકાભેર એન્ટ્રી કરી જ શકાય.’
એ રાત્રે વિવાને પોતાના બંગલામાં નોકરો દ્વારા બનાવેલું ડિનર જમાડ્યું, પોતાના રૂમમાં લઈ જઈને પ્રિયાને પોતાનું મ્યુઝિક ક્લેક્શન બતાડ્યું. થોડું મનગમતું મ્યુઝિક સંભળાવ્યું, પ્રિયાની જીદ ઉપર બંનેએ એકબીજા સાથે હાથમાં હાથ મિલાવીને યુરોપિયન વોલ્ટ્ઝ ઉપર થોડો ડાન્સ પણ કર્યો.

છેલ્લે પ્રિયાને કમ્પાઉન્ડના ગેટ સુધી મૂકવા આવીને ‘ગુટનાઇટ’ કીધા પછી વિવાન બોલ્યો, ‘પ્રિયા, એક રિક્વેસ્ટ હતી. સોમવારે સાયકોથેરાપિસ્ટના સેશનમાં તું મારી સાથે આવીશ?’
‘કેમ?’
‘કારણ કે જાનકીની હાજરીમાં હું અમુક વાતો ડૉક્ટર આગળ શેર કરી શકતો નથી, તું હોય છે તો મને લાગે છે કે આઈ કેન ડુ ઓલ-મોસ્ટ એનીથિંગ.’
***

પ્રિયાની આ બહુ મોટી જીત હતી. માત્ર વિવાન આગળ જ નહીં, પરંતુ વિવાનની મમ્મી સામે પણ. બાળપણથી વિવાનને ઉછેરતાં આવતાં મિસિસ નયના રોય ચૌધરી એમ જ માનતાં હતાં કે વિવાનની દુનિયામાં કોઈએ ખલેલ પહોંચાડવી ન જોઈએ, પણ અહીં ઊંધું થઈ રહ્યું હતું. પ્રિયા જ્યારે જ્યારે વિવાનને મળી હતી ત્યારથી તેણે વિવાનની આખી દુનિયામાં ઉથલપાથલ જ મચાવી હતી. પહેલી જ મુલાકાતમાં લાફો. બીજી મુલાકાતમાં બીજી થપ્પડ અને ગોવામાં તો?

પ્રિયા યાદોની દુનિયામાંથી એક ઝાટકા સાથે પાછી ફરી. જે વિવાનના અતિ-સુરક્ષિત જગતમાં પોતે મોટાં મોટાં છીંડાં પાડીને અધિકાર જમાવી દીધો હતો એ જ વિવાને પ્રિયાની કહેવાતી સુરક્ષિત સામાજિક ઇમેજના પણ ભુક્કે-ભુક્કા બોલાવી દીધા હતા.
જાનકીએ એક વાર પ્રિયાને ચેતવણી આપી હતી, ‘પ્રિયા, સંભાળજે. શાંત પાણી ઊંડાં હોય છે. તું વિવાન સાથે વધારે પડતી છૂટ લઈ રહી છે.’
***

છૂટ તો લીધી જ હતી ને, પરંતુ એમાં વિવાનની પણ સંમતિ હતી.
વિવાન ફરી ‘પેચ-અપ’ થયા પછી બંને વચ્ચે ‘દુનિયાની ભાષામાં કહી શકાય તેવો પ્રેમ’ પાંગરી રહ્યો હતો. કોલેજમાં સતત સાથે રહેવું, વીક-એન્ડ્ઝમાં લાંબી લાંબી ડ્રાઇવ પર જવું, એકાદ અજાણ્યા સરોવરમાં વચ્ચે મોટી શિલા શોધી તેની ઉપર બેઠાં બેઠાં પાણીમાં પગ પલાળેલા રાખીને ગુપચુપ બેસી રહ્યું, સાવ અજાણ્યા ખેતરમાં કાર પાર્ક કરીને સુરતથી મમ્મીએ મોકલાવેલી ઘારી અને ઠંડો વાસી પોંક ખાવો, 

એરપોર્ટના પેલી તરફના છેડે જ્યાંથી વિમાનો ઘરઘરાટી સાથે ઊડ્યાં કરતાં હોય તેવા અંધારા આકાશ નીચે કલાકો સુધી બેસીને ‘ઘોંઘાટ’ માણવો. વિવાનનો ડર દૂર થઈ ચૂક્યો હતો. સાઇકોથેરાપિસ્ટ સાથેનાં સેશન્સ પણ લગભગ પતવા આવ્યાં હતાં. ગોવામાં ‘ફુલ-મોન્ટી’ ચેલેન્જમાં તેને ઉઘાડો કરી નાખવાનો ‘વાંક’ વિવાને ‘માફ કરું છું’ એવા શબ્દોમાં તો જતો નહોતો કર્યો, પરંતુ ઘણી બધી વાતે વિવાન પહેલાં કરતાં વધારે ખૂલીને વાતો કરતો થઈ ગયો હતો.

ક્લાસમાં પણ વિવાન ઊભો થઈને પૂરા કોન્ફિડન્સ સાથે સવાલોના જવાબો આપતો થઈ ગયો. પ્રિયા વિવાનના આ બદલાવથી ખુશ હતી. બસ, એ વાત તેના મનમાં રમ્યા કરતી હતી. પેલા સાયકોથેરાપિસ્ટ ડૉક્ટર મનન આયંગરે પ્રિયાને એક વાર અમસ્તાં જ કહ્યું હતું, ‘પ્રિયા, વિવાનનો સંપૂર્ણ ડર ત્યારે દૂર થશે જ્યારે તે તેની મેરિડ લાઇફની પ્લેઝન્ટ શરૂઆત કરી શકશે.’
બસ, પ્રિયાએ એટલા માટે જ વિવાનને એક પ્લેઝન્ટ સરપ્રાઇઝ આપવા માટે એક ‘સ્પેશિયલ રાત’નું પ્લાનિંગ કર્યું હતું.

કમનસીબી એ હતી કે એ રાતનું એ પ્લેઝન્ટ દૃશ્ય આજે હજારો આંખોમાં સળવળતા વાસનાના કીડાઓનું સમૂહ-ભોજન બની ગયું હતું.
પ્રિયાને હજી સમજાતું નહોતું કે એવું બન્યું જ શી રીતે? (ક્રમશ:) 
અન્ય સમાચારો પણ છે...