તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોહીનો સંબંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ‌યુક્ત કુટુંબમાં મમ્મી-પપ્પા અને અનેક વડીલોની છત્રછાયામાં ખૂબ જતનથી અને અદકા હેતથી ઉછરતા આઠ વર્ષના શિવમને આજકાલ ખૂબ અકળામણ થતી. ઘરમાં પહેલાં ક્યારેય એવું ન બનતું કે એ સવાલ પૂછે ત્યારે જવાબ ન મળે કે પછી એને સવાલ પૂછવાની જ ના પાડી દેવામાં આવે, પણ ગયા રવિવારથી આજ સુધીમાં એના એકને એક સવાલને કોઈ પૂરો સાંભળવા તૈયાર નહોતું કે, ‘શિવાનીદીદી ક્યાં ગઈ અને એ ક્યારે આવશે..?’
 
ગયા રવિવારે ઘરના બધા વડીલોની હાજરીમાં માત્ર એક નાનકડી બેગ લઈને ઘરની બહાર નીકળી ગઈ હતી એની વહાલી ફોઈ શિવાનીદીદી. અલબત્ત, ખૂણામાં ઊભેલા શિવમને વહાલ કરીને ‘બાય’ કહેતી વખતે એની આંખ કેમ ભીની હતી એ શિવમને ના સમજાયું અને પછી દાદાજીને તે દિવસે એવું બોલતાં સાંભળેલા કે, ‘આ ઘરમાં કોઈ હવે શિવાનીનું નામ નહીં લે. એની સાથેના તમામ સંબંધોનો આજથી અંત આવ્યો છે, આ મારો હુકમ છે.’

અને દાદાજીનાે હુકમ બધાને મંજૂર રહેતો, હંમેશાં! પણ નાનકડા શિવમને, એના ઉછળતા ચંચળ મનને કે સવાલથી ઊભરાતા મગજને ક્યાં કોઈ કાયદા કે હુકમ બાંધી શકતા? વડીલોનું આધિપત્ય અને રૂઢિગત નિયમોનું જડ પાલન! નવાઈની વાત છે કે આ બાબત સંયુક્ત કુટુંબપ્રથાને જાળવી પણ રાખે છે અને ક્યારેક એ જ કારણસર સંબંધો વેરવિખેર પણ થાય છે. વ્યક્તિગત નિર્ણયો માટે પોતાનાં સ્વજનો પાસે અભિપ્રાયની કે અનુભવના નિચોડ જેવી સલાહની આશા રાખવામાં આવે ત્યારે જ સામેથી માત્ર શિખામણ, તર્કહીન સમજાવટ અને પરંપરાનો હવાલો આપી દેવામાં આવે.

પછી એક ન દેખાતી તિરાડ પડે છે બે પેઢીના સંબંધમાં. ના ઇચ્છવા છતાં એ તિરાડ સંબંધના વિચ્છેદનું કારણ બની જાય છે. આડે આવી જાય છે પોતે જ સાચા હોવાનો અહમ્. જે ક્યારેય સાચા નિર્ણય તરફ નથી લઈ જતો, બલ્કેે તટસ્થતાની જરૂર હોય એવા ગૂંચવણભર્યા નિર્ણયને પોતપોતાના વટ ખાતર સાચો ઠેરવવાની જીદ પર લાવી મૂકે છે. ઘરમાં સૌની લાડકી દીકરી શિવાની પોતાની વાત પર અડગ હતી. ભવિષ્ય કોની સાથે વિતાવવું એ એને પોતાનો વ્યક્તિગત મામલો લાગતો હતો, જ્યારે ઘરના વડીલો માટે આ બાબત પોતાના કુટુંબની પરંપરાને, સામાજિક હોદ્દાને અને માન મરતબાને ઠેસ પહોંચાડનારી હતી.

શિવાની પોતાની વાતને સમજાવવામાં નિષ્ફળ રહી અને પછી વાદવિવાદના અંતે ઘર છોડવાનો નિર્ણય, પણ આ બધી ‘સમજ-નાસમજ’ના ચક્રવ્યૂહની બહાર હતો નાનકડો શિવમ. એની પાસે શિવાનીને ભૂલી શકે એવું ‘અહમ્’ નામનું હથિયાર નહોતુંને! શિવમની પાસે હતી શિવાનીદીદી સાથે વિતાવેલા સમયની ભરપૂર યાદો. હીંચકા પર ખોળામાં બેસાડીને ઝુલાવતી દીદી, પોતે સ્કૂલમાં શીખેલી કવિતા અધૂરી ગાય ત્યારે સાથે મળીને કવિતા પૂરી કરતી દીદી, ટીવી પર હની સિંહના રેપો પર પોતાની સાથે ડાન્સ કરતી દીદી, વાતો કરતાં કરતાં ભરપેટ ખીચડી ખવડાવી દેતી દીદી, ઊંઘથી આંખો ઘેરાય ત્યાં સુધી વાર્તાઓ કહેતી દીદી, એની ધમાલ મસ્તીથી કોઈ અકળાય ત્યારે આંખ મીંચકારીને પછી હાઇફાઇ આપતી દીદી,
 
કોલેજથી આવીને સીધી શિવમના નામની બૂમ પાડતી દીદી, ડેરીમિલ્કના બે ભાગ કરીને મોટો હિસ્સો પોતાને આપતી દીદી, પોતે ફટાફટ દૂધનો ગ્લાસ પી જાય ત્યારે તાળી પાડીને ખુશ થતી દીદી! આટલી બધી યાદોને આ નાનું બાળક કેવી રીતે ભૂલી જાય ડ્રોઇંગ બુક હોય કે હોમવર્ક, કાર્ટૂન ચેનલ માટેનું સર્ફિંગ હોય કે ભાઈબંધો સાથેની લડાઈ. શિવમને બધે દીદીની જરૂર પડે જ. મમ્મી કરતાં વધુ એને શિવાનીની માયા. મમ્મીએ એબીસીડી લખતાં શીખવાડી, પણ એ ફોર એરોપ્લેન અને બી ફોર બટરફ્લાયને ઓળખતા શિવમ દીદી પાસે જ શીખ્યો, એક એક આલ્ફાબેટની એક એક વાર્તા સાંભળીને. મમ્મીએ 1થી 100 શીખવ્યું, પણ એને ગણીને કંઠસ્થ તો દીદીએ જ કરાવ્યું,

 રાત્રે અગાસી પર આકાશના તારા ગણવાની હરીફાઈ કરીને. જંગલી અને પાલતુ પ્રાણીઓનાં નામ એને પુસ્તકમાંથી યાદ ન કરવાં પડતાં, બલ્કે દીદી એને પ્રાણીસંગ્રહાલયની રૂબરૂ મુલાકાત કરાવી દેતી. આંગણામાં વાવેલાં ફળ-ફૂલનાં છોડની ઓળખ કરાવી ત્યારે તાજા ખીલેલા ફૂલના કાનમાં ‘વિશ’ માગવાનું શીખવાડેલું દીદીએ!
‌શિવમને સવાલ પૂછવાની આદત હતી. એ પૂછતો ક્યારેક કે,
‌‘શિવાનીદીદી, તમને સૌથી વધારે શું ગમે?’
‘મને તો મારો શિવમ ગમે.’
‌‘કેમ?’
‌‘તું છેને મને મારા જેવો લાગે. તારી અને મારી પસંદ-નાપસંદ સરખી, નામ પણ એકસરખું અને વળી તું મારું નાનું ટેડીબેર. એટલે મને તું બહુ ગમે. તારો અને મારો તો લોહીનો સંબંધ કહેવાય, ભઇલુ શિવમ.’
‘લોહીનો સંબંધ!’ શબ્દ યાદ આવતાં જ શિવમના મનમાં ટીસ ઊઠી. દાદાજીનો હુકમ યાદ આવ્યો કે, ‘શિવાની સાથેના બધા સંબંધો પૂરા થયા.’ શિવમના નાનકડા દિલદિમાગમાં હવે એક જ સવાલે અડ્ડો જમાવી દીધો કે, ‘મારા અને દીદીના લોહીના સંબંધનું શું સમજવાનું? અગર દાદાજીના હુકમથી એ પૂરો થયો હશે તો, શિવાનીદીદી ક્યારેય મને મળવા પણ નહીં આવે?’
‌શિવમની બધી ખુશી, ચંચળતા અને તોફાન મસ્તીનું સ્થાન હવે આ એક જ સવાલે લઈ લીધું. ગુમસૂમ બનીને ઘરમાં ફરતા શિવમનું હૈયું છૂપું રુદન કરી રહ્યું જાણે, પણ ઘરમાં કોઈને કાંઈ પૂછવાની હિંમત નહોતી
એનામાં. બાળકને સમજવા, એના મન સુધી પહોંચવા એના જેવા નિર્દોષ બનવું પડે, પરંતુ એની ઉદાસ શાંતિને સમજવાની ફુરસદભરી સમજ નહોતી આ ઘરમાં કોઈની પાસે.
‌શિવમની અકળામણ અને ઉદાસી વધતી જતી હતી. મમ્મીનો એ લાડકો હતો. મમ્મી પાસે વાત્સલ્ય, હૂંફ અને નિરાંત હતી, પણ એના બાળસહજ આનંદ, ગેલ, ગમ્મત અને હસાહસી ક્યાંક ખોવાઈ ચૂક્યાં હતાં અને આ ખોવાયેલ ખુશીઓનું સરનામું પેલા વણઉકલ્યા સવાલ પાસે જ હતું, એવું લાગતું હતું એને હવે.
સવારે વહેલો ઊઠીને દૃઢ નિર્ણય અને મક્કમ મન સાથે એ રસોડા તરફ ગયો. સંયુક્ત પરિવારના રસોડામાં ખૂબ વ્યસ્ત રહેતી મમ્મી પાસે એ ધીમા પગલે પહોંચીને પાછળથી જ એનો સાડલાનો છેડો ખેંચ્યો. મમ્મીએ ઉભડક પગે બેસીને માથા પર હાથ પસવાર્યો કે શિવમના ગળે ડૂમો બાઝી ગયો.
‘દૂધ પીવું છેને મારા દીકરાને?’ એણે હકારમાં માથું હલાવીને હાથ લાંબા કર્યા. મમ્મીએ વહાલથી ઊંચકીને પ્લેટફૉર્મ પર બેસાડ્યો અને દૂધ ગરમ કરવા મૂક્યું. શિવમે હિંમત કરીને મમ્મીને કહ્યું, ‌‘એક વાત પૂછું મમ્મા?’
‌‘બોલને બેટા.’
‌‘મમ્મા, તેં મને કહ્યું હતુંને?’
‌‘શું બેટા?’
‘હું મોટો થઈ જઈશ પછી હું મોટા શહેરમાં ભણવા જઈશને, એકલો એકલો?’
‌‘હમ્મ, જવું જ પડશેને, એમાં તો નહીં જ ચાલેને?’
‌‘પણ મમ્મા, હું તારાથી દૂર જઈશ તો આપણા સંબંધ તો પૂરા થઈ જશેને?’
‌‘ના, મારા દીકરા, ક્યારેય નહીં, એમ દૂર જવાથી કંઇ સંબંધ થોડા પૂરા થઈ જાય? તારો ને મારો તો લોહીનો સંબંધ. એ ક્યારેય ના તૂટે, ના છૂટે.’

‘ઝબૂક’ કરતું શિવમના દિમાગમાં અજવાળું ઝળહળી રહ્યું. પ્લેટફૉર્મ પરથી કૂદકો મારી એ દોડ્યો આંગણા તરફ. ક્યારામાં તાજાં ખીલેલાં ફૂલોને ખુશખબર આપવા અને વિશ માગવા કે એનો અને શિવાનીદીદીનો સંબંધ પણ કદી ખતમ ન થાય એવો લોહીનો સંબંધ છે, તો જલદી દીદી એને મળવા આવશે. એનું ખુશખુશાલ હૈયું નાચી ઊઠ્યું.
‌લોહીનો સંબંધ. શરીરમાં ધબકતી જિંદગી સાથે શરૂ થતો અને જિંદગી પૂરી થયા પછી પણ નામની સાથે જીવતો સંબંધ. ખુદના અસ્તિત્વના સ્વીકાર જેવો સહજ સંબંધ! નાના-મોટા મતભેદ, મનભેદ કે અણબનાવથી એ કાંઈ તૂટી ફૂટી ન જાય એવો મજબૂત સંબંધ! ગમે એવી આજ્ઞા હોય છતાં જે ક્યારેય ન છૂટે એવો સંબંધ!
સંયુક્ત પરિવારના એક નાદાન, નાનકડા અને સાવ અણસમજુ ગણાતા એ વહાલસોયા બાળકે જીવન સાથે વણાઈ ચૂકેલા લોહીના સંબંધોના એ પરમ સત્યને પામી લીધું હતું, જ્યાં સુધી પહોંચવાનું એના ઘરના વડીલોને હજુ બાકી હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો