તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હમને ભી કભી જાના થા એક એસે શખ્સ કો, જો આઇને સે ભી નાજુક થા મગર થા પત્થર કા!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક સાંજ મેડિકલ એસોસિયેશનની મિટિંગ મેડિસિનની ચર્ચા કરવાને બદલે કાંતિ કલાલ નામના મવાલી વિષે જ ચર્ચા કરતી રહી
વરસાદ આવતાં પહેલાં વાદળોનો ગડગડાટ સંભળાય તેમ કાંતિ કલાલને રૂબરૂ મળતા પહેલાં એના વિષેની માહિતી મને મળવા લાગી હતી.
જીપમાંથી ઊતરીને ડ્રાઇવરને પ્રથમ પ્રશ્ન મેં આ પૂછ્યો હતો, ‘આ ગામ કેવું છે?’
ડ્રાઇવર મનુ જુવાન હતો. એને મારો સવાલ સમજાયો નહીં હોય, એટલે એ પૂછવા લાગ્યો, ‘ગામ કેવું છે એટલે? આ તમે હમણાં જેવું જોયું એવું છે.’ એનો ઇશારો એસ.ટી. સ્ટેશનેથી એ મને જીપમાં બેસાડીને હોસ્પિટલના પ્રિમાઇસીસમાં લઈ આવ્યો હતો તે દરમ્યાન રસ્તામાં મને જોવા મળેલાં મકાનો, દુકાનો અને માર્ગના ખાડા-ટેકરાઓ તરફ હતો.

‘હું એ નથી પૂછતો, મારો પૂછવાનો મતલબ એવો છે કે અહીંના લોકો કેવા છે? મુખ્ય વસ્તી કોની છે?’ માણસો શાંતિપ્રિય છે? કે પછી ભારાડી અને ખટપટિયા?’
‘ત્યારે એવું કહોને સાહેબ!’ કહીને મનુએ જીપનું બારણું બંધ કર્યું, પછી હોસ્પિટલની કોરીડોરમાં ઊભેલા એક વોર્ડબોયને ઉદ્દેશીને બૂમ પાડી, ‘ચંપક, સાહેબનો સામાન લઈ જા. નવા દાગતર આવ્યા છે.’
ચંપકના બહાને આખી હોસ્પિટલમાં આ ‘બ્રેકિંગ ન્યૂઝ’ ફરી વળ્યા. કેસ પેપર કાઢવાની બારીથી લઈને પહેલા માળ પરના વોર્ડ્ઝની નર્સો પણ મને જોવા માટે લોબીમાં દોડી આવી. પહેલી વાર સાસરે આવેલી નવોઢા કેવી શરમાતી હશે એ વાત મને તત્ક્ષણ સમજાઈ ગઈ.

આગળ ચંપક, વચ્ચે હું અને પાછળ મનુ. છેક ત્રીજા ફ્લોર પર આવેલું ક્વાર્ટર મારા માટે સાફસૂફી કરાવીને તૈયાર રાખવામાં આવ્યું હતું. ચંપક તો મારા બેગ-બિસ્તરા મૂકીને જતો રહ્યો, પણ મનુ ઊભો રહ્યો. એણે હજી મારા સવાલનો જવાબ આપવાનો બાકી હતોને!
‘તમે પૂછતા હતાને કે ગામના માણસો કેવા છે? તો સાહેબ, સમજી લો કે તમે જગતના સૌથી સારા ગામમાં આવ્યા છો. બસ, એક જણથી જરાક...’
મનુ બોલતાં બાલતાં એવી જગ્યાએ, એવી રીતે અટક્યો કે પેલું ‘જગતના શ્રેષ્ઠ ગામવાળું’ ભુલાઈ ગયું અને ‘એક જણે’ મારા મનનો કબજો લઈ લીધો.

‘કોણ છે એ?’
‘કાંતિ કલાલ. દારૂ વેચવાનો ધંધો કરે છે. ભારે મોટો ગુંડો છે. પોલીસને પણ એણે સાધી લીધી છે.’
મેં મનુની વાતમાંથી મન પાછું ખેંચી લીધું. મનોમન બબડ્યો પણ ખરો, ‘મારે ને એને શું? ભલેને એ દારૂ વેચતો. મારે ક્યાં પીવો છે કે એની સાથે પનારો પડે? આપ ભલા તો જગ ભલા!’
આ કહેવતનો પુરાવો મને તરત મળી ગયો. સામેના ક્વાર્ટરમાંથી એક પાંત્રીસેકની સ્ત્રી આવીને પીવાના પાણીની માટલી મૂકી ગઈ. હસીને કહેતી ગઈ, ‘આવી ગયા, સાહેબ? હું ડો. દેસાઈની વાઇફ છું. અહીંના આર.એમ.ઓ.’
‘થેન્ક્યૂ બહેન.’

‘એમણે સવારથી જ કહી રાખ્યું હતું કે આજે નવા ગાયનેકોલોજિસ્ટ આવવાના છે. મેં તમારા માટે દૂધ પણ લઈ રાખ્યું છે. આજે રાતનું વાળુ સાથે કરીશું. દેસાઈ આઠ વાગતામાં તો આવી જશે.’
મેં મિસિસ દેસાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો. એ ગયાં. થોડી જ વારમાં એમની દસેક વર્ષની દીકરી આવીને મસાલાવાળી ચાનો કપ આપી ગઈ. હું બબડ્યો, આપ ભલા તો સારા જગ ભલા!
બે દિવસની અંદર જ હું બધાં સાથી ડોક્ટરો સાથે હળીભળી ગયો. હું એકલો જ (પત્ની વગરનો) હતો. બીજા બધાં ઘરખાટલાવાળા હતા. એ સહુ મારું ખૂબ ધ્યાન રાખતા હતા. મેં બે ટંકનું ટિફિન બંધાવી લીધું હતું, પણ ભાગ્યે જ મારે એ ખોલવાનો વારો આવતો હતો. જમવાના સમયે ગમે તે ઘરમાંથી ગેબી મદદ આવી જતી હતી.

એકવાર રાતનું વાળુ સાથે કરતા હતા ત્યારે મેં આર.એમ.ઓ.ને પૂછી લીધું, ‘ડો. દેસાઈ, અહીંના દર્દીઓ બધા સ્વભાવમાં કેવા છે?’
‘સારા છે.’ ડો. દેસાઈ કોળિયો ચાવતાં ચાવતાં અટકી ગયા, પછી જાણે ચાવવામાં કાંકરી આવી ગઈ હોય તેવું મોં કરીને બોલી ગયા, ‘તમારે તો શું છે? બધી બહેનો જ ને તમારી દર્દીઓ? જે તકલીફ છે એ...’
‘કેમ? પુરુષો માથાભારે છે અહીંના?’

‘ના, બધા નહીં, પણ એક જણ’ અને પછી એમણે કાંતિનો ઉલ્લેખ કર્યો, ‘છ મહિના પહેલાં એ બદમાશે અહીંના સી.એમ.ઓ.ને એક લાફો મારી દીધો હતો. પોલીસને ફોન કર્યો, પણ કશું જ ન વળ્યું. ડો. પરીખ નોકરી છોડીને ચાલ્યા ગયા.’
મારા આગમનને સાત દિવસ થયા ત્યારે સ્થાનિક ‘મેડિકલ એસોસિયેશન’ના ડોક્ટર મિત્રોએ મને ‘ઇન્વાઇટ’ કર્યો, ‘આજે મિટિંગ રાખી છે. તમારે પણ આવવાનું છે.’

રાત્રે ડિનર સાથેની મિટિંગ મળી. મારો બધાની સાથે પરિચય કરાવવામાં આવ્યો. પ્રમુખે ટકોર કરી, ‘તમે તો સાવ યુવાન દેખાવ છો.’
‘હું યુવાન જ છું, એક મહિના પહેલાં જ મેં પચીસ પૂરાં કર્યાં.’ મારો જવાબ સાંભળીને બધા હસી પડ્યા.
પ્રમુખે વણમાગી શિખામણ આપી, ‘યંગ મેન! અમે તો જિંદગી પૂરી કરવાની તૈયારીમાં છીએ. આ જ ગામમાં પંચાવન વર્ષ કાઢી નાખ્યાં, પણ તમે પાંચ વર્ષ કાઢો તો ખરા.’

‘કેમ આવું કહો છો?’
‘અમારો સમય સારો હતો. ત્યારે કાંતિ કલાલ જેવા લબાડો આ ગામમાં ન હતા.’
‘તમને પણ કાંતિ કલાલનો ખરાબ અનુભવ થઈ
ગયો છે?’

‘કોને નથી થયો? મારી પાસે એ એના બાપનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવી ગયો. બિલ આજ દિન સુધી ચૂક્વ્યું નથી. ઉઘરાણી કરવા માટે માણસને મોકલ્યો તો ગાળો ભાંડીને કાઢી મૂક્યો. આ તમારી બાજુમાં ડો. અઢિયા બેઠા છે તેઓ ડેન્ટિસ્ટ છે. એક વાર કાંતિ કલાલ પોતાની સડી ગયેલી દાઢ કઢાવવા એમની પાસે ગયો હતો. ડો. અઢિયાએ લોકલ એનેસ્થેસિયા આપ્યું હોવા છતાં કાંતિને સહેજ દુખાવો થયો એમાં તો...’
‘એમાં તો?’

‘કાંતિએ અઢિયા સાહેબના જડબા પર એક મુક્કો મારીને એમની દાઢ સુજવાડી દીધી!’
ફિઝિશિયન મિત્રે ટાપસી પુરાવી, ‘ગામ આખું સારું છે, પણ આ એક મવાલીથી ચેતવા જેવું છે. ડોક્ટરોને તો એને જોતાંની સાથે જ પરસેવો વળવા માંડે છે. જો એનો કેસ ન લઈએ તો પણ ઉપાધિ અને જો લઈએ તો પણ ઉપાધિ!’
એક સાંજ મેડિકલ એસોસિયેશનની મિટિંગ મેડિસિનની ચર્ચા કરવાને બદલે કાંતિ કલાલ નામના મવાલી વિષે જ ચર્ચા કરતી રહી.

ધીમે ધીમે હું થાળે પડતો ગયો. ગામ ભલે કહેવા માટે ગામ હતું, પણ હકીકતમાં એ ‘ટાઉન’ હતું. વીસેક હજારની વસ્તી. મિશ્ર પ્રજા. ત્રીસેક ટકા મુસ્લિમો. બાકીના હિન્દુઓ અને જૈનો. બધી કોમના લોકો વિનમ્ર. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારો સારો એવો. બે મહિના પછી સમાચાર આવ્યા. કાંતિ કલાલની જુવાનજોધ રૂપાળી દીકરી એના પ્રેમીની સાથે નાસી ગઈ. સાત દિવસ પછી બીજા સમાચાર આવ્યા, કાંતિનો જમાઈ મરેલી હાલતમાં મળી આવ્યો. એક ખેતરમાંથી એની દુર્ગંધ મારતી લાશ મળી હતી. કાંતિની દીકરી પાછી પિતાના ઘરે આવી ગઈ હતી. પોલીસે ભીનું સંકેલી લીધું હતું એવું લોકો કહેતા હતા. આ બનાવ પછી આખા ગામમાં કાંતિના નામની પ્રચંડ ધાક પ્રસરી ગઈ હતી. એ સામેથી ચાલ્યો આવતો દેખાય તો પણ લોકો માર્ગ બદલી નાખતા હતા. આમ ને આમ છએક મહિના પસાર થઈ ગયા.

પણ એક દિવસ એવી ઘટના ઘટી કે હું માર્ગ બદલી શકવાની સ્થિતિમાંયે ન રહ્યો. શરૂઆત કેસ પેપર કાઢતાં નીતીશથી થઈ. એણે પટાવાળા દ્વારા ચિઠ્ઠી મોકલાવી, ‘સાહેબ, સાવધાન! હમણાં જ કાંતિ કલાલ કેસ પેપર કઢાવીને ગયો છે, કદાચ તમારી તરફ જ...’ વરસાદ આવતા પહેલાંનો ગડગડાટ!
ત્યાં ઇન્ટરકોમ પર લેબ. ટેક્નિશિયનનો અવાજ ભારે ગભરાટમાં હતો. ‘યુરિનનો રિપોર્ટ લઈને કાંતિ તમારી પાસે જ...’ વાદળોના ગડગડાટ પછી જાણે વીજળીનો ચમકાર પણ.

મારા કન્સલ્ટિંગ રૂમનાં બારણાં પાસે ઊભાં રહેતાં આયાબહેન (એ ઘરડાં હતાં) દબાયેલા અવાજમાં મારી પાસે આવીને બબડી ગયાં, ‘ધ્યાન રાખજો સાહેબ! પેલો બદમાશ આવે છે. એનું કામ કરો કે ન કરો, પણ બોલવામાં ધ્યાન રાખજો. એ તો મારી પાડે એવો છે.’ મને લાગ્યું કે વાદળો ભારે ઘેરાયાં છે!
અને કાંતિ કલાલે પ્રવેશ કર્યો. કાળું પેન્ટ, મેલું વાદળી ખુલ્લું શર્ટ, ખરબચડી દાઢી, કાંટા જેવા વાળ, જૂના ઘાવાળું કપાળ, લાલ આંખો, કરડું વ્યક્તિત્વ, સાથે રૂપાળી નાઝનીન હતી. હું સમજી ગયો, એની દીકરી જ હોવી જોઈએ. અત્યંત રૂપાળી હતી. મેં વિચાર્યું, ‘અવશ્ય એની મા ઉપર પડી હશે.’

‘ડોક્ટર!’ કાંસાની થાળી સાથે ખરબચડો પથ્થર ઘસાયો હોય તેવો અવાજ સંભળાયો. કાંતિ કલાલ મને ઉદ્દેશીને બોલતો હતો.
‘હા, બોલોને ભાઈ, શું કામ પડ્યું? તમારું નામ કાંતિભાઈને? હુકમ કરો.’ મેં વધારે પડતા વિનમ્ર બનવાની કોશિશ કરી. હું સાવ બિનઅનુભવી હતો. અંદરથી ભયભીત હતો. હમણાં કાંતિ શું કહેશે એની કલ્પનામાં હતો.
અચાનક ન કલ્પેલું બની ગયું. કાંતિ પોક મૂકીને રડી પડ્યો. બેસવાને બદલે કપાયેલા વૃક્ષની જેમ તૂટી પડ્યો. મારા પગ પકડીને આજીજી કરવા લાગ્યો, ‘સાહેબ, આ મારી પલ્લુને મહિના રહી ગયા છે.
મેં એને ખૂબ સમજાવી, પણ એ કોઈનું નામ આપતી નથી. સાહેબ, મારી ઇજ્જતનો સવાલ છે. એના પેટનો નિકાલ કરી આપો. પૂરા બસો કિમીના એરિયામાં તમારા સિવાય બીજો કોઈ ગાયનેક ડોક્ટર નથી. સાહેબ, મારી પલ્લુને કંઈ થવું ન જોઈએ. મારી દીકરી મારો પ્રાણ છે.’ એ બોલતો રહ્યો, બોલતો રહ્યો, બોલતો રહ્યો, હું વિચારતો રહ્યો ‘આ ક્યાં બદમાશ છે? આ તો ફસાયેલી દીકરીનો મજબૂર બાપ છે.’ ત્યાં ન કોઈ ગડગડાટ હતો, ન વીજળીનો ચમકાર હતો, બસ એકલો વરસાદ જ હતો.
drsharadthaker@yahoo.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો